શિયાળાની ઠંડીમાં રજાઈમાં નાકની ગુફાઓમાંથી ગરમ-ગરમ શ્વાસ નહિ પણ, ઉચ્છવાસથી હુંફાળી ‘કેવિટી’ બનતી હોય ત્યારે કોઈ ગોદડું ખેચીને ગાર્ડનમાં શરીરને ‘વળ’ લેવા બોલાવે ત્યારે તે હાફીઝ સઈદનો આતંકવાદી દોસ્ત હોય તેવું લાગે, અને એક જ પાટે એન્કાઉન્ટરમાં ધબેડી નાખવાનું મન થાય. છતાં, મારા મન ને મારીને મિત્રના મનને મનાવવા મારે મરવું પડ્યું. કુમ્ભકર્ણ કરતા જરાય ઓછી નહિ એવી આળસ મરડી. એકવાર તો થયું “ભલે ને ઉભો નીચે..! જતો રેહશે, થાકશે ત્યારે”. પણ દોસ્ત તો મારો જ ને. ઉભા થઈને ૩-૩ વળ લઈને બ્રશ કરીને નીકળી પડ્યો ગાર્ડન(મારી તો ચોપાટી…) ની લટાર પર.
ખબર નહિ, પરંતુ જેટલો કંટાળો ઉઠવામાં આવ્યો એનાથી વધુ મજા ચોપાટીમાં આવીને થઇ. પ્રફુલ્લિત વાતાવરણ. ઓઝોન વાયુ જાણે શરીરને એક્ટીવેટ કરી રહ્યો હતો. ઠંડી હવાની લહેરખીઓ રુવાંટી ઉભી કરી દેતી હતી, જેમ બરાબર સ્કુલમાં એનો હાથ મારા હાથ પર ભૂલથી પડ્યો ત્યારે થયેલું એવું જ. પરમ કૃપાળુ નિંદ્રાદેવી તો જાણે સાવ ગાયબ જ થઇ ચુક્યા હતા. પુષ્પોનું સૌંદર્ય આહલાદક જણાતું હતું. હૃદયને ઘડીએ-ને-પ્હોરે જાણે કઈક યાદ આવતું હોય તેવું લાગ્યું. બાજુમાં હનુ‘મેન’ ના મંદિરમાં ચાલીસા બોલાતી હતી ત્યારે એવું લાગ્યું કે જાણે કોઈક મ્યુઝિકલ ઇવેન્ટમાં આવી ગયો હોઉં. આંકડાના ફૂલોની માળાઓ અને શ્રીફળની રિશવત લઈને લોકો સરસ માથું ઓળીને અને પાથી પાડીને ભગવાન પાસે સવાર-સવારમાં કઈ ને કઈ માંગણી કરવા આવતા હતા. (કોઈની શ્રદ્ધા પર આંગળી નથી ચીંધતો, ચોખવટ પૂરી.)
એક વાત જે મને બહુ ગમી. લોકો પોતપોતાના મૂડ ને અનુસાર(મિલનસાર) લોકો સાથે બેસીને કીને કઈ કરતા હતા. જેમાં, એરિઅલ વ્યૂ લઈએ ચોપાટીનો તો અલગ-અલગ સેક્શન દેખાય જેમાં લોકો પોતપોતાનું કામ કરતા હોય. જુવાનીયાઓ ટ્રેક પર દોડ-દોડી કરતા હતા. ગમે તેમ કરીને બે લોકો વચ્ચેથી ગલી કાઢીને રસ્તો બનાવી લે. ભારે લોઢકા હો પણ..! થોડું ઝૂમ કરીને ઓબ્ઝર્વ કર્યું તો એવું લાગ્યું કે જાણે ચોપાટી એક પ્રદર્શની હોય અને દરેક લોકો પોતાના કરતબને પ્રદર્શનમાં પ્રદર્શિત કરવા ન આવ્યા હોય..! ‘દાદા સેક્શન’ એવા તો યોગા અને પ્રાણાયામ કરે જાણે એમ થાય કે ક્યાંક ફ્યુઝ ના ઉડી જાય.! આધેડ વયના ‘આધેડું’ ઓ ઘરેથી “દુંદ વધતી જાય છે, દિવસે-દિવસે. સવારમાં સુતા રહો છો એના કરતા જતા હોવ તો ગાર્ડનમાં..” આવું બોલીને ઈગો હર્ટ કરતી પત્નીઓનું સાંભળીને દાંત કચકચાવીને ચોપાટીએ આવીને ‘ચા’ પીવે અને કોઈક દુધી-કારેલા-મેથી-નું જ્યુસ પીને ઘરે ભાગે. અમુકની સગાઇ થઇ હોય અને પોતે એકદમ ઢોલ જેવું શરીર ધારણ કર્યું હોય અને લગ્નમાં ફોટા સારા આવે એટલે શરીર ‘ઉતારવું’ હોય એવા વિચારે ચકરડીઓ લેતી હોય છે. હમણાં સરકારે મુકેલા જીમના સાધનો પર ‘નરભેરામ’ જેવા વીરો જાણે કોઈને બતાવવું હોય એમ સાધનો સાથે કુસ્તી લડતા હોય.
