સુરતનું જમણ અને સુરતનું જ મરણ….

કોઈ પણ સુરતીલાલો ડોકટરના દવાખાને જાય અને પેટમાં દુખાવાની દવા લઈને બહાર નીકળે અને તરત બોલે, “અલા, બે દિવસ આ ટો બધ્ધું.. સાલું, ખાઢા વગડ મડવું એના કરટા ખાઈને મડીએ ને. ડોક્ટર ટો કીઢા કડે એમ કે, હે…” આવો ખટમીઠો અભિગમ શિશુ હોઈએ ત્યારે ‘ગળથૂથી’ માં જ મળ્યો હોય પછી ‘ક્રેવીંગ ફોર સ્નેક્સ’ આજીવન રહે જ ને…!

પણ વાત સાચી છે એની. સોસાયટી કરતા નાસ્તાની હાટડીઓ અને દુકાનો વધુ જોવા મળે એ એટલે સુરત, અને એમાં પણ કોઈ પણ દુકાન બાકી ન રાખી હોય જીભના ચટકાને સંતોષ આપવા એ એટલે સુરતી. એમાં પણ ડિવીઝન હોય અલગ-અલગ નાસ્તા માટેના. દરેક ‘નાસ્તા’ મહારાજને અલગ-અલગ સ્લોટ ફાળવેલા હોય. સવારે ખમણ-જલેબી-ફાફડા-વણેલા ગાંઠિયા-લોચો-મશીનની ચા-ખાવસા-આલુપુરી લસરક કરતી જીભમાં ફેવિકોલની જેમ ચોટી જાય. બપોરે ચાટ-પાણીપુરી-દહીપુરી-ભેલ-સમોસા-વડાપાવ-દાબેલી-ભજીયા-મેંદુવડા-બટેટાપૂરી-મસાલા સોડા-સેવપુરી-ખમણી-ઇદડા-કટલેસ-કચોરી-પેટીસ-પાતરા ની જમાવટ થઇ જાય. સાંજે મંચુરિયન-ઢોસા-ઈડલી સંભાર-પંજાબીનો રોફ હોય.

http://kparticleworld.files.wordpress.com/2014/12/9d071-img_8721.jpg

ગૌરવ પથ પર સવારે ૧૫ મિનીટના જોગિંગ પછી 30 મિનીટ સુધી લાઈનમાં ઉભું રહેવું પડે તો ઉભો રહે, પણ જે કેલરી બાળી છે ‘ઇત્તું સા’ દોડીને એ ગમે તેમ ગરમા-ગરમ લોચાથી પછી મળતી હોય તો એના જેવું ઉત્તમ બીજું શું હોઈ શકે? દોડીને જેટલો પરસેવો વળ્યો છે, એના કરતા લોચાની મજામાં વધુ પરસેવો પડે એ એટલે સુરતી. પણ, એની બનાવટ પણ અજબ છે બાકી. ઓવનમાંથી ગરમ-ગરમ લોચો કાઢે અને એના પરથી નીકળતી વરાળ જાણે કુદરતના સાન્નિધ્યમાં ફરવા નીકળ્યા હોઈએ અને ધુમ્મસમાં હોઈએ એવી અનુભૂતિ કરાવે ‘લોચા લવર્સ’ ને. સાથે સાથે નાળીયેરની ચટણી અને કાંદાની જમાવટ ‘સોને પે સુહાગા’ જેવી સ્થિતિ ઉત્ત્પન્ન કરે. જાણે પહેલું અને છેલ્લું જ હોય એમ વાટકા જેવડું મોં થાળી જેવડું મોટી થઇ જાય અને આંખોના ડોળા થોડા બહાર નીકળી આવે તો એમાં અતિશયોક્તિ દાખવવી નહિ. લોચાની ઉપર તેલ-બટર નાખીને મસ્ત મસાલો છીડકીને ચમચીથી લોચાને બરાબરનો હલાવીને ઉપર સેવ ભભરાવીને ફૂંક મારીને થોડો પવન આપી ચમચી મોઢામાં મુકે, અને મોઢાની બખોલમાં પ્રેમભર્યા પ્રસંગો સર્જાય. જાણે દીકરીની વિદાય હોય અને એનો બાપ ફૂટી-ફૂટીને જાણે રડતો હોય અને એની આંખમાંથી આંસુની ધાર વહેતી હોય એમ પાણીની પિચકારી ફૂટે અને જોત-જોતામાં તો બખોલ આખી ભરી દે અને પહેલી ચમચીથી મોઢામાં મુકેલ લોચાને જગ્યા આપવામાં ‘લાળરસ’ ના ‘ઓવર-પ્રોડક્શન’ ને લીધે તે ‘ઓવરફલો’ થઈને હોઠની બંને બાજુએથી ‘ફોલ’ થાય અને આજુબાજુ કોઈને ખબર ના પડે એટલા માટે ટી-શર્ટની બાહે થી(સવારમાં રૂમાલ લાવવાનો ભૂલી ગયો હોય ને..) ‘ક્લીન’ કરીને ફરીથી ‘ઇકવલ લવ’ થી એને પોતાના ચરબીના ટાયર જમાવેલા પેટમાં નાખીને હાશકારો અનુભવે.

