હોળી પ્રગટે મારા ગામમાં !

“જરીક્ ધણશેરે આંટો માર તો ! પાદરે હોળીમાતાના દર્શન ભણી લોક આવવાના ચાલુ થ્યા હોય તો તમે બેય વરઘોડિયા ’ને તારી બા બેઉં જાતા આવો ’ને દર્શન કરતાં આવો. શેરીના ખૂણેથી સે’ઝ સીધો હાલીશ એટલે દેખાશે.” નાના મા યે વાત મૂકી.

“પણ બા તો કે’ય છે કે જયારે હોળી પ્રગટાવશે એની પહેલા ઢોલ વાગશે !” મારામાં ભરેલી ભારોભાર આળસ બોલી.

“ઈ હંધુંયે હાચું છે, પણ તું આંટો તો માર. બે-પાંચ કટંબ એ ભણી હાલતાં ભળાય તો તમેય હડેડાટ ઉપડો પછી !”

“એ હારું !”

શેરીમાં ઘરની ડેલી આગળ કંતાનિયું પાથરીને બેઠેલ બા એ હુકમ ફરમાવ્યો. એટલી વારમાં દૂરથી છોકરાંઓના ટોળા સાથે બે-ત્રણ મોટી ઉંમરની સ્ત્રીઓ આવતી દેખાઈ. ઘૂમટો તાણીને ચાલી આવતી બહેનોને જોઈને બા બોલ્યા, “હરિજનવાડમાં રે’તી બાયું લાગે છે. ઈ હન્ધ્યું આઘેથી દર્શન કરે. ઠેઠ લગણ નો ઝાય. આંય શેરીને ખૂણિયે ઉભ્યું રેહે ને દર્શન કરી લેશે.”

જેવું એ ધણ નજીક આવ્યું કે તરત જ બા બોલ્યા, “અલી, અત્યારથી કેમ ઉપડ્યું હંધુયે ટોળું ? હોળી તો નવ વાગ્યા કેડે ચાલુ થાહે.”

“હા, માડી ! આ તો રેતાં-રેતાં પોગી જવાય. બાકી, ઉભા રેશું થોડીક વાર !”

“શે’રમાંથી છોકરાંવ દર્શન કરવા આવ્યા છે. હોળી પરગટ થાય એટલે સાદ દેજે. એમ તો ઢોલ વાગશે જ, ગામને પાદર ભણી બોલાવવા ! વરહો-વરહ બુંગિયો વાગે. આખુંયે ગામ ભેગું થાય.” અમારી તરફ જોઇને બા બોલ્યા.

નૈવેધ કરવા માટે હું, ફાલ્ગુની અને મમ્મી વતન માં આવ્યા છીએ એ વાત બા આવતાં-જતાં દરેકને કહેતા હતા. કુળના પૂર્વજ (સુરધન દાદા)ના દર્શન કરીને તેમના આશીર્વાદ લેવાની પ્રથા છે. ઉપરાંત, માતાજી કે કુળદેવીના મઢે જઈને કુળનો વારસો તેમજ ઈતિહાસથી નવી વહુને રુબરુ કરાવવાની આ અનોખી રીત છે. તેમજ કુટુંબની નવી-સવી વહુની પહેલી ઉતાસણી (હોળી) પર ચણાના લોટના પૂરી જેવા ‘ફાફડા’ તેમજ મોણ નાખીને બનાવેલી ગળી-કૂણી ‘સુંવાળી’ જેવી તળેલી વસ્તુઓ બનાવવી જ પડે, તેવું ડોશીપુરાણ પહેલેથી ચાલતું આવ્યુ છે.

નવેક વાગ્યે ઢોલ ઢબૂક્યો. પાદરથી ઢોલને ચામડે પડેલ દાંડીની ગૂંજ આખાયે ગામમાં સંભાળાય. પાંચમે ખોરડેથી એકબીજાનો અવાજ સાંભળીને સ્ત્રીઓ વાતો કરી શકતી હોય તેવી નીરવ શાંતિમાં ઢોલનો અવાજ સમગ્ર ગામમાં સંભળાય તે દેખીતી વાત છે. છેવટે, હું અને ફાલ્ગુની, મમ્મી સાથે પાદર તરફ જવા નીકળ્યા. હાથમાં પાણીનો કળશ, એક ઝબલાંમાં શ્રીફળ અને ચણા-ખજૂર લઈને હોળીમાતાના દર્શને અમે નીકળી પડ્યા. સાડીમાં ચંદનચકોરી એક ઝાઝારમાન નવવધૂ જણાતી હતી. મારી કુટુંબદીપિકા !

“એ..વહુને કવ છું, ચણા-ખજૂરને હોળીમાતાની આગળ વેરજો. એને વીણીને ખાજો. આંજણી નઈ થાય.”

મૂળિયાભાઈની પંચરની દુકાન આગળ થોડાંક ચાલ્યા એટલે સમગ્ર ગામની સ્ત્રીઓ દુકાનોની આડશમાં ઉભેલી હતી. ફાઉન્ટન સોડા, આઈસક્રીમની દુકાન અને બસ-સ્ટેન્ડ. તેની આગળ શીતલ કુલ્ફીની દુકાન. ડાબી તરફ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અને હનુમાન દાદાની દેરી ! દેરીમાંથી સતત વાગી રહેલી રામધૂન. સામેની બાજુ આદર્શ કેળવણી શાળા, મોટી નિશાળ – જેમાં ભણીને મારા બાપા ભાયડા ડૉકટર બન્યા. વાત જાણવા મળી કે, અમુક વર્ષો પહેલા સ્ત્રીઓને હોળીમાતાના દર્શન કરવા એ વર્જ્ય હતું. તેથી સ્ત્રીઓ હોળી પ્રગટે એની રાહ જોઇને ચારેય બાજુ ટોળે વળીને ઉભેલી હતી. છોકરાંઓ ખુશીમાં અવાજ કરતા હતા, જે પડઘાતો હતો. હજુ આજે જ ગામમાં વાડી સુધી પાણી લાવવા માટેની યોજનાનું ખાતમુહુર્ત થયું હતું. જેને લીધે ગામમાં વધુ ખુશી હતી.

છોકરાઓએ છાણા ગોઠવ્યા. પંચરની દુકાનેથી શીશીમાં કેરોસીન લઈને એક કાથીના કોથળાને સળગાવ્યું. એને સાંઠી, લાકડાં અને છાણાંની ઉંચી ટેકરીને નીચેથી દાહ આપ્યો. છોકરાઓએ જોરથી અવાજ કર્યો. ધીરે-ધીરે બધી સ્ત્રીઓ પોતાને ઘેરથી લાવેલ વસ્તુઓને હોળીના તાપમાં હોમવા લાગ્યા. ભડકાં ઉપર તાપની કેસરજ્વર સમી કણિકાઓ ઉડવા લાગી. બંને આંખોમાં એ હોળી પ્રગટવા લાગી અને આશીર્વાદ માંગતી વખતે બંધ થતી આંખો શાંતતા તરફ વળવા લાગી.

(મારું ગામ : બજુડ, તા. ઉમરાળા, જી. ભાવનગર – ખાતે અમે બન્ને વરઘોડિયાની નૈવેદ્યની વિધિ અને ફાલ્ગુનીની પહેલી હોળી.)

related posts

ગીતાંજલિ’માં મારું તોફાન સચવાયું હતું…

ગીતાંજલિ’માં મારું તોફાન સચવાયું હતું…

પ્રેમ-અપેક્ષા વગરનું સમર્પણ….

પ્રેમ-અપેક્ષા વગરનું સમર્પણ….