ક્ષિતિજે કોઈક તો હશે, દોડ તેની જ છે ને !

…કબાટ ખોલ્યું. વિષયવાર ગોઠવેલા પુસ્તકો પરના ફ્લેપ પરના અનેક રંગો ચમકી ઉઠ્યા. વિભિન્ન સાઈઝના પુસ્તકો એકસાથે ગોઠવાયેલા હોવાથી તેની સપાટી આકર્ષક લાગતી હતી. વાંચવાની ઈચ્છા ન થઇ. તેથી ફરી પુસ્તકો તરફ જોઇને કબાટ બંધ કર્યું. ચશ્માં ટેબલ પર મૂકીને કપડા બદલ્યા. હાથપગ ધોઈને નવી સ્ફૂર્તિ મેળવવાનો પ્રયત્ન કર્યો. કાનમાં ઇઅર-પ્લગ્સ લગાવીને સોંગ્સ સાંભળવા બેડ પર સૂતો. કોઈ પણ પ્રવૃત્તિમાં મન નહોતું લાગી રહ્યું. ઘરે કોઈ વ્યક્તિ આવ્યું. તેમને અન્ય રૂમ-મેટને મળવાનું હતું. મેં વિશેષ રસ ન લીધો. કારણ કે, કદાચ મને અન્યની ઓળખ મનમાં ઉભી કરવામાં વિશેષ રસ નહોતો. મનમાં વિચારો એ સ્થાન લીધું.

અન્યમાં રસ લેવાનું કારણ માણસનો પોતાનો પોતાનામાં રહેલો રસ હોય છે, તેવું કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી. જગત સ્વ-અર્થોથી જકડાયેલું છે. જે નક્કર વાસ્તવિકતા છે. પરંતુ, વ્યક્તિ માત્ર વાસ્તવિકતાથી ન જીવી શકે. તે ઝૂરી પડે અને માનસિક બીમાર થાય. પલંગ પરના તકિયા પર ડાબો હાથ ટેકવીને સામેના અરીસામાં ચહેરો જોયો. ચશ્માં ન પહેરેલા હોવાને લીધે અત્યંત ઝાંખો અને નિરાકાર લાગ્યો. તરત જ, મારા મનમાં ભવિષ્યની કલ્પના થઇ. અકલ્પનીય અને અકળ ભવિષ્ય, જાણે તે અરીસામાં ધૂંધળો દેખાતો ચહેરો ! જે રહસ્યથી આવૃત છે તે વધુ સુંદર લાગે છે. વળી મનમાં નવી આશા જન્મી ! ભવિષ્ય રહસ્યોથી ભરપૂર છે, તે સુંદર જ હશે !

વરસાદી વાતાવરણને લીધે તે થોડું બદલાયેલું જણાતું હતું. સૂર્યના કિરણોની ચમક હજુ મકાનની અગાસી પરની દીવાલ ઉપર વિખરાયેલી હતી. સૂર્યનો અભાવ હતો, છતાં તેણે પોતાની એક ઝાંખપ રૂપે મુદત સાચવી લીધી હતી. કોન્ક્રીટના મકાનોને લીધે ક્ષિતિજની કોઈ પ્રતીતિ નથી. દૃષ્ટિ છૂટી મુકીએ તો તે ઓગળી ગયેલ જણાય છે. આ ઘટનાને લીધે ભૂતકાળનું સ્મરણ યાદ આવ્યું.

ભૂમિનું એ તરબતર ચોમાસું યાદ આવ્યું. ભીની માટીમાં ઠેર ઠેર પડેલ વહેળા, ફણગાઈ ઉઠેલ ઘાસ, વરસાદ રહી ગયા પછી ઝાડ પરથી ચૂતું પાણી, પવનના ઝોંકાથી પાંદડામાં જાગી ઉઠેલ રંગબેરંગી ફૂલ, બાજરીના લચેલા ખેતર અને કપાસનો ઉભો લસરતો ફાલ ! અને, પ્રકૃતિ એ પડખું બદલ્યું. થોડી વાર માટે વરસાદ પડ્યો. તરત જ હું સાઇકલ લઈને રસ્તા પર નીકળી પડ્યો. એકબાજુ પોતાને સાબિત કરવાની ધગશ હતી અને બીજી તરફ સમયની આગળ નીકળી જવાના અસફળ ધખારા ! પૂર્વનિશ્ચિત આદર્શો અને ઉપરછલ્લી આચાર-સંહિતાઓનું આક્રમણ માણસને ગૂંગળાવી નાખે છે. સહુની સાથે સમાધાન કરીને પોતાની સાથે જ વિશ્વાસઘાત પામેલ માણસે સામાન્ય બનીને જીવન જીવવાની રીત સાથે આંખ આડા કાન કર્યા છે. પોતાના પ્રશ્નોને ખુદ સમજીને એમનો ઉકેલ શોધવાને બદલે, સ્વતંત્ર વિચાર કરવાનું છોડી દઈ બોધક કથાકીર્તનોનો આશ્રય લીધો છે. આવી અંધશ્રદ્ધાની છાયામાં સુખી ભલે થવાય, પરંતુ એ આત્મવંચક છે. કહેવાયેલું બધું માની લેવું તે બૌદ્ધિક પરાધીનતાનું લક્ષણ છે. ઘણી વાર પુસ્તકની ટૂંકી અનુક્રમણિકા પણ એ કહી જાય છે જે પુસ્તક ન કહી શકે !