ખમણની વાત પણ એવી જ નિરાળી છે. કદાચ ‘સુરત’નો સમાનર્થી કોઈ હોઈ તો એ ‘ખમણ’ છે ભાઈલોગ. સુરત ખમણથી દુર ના રહી શકે અને એ સુરતીલાલાથી. પીળા તપકતા સોનાથી કમ જરાય ઉતરે એમ નથી. એના પર વળી રાઈના કાળા દાણા એવા તે ચીપકીને લાગેલા હોય કે જાણે ખમણનું ચોસલું એનું છેલ્લા કેટલાય જન્મોથી પ્રેમ-એ-ઇશ્ક ના ગીત ગાતા હોઈ એવું દીસે. જાણે કે સોળ હાજર એક સો ને આઠ, રાણીઓ થી ઘેરાયેલો મારો વાલીડો ‘કાનો’ સુમધુર પ્રેમની સુવાસ ફેલાવતો હોય એવું લાગે. નાના-મોટા-વૃદ્ધ-વડીલ-બુઝુર્ગ બધા જ ખમણ મોં માં મુકતા જ ને બધા જ દાંત એને બચીઓ ભરવા તૈયાર થઇ જતા હોય એવું લાગે અને જીભ તો જાણે ગાય પોતાના વાછરડાને જીભથી વ્હાલ કરતી હોય એમ એને વ્હાલ કરે. આ સમયે જડબા જાણે એને પોતાના સહવાસમાં લેવા માંગતા હોય એવું પ્રતીત થાય. અને, સાથે મસ્ત તીખી મરચી આગળના બે દાંતથી કાપીને જાણે ‘હેપ્પીડેંટ’ ની ‘એડ’ આપતા હોઈએ એવું લાગે. ખમણની સાથે પછી ખમણની જ ચટણી હોય , જબરું કેહવાય હે ને…?

http://i.ytimg.com/vi/atnVqgru-qY/maxresdefault.jpg

સવારના લાંબા વણેલા ગાંઠીયાની સાથે જલેબી…આહહાહા ..સાલું સ્વર્ગ છે તો અહી જ છે. એટલે કાશીની દોડધામ કરવી નહિ. જે થાળીમાં ખાધું હોય આખી જીંદગી એ થાળીમાં જ હાથ ધોવા જોઈએ ને…..? જલેબી ! સ્ત્રીમાત્ર જલેબી જેવી હોય છે! રસભરી, મધુરી, હુંફાળી, ચળકતી, સોનેરી, ગુલાબ જેવી મહેકતી અને કેસર જેવી તેજ, ચાસણીને ચૂસી લેતી અને જોતાવેંત ખાઈ જવાનું મન થાય એવી! અને એવી જ ગૂંચળા જેવી! જેનો તાગ કદી ન મળે એવી ભુલભુલામણી ! એને આખી ને આખી ચાખી શકાય, મોમાં મૂકી શકાય પણ એના વમળવર્તુળોને પારખી ના શકાય ! આપણે સ્વાદ થી કામ રાખવું, ગૂંચળા ઉકેલવાની ભાંગજડમાં ના પડવું ! ખરેખર તો જલેબીનું ભારતીય નામ ‘જલવલ્લિકા’ છે, એટલે કે (લાગણીનું) પાણી સમાવતા ગૂંચળા !

આવા વ્યંજનો ઘડીએ ને પોરે ખાવાનું મન કોને ન થાય? રજાઓમાં ભરબપ્પોરે પણ ક્ષીરસાગરમાં પોઢેલા લક્ષ્મીપતિ વિષ્ણુ જેવી નિદ્રા માણો એવી તનદુરસ્તી, મનદુરસ્તી અને ધનદુરસ્તીની સ્પાઈસી વિશિઝ ..બટ, ડુ યુ નો? આ ક્ષીર એટલે દૂધ, મૂળ સંસ્કૃતમાં ક્ષર્ એટલે (વક્ષમાંથી) ઝમતું, ટપકતું પ્રવાહી.(વક્ષ એટલે સ્તન- ‘ગમારગાંડા’ અને ‘બાળક’ જેવા બિરાદરો માટે સ્પેસિફાઈ કરવું પડ્યું). ક્ષીરમાંથી જ બન્યો શબ્દ આપણી સદાબહાર ખીર !. એ જ શબ્દ ફારસીમાં જતા ‘શીર’ થયો , એમાંથી જ શીરો, શીર-ખુરમાં જેવી વાનગીઓના નામ પડ્યા (‘ખાંડ’નું ફારસીમાં ‘કંદ’ થઇ યુરોપ માં ‘કેન્ડી’ થયું એમ સ્તો!).

ટહુકો : “અન્ન અને મન આજીવન મિષ્ટ રહે, એ ખરીદવા/બનાવવા જેટલું ધન અને પચાવવા જેવું તન રહે અને મોં માંથી પાણીના ફુવારા છૂટે એ માટે શરીરની અંદર સૂતેલો જેઠાલાલ જાગૃત રહે.”

related posts

‘બાળક’નું ‘બ્રહ્માસ્ત્ર’ : ‘ભેંકડો’

‘બાળક’નું ‘બ્રહ્માસ્ત્ર’ : ‘ભેંકડો’

છૂકર મેરે મન કો..કિયા તૂને ક્યા ઈશારા ?

છૂકર મેરે મન કો..કિયા તૂને ક્યા ઈશારા ?