લવ મેરેજ કે અરેંજ મેરેજ ?

सानन्दं सदनं सुताश्च सुधिय: कान्ता प्रियभाषिणी

सन्मित्रं सुघनं स्वयोषिति रतिश्चज्ञापरा: सेवका: |

आतिथ्यं शिवपूजनं प्रतिदिनं मिष्टान्नं गृहे

साधो संगुपासते हि सततं धन्यो गृहस्थाश्रम: ||

“ઘર આનંદથી કિલ્લોલતું હોય, બુદ્ધિશાળી સંતાનો હોય, મધુભાષિણી સ્ત્રી હોય, સન્મિત્ર હોય, ન્યાયપ્રાપ્ત ધનવૈભવ હોય, પોતાની પત્નીમાં જ પ્રેમ હોય, આજ્ઞાંકિત સેવકો હોય, અતિથિઓનો આદર – સત્કાર થતો હોય, શિવનું ઇષ્ટપૂજન થતું હોય, રોજેરોજ મિષ્ટાન્ન અને પીણાં પ્રાપ્ત થતા હોય, સાધુ સજ્જનોનો સંગ હોય – આ બધું જેમાં સુલભ થાય તે ગૃહસ્થાશ્રમ ધન્ય છે.

ભારતીય સંસ્કૃતિના પાંચ પ્રાણ

  • વર્ણાશ્રમ વ્યવસ્થા
  • પંચમહાયજ્ઞ
  • પુરુષાર્થ
  • સંસ્કાર
  • કર્મ પુનર્જન્મ

આ દરેકને સાંકળતા સોળ સંસ્કારોમાંનો એક એટલે વિવાહ સંસ્કાર.

વિવાહ : વિશેષ પ્રકારે વહન કરવું. શારીરિક સુખ કરતા ભાવનાત્મક, બૌદ્ધિક અને આત્મિક સુખ મહત્વના લાગવા એટલે વિવાહ. કન્યાને પત્ની બનાવી તેની જવાબદારી લેવી.

પાણિગ્રહણ : કન્યાનો હાથ પકડીને તેને પત્ની તરીકે સ્વીકારવી.

લગ્ન : સ્ત્રી – પુરુષનું પતિ અને પત્ની સ્વરૂપે જોડાઈ જવું. શારીરિક વિભિન્નતા દૂર કરીને મનનું ઐક્ય જાળવવું.

Marriage નો અર્થ,

Merging: સમર્પણ

Ambition: મહત્વાકાંક્ષા

Respect: આદર

Response: આવકાર

Intimacy: તાદાત્મ્ય

Accreditation: વિશ્વાસ

Gaiety: પ્રસન્નતા

Eternity: શાશ્વતતા

આ સોળમાં સંસ્કાર માટે આ સાત ગુણ હોય તો ભવસાગર ટૂંકો લાગે ! સહજીવન એ સહજ વૃત્તિ છે. વિરુદ્ધ જાતિનું આકર્ષણ નિર્માણ કરે છે. જાતીય આકર્ષણને બુદ્ધિપૂર્વક નિયંત્રણ મળે છે. નિયંત્રિત સહજીવન મહેકતો સમાજ નિર્માણ કરે છે. મન માર્યા સિવાય, સમજણથી ભદ્ર-દ્રષ્ટિ કેળવીને ભદ્ર-સમાજની રચના કરવી એટલે વિવાહ. મંત્રોબદ્ધ થયેલ આદર્શોને જીવનમાં નતમસ્તકે વણી લેવા તે એટલે લગ્ન-જીવન.

એકબીજાને નારાયણ અને નારાયણી સ્વરૂપે આદર આપવો, મધુપર્ક દ્વારા વરની પૂજા કરવી, મંગલાષ્ટક દ્વારા દૈવી જીવોનું સ્મરણ, વિવિધ પ્રતિજ્ઞાઓ અને અગ્નિની સાક્ષીએ ગુંથાતા તેજસ્વી મંત્રો – ઐક્ય સાધવા માટે મહત્વના પરિબળો છે.

