‘હેમ્લેટ’ ટુ ‘હૈદર’ …

‘હૈદર’…! વિશાલ ભારદ્વાજના ફળદ્રુપ મગજની ઉપજનો વધુ એક ઉત્કૃષ્ટ નમુનો. હા, આ મુવી જોયા પછી ઘણા એવા લોકોની હિસ્ટ્રી – સ્ક્રીન પ્લે – ડીરેક્શન – કમ્પોઝર – રાઈટરની કળા વિષે જાણવાનું મન થયું. ‘હૈદર’ એ વિલિયમ શેક્સપિયરનું એક ઐતિહાસિક નાટક ‘હેમ્લેટ’ માંથી અમુક અંશો લેવામાં આવ્યા છે. આ મુવી જોઇને બે લોકો વિષે સર્ચ કરવાની મનમાં ઉત્કંઠા જાગી. અને એ બે વ્યક્તિઓ એટલે, વિશાલ ભારદ્વાજ અને વિલિયમ શેક્સપિયર. પહેલા વાત કરીએ આ ભેજાબાજ વ્યક્તિ વિશાલ ભારદ્વાજની.

‘મકડી (શ્વેતા પ્રસાદ-જે હમણાં સેક્સ સ્કેન્ડલમાં પકડાઈ તે કલાકાર તરીકે)’ , ‘ઓમકારા (સૈફ અલી ખાનમાંથી એક્ટર બહાર આવ્યો) , ‘ઈશ્કિયા + દેઢ ઈશ્કિયા (ડર લગતા હૈ અબ તો સોને દો જી, દિલ તો બચ્ચા હૈ જી…!) , ‘કમીને (શાહીદ કપૂર એક સારા એક્ટર તરીકે બહાર આવ્યો)’ , ‘નિ:શબ્દ (બચ્ચન સાહેબે સ્વ. જીયા ખાન સાથે રોમાન્સ કરેલો એ)’ , ‘મકબુલ (તબ્બુ-પંકજ કપૂર-નસીરુદ્દીન શાહ-ઈરફાન ખાન-ઓમ પૂરીને ચમકાવતી મુવી)….અને લીસ્ટ તો ઘણું લાંબુ છે. એમની ફિલ્મ માત્ર અઢી કલાકની મસ્તી માટે નહિ પરંતુ આખી જીંદગી જોવી ગમે એવી હોય છે. આ દરેક મુવી નેશનલ અને ઇન્ટર નેશનલ અવોર્ડ વિજેતા ફિલ્મ છે. હા, કનેક્શન – (વિલિયમ – વિશાલ) નું આવું કૈક છે.

ઓમકારા- નાટક ‘ઓથેલો’ , મકબુલ- નાટક ‘મેકબેથ’ અને હૈદર- નાટક ‘હેમ્લેટ’. આ ત્રણેય નાટક દુનિયાની સૌથી વધુ કરુણ કરુણાંતિકાઓ ગણાય છે. જે શેક્સપિયરના કલમની શાહીના ખડિયાથી લખાયેલી અને દુનિયાને અશ્રુનો વરસાદ કરાવવા મજબુર કરે છે.

