ટર્નિંગ પોઈન્ટ : ટોકિંગ પોઈન્ટ

આવતા ૧-૨ મહિનામાં ‘જોબ’-ભૂખ્યા વરુઓ આમથી તેમ ધમપછાડા કરશે. જો કે ‘પ્લેસમેન્ટ’ નામનો શબ્દ તો હવે મૃત:પ્રાય જ બની ચુક્યો છે, કારણ કે ‘હાથી આખો ગયો અને પૂછડું બાકી’ જેવી પરિસ્થિતિ આકાર લઇ ચુકી છે. પણ સગા-સંબંધી (હમણાં-હમણાં બધાના ઘરે જઈ-જઈને આ પૂછવાના જ ધંધા કરે છે, જાણે એમને તો અમારી પંચાતમાં જ રસ હોય..!). આ શબ્દને જીભમાં ચિપકાવીને નથી રાખતા મારા વાલીડા(વડીલ)ઓ. અમુક બદ-જાત પબ્લિક ખાસ સાંજે પોતાની અર્ધ(અંગિની) (જાડી-મોટી બુદ્ધિ)ને અને પોતાના દીકરાઓને લઈને એન્જિનેઅરોના ઘરે ખાસ ‘ખોંખારો નાખવા’ અને ‘દેકારો કરવા’ આવી ચડે. જાણે આ એન્જિનેઅરોની ‘કાણ’ કાઢવા આવ્યા હોય એમ બેસે અને એન્જીનિયરીંગનું ‘બેસણું’ રાખેલું હોય એવી ડંફાશ મારે. પાણી દેવા જઈએ ત્યારે મોઢું તો એવું કરે જાણે આપણે કોઈ નાની રેસ્ટોરન્ટમાં પાણી આપવાનું જ કામ ન કરવાનું હોય..! અને આપણી પરીસ્થિતી પણ ‘કાપો તોયે લોહી ના નીકળે’ એવી હોય. બસ બધી વાતમાં નનૈયો ભણવા સિવાય કોઈ જ એક્સપ્રેશન ચહેરા પર ના આવે. એક-એક કલાક સુધી એવી નેગેટીવ અને બિનજરૂરી વાતો કરતા જાય કે ન પૂછો વાત…! અને છેલ્લે પાછા, ‘તો બેટા..! શું કરાવાય આને ?’ પૂછીને મગજની તો પૂરી દઈ મુકે, જાણે એના બાળકની લાઈફના આપણે ‘મોટીવેશનલ કોચ કમ એડવાઈઝર’ ના હોઈએ…!

http://previews.123rf.com/images/iqoncept/iqoncept1210/iqoncept121000014/15638004-A-background-of-3d-words-related-to-opportunity-such-as-turning-point-opening-venture-chance-hope-gr-Stock-Photo.jpg

પણ દોસ્ત..! આ વાત એટલી પણ હળવાશથી ‘હવાબાણ હરડે’ની જેમ હવામાં ઉછાળાય એવી સરળ નથી. પ્રશ્નો તો પૂછશે, પૂછાશે અને પુછાવા જ જોઈએ. જેટલો વિરોધ એટલો જ માણસ જીવનના તાપમાં ઉકળીને બહાર આવે. દિલમાં એક ધગધગતો લાવા હોવો જોઈએ. કઈક દુનિયાને કરીને બતાવવાની હામ હોવી જોઈએ. ૨૧ વર્ષના જુવાનજોધ છોકરાને જોઇને કોઈ પણ વ્યક્તિ તેના તેજથી અંજાઈ જવો જ જોઈએ, અભિભૂત થવો જોઈએ. આ ઉકળતી યુવાનીને દુનિયામાં પોતાનો સિક્કો જમાવવા માટે કોઈ બંધન રોકી શકે તેમ નથી, એટલી ઉર્જાનો ‘પાવર બેંક’ છે. જીગરમાં એક ખમીર ખોળી-ખોળીને બોલવું પડે અને નસીબના ‘સેફ ટ્રેક’ પરથી ગાડી ઉતારીને પરસેવાના ‘અનઇવન ટ્રેક’ પર ગાડી દોડાવવી પડે. સપનાઓને સાકાર કરવા પહેલા બળબળતી આગમાં બળવું પડે, હૈયામાં હામ ભરવી પડે, તેને મેળવવાની ભૂખ લાગવી જોઈએ. પરંતુ, એ બધું જ ત્યારે જયારે ખુલ્લી આંખે સપના જોયા પણ હોય.

