ઓ સરલા, લોચો લાવજે ની !- (પારસી કાકાનો લોચો)  

 

મધ્યમ કદ-કાઠી ધરાવતો મીઠી સાકાર જેવો એ પારસી.

પીળી કિનારી ધરાવતી સફેદ ટોપી, પૈસા મૂકવા માટે પેટ પાસે ખિસ્સું બનેલ હોય તેવું બનિયાન અને સહેજ તંગ સુતરાઉ લેંઘો. કરચલી પડી ગયેલ ચામડી અને બે-તાળાના જાડા કાચમાંથી સતત ચકળ-વકળ થતી આંખો. નાક પર ટેકાયેલ ચશ્માની ફ્રેમ પર વીંટાયેલો દોરો અને ગળામાં લટકતી રહેતી એક રુદ્રાક્ષની માળા.

સવારના પ્હોરમાં સાતેક વાગ્યે કાકાના ઘેરથી લોચાની સુગંધ આવવાની શરુ થઇ જાય. ત્રિકમનાગર વિસ્તારમાં પારસી કાકાના ઘરની દીવાલે અડકીને રહેલો શહીદ ભગતસિંહ ઉદ્યાનમાં ચાલવા આવતા જોગર્સથી કસ્ટમર્સની શરૂઆત થાય. કલાક સુધી જોગિંગ અને કસરત કર્યા પછી અંતે એક ડીશ સ્વાદિષ્ટ લોચો ખાધા વિના ઘરે પાછું ન ફરાય !

હું લગભગ આઠમાં ધોરણમાં આવ્યો ત્યારે મારો મિત્ર હાર્દિક મને કાકાને ત્યાં લોચો ખાવા માટે લઇ ગયેલો. તે સમયે તેમની તંદુરસ્તી ખૂબ સારી હતી. ત્યારથી હું ‘કાકાનો લોચો’ નામની વસ્તુનો બ્રાંડ એમ્બેસેડર અને તેનો માર્કેટિંગ મેન પણ બની ગયેલો.

અમે જેવા એ મકાનમાં પ્રવેશતાં એટલે તરત જ કાકા એકદમ ઉત્સાહથી બોલાવે.

“આવો ડિકરાઓ ! બો દા’ડે આઈવા. આજ-કાલ આ રસ્તે બી ડેખાતાં નથી કેમ ? પડીકસા ચાલે છેમ ?”

“એ તો બઢુ આઇવા જ કરસે, લોચો ખાઈને મજ્જા કરો ડિકરાઓ !”

તરત જ એમના અર્ધાંગિની સરલાકાકીને બૂમ નાખે, “ઓ સરલા ! લોચો લાવ્જે ની, છોકરાઓ કેટલીક રાહ જોવાના એમ કે ?”

ઘણાં વર્ષો કાકાને ત્યાં લોચો ખાધાં પછી એક સંબંધ બંધાઈ ગયો. અમે મજાકમાં ઘણીવાર કાકાને પૂછીએ, “સરલાકાકી હંમેશા સમયસર લોચો લઇ આવે છે, છતાં તમે તેને કેમ બૂમ નાખો છો ?”

આવા સમયે એક વખત તેમણે અમને કહેલું, “જુઓ પોયરાઓ, હું જેમ રાડ નાખીસ ને, ટેમ તારી સરલાકાકી બ્હાર આવસે. આજ પન મારી સરલાનો ચહેરો જોઇને મેં ખુસ થિયા કરું છું.” એમ કહીને કાકા હંમેશા હસી પડતાં.

થોડીવારમાં જ સરલાકાકી એક ચોકીમાં ગરમા-ગરમ લોચો લઈને આવે. તેના પર એક રૂમાલ ઢાંકેલો હોય અને કાકા તરત જ બધાને એ લોચો વહેંચી આપે. જયારે-જયારે કાકા બૂમ મારે ત્યારે સરલાકાકી હસીને રૂમની બહાર જુએ. લોચા જોડે કોઈ ચટણીની જરૂર ન જણાય. લોચાની ઉપર તેલ કે માખણ નાખીને ઉપરથી મસાલો છીડકે અને ચમચીએ કરીને તેને દાબે. કાકા લોચામાં તેલ બહુ નાખતાં, ત્યારે ખીલ થવાની બીકે અમે કાકાને ઓછું તેલ નાખવાનું કહેતા. એ સમયે કાકા બહુ રંગીનીયતમાં જવાબ આપતા,

“એ છોરાઓ, સામ્મેના ટેબલ પર નાહી જાઉં તો જોઉં ! મને લોચો બનાવવા ડો ને યાર, ટેલ વિના સું મજા લેવાના એમ કે ? લોચામાં થોડું વઢુ ટેલ-બટર હોઈ તિયારે કંઇક મજ્જા પડે.”