હવે બીજો વ્યક્તિ એટલે મહાન લેખક વિલિયમ શેક્સપિયર. મારે અહી તેમની જીંદગી વિષે વર્ણન કરવું નથી, કારણ કે એના માટે વિકિપીડિયા સરસ સ્ત્રોત છે. અહી તો એમના રસાળ સાહિત્યની વાત કરવી છે. જેમને કલાત્મક ઇંગ્લિશ શીખવું છે એમના માટે શેક્સપિયરના નાટકો-સોનેટ છે. શેક્સપિયરે તેનું જગપ્રસિદ્ધ નાટ્યલેખન 1590થી 1613ના સમયગાળા દરમિયાન કર્યું હતું. તેના અગાઉના નાટકોમાં મુખ્યત્વે વિનોદ અને ઇતિહાસ હતા, 16મી સદીના અંત સુધીમાં તેમણે સાહિત્ય અને લેખનકલાને નવો આયામ આપતા નવી ટોચ પર બેસાડી દીધી હતી.તેમણે પછી 1608 સુધી મુખ્યત્વે કરૂણાંતિકાઓ જ લખી હતી, જેમાં ‘હેમ્લેટ’ , ‘કિંગ લીયર’ , ‘મેકબેથ’ , ‘રોમિયો એન્ડ જુલીયટ’ , ‘ઓથેલો’ અને ‘જુલિયસ સીઝર’ નો સમાવેશ થાય છે. કુલ ૩૮ નાટકો અને ૧૫૪ સોનેટ લખ્યા છે. ના ખબર પડીને , કે સોનેટ એટલે શું ? વેઇટ…મને ખ્યાલ છે મારા રીડર બિરાદરોનો. ‘સોનેટ’ એટલે અંગ્રેજી સાહિત્યનો એક પ્રકાર. જેમ કે, દુહા-મુક્તક-હાઇકુ-છંદ-લોકગીતનું માળખું વ્યાખ્યાયિત કરેલું હોય છે, જેમ કે અમુક જ શબ્દો એક પંક્તિમાં હોય અથવા અમુક જ પંક્તિઓ એક પદ્યમાં હોય. એવી રીતે સોનેટ પણ ૧૪ પંક્તિઓને પ્રાસ સાથે સાંકળતી રચના છે.
રોમેન્ટિક લખાણમાં શેક્સપિયર ખુબ જ પ્રભાવશાળી હતો. એમના દરેક નાટકોમાં તે સમયની ભ્રષ્ટ અને નબળા શાસનને લીધે વિનાશાત્મક પરિણામોનો જ ઉલ્લેખ હોય છે. તેના પાત્રો વધારે જટિલ અને માયાળુ હતા. તેના પછી તેઓ રમૂજી અને ગંભીર સીન્સ, કંટાળાયુક્ત લખાણ અને કવિતા તરફ વળી ગયા હતા અને લેખનને વૈવિધ્યપૂર્ણ આલેખનમાં પરિપક્વતાની અદભુત ઊંચાઈએ લઈ ગયા હતા. જે ‘રોમિયો એન્ડ જુલીયટ’ અને ‘જુલિયસ સીઝર’ માં જોવા મળે છે. શેક્સપીયરની કરૂણાંતિકાઓના પ્લોટ વારંવાર ગંભીર ભૂલો કે દોષના સ્વરૂપમાં જોવા મળે છે, જે વ્યવસ્થાને બદલી નાખે છે તથા હીરો તથા તેના પ્રેમનો વિનાશ કરે છે. ઓથેલોમાં વિલન ઓથેલોથી જાતીય રીતે એટલી ઇર્ષા ધરાવતો હતો કે તે તેને પ્રેમ કરતી પોતાની નિર્દોષ પત્નીનું પણ ખૂન કરી નાખે છે. ‘કિંગ લીયર’ માં વૃદ્ધ રાજા તેની સત્તા સોંપી દેવાની ગંભીર ભૂલ કરે છે અને તેના પરિણામ સર્જાતી ઘટનાઓ તેની પુત્રીના મૃત્યુ સુધી તથા ગ્લુસ્ટરશેરના ટોર્ચરિંગ અને તેને આંધળો બનાવવા સુધી દોરી જાય છે. તેના સારા પાત્રો કે પ્રેક્ષકોને પણ તેની ક્રૂરતામાંથી રાહત મળતી નથી. શેક્સપીયરની સૌથી ટૂંકી અને કોમ્પ્રેસ્ડ કરૂણાંતિકા ‘મેકબેથ’માં મેકબેથ અને તેની પત્ની ‘લેડી મેકબેથ’ની બિનઅંકુશિત મહત્વાકાંક્ષા સારા રાજાનું ખૂન કરીને તેની ગાદી પચાવી લેવા પ્રેરે છે અને છેવટે તેમની જ દોષની લાગણી તેમનો નાશ કરે છે. આ નાટકમાં શેક્સપીયરે કરૂણ માળખામાં ઇશ્વરીય શક્તિનું તત્વ ઉમેર્યું છે. છેલ્લી અગ્રણી કરૂણાંતિકામાં ‘એન્ટોની અને ક્લિયોપેટ્રા’ તથા ‘કોરીઓલેનસ’ શેક્સપીયરની સુંદર કવિતામાંની એકનું સર્જન કરે છે અને તેનો એક કવિની અત્યંત સફળ કરૂણાંતિકાઓમાં સમાવેશ થાય છે. ટૂંકમાં, શેક્સપિયર દરેક નાટકો ક્રુરતા-વિનાશ-બદલો-માં જ આટોપી જાય છે. જેમાંથી માણસને ઉભો થવાની તાકાત નથી મળતી, પરંતુ વિનાશકારી રસ્તાઓ મળે છે.

પરંતુ તેમની કાવ્યાત્મક શૈલીમાંથી પ્રેરણા મળે છે. આ શૈલીમાં લાંબા અને ટૂંકા વાગ્યોનો સેટ એકબીજા સામે ગોઠવાય છે, ઉપવાક્યોનો ઢગલો થાય છે, વિષય અને કર્મ ઉલ્ટાઈ જાય છે તથા શબ્દોની બાદબાકી થાય છે, આમ સ્વસ્ફૂરણાની અસર ઊભી થતી જોવા મળે છે. શેક્સપીયર થીએટરની પ્રેક્ટિકલ સમજ ધરાવતો શ્રેષ્ઠ કવિ હતો. તે કથાવસ્તુના દરેક હિસ્સાને નવો આયામ આપી રસકેન્દ્ર ઊભા કરતો હતો અને પ્રેક્ષકોને તેના ઉદ્દબોધનના શક્ય તેટલા વધારે પાસા બતાવતો હતો. આલેખનની આ શક્તિના લીધે જ શેક્સપીયરના નાટક ભાષાંતર, કાપકૂપી અને મુખ્ય નાટકના હિસ્સાને ગુમાવ્યા વગર વ્યાપક પણે થતી વ્યાખ્યામાં પણ ટકી શક્યા છે. શેક્સપીયરની નિપુણતા વિકસવાની સાથે તેણે તેના પાત્રોને વધારે સ્પષ્ટ અને વૈવિધ્યસભર ધ્યેયવાળા બનાવ્યા અને બોલવાની જુદી-જુદી ઢબ દ્વારા તેમની અલગ છાપ ઉપસાવી.

ટહુકો: “ To be, or not to be : That is the question.” –Hamlet(Act 3, scene 1)

“દિલ કી સુનું તો તુ હૈ, દિમાગ કી સુનું તો હૈ નહિ….જાન દૂ કિ જાન લૂ… મૈ રહું કિ મૈ નહિ.”- હૈદર

related posts

ઓ સરલા, લોચો લાવજે ની !- (પારસી કાકાનો લોચો)  

ઓ સરલા, લોચો લાવજે ની !- (પારસી કાકાનો લોચો)  

એક સારો એન્જિનિયર પ્રાથમિક શાળાનો શિક્ષક કેમ ન બની શકે?

એક સારો એન્જિનિયર પ્રાથમિક શાળાનો શિક્ષક કેમ ન બની શકે?