મકરંદ દવે કહે છે,

ઉમા મહાદેવ સમું સમુન્નત

પદે પદે અમૃત પ્રેરનારું

ભાવૈક્યથી પૂર્ણ ભર્યું ભર્યું સદા

પ્રસન્ન દામ્પત્ય હજો તમારું.

-: અરેંજ મેરેજ :-

એક કિશોરી, જે લાંબા સમયથી લગ્નના છેક આગલા દિવસ સુધી ઇચ્છાઓના ‘વિશ બોક્સ’ને મનનાં ગર્ભગૃહમાં છુપાવીને બેઠી હોય છે. બીજા છેડે તેની જવાબદારી લેવા તૈયાર થયેલો યુવક મનમાં રહેલી આકાંક્ષા અને નાવીન્યને અનુભવ કરે છે. અજીબ પ્રકારનો ડર બંનેને સતાવે છે. પરંતુ, એ વ્યક્તિને પામવાની ઇચ્છાઓ અંતહીન અને અગાધ સમંદર જેટલી ઊંડી છે. જે આ ડરને મીઠી પીપરમિન્ટ જેવો બનાવી દે છે. કેટલીયે લાગણીઓને સમૃદ્ધ કરવા માટે બંને ઐક્યના તાંતણે જોડાય છે. મનમાં જન્મેલી આશાઓ પોતાના ‘બેટર હાફ’ સાથે પૂરી કરવાની મનમાં તલપ જાગે છે. હજુ ઘણું બાકી છે. શારીરિક સુખથી માંડીને અધ્યાત્મિક અનુભવ. બંધ ઇચ્છાઓના ડબ્બાઓને રસ્તો મળે તેવી બંનેની ઈચ્છા હોય છે.

“ઘર કેવું હશે? સાસરું કેવું હશે? ત્યાંના લોકો કેવા હશે? મને તકલીફ તો નહિ આપે ને? – અરે ના, હું સંભાળી લઈશ. મનાવી લઈશ. મારા અર્ધાંગ મારો સાથ આપશે. મને દુનિયાની બદીઓથી બચાવશે. મને ત્યાં સાસુ-સસરાના બદલે મમ્મી-પપ્પા મળશે? હું તેમને તકલીફ નહિ પડવા દઉં. મારી સાથે દુનિયાદારીની પ્રતિજ્ઞા તેઓ પણ લેવાના જ છે ને ! આર્થિક પ્રશ્નોમાં હું સાથ આપીશ. કરકસર પણ કરીશ. અમુક વાતોમાં નમતું પણ મુકીશ. છતાં, તેઓ મારો સાથ તો આપશે જ ને ! હું જ્યાં સાચી હોઈશ ત્યાં તેઓ હંમેશા મને પ્રોત્સાહિત કરશે જ ! મને વિશ્વાસ છે. કોઈ કારણોસર હું તેમને પ્રેમ નહિ આપી શકું તો?” – આ એક ગડમથલ સ્ત્રી તત્ત્વને હંમેશા થયા કરે છે. વિશ્વાસની સાથોસાથ એક પ્રકારનો ડર પણ મનમાં હોય છે. છતાં, એ ડરને તુચ્છ સમજીને નકારે છે.

