ભૈયું, એ તરફ નહિ. આ તરફ જવાનું છે. મારો હાથ પકડી લે તો…!

શિવરંજની ક્રોસ રોડ પાસેના બી.આર.ટી.એસ સ્ટેન્ડ પર સ્ટેન્ડિંગ પોઝિશનમાં બાપુનગર જવા માટે ૧૨ નંબરની બસની રાહે હતો. પંખીઓ પોતાના માળામાં પાછા ફરે એ સમયે લોકો પણ પોતાના ઘરે જવા માટે બસની રાહે હતા. બાપુનગર જવા માટે ઘણી બધી ભીડ હતી. બસ આવી અને અચાનક અચાનક પાછળથી ધક્કો લાગ્યો અને એકબીજાના ધક્કે બધા જ બસમાં પુરાઈ ગયા. ડ્રાઈવરે જેવું બસને એકસીલેટર આપ્યું, તરત જ બધા એકદમ ફિટ ગોઠવાઈ ગયા. પણ એ બસમાં ડાબી બાજુ દરવાજા પાસે રહેલા નીચેના દાદરમાં એક સરસ ઘટના આકાર લઈ રહી હતી.

એક સરસ મજાનું કપલ હતું, બંને વાતો કરતા હતા. હસતા હતા, મજાક કરતા હતા, એકબીજાને ચીડવતા હતા, ગુસ્સે થતા હતા, ફરીથી એકબીજાને મનાવતા હતા. પરંતુ, એક વાત બહુ અનરિયાલિસ્ટીક જણાઈ. બંને મૂક (dumb) હતા. બંને એકબીજા સાથે હાથના ઇશારાથી વાતો કરતા હતા, કિલ્લોલ કરતા હતા. હું પાછળના ધક્કે બસમાં જેવો ધકેલાયો અને તરત જ સામેના દરવાજા પાસે જઈને ઉભો રહ્યો. બસનો એ ક્લેમ્પ પકડીને હું એ બંનેની વાતોને નારી આંખે જોઈ રહ્યો હતો, સમજતો હતો, જાણવાનો પ્રયત્ન કરતો હતો.

એ છોકરી પોતાનો હાથ હૃદય પર મુકીને આંખ બંધ કરીને જાણે એવું કહેવાની કોશિશ કરતી હશે કે, ‘તું મારા દિલમાં છે. જયારે સામે છેડે છોકરો એ છોકરીનો હાથ પોતાના હૃદય પર મૂકી અને કહેતો હશે કે. ‘જો તું પણ અહી જ છે, મારા દિલમાં.’ હાથના કાંડાને સહેજ વાળીને આંગળીઓની મુઠ્ઠી બનાવીને કોઈ પક્ષીનું મુખ બનાવ્યું. છોકરા એ પણ એ હાથને કોણીથી વાળીને કાંડાથી કોઈ મોર જેવો આકાર આપીને હોઠને એવો આકાર આપ્યો કે જાણે કોઈ મોરલો એ ઢેલને જોઇને ટહુકો ના કરતો હોય..! એ છોકરો પોતાના ચહેરાને એવી રીતે કરતો કે જાણે કોઈ સરસ મજાનો કલાકાર હોય. એ છોકરી પણ તેની સામે એ ચહેરાનો જવાબ પોતે અલગ ચહેરાની મુખાકૃતિ વડે આપતી. આ બંને યુગલની જોડી પોતાના નિજાનંદમાં મસ્ત હતી. એમના દરેક એક્સપ્રેશન સાથે બસમાં રહેલી ઓડિયન્સના ચહેરા પર પણ અલગ-અલગ ભાવો આવતા હતા. બંને ઘણી વાત વાતો કરતા-કરતા નીચલા હોઠને ઉપર વાળીને ‘નથી બોલવું..!’ એવો ભાવ દર્શાવતા હતા. એની સાથે બસમાંની દરેક વ્યક્તિ જે તેમને ઓબ્ઝર્વ કરતી હતી એ દરેક ગંભીર મુદ્રામાં આવી જતા. જયારે તે બંને હસતા ત્યારે દરેકના ચહેરા પર સ્માઈલની એક ઝલક જોવા મળતી. હું પણ એમની દરેક વાતોને સમજવાનો પ્રયત્ન કરીને મનમાં હસતો હતો.

સી.ટી.એમ પર જયારે ઉતરવાનું થયું, ત્યારે મને મારી અને બસમાંની દરેક વ્યક્તિની એક અજાણ ભૂલની પ્રતીતિ થઇ. જયારે બસમાંથી અમે ઉતર્યા ત્યારે એ છોકરી જોરથી બોલી ઉઠી, “ભૈયું, એ તરફ નહિ. આ તરફ જવાનું છે. મારો હાથ પકડી લે તો…!”

એ ઘોંઘાટમાં પણ એ શબ્દો ખુબ સિફતાઈપૂર્વક કર્ણપટલ પર અથડાયા. મને થોડું અચરજ થયું અને ધીરેથી બોલી જવાયું, “ભૈયું…! મતલબ ભાઈ-બહેન હશે?” અને મારી બાજુમાં ઉભેલા ભાઈએ કહ્યું, “હા, બેટા..! બંને ભાઈ-બહેન છે. ભાઈ મૂક છે, બોલી નથી શકતો. ઉપરાંત, ભાઈને એવું ન લાગે કે તેને કોઈ ખોડ છે, તેના માટે તેની બહેન પણ મૂક બનીને તેની સાથે ઈશારાઓ અને અલગ-અલગ મુદ્રા બનાવીને વાતોને સમજે છે, સમજાવે છે.” છોકરો અને છોકરી બંને આવી રીતે હસીને વાતો કરતા હોય તે એક યુગલ જ હોય…! મારી એ વિચારસરણીને જોરદાર ફટકો પડ્યો.

ભાઈ-બહેનનો ખરેખર એ હદ સુધીનો નિ:સ્વાર્થ પ્રેમ દિલને સ્પર્શી ગયો. તેમના હાથની દરેક મુદ્રામાં એક શબ્દનો પડઘો પડતો હતો, સંબંધની માવજતનો મજબુત માંજો પાયેલો દોર હતો, સાક્ષાત ખુદાની રહેમનો એક અવિનાશી અનંત અનુભવ હતો, જોડણી-કાળ-ધાતું-કર્મ-કર્તા-વિશેષણથી પરે એવા લાગણીના શબ્દોનો પાક્કો રંગ હતો, દુનિયાના ખૂણામાં પોતાના અસ્તિત્વને ઈશારાની સમજણ અને નિ:સ્વાર્થ પ્રેમની ધારે મજબૂતાઈથી ટકાવી રાખનાર એ બંને જીવડાઓ હંમેશા યાદ રહેશે.

related posts

એક પથ્થર તોડવા હજાર ઘા મારવા પડે, તો બસ મારો. એ તૂટશે!

એક પથ્થર તોડવા હજાર ઘા મારવા પડે, તો બસ મારો. એ તૂટશે!

જ્યારે પહેલું અંગ્રેજી ગીત સાંભળ્યું ત્યારે…

જ્યારે પહેલું અંગ્રેજી ગીત સાંભળ્યું ત્યારે…