“ક્યારેક અમારી દોસ્તીની દુકાન આમ કંઇક ખુલતી, દિવસના અંતે સંબંધની મજબુતાઈનો વકરો ગણતા..!”

આઈપીએલ શરુ થઇ અને બોર્ડના સ્ટુડન્ટ મુક્ત થયા પેન-પેપરની ૨-ડી જેલમાંથી…અને ૩-ડીમાં જલસા કરવાના અને ક્રિકેટ રમવાનું શરુ. અને, હું ગયો ફ્લેશબેકમાં…પહેલા તો બ્લેક & વ્હાઈટ પિક્ચર દેખાયું. પછી ધીરે-ધીરે ક્લિઅર કલરફૂલ થતું ગયું.

http://im.hunt.in/cg/Bellary/City-Guide/sports-bellary.jpg

એ ધોરણ ૧૦ નું વેકેશન, કુબેરનગરનું મેદાન. અમે તળપદી ભાષામાં મેદાનને પોપડું કહેતા, અમે એ ‘પોપડા’ ના ‘પોપડાપુત્ર’. રોજ સવારે ૮ વાગ્યામાં સરકારી સ્કુલમાં જતું રહેવાનું સાયકલ લઈને. જઈને તરત જ પીચનું બુકિંગ કરવાનું, કારણ કે ૨ ફૂટના અંતરે બીજી પીચ હોય, એમાં પણ સ્ટમ્પ તરીકે સાયકલનું આગળનું વ્હિલ રાખવાનું હોય અથવા પાછળનું. એ નિર્ણય સાયકલ લાવનાર પર રહેતો. સવારે બધા ૨ બેટ(સીધા-સટ પાટિયા), ૧ બોલ લઈને પહોચી જવાનું જુના કપડા પહેરીને. આખા દિવસનું બજેટ ૧૦ રૂપિયા સુધીનું રહેતું. ધુરંધરો પહેલા તો ટીમના કેપ્ટન બનવા તૈયાર થાય. સાયકલવાળો ખેલાડી એકદમ ફાસ્ટ & ફ્યુરીયસ ટાઈપમાં આવે અને ડ્રીપ મરાવીને સ્ટમ્પ બનાવીને ઉભો રહે. મેઈન વાત એ કે કેપ્ટન કોણ બનશે? બધાને અભરખા ચડે કેપ્ટન બનવાના, પણ જે પહેલા બોલી જાય કે, ‘હું કેપ્ટન છું ભાઈ. કોઈને ન બનવું હોય તો કઈ નહિ..’ એ કેપ્ટન બનવા એલીજીબલ કેન્ડીડેટ. પછી ઘણાને ધખારા હોય કેપ્ટન બનવાના પણ એ ધીરે-ધીરે ઉતારી દે. પછી તો ટીમ પાડવા એકને વાંકો ઉભો રાખવાનો. એના પર બેટ મુકીને એક પહેલેથી જ સોગઠાબાજી ખેલેલી હોય એ મુજબ (ફિક્સિંગ) થી નંબર પડે જો ઓછા હોય તો. એમાં પણ જે નંબર પડતો હોય એનો શરૂઆતમાં જ છેલ્લો કે એનાથી આગળનો નંબર પડે એટલે ભાઈ કે… ‘ઉભા રહો, આપણે તો ભગવાનનો નંબર તો રાખતા જ ભૂલી ગયા.’ આ સ્ટેપ ત્યારે જ ફોલો કરવાનું જયારે ખેલાડી ઓછા હોય. જો ૭-૮ વ્યક્તિ હોય એટલે સિક્કો ઉછાળીને ૩-૩ ની ટીમ અને એક ‘ડબલ્યુ’ રાખવાનો. ‘ડબલ્યુ’ બનવાનો ફાયદો એ કે બંને ટીમમાં બેટિંગ આવે અને સ્ટમ્પની પાછળ ઉભા રહેવા મળે. આ નબળો ખેલાડી જ બને. કારણ કે, બે વખત દાવ લે ત્યારે માંડ બધાના એક વારના દાવની બેટિંગ સુધી પહોચી શકતો હોય.