“તેનો સ્વભાવ કેવો હશે? મારા કુટુંબને સાચવી તો લેશે ને? વધુ પડતી શોખીન હશે? સામાન્ય ઘરની છોકરીઓ મોટેભાગે સામાન્ય જ હોય છે. છતાં, કોઈ તકલીફ થશે તો? હું તેને વ્યવસ્થિત સાચવી નહિ શકું તો? મમ્મીના સ્વભાવ પ્રમાણે તે ઢળી જશે ખરી? તેના મમ્મી-પપ્પા હંમેશા અમારા પરિવાર પર ગર્વ કરે તેવી રીતે હું તેને સાચવીશ. ખુબ બધો પ્રેમ આપીશ. અમે બંને હળી-મળીને રહીશું. સામાજિક ધોરણે કુટુંબનું નામ ઊંચું કરીશ. દરેક જવાબદારીઓ ખુબ સભાનપણે નિભાવીશ. મારા લીધે કોઈને શરમ કે ગ્લાનિ અનુભવવા પડે તેવું વર્તન કદી નહિ કરું. છતાં, તેનો સ્વભાવ મારા સ્વભાવ સાથે મળશે નહિ તો?” – લગ્નના આગલા દિવસ સુધી યુવક આવા વિચારો કરે છે. છતાં, વિશ્વાસની સુગંધ ભેળવીને નકારાત્મકતાને દૂર કરે છે.

સપ્તપદી – માહ્યરાંમાં બેઠા હોય ત્યારે જે ગોર મહારાજ બોલે છે તેવું જ અનુકરણ કરવાનું બંને વિચારે છે.

હે ઈશ્વર,

આજથી અમારા જીવનમાં નવું પ્રસ્થાન થવા જઈ રહ્યું છે. તમારા આશિષ વડે અમારો ભવસાગરનો માર્ગ લીલોછમ કરતા રહેજો. એ માર્ગનું લક્ષ્ય પણ તમે જ રહેજો.

સુખ અને દુઃખ, લીલું – કોરું, માંદગી અને મસ્તીનું બેલેન્સ જાળવજો. શ્રદ્ધાથી અમે એકબીજાની સાથે રહીએ, એકબીજા પ્રત્યે માત્ર પ્રેમ દાખવીએ. પોતાના વિચારો બીજાના પર ન લાદીએ. સ્વતંત્રપણે બંને વિકસિત થઈએ. અન્યના વ્યક્તિત્વને સન્માન આપીએ.

અમે માત્ર આ પૃથ્વી પરના પ્રવાસીઓ નથી. જીવનના બધા સ્તરે, દરેક હેતુઓ સાથે મળીને સિદ્ધ કરવા બંધાયેલા છીએ. સપનાઓ સાકાર કરીને તેને નવી ઉડાન આપવાનો પ્રયત્ન કરતા રહીશું.

અમારા સંબંધોને અમે સાંસારિક અધિકારોનું માધ્યમ નહિ, એક માર્ગના યાત્રીઓ વચ્ચેની મૈત્રી ગણીએ. એકબીજાને હિંમતનું ‘કોન્ફિડન્સ બૂસ્ટર’ આપીને સબળ બનાવીએ.

અમારો પ્રેમ સમય વીત્યે એકબીજાને બાંધતી રાખતી સાંકળ ન બની રહે અને એ અમારી ઉડાનની પાંખો બને. જીવન માત્ર સમાધાન અને ગોઠવણીની વ્યવસ્થા ન બને પરંતુ હંમેશા ધબકતું હૃદય પ્રેમના છાંટણા કરતુ રહે.

અમારા સુખ-સલામતીમાં સંતોષ માનીને અમે ચાર દીવાલો વચ્ચે પૂરાઈ ન રહીએ. સહુને માટે દ્વાર ખોલીએ. મહેમાનને તેના ઘરની યાદ ન આવવા દઈએ. અમારા પ્રેમરૂપી માળામાં જે પગ મુકે તને હંમેશા ઠંડક મળે. એક ફૂલની જેમ સંબંધ ખીલે અને સુવાસ ફેલાવતો રહે.

પંખી બનીએ અને સાંજ પડ્યે એકમેકના ખોળામાં સુઈને પ્રેમભરી વાતો કરીએ. જયારે અમારા બે માંથી કોઈ એકને તમારા પુસ્તકના પાત્ર તરીકે પાછું ખેંચી લેશો ત્યારે શોકમાં ઝૂરી મારવાને બદલે જીવનની સાર્થકતાને યાદ કરીને તમારું એ જ પુસ્તકના પાત્રને જીવંત કરીને વાંચ્યા કરીશું.

