“હું અને મારો કેમેરો…”

“જિંદગી બહુ ટૂંકી છે, સમય ખુબ ઝડપી છે, પ્રશ્નો અગાધ-અમાપ છે, ઉત્તર કોઈકનો જ છે, કોઈ ‘રીવર્સ ગિઅર’ નથી, એટલે જ તો દરેક પળ કીમતી છે, જેમાં ‘રિવાઈન્ડ’નો ઓપ્શન નથી, એનું જ તો નામ જિંદગી છે.”

મૈ ઔર મેરા દોસ્ત(કૈમરા) અક્સર યે બાતે કિયા કરતે હૈ…..

http://kparticleworld.files.wordpress.com/2014/12/5f243-dscf0565copytextweb.jpg

દુનિયાની સમક્ષ હું જયારે નજર કરું છું ત્યારે મારો કેમેરો મારી તરફ જોતો હોય છે. એની આંખો (લેન્સ જ વળી..) મારી સાથે ને સાથે ટગર-ટગર…હરહંમેશ દુનિયાને નિહાળતી રહે છે. એ ડર વખતે મને કહે કે “સારા અને મન પ્રફુલ્લિત થાય એવા કુદરતના નજરની હમેશા રાહ નહિ જો, જે તારી નઝર સામે દ્રશ્ય ખડું છે એને જ કલાત્મક રીતે ‘ક્લિક’ કર, જેથી નામ તારું થશે અને મને મારી કર્તુત્વશક્તિ પ્રદર્શિત કરવાનો મોકો મળશે”. એ કેમેરાની આંખો હમેશા મારી સામે નાના બાળકની આંખો ની જેમ જુવે અને હસે, અને એ હાસ્યમાં રહેલા ઇશારાને ઓળખીને હું સસ્મિત બનીને જોઉં ત્યારે મારી નઝર ઠરે.

જયારે જયારે હું ‘ક્લિક’ કરું….

ત્યારે એક આંખ બંધ કરીને રોમેન્ટિક મુડમાં કૈક કહેવા માંગતો હોઉં એવું એને લાગે. નીચેનો મારી હોઠ જાણે એને ‘કિસ’ કરવા આગળ વધતો હોઉં એવું લાગે. મારા અને એના શ્વાસોચ્છવાસની ગરમીમાં પવનની ઠંડી લહેરખી લાગે. આંખોની ઉપરથી ચશ્માં(લેન્સ કવર યારા…) કાઢતો હોઉં ત્યારે જાણે કડકડતી રાત્રીમાં એના અંતર-વસ્ત્રો સાથે રમત કરતો હોઉં એવું લાગે. પ્રેમથી એની ગરદનને પકડીને ‘બેસ્ટ પોઝ’ માટે આમ-તેમ સહેલાવું. મારા ગાળામાં લટકાવેલી દોરી જાણે મને કેમેરો છોડવા જ ના માંગતો હોય એવી પ્રતીતિ કરાવે. ક્લિક થાય ત્યારે ‘શટર’નો અવાજ મને ‘લવ યુ…ટુ’ કહેવા મજબુર કરે. દ્રશ્યને સ્થિર કરીને મને જયારે ‘પરફેક્ટ શોટ’ આપે ત્યારે ખરેખર એને આલિંગનમાં લેવાનું મન થાય.

જયારે જયારે હું ‘ક્લિક’ કરું….

દર વખતે મને સીન ફિલ્ટર કરીને બેકગ્રાઉન્ડ વ્યવસ્થિત રાખીને ક્લિક કરવાનું કહે. એ કહે, “વરસાદમાં આનંદ લુંટતી રહેલી પેલી નાની ક્યુટ બચ્ચી – ઘાસમાં ઠંડીના લીધે રહેલા ઝાકળના બિંદુઓ પર સુર્યપ્રકાશ – પડવાથી રચાતું સપ્તક – હસતા ચહેરાઓ – સ્વપ્નોમાં રચતા ચિત્રો – ફૂટપાથ પર રહેલા બાળકની વ્યથા – કુદરતની કરામતના કામણને પાથરતા રંગો – ક્ષિતિજને પહોચતા પૃથ્વી-આકાશનું મિલન – ખેતરોમાં સરસરતો ઉભો પાક – ભવ્ય ભારતના ઈતિહાસ સમા મિનારો, કિલ્લાઓ, મંદિરો, મસ્જીદો, દેરાસરો – વિદાય વેળા સાસરે જતી દીકરીની આંખોમાંથી નીકળતુ અશ્રુનું બુંદ – ભર તડકે પોતાના પેટ માટે પરસેવો પડતો શ્રમિક – પોતાના બાળકને ભણાવવા પિતા એ સંધાવીને પહેરેલું ચપ્પલ” … આવા દ્રશ્યોને મારી આંખોમાં સમાવવાનો પ્રયત્ન કર, આવું જયારે કહે ત્યારે એનાથી દુર જવાનું મન ના થાય.

