વર્ષાંતે, પ્રેમનું લેખું-જોખું!

પ્રિય ચંદનચકોરી,

વિષય: લગ્નની વાર્ષિક સભા

નોટબંધીમાં બંધાયેલી આપણી ગાંઠ આપણને તો ફળી છે. આખરે વર્ષ થઈ ગયું. ‘લાલાના મેરેજ કઈ બાજુ છે?’ એવું આપણા લગ્નસ્થળે કહેતા ઘણાં લોકો મળ્યાં હતાં. ખીચોખીચ દરબાર ભરાયો હતો અને એમાં આપણે બંને થોડીક વધુ સજાવેલી ખુરશી પર ત્રણેક કલાકથી બેઠાં હતા. બાવીસેક મિત્રો અને બારસો જણની અનુક્રમે ગીફ્ટ અને ચાંદલો બીજે જ દિવસે વટાવવામાં ખપી ગયેલા. લગ્નના બીજા દિવસે ચાંદલો કરીને તારો ઘરવાળો સાડા ચાર કલાક લાંબી લાઈનમાં ઊભા રહીને સાડા ચોવીસ હજારનો જૂની નોટોનો બેંકને ચાંદલો કરાવવા ઊભો હતો. મોટી પાર્ટીઓએ (એટલા ઓછા!) ગયે વર્ષે એમ પણ બધે જરૂર કરતાં મોટા-મોટા ચાંદલા જ કરાવેલા.

છેવટે, સાળાઓને પરણાવી દસેક દિવસે બધું સમુસૂતરું પાર પડ્યું. હરખમાં ને હરખમાં રોજેરોજ દાઢીને શેપ અપાવવા ગયો. લગ્નનો ફાયદો એ કે છોકરાને બ્લિચિંગ, ફેશિયલ અને ફેસ મસાજમાં ખબર પડવા લાગે, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરીમાં ફર્ક શું હોય એની જરા ઘડ બેસે અને આખાયે ઘરને માર્કેટમાં આવું યે આવે? એની સૂઝ પડે. ચૌટા બજાર અને ટેક્સટાઈલ માર્કેટોમાંથી ત્રણ આંકડામાં જેણે આખી જિંદગી સાડીઓ લીધી હોય એ સીધી જ ‘આસોપાલવ’માં પાંચ આંકડાની સાડીઓની ખરીદી કરે અને સામે છેડે બકરો કપાય, દલ્લામાંથી સીધો જ ઢગલો ઓછો થાય અને દુકાનના રિસેપ્શન પર પર્સ લઈને ઉભેલા બાપાને પ્રેશર આવે કાં તો એસિડીટી થઈ જાય. ચણિયા ચોલીને ‘ચોલી’ કહેવાય એ અર્થ સમજાય. સોનુ પછી ક્યારે લેશો (એટલે કે છોકરામાં લગ્ન પછીયે સોનુ લેવાની ત્રેવડ નથી તેવું સાબિત થાય) એવું વિચારીને ઢગલે મોઢે જ્વેલરી ખરીદવાની. થોડાંક માથે કરવાના, પછી અમુક વર્ષ બાપ-દીકરો બંને ભર્યા કરે, કોઈકના, પોતાની કમાણીમાંથી!

પણ જબરજસ્ત દ્રશ્ય હોય છે. લગ્ન એટલે મજા નહીં પણ લગ્ન એટલે ટેન્શન. મહિનાઓથી ટેન્શનમાં લોકો ફરતા હોય છે (જો કે, આપણને જરાયે હતું નહીં). બોલ પપ્પાના કોર્ટમાં હતો એટલે ‘પપ્પા છે ને!’ કરીને આપણે તો ફૂલ ખર્ચા કર્યે જતાં હતા. કારણ કે, સમજણની પાટી એ વખતે થોડી કોરી હતી. મને તો લગ્ન કરવામાં જ મજા આવતી હતી.