એકબીજાના સાથથી પોતે ઉંચે ચડ્યાનું ગૌરવપૂર્વક કહી શકીએ તેવી આજના અવસરે અમારી પ્રાર્થના છે.

 

આ પ્રાર્થનાઓમાં માત્ર વર-વધુ જ નહિ, સમસ્ત કુટુંબીજનો અને દરેક મિત્રવર્તુળ કરે છે. દરેકના આશિષ બંને જીવ સાથે જોડાયેલા હોય છે. એકમેકને જાણવામાં અજાણ હોવાને લીધે તેઓ સમયની એરણે પરસ્પર લાગણીઓ અને પ્રેમના પુષ્પો વડે બંધબેસે છે. તેમની વચ્ચે નકારાત્મકતાને કોઈ વિશેષ સ્થાન હોતું નથી. એકબીજાને જાણીને બંને એક સરસ મજાની ફ્રેમમાં જડાઈ જાય છે. તેથી આ સંબંધ મહત્તમ મૃત્યુપર્યંત પણ જીવિત જ રહે છે.

-: લવ મેરેજ :-

યૌવનની ફોરમ પ્રસરાવતા યુગલો વડીલોને વંદન કરી પ્રસ્તુત શબ્દથી પોતાનો પરિચય આપીને ગૌરવ અનુભવે તે સંબંધ યોગ્ય છે. પોતાના માતા-પિતાને જે-તે પ્રેમસંબંધ માટે ગૌરવ અનુભવતા જોવા અને તેમના આશીર્વાદ લેવા એ એક લ્હાવો છે.

ગાંધર્વવિવાહનું એક પુન:જીવન હોય છે. લગ્ન પહેલા અને લગ્ન પછીનું ! શારીરિક સુખની અનુભૂતિ લગભગ લગ્ન પહેલા થઇ ચૂકી હોય છે. લગ્ન પછી તેના આસ્વાદની અભિલાષાઓ ખૂટતી જણાય છે. એકબીજાને જાણતા થયા પછી જ પ્રેમ થયો હોય તે સંબંધ પરિપક્વ બને છે. માત્ર શારીરિક સૌન્દર્યના આધારે પસંદ કરેલ સંબંધને લૂણો લાગતા વાર પણ નથી લાગતી. વૈભવને જ સર્વસ્વ ગણતાં વડીલો – જો સંસ્કાર અને સૌન્દર્ય ભૂલી જતા હોય તેવી પરિસ્થિતિમાં યુવક/યુવતીની પસંદગી જાતે જ કરવી જોઈએ. આજીવન દયનીય સ્થિતિમાં જીવવું તેના કરતા સહચર / સહચારિણીની પસંદગી પોતે જ કરવી હિતાવહ છે.

મનમેળ હોય તેવા યુગલો વડીલોની સંમતિથી વિવાહ કરે તો સોનામાં સુગંધ ભળે ! ગુણાકર્ષણમાં પરિણમતું દેહાકર્ષણ પ્રેમલગ્ન માટે અપેક્ષિત છે. જો વ્યક્તિના સ્વભાવ અને ગુણને આધારે કોઈ પાત્રની પોતાના માટે પસંદગી કરે તે પ્રેમ લગ્ન જીવનના અંતિમ શ્વાસ સુધી ટકી રહે છે.

કામમૂલક વિવાહ અપેક્ષિત પરિણામ ન લાવે. વાસનાને નિયંત્રિત કરવા માટે લગ્ન છે, પ્રદીપ્ત કરવા માટે નહિ. ઇન્દ્રિય સુખની ઘેલછા હંમેશા સર્વનાશમાં પરિણામે છે. ખટરાગરૂપી વિષવૃક્ષની વૃદ્ધિ એ કોઈ પણ કુટુંબ માટે અનિચ્છનીય છે. શારીરિક સુખ કરતા વધુ મહત્વના સુખ ભાવનાત્મક, બૌદ્ધિક અને આત્મિક સુખ હોય છે.