કાળજામાં એક એવો ‘સૂપ’ વહેતો હોવો જોઈએ કે જે ‘કર્તુત્વશક્તિ’ની ભૂખ લગાડે, એ પણ કકડીને. હાથ-પગમાં એવા ઇલેક્ટ્રિક કરંટ જોઈએ જેનો ઝટકો આખી દુનિયા મહેસૂસ કરે. આંખો તેઝતર્રાર ડી-એસ.એલ.આર કેમેરાની જેમ ‘વેલ ફોકસ્ડ’ હોવી જોઈએ જેથી માત્ર પોઝિટીવ વાઈબ્સને ઉચકીને કેપ્ચર કરેઅને તેની જ ‘નેગેટિવ’ બને. કેટલાયે અવનવા અનુભવો કરવા પડે, શરીર પર એ અનુભવોના જોરદાર ઘા પડવા જોઈએ અને ‘ઉત્સાહ’ના મલમ વડે ‘હતાશા’ના એ જ ઘાવ ભરાવા જોઈએ. કોઈ પણ આંગળી કેમ ચીંધી જાય આપણી સામે ? શું આ દુનિયામાં આપણું ‘પ્લેસમેન્ટ’ ગાંડા-ગમાર, અણઘડ અને અવ્યવસ્થિત સમાજનું નીચું મોં કરીને સાંભળવા થયું છે? આંખમાં આંખ નાખીને જવાબ દેવાનો ફાંકો અંદરથી ના આવે ત્યાં સુધી હજુ બાળક જ છો એવું સમજી લેવું અને ખૂણામાં એક આંગળી મોઢા પર ઉભી મુકીને ઉભા રહી દરેકનું સાંભળવાની તૈયારી રાખવી.

આવતી કાલે તમારી ગરજ છે એટલે ‘જોબ’ લેવા દરેક દોડવાના. ‘જેક’ (સ્પેરો નહિ..!) લગાવાની ટ્રાય કરશે, નહિ મેળ પડે એ વળી ૨ વર્ષ આગળ ભણવાનું અને માસ્ટર્સ (હકીકતમાં નહિ) કરવા પાછો પોદળા વચ્ચે સાંઠીકડું ઉભું રાખવાનો પ્રયત્ન કરશે. પણ, ત્યાં આપણામાં શું એવી લાયકાત છે કે આપણે શું ડિઝર્વ કરીએ છીએ ખરેખર? એ ‘ખરેખર’ ખ્યાલ છે ખરો ? કે માત્ર શેખચિલ્લીના સપનાઓમાં ‘ખેરાતી’ બનીને પોતાનો જ ‘ખરખરો’ કરાવવા આ સૂકા ભઠ્ઠ ‘ખેતર’માં નીકળી પડ્યા છીએ…જ્યાં આપણી કોઈ સ્વતંત્રતાને સ્થાન જ નથી. આપણા વિચારો, વાણી અને વર્તનને બાંધવા સામે ચાલીને આપણે જઈએ છીએ. એનું કારણ માત્ર એક જ છે, કે આ ૨૧ વર્ષમાં માર્કસની પાછળ આપણે ત્રણ(પોતાના અને પોતે) એવા દોડ્યા કે વ્યક્તિત્વનું નિર્માણ કરવાનું જ ભુલાઈ ગયું. એક અલગ ચીલો ચાતરીને રસ્તો કરવાનું ‘સાઈડ બાય’ થઇ ગયું. આસપાસની દુનિયા માત્ર એક સાંકડા કુવા જેટલી બની ગઈ.

જરૂર છે, લાઈફના આ ‘ટર્નિંગ પોઈન્ટ’ પર પોતાના ‘ટોકિંગ પોઈન્ટ’ ને ઇન્સ્ટોલ કરવાની. જરૂર છે, પોતાની ઓળખ ઉભી કરવાની. જરૂર છે, યા હોમ..કરીને કુદી પડવાની. જરૂર છે, ‘ઘેટાશાહી’ ટોળામાંથી બહાર આવીને સ્વતંત્ર નિર્ણયશક્તિ ખીલવવાની.

