જસ્ટ મૂવ ઓન…!

એક છોકરી મનમાં કેટલાક સવાલો સાથે બારીની ઓથે બેઠી છે. પગ વાળી અને ચહેરાને ઘૂંટણ પર ટેકવીને એ કંઇક વિચારે છે. થોડી ચિંતિત છે, થોડી ભવિષ્યની ભીતિ છે, કેટલાક સવાલોની ખયાલી છે અને કેટલાક જવાબોની અપેક્ષિત છે. હાથમાં રહેલા મોબાઈલમાં વોટ્સએપની એપ્લીકેશન ખુલ્લી છે. તેના કોઈ નજીકના દોસ્ત સાથે વાત કરે છે. ‘હેય..!’

‘હા બોલ..!’ દોસ્ત એ પૂછ્યું.

‘એક સવાલ પૂછું?’ એ છોકરીએ પૂછ્યું.

‘મને હજુ ભણવું છે. જો પાંચ વર્ષ મહેનત કરું તો બાકીના પચાસ વર્ષ આરામથી નીકળી જાય.’ એ છોકરી એ પોતાની અંદરની વાતોને બહાર વહેતી મૂકી.

‘હું આખા ઘરની જવાબદારી કઈ રીતે લઈશ? મારે મેરેજ નથી કરવા હમણાં. જો ભણી લઉં તો લાઈફ સેટ થઇ જાય. પછી નો ટેન્શન..! સાસુ-સસરા… એવા બધા સંબંધ હજુ નથી જોડવા. મારે જલસા કરવા છે. મોજ કરવી છે. હજુ પોતાના માટે જીવવું છે. પછી તો બીજાના માટે જ કરવાનું છે બધું..!’

‘હજુ હું એ દરેક માટે તૈયાર નથી, એવું મને લાગે છે. આઈ વોન્ટ ટુ એન્જોય માય લાઈફ.’

એકદમ સાચી વાત. પોતાની ફીલિંગને ડંકાની ચોટ પર કહી. કેટલાક ઈમોશન્સ સાથે દરેક વાતો ખરેખર હકીકત છે. પરંતુ, ભવિષ્યથી આટલું ડરીને કેમ જીવવાનું? પ્રશ્નો સાથે કેમ શ્વાસ લેવા? પોતાનો અંતરાત્મા ક્યારેય જવાબ નથી આપતો? કે આપણને માત્ર નેગેટિવ વાતોની અસર રહેવાથી તેનો નશો ચડી જાય છે? ભવિષ્યની હકીકતનો સામનો ન કરતા દૂર ભાગવું, એ જ આ વાતનો નિષ્કર્ષ છે.

આ ઘટના આજના દરેક જુવાનિયાઓની જિંદગીની જિંદગાની સમાન દરેક સાથે બની હશે. પણ, આ કન્વર્ઝેશન કેટલીયે વાત પર મોટા ભારે-ભરખમ પ્રશ્નાર્થચિહ્નો મૂકી જાય છે.

શું આજનું શિક્ષણ એક ‘શિખામણ’ ને બદલે ‘શિક્ષા’ બની ચુક્યું છે? રાક્ષસી ડ્રેગનની જેમ આવનારા ૫૦ વર્ષની જિંદગીનો ડર આજથી બતાવી રહ્યું છે?

ભવિષ્યમાં કોઈ જ દુઃખ સહન (નથી કરવા/નહિ આવે)ના વિચારને એક ગ્રંથિ બનાવીને જીવવું એ શક્ય છે?

જો આટલા વર્ષ મહેનત કરીશું તો આવનારી આખી લાઈફ ‘સોનેરી’ બની જશે અને આટલા વર્ષ જીવીશું(એન્જોય) તો બાકીની લાઈફ ઘસાઈને-કુટાઈને-અથડાઈને કાઢવી પડશે? અલ્ટીમેટ મોરલ તો એ જ થયો ને…!

ખેર, વાત કરવી છે તેની પાછળના કારણની.

પહેલું કારણ છે આપણી આસપાસનો ઘેટાછાપ સમાજ.

