‘લેઝિમ’ અને ‘ડમ્બેલ્સ’ની યાદ …!

કાનમાં ગુંજે છે એ ‘લેઝિમ’ અને ‘ડમ્બેલ્સ’ના અવાજ. પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળામાંથી યોજાતા ફંક્શનમાં ૧૦ દિવસ અગાઉથી મહેનત શરુ થઇ જતી. એ વખતે દેશપ્રેમ શું કહેવાય એ ખ્યાલ નહોતો. પરંતુ, દેશ માટે દિલ ચોખ્ખી સરગમથી ધડકતા હતા. સવારે મમ્મી વાળ ઓળીને સ્કૂલે મોકલતી. એકદમ સરસ પાથી પડેલી હોય અને શર્ટના ખિસ્સા પર ભારતના ‘ઝંડા’નો ‘બિલ્લો’ લાગતા જ દિલ દેશ માટે ધડકવા લાગતા. એ ‘બિલ્લો‘ બહુ મોટી વાત હતી, જે માત્ર ફંક્શનમાં પરફોર્મ કરનાર વ્યક્તિને જ મળતો. તે સ્પેશિયલ ‘બિલ્લા’ને થોડા-થોડા સમયે જોઇને ખુશ થઇ જતા અને તેના પર એક હાથ ફેરવી લેતા. ધ્વજવંદનમાં એટલી મજા નહોતી જેટલી તેના પછીના ફંક્શનમાં પરફોર્મન્સ આપવાની હતી. છતાં, જયારે હાથ કપાળ પર લઈ સલામી પડે અને નજર ઉંચે ચડે ત્યારે ફરફરતો ‘ઝંડો’ આજેય મગજમાં એ જ સ્વરૂપે ફરકે છે, એ દેશપ્રેમ નહિ પણ ગૌરવની લાગણીનું રસપાન જરૂરથી કરાવતું. જન-ગણ-મન અમે જોર-જોરથી ગળું ફાડીને બોલતા, જે ખરેખર દેશપ્રેમ હૃદય ફાડીને બહાર નીકળતો હતો. ઇનોસન્ટ બનીને, નિર્દોષતાથી જ. જયારે ખ્યાલ ન હોય કે જે દિલથી કરીએ છીએ તેનું તાત્પર્ય શું છે, તે જ તો સાચો પ્રેમ છે, દેશપ્રેમ છે. તેના પછી ‘લેઝિમ’ અને ‘ડમ્બેલ્સ’ના દાવ કરતી વખતેે ઓડિયન્સમાં બેઠેલ લોકો સામે જોયા કરીએ. જયારે એ લોકો તાળીઓ પડે ત્યારે અદભુત પ્રકારનો નિજાનંદ મળતો. ત્યારે ખિસ્સા પર લગાડેલ ‘બિલ્લો’ જરા ગજ-ગજ ફૂલાયેલ છાતીને લીધે બહાર નીકળી આવતો. એક ચોકલેટ લઈને ઘરે આવતા અને પછી શહીદ ભગતસિંહ’, ‘બોર્ડર’, અને ‘LOC’માંથી કોઈ એક ફિલ્મ આખા દિવસમાં જોવાનું. આગલા દિવસથી એ ઇન્તેઝારી હોય, કે ક્યારે એ ફિલ્મ જોઈશું? રિમોટ કોઈ અન્યના હાથમાં આપ્યા વિના બાળક બનીને જ ટગર-ટગર ફિલ્મ જોઈ લેતા. એ ફિલ્મોની અસર ઘણા સમય સુધી રહેતી. સ્કુલમાં એ ફિલ્મોના ડાયલોગ્સ અને સોંગ્સને રિસેસમાં મમળાવતા.

સાર્વભૌમત્વ, બિનસાંપ્રદાયિકતા, અરાજકતા, અસહિષ્ણુતા અને સ્વતંત્રતાની સ્વીકૃતિ સાધતો સુસંસ્કૃત સમાજ ખરેખર પ્રજાસત્તાક છે ખરો? કારણ કે, બાળક હતા ત્યારે મુસ્લિમનો છોકરો મારી બેંચ પર બેસતો. ખ્રિસ્ત સાથે લંચ કરતો. પારસીની છોકરી ગમતી, કોણ શું કહેશે તેની ચિંતા વિના જ…! સ્કૂલના બારણેથી મળેલ આ વારસો વર્ષો સુધી જળવાઈ રહે છે, સ્કૂલના બારણે જ મૂકીને બહાર નીકળી જવાય છે.

related posts

#સફરનામા: તમે સ્વતંત્રતાને કદી અનુભવી છે ખરા?

#સફરનામા: તમે સ્વતંત્રતાને કદી અનુભવી છે ખરા?

બાળકનું ‘બચપણ’ બચ્યું કે….?

બાળકનું ‘બચપણ’ બચ્યું કે….?