હા, પણ એ પછી મહાબળેશ્વરનું તાપોલા લેક, સાંજના સાત વાગ્યાનો સમય, અંધકાર, અદ્ભુત કુદરત, આપણે બંને એકલા, સાથે એક મછવારો, કડક ઠંડી અને તડક ભડક આપણે બંને! ડીસાનું સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, અંકલ્સ પીઝા, મોટું ઘર ’ને નીરવ શાંતિ. મકાનમાલિકનો કડવો અનુભવ, થોડીક કરકસર, સૂવા માટે બે ગોદડાં અને જમીન. મારા શનિ-રવિના અપ-ડાઉન, ખીચોખીચ ભરેલી બસમાં મહેસાણા સુધી ઉભા રહીને કાપેલી મજલો, એમ્બ્યુલન્સ અને ટેમ્પામાં બેસીને રાત્રે બે વાગ્યે ડીસા પહોંચવું, પાલનપુરની અચાનક સફર, પાટણની રાણકી વાવ, મમ્મીઓ અને પપ્પાઓનું આવવું-જવું અને અઠવાડિયું જલ્દી પૂરું થાય તેની સોમવારની સવારે સાડા પાંચ વાગ્યે ડીસા-અમદાવાદ બસમાં આવતો વિચાર, તારી ચિંતા અને કુદરતને હેમખેમ રાખવાની પ્રાર્થના.

આબુમાં સફર અને અંબાજી દર્શન, તારા ઓફિસ કલીગના માણેલા ઓફબીટ લગ્ન, ડીસાની ખાણીપીણી બજારમાં કડકડતી ઠંડીમાં ખાધેલો ચોકલેટ બરફગોળો, ખૂબ સસ્તું અને ટૂંકમાં નીકળતો મહિનો. અનેક યાદો જોડાયેલી રહી. આ ગાળો આપણા માટે એકબીજાને સમજવાનો સમયગાળો બની રહ્યો. ધીરે-ધીરે આર્થિક પ્રગતિ થઈ, અમદાવાદ આવ્યા અને મસમોટાં ખર્ચાઓ શરુ. ફરી ગાડું ત્યાંને ત્યાં જ આવીને ઉભુ રહ્યું.

પણ એનું જ નામ તો સહજીવન છે, ચકોર. પહેલું સિંગલ ડૉરનું ફ્રીજ, પહેલું નાનકડું ટીવી, રસોડાનો થોડો સામાન, સૂવાના નામે માત્ર એકાદ-બે ગોદડાં અને ઓઢવા ધાબળા, આડોશ-પાડોશ અને સારા માણસો. હંમેશા આપણને એક એવો વર્ગ મળ્યો જેણે હંમેશા કોઈને કોઈ રીતે મદદ કરી. કદાચ તારી સારી વર્તણૂંકને લીધે જ એ બધું શક્ય બન્યું. ચાલ ને, બહેનપણી આપણે જીવનનો અડકો-દડકો રમીએ. સુખ-દુઃખ જોઈએ અને તડકી-છાંયડી અનુભવીએ. બધું અસ્તવ્યસ્ત જ રહેશે, સિવાય કે આપણો પરસ્પર પ્રેમ. રાત્રે પડખું બદલીએ અને જરા વારે સુકૂન મળે તેમ જ પડખીઓ બદલ્યા કરીશું.

અંતે, આપણે મળ્યાં તેને બે વર્ષ થવા આવ્યા. વજનમાં હું ‘સાત’ને આંબ્યો. તું બે રન લઈને ‘પાંચ’ની બહાર નીકળી જા તેવી આ શિયાળામાં ‘ખજૂરપાક, અડદિયાદેવ અને સુખડી દેવી’ને ચેતવણી. આ વર્ષની જેમ દર વર્ષે બબ્બે હનીમૂન કરવા મળે અને ખિસ્સા ભરાયેલાં રહે તેવી ભગવાનને નોટિસ.

લિ. એકમાત્ર થોડો ‘વધુ’ જાડિયો ગુલાબશટર.

related posts

સ્વામી વિવેકાનંદ : આધુનિક માનવનાં આદર્શ પ્રતિનિધિ

સ્વામી વિવેકાનંદ : આધુનિક માનવનાં આદર્શ પ્રતિનિધિ

कहानी भी क्यूट बनती है!

कहानी भी क्यूट बनती है!