જયારે જયારે હું ‘ક્લિક’ કરું….

ત્યારે વિચારું કે જો કેમેરો મારી સાથે ના હોત તો ? જીવનની કેટલીય એવી અમૂલ્ય પળ હશે જેને હું કેદ ના કરી શક્યો હોત. એ પળને ગમે ત્યારે ફરીથી જોઇને એમ જ ચહેરા પર રેલાતું સ્મિતની કિંમત બીજો કેવી રીતે કહી શકે? વર્ષો પછી પણ એ દ્રશ્ય કદાચ ધૂંધળું દેખાય, પરંતુ ત્યારે કેમેરા સેવ થયેલી એ પળ તરત જ જીવંત કરી દે, સાક્ષાત મૂર્તિમંત દીસે. કદાચ જો ક્લિક ના કેદ થઇ હોત તો જીવનમાં એ પણ યાદ કરવા હું એકલો જ હોત. એ ચહેરાઓ બ્લર થયેલા હોતે. ખરેખર હૃદયનો આનંદ એ માત્ર આજે એ કેમેરાની આંખો વડે લેવાયેલા દરેક દ્રશ્યને લીધે જ છે. જુદા જુદા એંગલથી લેવાયેલી એ યુનિક તસ્વીરો આજે મને આનંદ આપે છે. બિરાદર, બાકી મારી-તમારી જેવા ૬ અબજથી વધુ દુનિયામાં લોકો છે. છતાં, સ્પેશિયલ છીએ એવું ફિલ કરાવવાવાળો માત્ર એક જ, કેમેરો.

જયારે જયારે હું ‘ક્લિક’ કરું….

મારી જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં એ કૈક રેકોર્ડ કરવા માટે તલવલતો હોય છે. નવું-નવું જોવાની એની ઈચ્છાને વધુ પ્રબળ બનાવતો જાય છે. મુગ્ધ રીતે દરેક ‘સીન્સ’ ને પોતાની ફ્રેમમાં સજાવતો જાય છે. મગજના જ્ઞાનતંતુઓને ઉત્તેજિત અવસ્થાથી શાંતતા તરફ વાળે છે. દુનિયા કેટલી રંગીન છે એનું ભાન કરાવતો જાય છે. દરેક રંગોમાં પોતાની પછી કૈક એવી રીતે ફેરવે કે જેથી નરી આંખ કરતા એ ફોટોગ્રફિક ફ્રેમમાં ‘ફ્રેમ’ થયેલો ફોટો વધુ ‘ફેન્ટાસ્ટિક’ અને ‘ફેબ્યુલસ’ જણાય. જાણે ‘કેલીડોસ્કોપ’માં ‘ફ્રીઝ’ થયેલ ચિત્રો રચાય. કદાચ ગમે તેટલા પૈસા ચૂકવીશું તો પણ કોઈ વ્યક્તિ એ ક્ષણભંગુર થઇ ગયેલી અને કેમેરાના કચકડામાં કેદ થયા વગરની રહી ગઈ હોય એ આપી શકશે ખરું? દુનિયાના ડાર્ક કેમેરા માં કેદ થયેલ દરેક હસતા ચહેરાને એફિલ ટાવરની ઉંચાઈ જેટલા સલામ.

ટહુકો: “ જયારે કેમેરાના ‘શટર’નો અવાજ ફોટોગ્રાફરના આત્માને રોશનીથી ભરી દે છે, અને ત્યારે ‘મેજિક’ ક્રિએટ થાય છે અને ‘હિસ્ટોરી’ કેપ્ચર થાય છે. ”

related posts

ગીતાંજલિ’માં મારું તોફાન સચવાયું હતું…

ગીતાંજલિ’માં મારું તોફાન સચવાયું હતું…

સ્વામી વિવેકાનંદ : આધુનિક માનવનાં આદર્શ પ્રતિનિધિ

સ્વામી વિવેકાનંદ : આધુનિક માનવનાં આદર્શ પ્રતિનિધિ