વધુ એક આકર્ષણ એ હતું, કે સ્કુલ એ જતી વખતે રસ્તામાં મળવાનું એવું ‘પ્રિ-પ્લાનિંગ’ કરીને આવેલા તરુણાવસ્થામાં વિહરતા ‘સ્કુલ લવ બર્ડ્સ’ ૭:૧૦ એ આવી પહોચ્યા. બનેના ખભામાં ભરાવેલા ‘બેગ’માં ભલે ગમે તેટલો ભાર હોય પરંતુ એમના મન એકદમ ભારરહિત હતા. બને ‘અમુલ’ના પાર્લરના બંને છેડે ઉભા રહીને એકબીજાને જોઇને હસતા હતા. ખબર નહિ, પરંતુ ઇશારાથી એમને ઘણી વાતો કરી લીધી. ‘ઇનોસન્ટ લવ એટ્રેક્શન…!’ મજા આવી. એ બંનેની વાતો અને ઈશારા હું સમજી ગયો. ગાલમાં હું પણ હસ્યો. યાદ તો મને પણ કઈ આવ્યું. એવામાં જ થોડું આજુબાજુમાં થતો આવાજ શાંત થઇ ગયો. અને હું પાછળ ફર્યો.
એમાં એક પતલી કમરથી ‘કંદર્પ’નું મન મોહી લે એવી કામણગારી કન્યા આ ‘કામદેવ’ ને દેખાઈ. જો કે, નામ એવા ગુણ તો હોવા જોઈએ ને. આંખોના ડોળા તો બહાર આવી ગયા અને ‘મન મેં લડ્ડુ ફૂટા’ જેવી અતિશયોક્તિ ભરેલી ફિલિંગ આવી. આવા, હડબંબાઓની વચ્ચે આવી ખીલેલી કળી જોઇને તો આકર્ષણનું કેન્દ્રબિંદુ એ જ લાગ્યું. એ જ્યાં જાય ત્યાં ‘સેન્ટર ઓફ ગ્રેવિટી’ બદલાય. જાણે શરીરમાં નવું જોમ ચડ્યું, માંડ્યો દોડવા એની સાથે. બીજા ૫-૬ જુવાનીયાઓ પણ દોડ્યા. ૨ રાઉન્ડમાં તો બધા થાકી ગયા હતા, છતાં ચાલુ રાખ્યું દોડવાનું. એની બાજુમાંથી નીકળું તો એના માથામાં રહેલી મોગરાના ફૂલની વેણીની સુગંધ ‘લો ઓફ એટ્રેક્શન’ ને વધુ ઉત્તેજિત કરતુ હતું. પછી આ ઉભરાને ડામી દઈને ને તો એક પરિપક્વ જુવાનની જેમ બાકડા પર બેસી ગયો. થોડા શ્વાસ અંદર-બહાર ખેંચીને શરીરને બેલેન્સ કર્યું.
“દાદા પાર્ટીનું ‘યોગ-પ્રદર્શન’, જુવાનિયાઓનું ‘બળ-પ્રદર્શન’, ‘માનુની’ઓનું ‘અંગ-પ્રદર્શન’, આધેડોનું ‘દુંદ-દર્શન’, બાળકોનું ‘જોમ-પ્રદર્શન’, યુગલનું ‘પ્રેમ-પ્રદર્શન’, ભક્તોનું ‘અધ્યાત્મિક-પ્રદર્શન’, વાતાવરણનું ‘અલૌકિક-પ્રદર્શન’ અને મારી જેવાનું માત્ર ‘ઓબ્ઝર્વેશન’.” આવી રહી પહેલી સુફી સવારની સફર અને લવલોર્ન લટાર.
ટહુકો:
“પુષ્પ,પંથી અને પ્રેમના સહવાસમાં,
મને એક ધ્રુવતારો આપો,
આવે છે પ્રેમના એકાંતમય ઉપવનનો સાદ,
હે ઋતુઓના રાજા! મને પુષ્પધનુ આપો.”
– સચિત રાઉત(૧૯૧૬)