‘ફેર’-‘વેલ’ :- “Always the ‘Last moments’ are lasts throughout the Life.”

“અકબંધ ટકોરાઓ રણકાવતો આજે,

એ જ રસ્તે પાછો ફર્યો છું.

ખીસ્સે ખાલીપા ની ખલક લઇને ગયેલો,

દુનિયાદારીની મોટી સિલક લઈને આવ્યો છું.

કેટલુંયે ભેગું કર્યું અને ઘણુંયે લુંટાવી જાણ્યું,

છતાં નવનીતનો હિસ્સો બચાવીને આવ્યો છું.

નજરની એક ચુકે હસતી દુનિયાને,

પથ દર્શાવવા તૈયાર થઈને આવ્યો છું.

યુગોથી બંધ હતું એ સમજણનું મકાન,

એની ભીંતોને મારા શ્વાસ સીંચીને આવ્યો છું.

અક્કડ ગુમાનમાં ફરતો હતો ક્યારેક,

નમ્રતાના પાણી પી ને આવ્યો છું.

દોસ્તીના મોટેરા સંબંધોને ઘોળીને પીધા,

એમના દિલમાં મારું નામ લખી આવ્યો છું.

બાળક હતો ત્યારે ડર હતો ક્યાંક પડી ન જાઉં..!

આજે હિંમતના કાફલા સંગ આસમાને ચડ્યો છું.

ચડાવું ખુદાની બંદગીને મારા આંખની પાંપણે,

કાયરતાની બંગડીઓને ત્યજીને આવ્યો છું.

ચુપકીદી તો માત્ર સ્વસ્થતા માટે છે,

પ્રશ્નો માટે હાજરજવાબી બનીને આવ્યો છું.

જ્યોતિષ મારા હાથને જોઇને શું કહેવાનો?

પરિશ્રમના ઓથારથી હાથની લકીર ત્રોફાવીને આવ્યો છું.

શ્વાસ છોડીને પંચામૃતમાં વિલીન થઈશ ત્યારે,

‘હું બહુ મજ્જાનો હતો’ એ સમૂહની ફોજ તૈયાર કરીને આવ્યો છું.

-કંદર્પ પટેલ.

આજે રાતના શાંત-પ્રશાંત અંધકારમાં હું બારીની ધારે ઠંડા પવનનો આસ્વાદ માણતો જાઉં છું અને ફલેશબેકમાં છેલ્લા ૪ વર્ષના લેખા-જોખા સમાન સંસ્મરણોને એક પછી એક યાદ કરીને દિલના ટકોરે અફળાવીને એકલો હસું છું, ગંભીર બનું છું, ગર્વ અનુભવું છું, ધિક્કારું છું, ફરીથી હિંમત ભરું છું, યાદ કરું છું અને ફરી હસું છું. જયારે ભૂલથી વર્તમાનની થોડી ક્ષણોને ભૂલી ભવિષ્યમાં ડોકિયું કરવાના પ્રયત્નો કર્યા ત્યારે સમય બદલવા જઈ રહ્યો હોય તેવું ધૂંધળું ચિત્ર રચાયું. પરંતુ સમય એ કહ્યું, “દોસ્ત..! હું તો નિરંતર વહેતો રહીશ એક સરખા ખંડોમાં, બદલાઈ તો તું રહ્યો છે.” જયારે વિચાર કરું છું, કે આવતી કાલે કદાચ આ માહોલ – મિત્રો – મિજબાની – મસ્તી… આ નહિ હોય. ફરીથી જેમ એક બાળક તરીકે એકલા આ પૃથ્વી પર આવ્યા હતા, એમ ફરી એકલા થઇ જઈશું. તો શું જો એકલા જ ચાલવાનું હતું તો આટલી મોટી ૨૧ વર્ષની જિંદગી માત્ર એક ‘એડ’ હતી?

કેટલાયે ચહેરાઓ મળ્યા. જે નજરે જોયા તેવા દેખાયા. કેટલાયે ચહેરાઓ ઘણું આપી ગયા. કેટલાકને ‘વખાણ્યા’ તો કેટલાકને ‘વખોડ્યા’. કેટલાયે અનુભવોનું ભાથું બંધાયું. કેટલાયે મિત્રોનો પ્રેમ મળ્યો. કેટલાયે એવોર્ડ મળ્યા, સન્માન મળ્યું અને એટલી જ ગાળો પણ પડી હશે. કેટ-કેટલાના ચહેરાઓ પર સ્મિત લાવવામાં આપણે કારણ બન્યા હશું તો એવા જ ચહેરાઓના ધિક્કાર માટેના પ્રશ્નો પણ આપણે જ હોઈશું. સગા-સંબંધીઓનો ઉમેરો થતો ગયો અને વિશ્વ મોટું લાગવા લાગ્યું. કેટલાય સારા કામો પણ કર્યા અને ખરાબ પણ જાણે-અજાણે કર્યા હશે. કેટલા લોકોના દિલના ક્રશ આપણે બન્યા હોઈશું અને કેટલાયે ક્રશ આપણા ચોપડે બોલતા હશે. લેખ-જોખા તો આવા કેટલાયે હશે. પણ સંબંધનો દોરી જેટલી મજબુત હશે એટલી જ જિંદગીમાં આગળ વધતા દર નહિ લાગે.