લગ્ન પહેલાના પ્રેમ માટે – નદી જેમ પોતાના રંગ, રૂપ, આકાર અને સ્વાદને ત્યજીને સાગરમાં ભળી જાય છે તેમજ સ્ત્રી પણ પોતાનું સમગ્ર અસ્તિત્વ પુરુષમાં ભેળવી નાખે તે અપેક્ષિત છે. દુધમાં ભળી ગયેલી સાકાર દેખાતી નથી પરંતુ પોતાના સ્વાદને આધારે પોતાના અસ્તિત્વની પ્રતીતિ કરાવે છે. સ્ત્રી ગુપ્ત રહીને પુરુષના જીવનની મીઠાશ વધારે છે. વ્યંજનમાં ભળેલો સ્વર દેખાતો નથી પરંતુ સ્વર વગરનો વ્યંજન લંગડો છે. પુરુષના જીવનમાં રહેલ શૂન્યાવકાશને ભરી નાખતી હોવાથી જ કદાચ એ ભાર્યા કહેવાતી હશે. પરંતુ, પ્રેમ-વિવાહની નિષ્ફળતા એ વાતનો પુરાવો આપે છે કે, પ્રેમ માત્ર શારીરિક ગતિવિધિનો મોહતાજ બનીને રહ્યો છે. આંતરિક વાસનાનો જથ્થો એકસાથે લગ્ન પહેલા ઠલવાઈ જાય છે. તે સમયે ઘરે લગ્નનો પ્રસ્તાવ મુકાય છે. જો લગ્નની મંજૂરી મળે તો લગ્ન પછી જે શારીરિક સુખ ભોગવવાનું છે તેનો છેદ ઉડીને રહી જાય છે. ખાલીપો લાગે છે. લગ્ન પછી જવાબદારીઓ અને સમાધાન સાથે જીવવાનું કઠિન લાગે છે. પ્રેમ કરતી વખતે આ કઠિનતાઓ સહેજે અનુભવાયેલી હોતી નથી. વ્યક્તિ બદલાઈ રહ્યો છે, અપેક્ષાઓ અધૂરી છૂટી જાય છે, લાગણીઓ શુષ્ક બને છે અને પ્રસંગો માતમ ! રસવિહીન જીવન અને કસવિહીન આત્મા. અંતે, વિવાહ વિચ્છેદના પ્રશ્નો ઉકેલાય છે. તેથી ગુણ, પરિસ્થિતિ અને કઠિનતાઓ સાથે કરેલો પ્રેમ શારીરિક આકર્ષણથી હંમેશા પર રહે છે. આવા પ્રેમલગ્નો હંમેશા ચંદનની જેમ મહેકતા રહે છે.

*****

‘न गृहं गृहमित्याह: गृहिणी गृहमुच्यते |’ આ વાક્ય નારીજીવનનું ગૌરવ છે.

ધર્માચરણ એ મહત્વની વાત છે. ધર્મ એ માનવીની વિશેષતા છે. પત્ની પોતાના પતિ સાથે ઉભી રહે. પતિનો ખભો પત્નીને ઢાલ અને આરામ લાગે. બ્રાહ્મણ, અગ્નિ અને વડીલોની સાક્ષીએ એકબીજાને પોતાનું જીવન અર્પણ થાય. મન, બુદ્ધિ અને અંતે અહંકારના સમર્પણ સુધી આગળ વધવું જોઈએ. આવું એકત્વ સંસારમાં સંગીત નિર્માણ કરે. જો તાદાત્મ્યતા નો ભાવ મનમાં ન પ્રગટે તો વિવાહ એક ઉપહાસ અને લગ્ન એક તમાશો બની રહે !

related posts

“મન મેં લડ્ડુ ફૂટા, ક્યાં ?…”

“મન મેં લડ્ડુ ફૂટા, ક્યાં ?…”

‘કપડાં’ ધોવાની પણ મજા છે…! ;-)

‘કપડાં’ ધોવાની પણ મજા છે…! ;-)