મેચ શરુ થાય એટલે અમ્પાયર કોણ બનશે? મહાન પ્રશ્ન. કોઈને બનવું જ ના હોય. પણ ત્યારે જ એક રિશ્વત આવે રમરમતી… ‘જે અમ્પાયર બનશે એને વાન ડાઉન બેટિંગમાં આવશે.’ અને અમ્પાયરની તો લાઈન થાય. ‘લેંઘો’(લેગ બાય) અને ‘થર્ડ’(થર્ડ અમ્પાયર) પણ દોડતા દોડતા આવે પ્રિ-બુકિંગ માટે. પાછો બીજો સવાલ..એ ભયંકર એનાથી પણ વધુ.‘પહેલા બોલિંગ કોણ કરશે? પહેલી ઓવર નાખનારને બેટિંગ છેલ્લી મળશે.’ એટલે પહેલા તો બોલ ૨-૩ ના હાથમાંથી પાસ થાય અને કોઈ એક  જેને પોતાની બેટિંગ પર કે બોલિંગ પર કોન્ફિડન્સ ન હોય એ આવે પહેલી ઓવર નાખવા. ઘણી વાર બોલ સાયકલના કેરિઅરને અડે તો ‘આઉટ’ કે ‘નોટ આઉટ’ એ દેશનો પ્રશ્ન બની જાય..! ત્યારે સાયકલવાળો આવે અને પોતે જે ટીમમાં હોય એ ટીમતરફી પોતાની સાયકલના કેરિઅરની ઉંચાઈ પ્રમાણે નિર્ણય લેવામાં આવે. એમાં પણ ક્યારેક આગળ – પાછળ જવામાં મનદુ:ખ થાય. અને જો હારી જવાય તો જેને આમ-તેમ થયું હોય એ આમ-તેમ બોલે તો ખરા. પણ એ પછી, પાછા સાથે ભેગા થઈને બપોરે ૧૧-૧૨ વાગ્યે પેલા કલરફૂલ કલરવાળા ગોળાની ડીશ ખાવા ચારે બાજુ ઉભા રહીએ. અને બજેટ ૩ રૂપિયાનું હોય સવારનું. ૧ રૂપિયો પાણીના પાઉચનો અને ૨ રૂપિયા ગોળાની ડીશના. રોડ પર ઉભા રહીને બપોરના તડકામાં ગોળા-ડીશ ખાવાની મજા તો સ્વર્ગના વૈભવ કરતા પણ વધુ છે ભાઈ, એ પણ અઝીઝ દોસ્તોની ટોળી સાથે. એમાં પણ , ‘કાકા, એ કાકા..! થોડોક કલર નાખો ને..!’ અને કાકો દાઝનો માર્યો ઢોળી દે, તોય આપણે તો પૂરી મોજ સાથે જ ખાવાનો. પછી જતી વખતે પાછા બપોર પછીના સેશનમાં કેત્વા વાગ્યે મળવું એની ફોર્મલ મીટીંગ થાય રસ્તા પર ચાલતા ચાલતા. કેરિઅરમાં પાટિયું ભરવી અને સાયકલના પાછળના પાંખની ઉપર અને કેરીઅરની વચ્ચે બોલ ભરાવીને મારી મુકવાની ધૂમ સ્ટાઈલમાં ઘર બાજુ.