ઘણું બધું કમાયા આં ૨૧ વર્ષની જીંદગીમાં આપણે. એમાં સૌથી મોટું સુખ હું ‘કમાયો’ એ છે દોસ્તી. આજ સુધી જેટલા પણ મિત્રો મળ્યા, એ દરેકની સાથે દોસ્તીનું ઉંજણ પૂરીને એને મજબુત કરવામાં કોઈ કચાશ નથી રાખી. હમેશા એ દીવો દિલમાં બળતો રાખ્યો. એમની માટે ક્યારેય ‘ના’ શબ્દ આવ્યો જ નહિ અને હું પોતે પણ ડીક્ષનરીમાં લાવ્યો જ નહિ. મજબુત પાયા મિત્રતાના નંખાઈ ચુક્યા છે બસ, હવે તો મારે ઈમારત ચણવી છે. આ આધારસ્તંભ કોઈપણ વ્યક્તિના જીવનના સાફલ્ય માટે સૌથી વધુ જરૂરી છે. ‘ચરે એ ફરે અને એકલો નખ્ખોદ વાળે.’ – આ વિધાન હમેશા સત્ય જ રહેવાનું છે. જેટલા એ સંબંધોની સૌથી વધુ લ્હાણી અને કમાણી કરી એ પોતે પોતાની જિંદગીનો ફાનસ બળતો રાખવા માટે ચિરંજીવ બની ગયો. યાદ દરેકને આવે, સારી-નરસી દરેક ક્ષણ. પરંતુ, એ દરેક લાઈફમાં આગળ વધવાનું બુસ્ટર હોવું જોઈએ.

“હંમેશા ભવ્ય ભૂતકાળને યાદ રાખવો અને વર્તમાનમાં તેનું પ્રત્યારોપણ કરવું જેથી ભવિષ્ય તો પોતે જ એક કદમ આગળ ડગ ભરવા માંડશે.”

આજે હું અને મારી જેવા દરેક દોસ્ત એક એવું ‘પેકેજ’ પોતાની સાથે ‘સબસ્ક્રાઈબ’ કરીને જિંદગીના ક્ષિતિજ પર ‘સ્ટેન્ડબાય’ મોડ પર ઉભા છે અને દરેકની સામે બે રસ્તા છે જે ધૂંધળા છે. ત્યારે જ કોઈ બીજો દોસ્ત આવીને હાથ પકડે અને કહે, “ચાલ, ભાઈ..!” અને રસ્તાની પરવા કર્યા વિના ધૂંધળા રસ્તાને ઓળંગવા માટે તૈયાર થઇ જઈએ છીએ. સંગઠનમાં જ પ્રગતિ છે. દરેક મિત્રો પોતાની નાવને કિનારે પહોચાડવા નાવિક બનીને મહેનત કરતા હશે. આવતી કાલે દોસ્તીની દુહાઈ દેતા દરેક પોતપોતાનું વિચારશે, “હું બિઝનેસ કરીશ, હું જોબ કરીશ..” જ્યાં સુધી આ ‘હું’ દુર નહિ થાય અને તેની જગ્યાએ ‘અમે’ રિપ્લેસ નહિ થાય ત્યાં સુધી અહમ અને અભિમાન દુર નહિ થાય. ‘સંઘે શક્તિ કલૌ યુગે : |’ જ્યાં સુધી આ દુનિયામાં છો ત્યાં સુધી દરેકનું ઋણ (માતા-પિતા સિવાય) આ જન્મમાં જ ચૂકતે થઇ શકે એવા કર્મ કરો અને સફળતાના ઉત્તુંગ શિખરો પર આપનું નામ હોય તેવી શુભેચ્છાઓ.

DSC05575

મારી ફેરવેલ સ્પીચના છેલ્લા શબ્દો :

અવાજ આવવો જોઈએ.

પડઘો પડવો જોઈએ.

જિંદગી બોલવી જોઈએ.

ટહુકો:- “આંખ બંધ કરીને તમને કોઈએ આપેલી જાદુની ‘ઝપ્પી’ને યાદ કરો, એ સમયે હૃદયનો કોઈ છેડો લાગણીભીનો અનુભવાય અને તેની ભીનાશ આંખમાં રેલાઈને ટપકી પડે ત્યારે જો શ્વાસ ગાળામાં રૂંધાય, છતાં ચહેરા પર નાની શી મુસ્કાન ફરકે તો આ ક્ષણે તે વ્યક્તિ તમારી લાઈફના જૂજ મિત્રોમાંનો એક છે એ ઓળખવામાં રાહ જોવી નહિ.”

-કંદર્પની કલમે…

related posts

સામાન્ય તર્ક – વિતર્ક : હર ઘર કુછ કેહતા હૈ !

સામાન્ય તર્ક – વિતર્ક : હર ઘર કુછ કેહતા હૈ !

જે મહેફિલમાં શરાબ પીવાતો હોય, ત્યાં લેખકે પાણી પીવું જોઈએ!

જે મહેફિલમાં શરાબ પીવાતો હોય, ત્યાં લેખકે પાણી પીવું જોઈએ!