કોઈ એક્સ્ટ્રા ચિઝ કે કોલ્ડ-ડ્રિન્ક્સ માંગે તો કાકા તેને પોતાના આગવા અંદાજમાં જવાબ આપે.

“ડિકરા, ચિઝ ક્યુબ જોઈએ છ ? તો સામેનાં ફ્ડીઝમાંથી લઇ લેવાનું, અને ‘માજા’ ટો છોકરીઓ પીવે, મારી સરલાની જેમ !”

એક વખત એવું બન્યું કે, લોચો ખાઈ લીધો અને ખિસ્સામાંથી પૈસા ન નીકળ્યા. માત્ર પાંચની એક નોટ નીકળી. થોડીવાર આમતેમ ફાંફા લગાવ્યા અને પરસેવો વળી ગયો. છેવટે, એવું વિચાર્યું કે કાકાને જઈને બધું સાચું કહી દેવું. હું જેવો કાકા તરફ ગયો ત્યારે તેમણે સામેથી કહ્યું, “એ ડિકરા, ટેન્સન ની લેવાનું. એ ટો ઠાય. હું હવાર-હવારમાં સરલા માટે દૂઢ લેવા જામ તિયારે મારી પાસેઠીન પન કડી પૈસા નથી નીકળતા. એ દૂઢવાલો પન મને કડીક જવા ડે છે. ચાલિયા કરે એવું, મનુસ્ય જ જો એક-બીજાની મડડ ની કરસે તો કોન કરવાનું છે ? બીજી વાડ આવે તિયારે આપી ડે જે. જા હવે, ટૂસન ભાગ.”

કાકાએ બીજા પાંચ રૂપિયા આપ્યા અને કહ્યું કે, “આ ખિસ્સામાં પૂરી ડે, પાંચ રૂપિયાની બીજી નોટ. ખિસ્સું કડી ખાલી નહિ રાખવાનું, હંમેસા ડસ રૂપિયા રાખવાના જ ! રસ્તામાં પંચર પડી જહે સાઈકિલને ટો કાંઠી પૈહા લાવીસ ?”

આ પ્રસંગ મને હજુ યાદ છે. બીજી વખત જયારે હું લોચો ખાવા ગયો અને મેં અગાઉના બાકી પૈસા પાછા આપેલા ત્યારે તેમણે તે પૈસા ન લીધા અને ઉપરથી તેટલાનો બીજો લોચો ખવડાવેલો.

સરલા કાકી અને તે કાકાનો સંબંધ વર્ષો સુધી જેમનો તેમ રહ્યો. અંતે, કાકીએ દુનિયામાંથી વિદાય લીધી. અમુક સમય સુધી કાકાએ ઘરે કામવાળી બાઈ રાખી, પરંતુ એ કામમાં સરલા જેવી મજા નહોતી. થોડા સમયમાં કાકા પણ સરલાનો પીછો કરતાંક ચાલી નીકળ્યા. લગભગ પાંચ-છ મહિના પહેલા કાકાનું અવસાન થયું. બહુ વર્ષો સુધી બંનેએ લોચો બનાવ્યો અને ઘર ચલાવતા રહ્યા. ધીરે-ધીરે મકાન મોટું બનાવતા ગયા અને પોતાના સંતાનોને વિદેશ સુધી સેટલ કર્યા. કાકા પોતાના ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતાં પોતાના દીકરાની વાતો બહુ કરતા.

પ્રેમ વહેંચ્યો હોય તેમનો સંસાર હંમેશા પ્રેમની ધુરા પર જ ચાલતો રહેતો હોય છે. આજે પણ એ સરલાકાકીના લોચા જેટલી સોફ્ટનેસ અન્ય કોઈ બ્રાન્ડનેમ બની ચૂકેલ કંપનીના વિવિધ લોચાઓમાં નથી આવતી.

(થોડા દિવસો પહેલા સુરતના મહેમાન બનેલા મારા મિત્ર કિરણ કાપુરે અને હર્ષ પંચાલને એ ‘કાકાનો લોચો’ ખવડાવવા લઇ ગયો ત્યારે તેમના દેહાંતની વાત થઇ. આ વાત સાંભળીને એ હંમેશા હસતો ચહેરો નજર સમક્ષ ચડી ગયો.)

 

related posts

‘ટૂંકી વાર્તા એટલે તણખો – ઊર્મિ અને વિચારનો.’ – ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. (ધૂમકેતુ)

‘ટૂંકી વાર્તા એટલે તણખો – ઊર્મિ અને વિચારનો.’ – ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. (ધૂમકેતુ)

વૃદ્ધાશ્રમનો વાયરો વ્હાલો તો ખરો….!

વૃદ્ધાશ્રમનો વાયરો વ્હાલો તો ખરો….!