આપણો એક જ ઘરેડમાં ચાલતો અને ‘સોશિયલ એપ્રુવલ’ના લેબલ સાથે પાસ થયેલો સમાજ બાળકથી યુવાન બનવા તરફની ઉંમરમાં એવા કૃત્રિમ બિયારણોનું વાવેતર તેના મનમાં કરે છે કે જે, યુવાનીને બાળીને ખાખ કરવા પુરતું છે. કુદરતી અને જે ખરેખર ઉપયોગી છે તેવી જાણ હોવા છતાં એ બિયારણને મન નામની ‘રિસાયકલ બિન’માં સાચવીને રાખે છે. સામાજિક, વ્યવહારિક અને આર્થિક ફોર્માલીટી-ભર્યા સંબંધોનું દબાણ એવું તે લાદવામાં આવે છે કે જાણે એ વ્યક્તિ માટે તેમની  છોકરી કે છોકરો ‘પ્રેશર કૂકર’ છે અને પોતે ‘સીટી’ છે, જે યંગ બ્રિગેડ ઉંચી થાય એટલે તરત જ વાગે અને નીચે બેસાડી દે છે.

બીજું કારણ છે આજનું શિક્ષણ.

શિક્ષણ એ ‘શિક્ષા’નો પર્યાયી છે, એવું આજકાલની ગુજરાતીની ચોપડીમાં આવતા ‘ટિપ્પણ’માં આવે તો નવાઈ નહિ..! ભવિષ્યનો ડર બતાવીને ભવિષ્ય અને પૈસાનો શિરચ્છેદ કરતુ આજનું થર્ડ ક્લાસ શિક્ષણ જે આજે ભવિષ્યના પચાસ વર્ષ સુધી ‘થર્ડ ડિગ્રી’નો ‘ડિગ્રી-કરંટ’ પૂરો આપી જાય છે. કોણે કહ્યું કે આ પાંચ વર્ષ તમારી પચાસ વર્ષની જિંદગીના દિવસો લખશે? આ સદંતર અસત્ય અને ભ્રમથી ભરાયેલ કરોળિયાના જાળા જેવા માનવીય મગજની ઉપજ છે. દરેક વાતને ભવિષ્યના ઓથાર હેઠળ રાખીને તેનો નિર્ણય લેવો જોઈએ એ સમજ બહારનો વિષય છે. જુવાનિયાઓ આવતી કાલની ‘માથાકૂટ’માં આજને ‘ફૂટી-ફૂટી’ને ‘માથા’માં પથ્થરની માફક મારે છે.

ત્રીજું અને મહત્વનું કારણ છે સ્વ: અસત્ય.

‘મારે મારી લાઈફ હજુ જીવવી છે. એન્જોય કરવી છે. મહેનત કરવું છે અને બાકીના પચાસ વર્ષ શાંતિથી કાઢવા છે.’ આ વિધાન બોલ્યા પછી પોતાની જાતને પ્રશ્ન પૂછીએ કે, ‘શું ખરેખર આપણે લાઈફને એન્જોય કરીએ છીએ?’ આ તો એવું થયું, કે લાઈબ્રેરીમાંથી કોઈ બુક વાંચવા લઇ આવ્યા અને પછી દેવાની થાય ત્યારે યાદ આવે કે હજુ તો વાંચવાની બાકી છે. તે દિવસે કોઈક પૂછે, ‘ભાઈ…! તે દિવસે જે બુક લઇ આવેલો એ વંચાઈ ગઈ હોય તો આપ ને..!’ ત્યારે જવાબ આપીએ કે, ‘મારે હજુ બાકી છે. હું રિન્યુ કરાવું છું.’ બસ, આવું જ આપણું છે. કોઈકને યાદ અપાવવું પડે છે, કે મોજ-મસ્તી કરવાની રહી ગઈ છે. ‘કેવું ચાલે છે?’ ત્યારે જવાબ આપીએ છીએ, ‘જો આમ થાય ને, તો કંઇક મજા આવે. બાકી તો ઠીક બધું.’ દરેક વ્યક્તિ એ વસ્તુની પાછળ જ પડેલા રહે છે, પણ એ વસ્તુ જ યાદ નથી હોતી એ હકીકત છે. મોજ-એ-દરિયા છે, એવું બોલવા માટે પણ કોઈકને યાદ કરાવવું પડે છે, ‘ભાઈ…! જલસા ને?’ ત્યારે યાદ આવે કે જલસા કરવાના તો રહી જ ગયા.

