ઈન્દ્રગોપ : ઈશ્વરની ચિંતા | કાબરોની કિસમિસ

 

12937.jpg (2560×1600)
ઈન્દ્રગોપ

 

ઈન્દ્રગોપ : ઈશ્વરની ચિંતા

ઈન્દ્રગોપ એ નામ બહુ જ ઓછા લોકોએ સાંભળ્યું હશે; પણ ઈન્દ્રગોપ જોયા જ ન હોય એવો માણસ ભાગ્યે જ મળે. ચોમાસાની શરૂઆતમાં દાડમના દાણા જેવા લાલ ને મખમલ જેવા સુંવાળા નાનાં જીવડાં જમીનમાંથી બહાર આવે છે ને ફર્યા કરે છે. આઠ-દસ દિવસ સુધી જ તે દેખા દે છે અને વરસમાં આઠ દિવસની જિંદગી ભોગવી અલોપ થઈ જાય છે. આ આઠ દિવસની અન્ડર આ પ્રાણીઓ પોતાનું બાળપણ, યુવાન અને ઘડપણ ભોગવી લે છે, અને ભૂમિમાતાને પોતાના ઈંડા શ્રદ્ધાપૂર્વક સોંપી દઈ આ દુનિયામાંથી વિદાય લે છે. આપણી પરંપરા કેમ ચાલશે એની શંકા એમના મનમાં રહેતી નથી. આપણી જાતિનો નાશ થશે તો દુનિયાને કેટલું નુકસાન થશે, એવી ભીતિ તેમના મનમાં વસતી નથી. નવે વર્ષે પોતાના બાળબચ્ચાંની સંભાળ કોણ લેશે એવી મનોવ્યથા તેમણે પીડતી નથી. વિશ્વંભરા પ્રકૃતિમાતા પર વિશ્વાસ રાખી તેઓ નિરાંતે પોતાનું જીવતર પૂરું કરે છે. માણસને જ કેમ પોતાના વંશ ને વરસની આટલી ચિંતા રહેતી હશે?

પ્રજાતંતુ અવ્યવિચ્છિન્ન રહે એટલી જ ઈંતેજારી રાખીને માણસ પણ અટકતો નથી. પણ છોકરાંનાં છોકરાં ખાય તોયે ખૂટે નહીં એટલો સંગ્રહ પાછળ મેલ્યા વગર માણસને સુખે મરણ આવતું નથી. ઈન્દ્રગોપનું રક્ષણ ઈન્દ્ર કરે છે. શું માણસનું રક્ષણ કરનાર કોઈ જ નથી? અથવા એમ પણ માની લઈએ કે માણસે જોયું હશે કે ઈશ્વરને માથે સૌની ચિંતા છે તેથી બિચારો થાકી જતો હશે, એટલે ચાલો કાંઈ નહીં તો આપણો ભાર તો આપણે પોતે તેનો તેટલો ભાર હલકો કરીએ. स्ववीर्यगुप्ता हि मनो: प्रसूति | માણસના આવા ઉદગાર સાંભળીને આદ્ય મનુને કેટલી ધન્યતા લાગતી હશે !

તે જ દિવસે મૌલાના સાહેબ જોડે ચાલતી ચર્ચામાં એમના મોઢામાંથી એક વચન નીકળ્યું : માણસ પાસેથી આપણે કંઈક માંગીએ ત્યારે તે નારાજ થાય છે. કોઈની પાસે કશું માંગવું નહીં તેમાં ડહાપણ રહેલું છે, મોટાઈ રહેલી છે. એથી ઊલટું, ઈશ્વર પાસે માંગવાથી તે રાજી રહે છે. આપણે ઈશ્વર પાસે  કશું ન માંગીએ એના જેવો બીજો ગુનો નથી. તે બાદશાહના બાદશાહની સ્તુતિ કરીએ અને તેની પાસે બધું માંગીએ, ને તે જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માનીએ અને તેની બંદગી કરીએ, એ જ માણસનો ધર્મ છે.

