વૃદ્ધાશ્રમનો વાયરો વ્હાલો તો ખરો….!

http://www.murrays.co.uk/wp-content/uploads/2013/04/Parkinsons-drug-could-help-old-people-decide.jpg

આજે મમ્મીનો બર્થ ડે છે અને દાદાની પુણ્યતિથી.

બંને પ્રસંગની ઉજવણી સાથે કઈ રીતે કરવી? આ પ્રશ્નના જવાબ માટે આજે સવારે ૭:૩૦ વાગ્યે વૃદ્ધાશ્રમમાં હું, પપ્પા, મમ્મી અને ભાઈ જઈ આવ્યા.
અંદર જતા જ ખુબ સરસ દ્રશ્યો જોયા.

એક દાદા પોતાની લાકડી લઈને ગાર્ડનમાં ચાલતા હતા. દાદી પ્રાર્થના-પૂજા કરતા હતા. કોઈ અગરબત્તી કરતુ હતું. કોઈ પોતાના ટુવાલ સુકવતું હતું. કોઈ પ્રાણાયામ-યોગા કરતા હતા. કેટલાક દવાની ગોળીઓ પીતા હતા. દરેક કોઈને કોઈ પ્રવૃત્તિ કરતા હતા. તેની બાજુના બિલ્ડીંગમાં એક સરસ મજાનું મંદિર હતું. અમે પહોચ્યા અને તરત જ આરતી માટે બધા જ એકઠા થઇ ગયા. આરતી પૂરી થયા પછી દરેકને મળ્યા.

એક દાદી એ મમ્મીને કહ્યું, “મારા દીકરી તમારી જેવી જ દેખાય છે. તેની મને બહુ યાદ આવે. પરંતુ, એ લગ્ન કરીને વિદેશ જતી રહી અને દીકરો….” થોડા અટવાયા, ગૂંચવાયા અને શબ્દો સાથેની લાગણીઓમાં ભરાયા. ફરી પાછા શબ્દોની માળા ગૂંથીને જેમ તેમ બોલ્યા, “કહેવા ખાતરના દીકરા..! સંતાનોને ભારરૂપ ન લાગીએ એટલે અહી સામે ચાલીને અહી આવી ગયા છીએ. જો કે વિદેશથી દીકરીનો પણ ફોન આવતો નથી, ક્યારેક અમે અહીંથી પ્રસંગોપાત કરીએ તો વાત કરે…!” પછી એમની આંખોના ખૂણા ખરેખર આંસુથી છલકાયા.
તેઓ તરત મારી મમ્મીને ભેટી પડ્યા અને કહ્યું, “જાડા થાવ તમે..! કાલે ઘરે વહુ આવે એટલા મોટા છોકરા થઇ ગયા છે, હજુ તમે જ વહુ જેવા લાગો છો.” અને ફરીથી હસી પડ્યા.

ધીરે-ધીરે બધી રૂમ પર જઈને દરેક દાદા-દાદીની મુલાકાત લીધી. કુલ ૨૭ રૂમો હતી. અને દરેકની ૨૭ સ્ટોરી હતી. ખુબ જ લાગણીશીલ, હૃદયદ્રાવક અને ભાવથી ભીની. દરેકને શાંતિથી સાંભળ્યા. જિંદગીના છેલ્લા પડાવ પર ઉભા રહીને જે વ્યક્તિ બોલતો હોય તે બ્રહ્મવાક્ય જ હોય, અમલ કરવું, જીવનમાં ઉતારવું.

છેવટે પપ્પા એ કહ્યું કે, “જેમને પણ તકલીફ હશે તેઓને હોસ્પિટલમાં બને એટલા ઓછા ચાર્જમાં સારવાર કરીશ. ઉપરાંત, હું અહી તમને મળવા અવાર-નવાર આવતો રહીશ.” દરેક દાદા-દાદી ખુશ થઇ ગયા. દરેક એ તાળી પાડી.

તેમની સાથે વાતો કરી, તેમના દુઃખમાં ભાગીદાર બનીને તેમની જિંદગીનો અમુક સમય સાચવ્યો. આ ઉંમરે કોઈ પણ વ્યક્તિનું હૃદય બાળક જેવું હોય છે. જેમ બાળકને પ્રેમ કરીએ છીએ, તેવો પ્રેમ જો માતા-પિતાને પણ કરીએ તો કદાચ તેમને જિંદગીના છેલ્લા દિવસો આવી રીતે પસાર ન કરવા પડે. દોસ્ત,..! પોતાના સંતાનથી દુર રહેવું કોઈને નથી ગમતું. એક સમય એવો હતો જયારે આપણે અશક્ત હતા ત્યારે મમ્મી-પપ્પાની આંગળી છોડતા નહોતા. આજે જયારે તેઓ એ પાછું માંગે છે ત્યારે સાથ આપવામાં શરમ લાગે છે.

દરેક દાદા-દાદીને અમે બંને ભાઈઓએ જે ઘરેથી પ્રસાદી લઇ ગયા હતા તે આપી અને દરેક એ માથા પર હાથ મુકીને આશીર્વાદ આપ્યા. એ શાંત વાતાવરણમાંથી નીકળવું નહોતું ગમતું. દિલ કહેતું હતું કે એમના દરેક સુખદુઃખની લ્હાણી એમની સાથે મળીને કરું. આજે ફરીથી અભિમાન ચકનાચૂર થઈને તળિયે બેસી ગયું અને અનુભવના ટોપલામાં ફરી એક હૃદયસ્પર્શી સમય ઉમેરાયો.

ટહુકો : “જો તમે સશક્ત છો, દિલથી કોઈના દુઃખના ભાગીદાર બનવા નિ:શંક છો, તો દુનિયામાં કેટલાયે લોકો તમારી રાહ જોઇને બેઠા છે. પરંતુ, મદદ એવી સિફતાઈથી કરજો કે જેથી એક હાથે અપાય તો બીજો હાથ તેનાથી અજાણ હોય.”

related posts

Only Thala, Jersey no. 7!

Only Thala, Jersey no. 7!

વૃદ્ધાશ્રમનો વાયરો વ્હાલો તો ખરો….!

વૃદ્ધાશ્રમનો વાયરો વ્હાલો તો ખરો….!