દીકરી: ‘દી’ અને ‘રી’ ના દીર્ઘ ઉચ્ચારણ સમી હૃદયમાંથી ના ભૂંસાય એટલી દીર્ઘ જીદ

‘અમે જ નિર્ધારી હતી

વિદાયની આ ઘડી,

તોયે મન કહે,

ન જા, ન જા, ન જા….’

-અનિલ આચાર્ય ની આ પંક્તિઓ ટૂંકમાં ઘણું વધુ કહી જાય છે.

માહ્યરામાં બેઠેલી દીકરી વિધિની એ ક્ષણોમાં ક્ષિતિજને આરે આવીને ઉભી રહે છે અને પૃથ્વીને ઓળંગીને આકાશ તરફ જવાની તૈયારીઓ કરતી હોય ત્યારે પોતાની વીસ વર્ષની વીતી ચુકેલી જિંદગીને પોતાની આંખની સમક્ષ તાદૃશ્ય નિહાળતી હોય છે. સપ્તપદીના સાત ફેર ફરવા માટેની ક્ષણ આવીને ઉભી રહે છે. ઉંમરભરની શરમ જાણે તેની પાંપણો પર આવીને બેઠેલી હોય ત્યારે તેની નજાકત, ચંચળતા, જીદ, શરમ તો જાણે કેટલાયે ગાંવ દુર છૂટી ચુકી હોય છે. સજાવટ, લગ્નના ગીતો, આભૂષણો, હાથમાંની દુલ્હાના નામથી સજેલી મહેંદીની સાથે ‘કન્યા પધરાવો સાવધાન’ ના ગોર મહારાજના શબ્દો કર્ણપટ પર પડતાની સાથે જ પોતાના વિરલાઓની સાથે પ્રવેશ કરે છે. હોઠ કંપી ઉઠે છે, આંસુઓમાં જાણે વહી જાય છે માતા-પિતાના ઉપકારો, તેમનું સાન્નિધ્ય અને તેમનું વાત્સલ્ય. વાર-વધુના ‘હસ્તમેળાપ’ના સમયે પોતાની દીકરી આવતી કાલે એક સુંદર, મધુર દિવાસ્વપ્ન બની જવાનું છે એ સમજીને માતા-પિતાની આંખોમાં પણ એ સ્વપ્ન અશ્રુના ઘોડાપુર લાવે છે.

લગ્નની વિધિ પૂરી થયા પછી વિદાયની ઘડી ખુબ નજીક આવી પહોચી છે. હૃદયના ઊંડાણમાંથી એક અનોખો અવાજ નીકળી પડે છે, અસ્તિત્વ રડી પડે છે, આંસુઓને રોકી શકાતા નથી. યાદોને ઘરની દીવાલ સાથે ચણે છે, સપનાઓને પુરા કરવા પોતાના અર્ધાંગની સમક્ષ જુએ છે. જવું તો નથી, પરંતુ કોઈ એક ‘મકાન’ ને ‘ઘર’ બનાવવા પારકા પોતાના બનીને બોલાવે છે. દીવાલ પરના હાથની ઝાંય ધીરે-ધીરે ઝાંખી પડતી જશે પરંતુ એ સ્પર્શ, સંવેદના કે સ્મૃતિ તો તેની તે જ રહેશે. ધીરે-ધીરે પોતાની દીકરીને ‘કન્યા’ બનીને પોતાના સ્વગૃહેથી મોકલતા કોઈના પગ ઉપડતા નથી, જીભ અચકાય છે, હૈયું રડે છે, મન વ્યાકુળ છે અને વર્ષોની કેટલાયે સંબંધોની દોર ખેચીને રાખેલ છે. ગળે ડૂમો બાઝેલો છે, દીકરીને રડતા મુખે વિદાય નથી કરવી છતાં રહેવાતું નથી દીકરીને રડતી જોઇને. ડૂસકે-ડૂસકે દીકરી રડે છે, માં દીકરીને ગળે લગાવે છે અને તરત જ જેમ બાણની પણછ ઢીલી થતાની સાથે જ તીર છૂટે તેમ જ એ ડૂસકું આક્રંદ બની જાય છે. ભાઈ આટલા વર્ષોથી પોતાના કાંડા પરની રાખડીનો પ્રેમ એકસાથે બહેન પર ઠાલવે છે. દરેક નાના-મોટાનું રુદન અસહ્ય બને છે. ગોર મહારાજ દીકરી પાસે વચનો લેવડાવે છે અને સહજતાથી સમજાવે છે. દેવપૂજાની ઓરડીમાંથી એક ડૂસકું સંભળાયું. જઈને જોયું તો દીકરીનો બાપ ધ્રુસકે ધ્રુસકે રડતો હતો. એક ખૂણામાં ઉભો રહીને પોતાના કાળજાના કટકાને ગળે લગાવીને મન ભરીને રડવા માંગે છે, પરંતુ એ કરી શકતો નથી. તે દીકરીના જન્મથી વિદાય સુધીના દરેક પ્રસંગો યાદ કરે છે અને મનને શાતા આપવાના પ્રયાન્તો કરે છે.