જે કહીએ છીએ, એ ખરેખર આપણે કરતા હોતા નથી પરંતુ એ કરવાનું વિચારી રહ્યા હોઈએ છીએ. જે ક્યારેય થતું નથી. પડછાયાને પકડવામાં વ્યક્તિ ઓળખી શકાતો નથી, તેમ મૃગજળનો પીછો કરવાથી પાણી મળતું નથી. થોડું રિઅલ બનવું પડે છે, સ્વીકાવું પડે છે અને આત્મસાત કરવું પડે છે. ક્યાં સુધી એક જ બસની રહે એ ‘સ્ટોપ’ પર સ્ટોપ થઈને ‘સ્ટેન્ડ’ લીધા કરીશું? જો એ પાંચ વર્ષનું શિક્ષણ માત્ર જ ‘લિટ ઓફ લાઈફ’ બની રહેવાનું હોય તો ડોક્ટર, સી.એ. કે એન્જીનિયરીંગના કોર્સને જ કેમ મહત્વ? એક જ ઘરેડમાં ચાલતો રહેલો ધંધો કરીને પાંચ વર્ષ મજા આવે દોસ્ત…! પચાસ વર્ષ નહિ. એ તો માત્ર કરવું ‘પડે’.

અમુક કોર્સમાં ભણીએ તો જ ભવિષ્ય છે, બાકીના માટે અંધકાર છે. તો પછી મનોરંજન પૂરું કોણ પડશે? સ્પોર્ટ્સ કોણ રમશે? ડ્રાઈવર અને કંડકટર કોણ બનશે? લેખક, ચિત્રકાર, વૈજ્ઞાનિક, ક્લીનર… આ બધું તો કોઈકને બનવું પડશે ને? તમારી આઠ કલાકની બેકાર, ફિક્કી અને રસહીન નોકરી પરથી આવ્યા પછી કોઈક તો એન્ટરટેઈનમેન્ટ જોઇશે ને? એનિમેશન ફિલ્મ, એક્ઝીબીશન, ઈન્ટીરીઅર, ગ્રાફિક્સ, સિરામિક & ગ્લાસ, ફર્નીચર, આર્કિટેક્ચર, કેનવાસ, ફેશન, ક્રાફ્ટ, ફાઈન આર્ટ્સ, ક્રોકરી, ટોય & ગેમ..! આ દરેક ડિઝાઈનના એવા ક્ષેત્રો છે જેમાં વ્યક્તિ અસાધારણ પ્રગતિ કરીને તેવી જ પ્રતિભા ઉભી કરી શકે છે. બસ, એ ઘરેડમાંથી બહાર નીકળવાનું છે. પરિઘની બહારની દુનિયામાં ઝાંકવાનું છે. અનુભવોની લ્હાણી કરવાની છે.

બોરિંગ નથી બનવાનું…! કોઈકના દિલમાં ‘બોર’ કરીને અમૃતનું મીઠું ઝરણું વહાવવાનું છે.

ભવિષ્યને ‘ભાવ’ આપ્યા વિના વર્તમાન સાથે પૂરી પ્રમાણિકતાથી ‘વર્તન’ કરવાનું છે.

આજનો ‘નાથિયો’ બનીને આવતી કાલનો ‘નાથાલાલ’ બનવામાં જ મજા છે.

‘ચિંતા’ની ‘ચિતા’ પર જલસાની મીઠી ચાદર ઓઢીને સૂવાનું છે.

આવતી કાલની ફિકર કરશે એ ‘ભજ ગોવિંદ’…! પણ આજે તો ‘ગોવિંદ’ બનીને રમવું છે.

‘રિયાલીટી’ની ‘લીટી’ લાંબી કરીને ‘નિયતિ’ની ‘નીતિ’ પર વિશ્વાસ રાખવો છે.

ઈશ્વર આપણા માટે ‘સારું’ જ કરે છે તેની નોંધ લેવાની ‘શરુ’ આજથી જ કરવી છે.

‘જસ્ટ મૂવ ઓન…!’

કોફી કેપેચીનો:

“બે ગરમ શરીર વડે અંધકારની શાંતિમાં સંભળાતા શ્વાસના અવાજો બંધ થાય અને મુખનો ખાલીપો પર્ણોની જેમ એકબીજા સાથે તન્યતાથી બીડાઈને શૂન્યાવકાશ સર્જે તે બે ઠંડા હોઠના સોમરસનો આસ્વાદ એટલે ચુંબન.” – હેપ્પી વર્લ્ડ કિસિંગ ડે (૧૫ જુલાઈ ૨૦૧૫)

related posts

પ્રેમનો અર્થ….!

પ્રેમનો અર્થ….!

સમય બહુ ઓછો મળતો હોય છે! ખરેખર?

સમય બહુ ઓછો મળતો હોય છે! ખરેખર?