કૉલેજ શું આપે છે ? – આત્મવિશ્વાસ.

(કૉલેજ કરીને મને શું મળ્યું? આજનો દિવસ અને અત્યાર સુધીની છોટી-સી પ્રગતિ.)

કૉલેજ જીવન શું આપે છે ? તમે કૉલેજમાં શા માટે આવ્યા ? તમે શા માટે આ સ્ટ્રીમલાઈન પસંદ કરી ?

આ પ્રશ્નોનો આજ સુધી કોઈ જવાબ આપી શક્યું નથી. આ પ્રશ્નના જવાબમાં કોઈ કહે કે, જ્ઞાન લેવા તો કોઈ કહે કે નોકરી-ધંધા માટે ! સત્તર વર્ષની ઉંમરે સિત્તેર વર્ષ સુધી સિક્યોરીટી અને કમ્ફર્ટને લઈને પ્રશ્નો પૂછનાર વ્યક્તિ પણ મને કદી ગમ્યો નથી. ખરેખર તો કૉલેજમાં સ્માર્ટ થવાય છે, કોઈકની દેખાદેખીમાં તો કોઈકની હોશિયારીથી અંજાઈ ને ! ઉચ્ચ ડિગ્રી નોકરી અપાવવામાં ભલે વહેલું-મોડું કરે, પણ છોકરી અપાવશે એ નક્કી હોય છે. કોઈકના પેકેજ આકર્ષે છે તો કોઈની લકઝરીયસ લાઈફનું ભૂત ચડે છે. બહુ બધો પૈસો કમાવાની ઇચ્છાઓ જાગૃત થાય છે. અમુક જીવડાઓ ‘આપણે પૈસા નથી જોઈતા, બસ શાંતિથી રહેવું છે.’ જેવા કોન્ટ્રોવર્શિયલ કોન્ટ્રાસ ટાઈપના જવાબો આપે છે.

સ્કૂલમાં યુનિફોર્મ હતો, પ્રાર્થના હતી, રોકટોક હતી અને બંધનો હતા. અહી કોલેજમાં છૂટછાટની સાથે ભવિષ્યની જવાબદારીઓ લેવા માટે મજબૂત ખભા પેદા થાય છે. કૉલેજના શરૂઆતના દિવસોમાં પ્રોફેસરને આંખો ફાડીને સાંભળવાની ઇચ્છાઓ થાય છે. દરેક લેબ કે લેકચરમાં ફૂલ એટેન્ડન્સ હોય છે. મોડા પડીએ તો ગભરાઈને ‘મે આઈ કમ ઈન સર ?’નું પ્રશ્ન-શસ્ત્ર તૈયાર હોય છે. મનમાં ગભરાટ, આંખોમાં ‘ક્રશ’ અને હૃદયમાં થડકાર હોય છે. ભાવુકતા, મુગ્ધતા અને ભય ધીરે-ધીરે ઓછો થતો જાય છે. ત્રીજા વર્ષે ‘કંટાળો’ નામનો શબ્દ કાયમી વ્યવહારમાં ઉતરી આવે છે. કૉલેજ માસ બંક, બિલોવ એટેન્ડન્સ અને કલ્ચરલ-ટેકનિકલ ઈવેન્ટ્સની તૈયારીઓમાં સમગ્ર વર્ષ વ્યસ્ત રહેવું તે ઓળખાણ બની જાય છે. લાસ્ટ યરમાં ‘પ્રોજેક્ટ’ નામનો શબ્દ એક વર્ષ સુધી કોતરી ખાય છે, જે ખરેખર માત્ર એક-બે અઠવાડિયાનું જ કામ હોય છે. સિનિયર્સના પ્રોજેક્ટ્સને અદ્ભુત રીતે સંકલિત કરીને પ્રેઝન્ટ કરવાની મેથડ અભૂતપૂર્વ હોય છે. કઈ જ શીખ્યા કે જાણ્યા વિના આપણે ચાર વર્ષે અન્ય વિદ્યાર્થીઓની જેમ અમુક પ્રકારના લેબલ્સ લગાવીને હરાજી માટે બજારમાં મુકાયેલ વખારમાં ઉભા રહીએ છીએ.