‘વીસ વર્ષ પહેલા નાના-નાના ગુલાબી હાથ પકડીને ચાલતી પોતાની દીકરીને આંખ સમક્ષ જોઇને હસે છે. એ ચંચલ પગલા, પોતે હાથી બનીને કરાવેલી સવારી, મીઠી જીદ, મધુર ટહુકો, પ્રથમ નંબરે પાસ થતી વખતે છવાયેલી ચહેરા પરની ખુશી, પ્રિય ટીવી સીરીયલની ચેનલ પર ફરતી આંગળીઓનો સ્પર્શ, તેને ગમતો હીંચકો, તેના પુસ્તકો, ગમતા રંગના પરિધાનો, રિસાઈ જાય ત્યારે નક્કી એવો રૂમનો ખૂણો, વાળને સજાવતો કાંસકો, મનગમતા ગીતની સીડીઓ, મનભાવતી ચોકલેટનો ફ્રીજમાનો ડબ્બો, પોતાનો જ માલીકીભાવે રાખેલ કોફીનો મગ, બર્થ ડે પર લઇ આપેલ ‘ટેડી બેર’, નાનપણથી આજ સુધી સાચવી રાખેલ ‘બાર્બી ડોલ’, ઘરની બહાર જતી વખતે “પપ્પા..! હું જાઉં છું..” એટલી ક્યુટનેસ સાથે કહેતા જ ચહેરા પર છવાઈ જતી ખુશી, ઘરે આવતા મોડું થતા જ એટલો જ ધીર-ગંભીર બની જતો ચહેરો અને છવાતા ચિંતાના વાદળ, સ્પર્શ, ચંચળતા, મસ્તી, જીદ,….’

આ દરેક કેમ કરીને છુટું પડી શકે કે જે આત્માની સાથે જ વણાઈ ચુક્યું છે..! છતાં, દીકરી ગમે તેમ કરીને એ ખૂણામાં એકલા ઉભેલા પોતાના પપ્પાને શોધીને મન ભરીને રડે છે, પોતાના પહેલા મિત્ર પપ્પાને આજે એ દીકરી છાની રાખવા આવે છે. “સમયસર દવા લઇ લેજો..ચિંતા કરતા નહિ..મમ્મીનું ધ્યાન રાખજો..અને હું તમને મળવા આવતી રહીશ.” જતા-જતા પણ પોતાના પપ્પાની પૂરી સેવા કરી લે છે અને પોતાનો ફરજ ચૂકતી નથી. દીકરી પોતાના વાર સાથે વડીલોના આશીર્વાદ લઈને કઠણ હૈયે નીકળી પડે છે.

પંખી ટહુકા મૂકી ને ઝાડ છોડી ગયું,

એના ગમતા આકાશ પાસે દોડી ગયું.

-નીલમ દોશી

સોડમાં લીધાં લાડકડી !

આંખ ભરી પીધાં લાડકડી !

હીબકાંને હૈયામાં રૂંધ્યાં

ને પારકાં કીધાં લાડકડી !

બાલમુકુન્દ દવેની ‘લાડકડી’ કાવ્યની આ બેશુમાર પંક્તિઓ દીકરી વિદાયને બખૂબી વર્ણવે છે. ગૃહસ્થાશ્રમના આરે ઉભેલી દીકરીને વિદાય આપવા જેટલો કરુણમંગલ પ્રસંગ બીજો એકેય નથી. દીકરીના શ્વાસે-શ્વાસે એક વાક્ય મૂંઝવણ બનીને ઉભું હોય છે, “અમે તો ચકલીના માળા, અમે કાલે ઉડી જઈશું…”

ટહુકો:- દીકરી આપણી સૌથી લાડકી ટચલી આંગળી છે, માં-બાપના વૃદ્ધત્વના કિનારાને હમેશા હર્યો-ભર્યો રાખતી પાણીની છાલક છે, ક્યારેય ના ભૂંસી શકાય એવી મનની લાગણી છે, વિષાદી મનનો સાથ છે, સ્વપ્ન બનીને ઉડી જતી માં-બાપની પરિકલ્પનાની ‘પરી’ છે, હૃદયના તારને હમેશા જીવંત રાખતી સરગમની ધૂન છે, મનના માનસપટ પરનું ‘સ્ક્રીન-સેવર’ છે, રંજને પરાજિત રાખતો મનનો આફતાબ છે, જીવવા માટેની આશાને પ્રજ્વલ્લિત રાખતી જ્યોત છે.

related posts

सौराष्ट्रे सोमनाथं (સોમનાથ આરતી અનુભવ)

सौराष्ट्रे सोमनाथं (સોમનાથ આરતી અનુભવ)

સુરતનું જમણ અને સુરતનું જ મરણ….

સુરતનું જમણ અને સુરતનું જ મરણ….