પછી ટોળકી ભેગી થાય એ જ સ્ટાઈલમાં, કેરી અને ૮-૧૦ રોટલીનું પેટ-પૂજન કર્યા પછીની ઘસઘસાટ ઊંઘ લઈને. બપોર પછી પછી કોઈ હરીફ ટીમ સાથે ૫-૫ ની મેચ રાખવાની. વળી, જો તે દિવસે કોઈનું પર્સ ભારે હોય અને એની પાસે ૧૫-૨૦ સુધીની ‘ફર’(વ્યવસ્થા) હોય તો એ ભાઈ મેચ રાખે અને બાકીના એને જોઇને કહે, ‘એને ક્યાં તાણ છે.! રાખે એ તો મેચ.’ અને જીતીએ તો પાછું ટીમનું પર્સ ભારે થાય, અને ખેલાડીઓના ‘પગ ભારે’ થાય. કારણ કે, એ ૨૫-૩૦ રૂપિયા થાય એટલે પાછું રંગઅવધૂતના ખૂણા પર સરકારી સ્કુલ પાસે વડાપાવ ખાવાના હોય બધાને, એટલે પેટ ભારે થાય અને ઇનડાઈરેકટલી ‘પગ ભારે.’ એટલે દિવસના ૧૦ રૂપિયામાંથી ક્યારેક ૨-૩ વધે તો બીજા દિવસે એ ફંડ ‘કેરી ઓવર’ થાય, અને જો કોઈ ધુરંધરએ બોલ ખોઈ નાખ્યો કે ફાડી નાખ્યો હોય તો તેને દેવું પણ થઇ જાય. સાંજે પાછું નાહીને ફ્રેશ થઈને ચડ્ડો ચડાવીને ચોપાટીમાં ક્યારે મળવું એ રસ્તા પરની મીટીંગમાં નક્કી થાય. કેરીના ચીરીયા સાથે અથાણું અને ભાખરીની લિજ્જત ઉડાવ્યા પછી પબ્લિક પાછું ભેગું નું ભેગું ચોપાટી (ગાર્ડન) માં. સોનપરી જોવા મળી જાય ક્યારેક ચોપાટીમાં તો મજા બાકી બીજા દિવસનું પ્લાનિંગ કેમ કરવું એ વાત ચાલતી હોય.

પણ એક વાત કહું દોસ્ત, આ દિવસોમાં જવાબદારી નહોતી, ખુલ્લા મન હતા, પરસ્પર દ્વેષ નહોતો, છીછરી બુદ્ધિમાં પણ દોસ્તીની પરિપક્વતા હતી, સ્ટ્રેસફૂલ લાઈફને બદલે ‘સ્ટ્રેસ’ ને ‘ફૂલ’ જેવું હળવું બનાવતા આવડતું હતું, ‘ફૂલપ્રૂફ’ કંડીશનને મિત્રતાની એરણ પર વારે ઘડીએ ‘પ્રૂફ’ આપતા અચકાતા નહોતા, એકબીજાને મદદ કરવામાં કોઈ ‘છોછ’ નહોતો અનુભવાતો, કોઈ છોકરી સાથે ખીજવતા-ખીજવતા એને પોતાને જ ક્યારે પ્રેમ થઇ જતો એની સાથે એ ખબર પણ ન પડતી, ‘સિક્સર’ મારીને સામે ચાલીને ભેટવા જતા- આજે એ જ દોસ્તીને શરમની બેડીઓમાં જકડી રાખી છે.

ટહુકો:- નિર્ભેળ સત્ય તો એ જ કે, ‘આજે આપણે તો રહ્યા પણ આ સંબંધો ક્યાંક કાટ ખાય છે, તેને દિલના વર્કશોપમાં ઓઈલીંગ કરીને ફરીથી ધમ ધમાવો અને દોસ્તીના ધીકતા ધંધાની દુકાનને પુરપાટ ઝડપે દોડાવો.’

 

related posts

દિવસના અંતે કદી જાતને પ્રામાણિકતાનું સર્ટિફિકેટ આપ્યું છે?

દિવસના અંતે કદી જાતને પ્રામાણિકતાનું સર્ટિફિકેટ આપ્યું છે?

એક સારો એન્જિનિયર પ્રાથમિક શાળાનો શિક્ષક કેમ ન બની શકે?

એક સારો એન્જિનિયર પ્રાથમિક શાળાનો શિક્ષક કેમ ન બની શકે?