દિવાળી : રંગોળી : પૂરણપોળી

લગભગ સાંજના દસેક વાગ્યે શેરીની બધી બહેનો પોતાના ઘરની આસપાસની ધૂળ સાફ કરવાની શરુ કરે. ઘરની આગળનો ચોતરો સાફ કરીને તેના પર પાણી છાંટે. પાનનાં ગલ્લે ઉભેલો ઘરનો મુરબ્બી શ્રી મસાલો ચોળતો-ચોળતો ઘરની આગળ મૂકેલી ગાડી ખસેડીને તેની ઉભી ઘોડી ચડાવે અને તેના પર બેસે. પત્ની તરફ તે હસીને જુએ. શેરીમાં રમતા કોઈ નાના ટેણીયાને ઉઠાવીને પોતાના ખોળામાં બેસાડે. ૧૩૫ના મસાલામાંથી મોટો ભાગ મોંમાં ડાબી બાજુની બખોલમાં મૂકે. જમણી બાજુની આંગળીઓમાં ભરાવેલ રબ્બરને થોડા વધેલા મસાલાને બાંધીને ખિસ્સામાં મૂકે. એટલી વારમાં પત્ની એક થાળીમાં રંગોની કોથળીઓ લઈને પહોંચી જાય.

“શું દોરીશ આજે ?”
“મને આજે તમારે રંગોળી દોરી દેવાની છે. કલર તો હું પછી ભરી દઈશ.” રોમેન્ટિક અંદાજમાં પત્ની પોતાના પતિને વાત કરે અને તેની મજાક કરે.

ઘરમાં જો મોટા સંતાનો ન હોય તો પતિ-પત્ની સાથે મળીને રંગોળી બનાવે. શેરીની સમગ્ર બહેનો એકસાથે રંગોળી પૂરવા નિરાંતના સમયે બહાર નીકળે. સૌથી પહેલા ‘બીજાએ શું કર્યું છે ?’ એ પ્રશ્નનો જવાબ શોધવા માટે આજુબાજુના ઘરોમાં ચક્કર લગાવી આવે. છતાં, અમુક સમય સુધી રંગોળી વિષે કંઈ જ નક્કી ન થઇ શકે. અંતે, કોઈ ફૂલ-દીવો-ગણપતિ-ચોરસમાં ભાત કે પછી અન્ય ઉટપટાંગ વસ્તુ ચિતરાઈ જાય.

દુનિયાની દરેક સોસાયટીમાં ભગવાન એક દેહાકર્ષક યુવતીને જન્મ આપતો હોય છે, જે શેરીમાં દરેકની પસંદ હોય છે. જે હોશિયાર અને ‘બલા કી ખૂબસૂરત’ હોય છે. તેને રંગોળી ખૂબ સારી આવડતી જ હોય ! તે દિવસે તે ‘ઓન ડિમાન્ડ’ હોય. દરેક ઘરની લક્ષ્મી પોતાના ઘરના ચોતરે તેને બોલાવીને કોઈ ને કોઈ પ્રકારની ભાત દોરવાનું પ્રપોઝલ આપ્યા કરતી હોય છે. એક ઘર એવું હોય જ્યાં, ઉંમરલાયક સ્ત્રી રહેતી હોય. તેને ચિત્ર અને રંગોળી સાથે ઊંડે-ઊંડે કોઈ નિસ્બત નથી હોતી. તે હંમેશા અનિચ્છાએ ગમે તેવો ગરબડ-ગોટો વાળીને પંચાતમાં રસ લેવા ઈચ્છુક હોય છે. અમુક ઘરમાં દીકરીઓની સંખ્યા વધારે પડતી હોય ત્યાં અલગ જ પ્રસંગો આકાર લેતા હોય. તેમના ઘરની આગળ બહુ મોટી ગાર-લીંપણની પરત પર સુંદર રંગોળી જોવા મળે. બહુ ઇત્મિનાનથી આ ભાત રચાતી હોય. માનુનીઓના અક્ષરો સુંદર અને વળાંક ધરાવતા હોય, તેથી જે-તે દિવસના ડિસ્ક્રિપ્શન રંગોળીની નીચેની ટેગ-લાઈનમાં શોભી ઉઠે.