સાઈકલ ચલાવતી વખતે આવા અનિશ્ચિતતાઓથી ભરપૂર બેસંવાદી સમય પસાર થતો ગયો. ધીરે-ધીરે વાતાવરણની સાથે તન્મય થવામાં મજા આવી. વરસાદમાં ધરતીને જોઈ એવું લાગ્યું કે, તેની રીઢી થઇ ગયેલ ચામડી પર આ ચક્રોના કાયમી ઘસરકાઓથી ચચરતી વેદના પર વર્ષાનો લેપ લાગ્યો છે. વાહનોના હેડ-લાઈટની લાંબી ફ્લેશ કોઈ ચિત્રકારની ફ્રેમમાં કેદ થયા હોઈએ તેવા લસરકાઓ જેવી લાગતી હતી. સડકની ઉપર નજર દોડાવીને જોઈએ તો ટ્રેન પસાર થતી વખતે થતા વીજળીના દોરડાના આતિશી તણખાઓ જીવનની અલપઝલપ દર્શાવી રહ્યા હતા.

છતાં, પ્રૌઢાવસ્થાને દૂર કરવા યૌવનને અનુરૂપ પ્રસાધન અને અલંકરણ કરીને આવેલી સ્ત્રીઓ તા-ઉમ્ર યુવાનીની માદકતામાં જ કેમ જીવવા માંગતી હશે? અવસ્થાનો ભેદ દૂર કરતી સઘળી આંખોની સમાન તૃષા, આવનાર અને જનારની આડંબર-પ્રચૂર ગતિ, લચી પડતો વિવેક – કોઈની સિગરેટના કશ નીચે દેખાઈ રહ્યો હતો. પ્રશ્ન અને જવાબ એક જ છે – કોઈ પણ વ્યક્તિને સ્વીકાર્ય નથી, પોતાની અવસ્થા અને પોતાની પરિસ્થિતિ ! બીજો ચહેરો લઈને ચાલવા જવામાં ઠોકર ત્યારે જ લાગશે, જયારે રસ્તામાં પડેલો પથ્થર પણ કાલ્પનિક લાગશે ! રસ્તામાં કોઈ બે વ્યક્તિઓને વધુ પડતી ચીવટથી વાત કરતા જોયા. જે વરસતાં વરસાદમાં કદાચિત્ જરૂરી નહોતું. કોઈની ભાષા કે વર્તન દરેકને નથી ગમતું. દરેક જેવું થવામાં વાર પણ નહિ લાગે, છતાં હું છું તે જ રહીશ. અન્યને ગમવા માટે હું મારામાં પરિવર્તન લાવું એ તો બજારુ સમજૂતી થઇ – જે કોઈ ક્ષણે કે કાળના કોઈ ખંડમાં શક્ય નથી.

અંતે, ઘરના પાર્કિંગમાં સાયકલ ગોઠવી. હંમેશની આદત મુજબ છેલ્લા પાંચ મહિનાથી મારા આવવાનું આદિ થઇ ચૂકેલ ગલુડિયું મારી પાસે પાર્કિંગમાં આવ્યું. મેં નિયમ મુજબ રસોડામાંથી એક ટામેટું તેને ખવડાવ્યું. ફરી એક સંતોષ સાથે પલંગ પર બેઠો. સમયના બહુ ઓછા ખંડમાં મન ફરીથી વિચારોમાં ખોવાઈ ગયું. જાણે સારતત્વ !

વળી, મન દ્વારા પ્રશ્ન થયો? “શા માટે આટલું વિચારવાનું ? લોકો કહે છે – ખાઓ, પીઓ અને મોજ કરો.”
ત્યારે બુદ્ધિએ બહુ ઝીણવટપૂર્વક વિચારીને જવાબ આવ્યો, “હું સામાજિક પ્રાણી છું. તેથી હું અન્ય પ્રાણીઓની માફક માત્ર આ ત્રણ પ્રવૃત્તિઓ ન જ કરી શકું !”

related posts

દિલવાલી દિવાળી (3/5)

દિલવાલી દિવાળી (3/5)

વર્ષગાંઠ જાણે કે શેરડીનો ગાંઠો!

વર્ષગાંઠ જાણે કે શેરડીનો ગાંઠો!