અને, છેલ્લે દિવસે, જયારે ચાર વર્ષ પૂરા કરીને જયારે તમે દુનિયામાં પ્રવેશો છો ત્યારે તમારા દરેક કાર્યો માટે તમે પોતે જ જવાબદાર છો તે સ્વીકારવું પડે છે. આંખોમાં મુગ્ધ ભાવ રાખ્યે ન ચાલે, કુટુંબના દરેક સભ્યે છુપાવીને રાખેલી આશાઓ અને સ્વાર્થના પડકારો અઘરા બની જાય છે. પ્રશ્નોની સામે કોઈ જવાબ નથી હોતો. હવે તમારા હાથમાં ‘એરાઉન્ડ ધ વર્લ્ડ’ની ટિકિટ થમાવી દેવામાં આવે છે. અમુક કંપની, HR કે વ્યક્તિની ઓળખ ઉભી થાય તો તેના વિઝિટિંગ કાર્ડ / ટેલિફોન નંબર પરથી વિશ્વભરમાંથી શોધી કાઢીએ છીએ.

પહેલા અને છેલ્લા દિવસની વચ્ચે કૉલેજ શું આપે છે ?

એ જવાબ ચાર વર્ષે કૉલેજમાંથી બહાર નીકળ્યા પછી મળે છે. તે છે, ‘આત્મવિશ્વાસ’. કૉલેજના છેલ્લા દિવસથી લઈને જોબના પહેલા દિવસ સુધી અગણિત અપેક્ષાઓનો સામનો કરવાનો એક છૂપો વિશ્વાસ રમતો હોય છે. નિરાશાના ગર્તામાં ડૂબેલા હોવા છતાં હંમેશા આગળ આવવાની એક વણદેખાતી લાલચ હંમેશા જીવંત હોય છે. કૉલેજ જ્ઞાનનું આકાશ ખોલે છે. નવું નવું વાંચવાની, નવા પ્રયોગો કરવાની અને અવનવું અપનાવવાની ટેવ પડતી જાય છે. ધીરે-ધીરે કૉલેજની લાઈબ્રેરીમાંથી અલગ-અલગ પુસ્તકો લઈને વાંચવાની શરૂઆત કરી. એ સમયે કોઈ સ્પોર્ટ્સ વધુ ગમવા લાગે છે. એથ્લેટ જેવું શરીર બનાવવાની તલપ લાગે છે. જીમ જોઈન થાય છે અને થોડા દિવસમાં આળસને લીધે બંધ થઇ જાય છે. કૉલેજના છેલ્લા દિવસે જીંદગી દોરાહા પર આવીને ઉભી રહી જાય છે. યુવાવસ્થામાં જીવનમાં ઘણુબધું બદલાય છે. જેનો હું સાક્ષી હતો. દરેક પ્રકારની પ્રવૃત્તિઓમાં આનંદ લૂંટવાનું નક્કી કર્યું. કૉલેજમાં ટેકનિકલ અને કલ્ચરલ ઈવેન્ટ્સમાં ફોટોગ્રાફી કરી. અન્ય સેમિનાર્સમાં કેમેરો ચલાવ્યો. છતાં, હજુ કંઇક ખૂટતું હતું. એ અંતે પકડાયું.

કલમ કદી પણ પેટનો ખાડો પૂરવા માટે બની નથી, તેવું ખબર હતી. છતાં, સૌથી પહેલો મારો પગાર ‘કલમ’ દ્વારા જ મળ્યો, જે ૪૫૦૦/- રૂપિયાનો હતો.

related posts

चोरी न करें झूठ न बोलें तो क्या करें ? चूल्हे पे क्या उसूल पकाएंगे शाम को |

चोरी न करें झूठ न बोलें तो क्या करें ? चूल्हे पे क्या उसूल पकाएंगे शाम को |

ક્ષિતિજે કોઈક તો હશે, દોડ તેની જ છે ને !

ક્ષિતિજે કોઈક તો હશે, દોડ તેની જ છે ને !