હું સ્પષ્ટપણે માનું છું કે દરેક વ્યક્તિ એક ‘માર્કેટર’ છે. રોજ સવારે ઉઠીને લોકો પોતાને બીજાનાથી થોડા વધુ ચડિયાતા બતાવવાનો પ્રયત્ન કરે છે. પોતાના શરીર, વિચારો, કાર્યો, સુખ, ખુશી .. આ દરેક હમેશા વધુ સારું કેમ રહે તેનો પ્રયત્ન કરતા રહે છે. બસ, આ સ્કીલને જ ડેવલપ કરવાની છે ને દોસ્ત..! આવતી કાલે જ્યાં પણ જઈએ કે જે કઈ કરીએ…પોતાની સ્વતંત્ર નિર્ણયશક્તિ વડે માર્કેટિંગની દુનિયામાં ઉભા રહી જ શકવાના. આ દુનિયાનો દરેક માણસ રોજ સવારે ઉઠીને ‘શું કરું તો વધુ ફાયદો થાય..?’ એના માટેની માર્કેટિંગ સ્કીલ વિચારતો રહે છે. પછડાટ ખાઈને ફરી પાછા દરિયાના મોજાની જેમ ઉંચે ઊછળતા આવડતું જરૂરી છે. નદીના બંધનની જેમ નિરંતર વહેવું એ જ નિયમ છે, સમયનો નહિ..પરંતુ આપણો..!

આજે દરેક જુવાનિયો પોતાનું લેવલ જોયા વિના જ દુનિયાને ‘જજ’ કરતો થયો છે. પણ ત્રણ આંગળી અને મોટો અંગુઠો આપણી તરફ છે ભાઈ’લા. જયારે પોતે હૃદયમાં આત્મવિશ્વાસનો દીવો જગાવીને ફરીશું ત્યારે હતાશા-નિરાશા એ દીવાના અંધકાર નીચે છુપાઈ જશે. બસ, મોજ પડવી જોઈએ. કોણ કેવું કહી ગયો છે? અને કોણ શું કહે છે? એની ચર્ચા કરવા મોટીવેશનના ‘અધિવેશનો’ ભરીને ‘વેન્ટીલેશન’ પર જવું નહિ. ચર્ચા કરવા કરતા પોતાનામાં શું ખૂટે છે? એનો હિસાબ માંડો અને એની દુકાન ખોલો. સાંજ સુધીમાં દુકાનનો વેપલો કેટલો થયો એ નક્કી કરો અને નફા-ખોટની ગણતરી કરો. તાળો આપોઆપ મળી જશે.

ખોટી ચર્ચામાં ઉતરવું નહિ, એક આ ‘કામદેવ’ નું બ્રહ્મવાક્ય મનમાં ઘુસાડી દો ગમે તે રીતે.

“ચર્ચા એટલે ખર્ચા, સમયના અને શક્તિના…!”

ટહુકો:-

વ્હુ આર યુ?

વ્હોટ આર યુ?

વ્હાય આર યુ?

આ ત્રણ પ્રશ્નોના જવાબ પોતાના દિલને પૂછવા અને કેટલાના ‘રીવર્ટ’ મેઈલ આ મન ના ‘ઈનબોક્સ’માં આવે છે એ જાતે જ ચેક કરો. જેટલા ‘સ્પામ’માં છે તે ‘ઈનબોક્સ’માં જ કેમ નથી રિસીવ થતા એ જોવાનો પ્રયત્ન કરો. ‘ડ્રાફ્ટ’માં રહેલા જવાબો જયારે ‘સેન્ટ’ બતાવશે તે દિવસે નસીબનો ‘મેઈલ’ આવ્યો સમજો.

related posts

દાદાનો દોસ્ત : પૌત્રનો મિત્ર : ‘યાર’ની યારી

દાદાનો દોસ્ત : પૌત્રનો મિત્ર : ‘યાર’ની યારી

આવી કઈક રહી મારી ૧૦૦ મી વોટ્સએપ પોસ્ટ…!

આવી કઈક રહી મારી ૧૦૦ મી વોટ્સએપ પોસ્ટ…!