‘કુદરત’ સાથેની ‘કનેક્ટિવિટી’ની સુંદર ‘કલ્પના’

ઈશ્વરને જયારે વિસ્તૃત વર્ણનોમાં વર્ણવી ના શકાયો અને અવર્ણનીય બન્યો, ત્યારે કલાત્મક અને લયબદ્ધ રીતે માણસે તેનું કાવ્યાત્મક ચિત્રણ કર્યું. આ દરેક સંક્ષિપ્ત અભિવ્યક્તિઓમાં કુદરતની વધુ સુંદરતા આવરી લેવાઈ.

જયારે કાવ્યાત્મક રીતે પણ ના વર્ણવાયો અને દરેક છંદાલયો ટૂંકા પડ્યા ત્યારે માણસે સામે ચાલીને તેને અનુભવવા અને માણવા બહારની દુનિયામાં ડગ માંડ્યા. શબ્દોના વાઘા ઉતારીને અને કલમને નિરાંત આપીને મૌન દ્વારા ઈશ્વરની અનુભૂતિ કરવા માટેની શોધ શરુ થઇ. દુનિયાના છેડે કોઈ આશ્રયસ્થાનમાં મૌન ધારણ તો કર્યું પરંતુ અંદરનો ખળભળાટ અને બહારની દુનિયાનો ઘોંઘાટ દુષ્કર નીવડ્યો. આ બહારના ઘોંઘાટને ત્યજી દેવા નિસર્ગ તરફ નજર કરી. જંગલ તરફ પ્રયાણ કર્યું.

સૂર્યની કિરણો વૃક્ષોના અફાટ ઘેરાવમાંથી પસાર થઈને જમીન પરના ચીમળાયેલા પર્ણોને સજીવન કરતા હતા. નિયમિત રીતે લયબદ્ધ ચાલતુ ઝરણું જાણે અહ્લાદક લાગતું હતું. પાણીનો ખળખળ અવાજ નવું જ સંગીત સર્જન કરતુ હતું. પક્ષીઓનો કલરવ અનન્ય ભાસતું હોય એવી અનુભૂતિ થઇ. સુક્કા પર્ણોનો કર્ણપ્રિય નાદ સંભળાયો. જાનવરો ત્યારે મિત્ર જેવા લાગ્યા. ડાળીઓ જાણે જીવનસંગીની બની ચુકી હતી. આ નિરંતર સર્જાઈ રહેલી સંગીતની ધ્વનિ શરીરમાં એકાકાર થઈને ગળાડૂબ બની ગઈ.

માણસ જે કાવ્ય અને ગદ્યમાં ના વર્ણવી શક્યો એ વર્ણન કુદરત સાથે મિલાવેલા તાલ અને લયથી શક્ય બન્યું. પ્રકૃતિ સાથે સુર મિલાવતો ગયો વ્યક્તિ અને એક અદ્ભુત સંગીતની રચના થઇ. એ ડાળીઓ-પર્ણો-વૃક્ષો-પંખીઓ-ઝરણાઓ-ખડકો-પથ્થરો એ એટલું તો સુગમ સંગીત રચ્યું કે જાણે સમગ્ર ધરા એકાકાર બનીને તાલ સાથે ડોલવા લાગી. અનન્ય અંગ-ભંગિકાઓ આકાર લેવા માંડી અને નૃત્યનું સર્જન થયું. શરીરની મુદ્રાઓ પ્રકૃતિ સાથે હિલોળે ચડી, ઝૂમવા લાગી, નાચવા લાગી. માનવ શરીર લયાન્વિત બન્યું,ત્યારે જ સંગીત સાથે નૃત્યનો પણ ઉદય થયો.

ઈશ્વર ક્યારેય કોઈનાથી ના સમજી શકાયો ત્યારે પ્રકૃતિએ તેને ખોળે બેસાડ્યો અને અતુલ્ય પ્રેમ આપ્યો. બે શરીરના મિલન થયા. એકબીજાને સમજવાની અનુભૂતિ કરાવી. ઈશ્વરનો વાસ તો આ શરીરના પ્રત્યેક કણમાં છે. બે શરીર ત્યારે આત્માથી જોડાયા અને એક બન્યા. ‘જીવ’ અને ‘શિવ’નું મિલન થયું. આ આત્માને સંગીતની જરૂર છે, નૃત્યની જરૂર છે, પ્રકૃતિમાં એકાકાર થઈને જોડાઈ જવા પ્રેમની જરૂર છે. જે આત્માનો આહાર છે, ઈશ્વરનું ઐશ્વર્ય છે, મનની મૌલિકતા છે, હૃદયની પુલકિતતા છે, પ્રેમનો સૂર્યોદય એ જ સમસ્ત સૃષ્ટિના સર્વોદયનો એકમાત્ર વિકલ્પ છે. એટલે જ ઈશ્વર બહારના શબ્દ અને ભીતરના પ્રશાંત મૌનના બે છેડાની મધ્યેથી છેડતા સુરની અભિવ્યક્તિ છે.

સૂરથી સુર, તાલથી તાલ, લય થી લય અને શરીરથી શરીરનું મિલન થઈને ‘એકાંતમાં’ આકાર લે છે, જે જન્મ-જન્મ સુધી બંધનમાં બંધાયેલા રહ્યા હશે. આ ધરતી પરના અનેક જીવોનું કાળક્રમે નિર્માણ થયું હશે. પ્રકૃતિ અને વ્યક્તિ વચ્ચે એવી તે પ્રીતિ બંધાઈ જેના લીધે સમયની ગતિ શરુ થઇ અને ચક્રીય પરિસ્થિતિઓએ જન્મ લીધો.

ટહુકો:- પ્રેમ એ ‘એન્ટરટેઈન’ કરવાની ઘટના નથી પરંતુ ‘મેઇનટેઇન’ કરવાની ઝંખના છે. પ્રેમમાં ક્યારેય ‘ગેઇન’ હોતો નથી, હંમેશા ‘પેઈન’ હોય છે જે ડગલે ને પગલે ‘અગેઇન’ એન્ડ ‘અગેઇન’ હોય છે. પ્રેમમાં પરસ્પર ‘કોમ્પ્રોમાઈઝેશન’ અને જવાબદારીનું ‘ડિવાઈડેશન’ હોય છે. 

related posts

(બોનસ+સેલરી)નાં કૉમ્બો પેક અને બેબલીનો ડ્રેસ 

(બોનસ+સેલરી)નાં કૉમ્બો પેક અને બેબલીનો ડ્રેસ 

બર્થ ડે – ‘અ ફૂલ ડીશ ઓફ એન્જોયમેન્ટ’…!!

બર્થ ડે – ‘અ ફૂલ ડીશ ઓફ એન્જોયમેન્ટ’…!!