દરેક શેરીમાં એક કલાકાર છોકરો વસવાટ કરતો હોય છે, જે આવા પ્રસંગોમાં મમ્મીને ખૂબ હેલ્પ કરતો હોય છે. સામાન્યત: આવા છોકરાઓને બહેનો નથી હોતી. એ છોકરાની મમ્મી સમગ્ર સોસાયટીમાં ગળાના ઊંડાણથી અવાજ કાઢીને તેના વખાણ કરતી હોય. નવપરિણીત યુગલને રંગોળી કરતા એકબીજા સામે જોઇને મજા લેવાની પસંદ હોય છે. આવા સમયે બાજુમાંથી કોઈ આવે અને તેના રોમાન્સ પર ટોન્ટ લગાવે એટલે શરમાઈને નીચું જોવાની પણ મજા હોય.

આ સમયે અમુક ‘બાયલાવેડા’ કરતા પુરુષોની એક ફોજ શેરીમાં ચક્કર મારતી હોય. થોડા-થોડા સમયે પોતાની પત્નીને આવીને તેને અન્યની રંગોળી જોઈ આવવા કહે. જો આ પ્રક્રિયા ચાર-પાંચ વખત બને તો એક ‘લીપ થપ્પડ’ આવે, “બહુ બધાનું ગમતું હોય તો એવું દોરવા માંડો અહી !” તે પછી પુરુષ ચૂપ બનીને માત્ર પ્રેક્ષકની ભૂમિકામાં ‘સ્વિચ ઓવર’ થઇ જાય. અમુક સ્ત્રીઓને બહુ નમ્રભાવે ખંતપૂર્વક કામ કરતી જોઇને તે આકર્ષણનું કેન્દ્ર બને. અનેક વખત ભૂંસ્યા પછી માંડ જરા કળી શકાય તેવી રંગોળી રચાય એટલે તે ઠોઠ-નિશાળ સ્ત્રી ફટાફટ રંગોની થાળી ઘરની અંદર મૂકી આવે. તેના બહાના સ્વરૂપે ‘કલર ખૂટી ગયો’ની ઢાલ સાથે જ હોય. એકબીજા પાસે રંગો માંગવાના થાય ત્યારે હંમેશા ‘આવા કલરનું બીજું પડીકું નથી’ તેવો જવાબ જ મળે. એક ફૂલના પાંદડાની નીચે કરેલા દીવા માટે બે-ત્રણ કલાકની મથામણ ચાલે. એકાદ-બે વાગ્યે બધી સ્ત્રીઓ આ કામ પરવારીને એકબીજાની રંગોળી જોવા નીકળે. એકબીજાની મદદ કરે. યંગ બોય્ઝ અને કલરફૂલ ગર્લ્સને એકબીજા સાથે સોસાયટીના કન્સ્ટ્રેઈંટ તોડવા માટે આ પાંચ દિવસોની રંગોળી બહુ મદદરૂપ બની રહે છે.

બહુ રંગીન વાતાવરણ હોય છે. ઘરની આગળ મૂકેલા દીવડાની જ્યોતનો પ્રકાશ જયારે કોઈ માનુનીના ચહેરા પર પડતો હોય ત્યારે તેને રંગોળી પૂરતી જોવાની મજા અલગ હોય છે. ચાલુ રંગોળીએ શેરીનો કોઈ છોકરો દોડીને આવી કોઈની રંગોળી બગાડી જાય ત્યારે રચાતું ધીંગાણું ઉત્સવનું અસ્તિત્વ ઉજાગર કરતું હોય છે. દરેક દિવસોની મજા કાજુકતરીની ઉપરના ચાંદીના વરખ જેવી કીમતી હોય. કેસર પેંડાની કણી જેવી મીઠી હોય. અંજીરના રેસાની જેમ સંબંધને જોડતી મીઠી લાગણીઓ હોય. ઉકળતા દૂધને સાકરની મીઠાશની તલપ હોય છે તેમ સંબંધીઓને મળવાનું દિલમાં ઘોડાપુર ઉમટતું હોય છે. કઢાઈમાં સિસકારો બોલાવતા ઘી ની સુગંધ સમી સંવેદનાના ઈચ્છુક લોકોની ભાવનાઓ ખરેખર બોલતી હોય છે.

તેમને આવકારવા માટે જ તો છે, દિવાળી અને તેની રંગોળી. કારણ કે, તેમના આવવાથી મજબૂત બનતા સંબંધો જ જીવનનું ભાથું બને છે.

related posts

ક્ષિતિજે કોઈક તો હશે, દોડ તેની જ છે ને !

ક્ષિતિજે કોઈક તો હશે, દોડ તેની જ છે ને !

લાકડાની ફ્રેમમાં કેદ બે જીવ એક બનીને !

લાકડાની ફ્રેમમાં કેદ બે જીવ એક બનીને !