 

કાબરોની કિસમિસ

વરસાદ આવ્યો અને અમારું બહાર સૂવાનું બંધ થઈ ગયું. અમે પાછા સાંજે કોટડીમાં પુરાતા થયા. એ જ અરસામાં મારી ઓરડીમાં મંકોડાનો રાફડો ફાટ્યો. હવે કેમ સૂવાય? ‘ભાષણવાળા’ઓની ઓરડી છેક છેડા પરની, એટલે વાછટથી વધારે પલળવાની, અને તેમાં મંકોડા પર જરૂર થવાના. દહાડે ઓટલા પર સૂતા હોઈએ ત્યાં પણ મંકોડા આવે. રાત્રે ઓરડીઓમાં આવે. આવે ત્યારે દસપાંચ કે સો-પચાસ નહીં, પણ આખી ઓરડી છવાઈ જાય એવડી કાળી ફોજ ત્યાં ખડી થાય. બીજે દિવસે એક ‘ભાષણવાળા’એ અહિંસક હોવા છતાં ફિનાઈલ મંગાવી દરેક ડર પર અભિષેક શરુ કર્યા. આવા જર્મન ઈલાજ સામે મંકોડાનો ફોજ ટકી ન શકી. અધૂરામાં પૂરું મંકોડાઓનો બીજો એક નવો શત્રુ જાગ્યો. મંકોડાઓ ઓટલા પર ફરવા માંડે એટલે અમારી પૂર્વપરિચિત કબરો મંજુલ શબ્દ કરતી એને પોતાની પાંખોના પડમાં છૂપાવેલો શ્વેતવર્ણ પ્રગટ કરતી, છોકરાં કિસમિસ ખાય એમ મંકોડા ખાઈ જતી !

પતંગિયાની પેઠે મંકોડા પણ મૃત્યુ વિષે બેદરકાર દેખાય છે. મેં નાનપણમાં જોયું હતું કે, રાત્રે દીવી પ્રગટાવીએ એટલે કેટલાય મંકોડા એની આસપાસ ભક્તિભાવથી પ્રદક્ષિણા કરવા લાગે છે; કલાકો સુધી એમ જ ફર્યા કરે છે અને અંતે મરી જાય છે. જેલના મંકોડા હોજમાં પાણી પીવા કે નહાવા જતા. ચાલતા-ચાલતા હોજના કિનારા સુધી આવે. ત્યાં પગ લપસી જાય એટલે ટપ દઈને અન્ડર પડે. હું નાહતો હોઉં ત્યારે જેટલા પર ધ્યાન પહોંચે તેટલાને ઉપાડીને બહાર દૂર મૂકતો. પણ એ હઠીલા મંકોડા જમીન પર પગ મૂકે કે તરત જ ફરી હોજ તરફ હડી કાઢે અને ફરી પાણીમાં જાય. મને તેમની બેવકૂફી પર બહુ ચીડ ચડી.

પણ વળી વિચાર આવ્યો, ‘માણસજાત પણ કેવી બેવકૂફ છે ! વિષયમાં પડીને ક્ષીણ થાય છે, મરી જાય છે છતાં વિષય છોડતી નથી; અનાદિકાળથી ભવચક્રમાં ભમે છે પણ રામનામ લેતી નથી. ઈતિહાસકાળમાં અનેક વાર આ અનુભવ આપણે લીધો છે, છતાં ફરી ફરી કરતાં આવ્યા છીએ. ત્યારે મંકોડાની જ આ આત્મહત્યા જોઈ એ જાત બેવકૂફ છે એમ મારે શા સારું માનવું?’

પુસ્તકાંશ : ઓતરાદી દીવાલો

લેખક : કાકા કાલેલકર

related posts

દિવસના અંતે કદી જાતને પ્રામાણિકતાનું સર્ટિફિકેટ આપ્યું છે?

દિવસના અંતે કદી જાતને પ્રામાણિકતાનું સર્ટિફિકેટ આપ્યું છે?

॥ श्रीरामरक्षास्तोत्रम् ॥ -> રક્ષણ + શિક્ષણ

॥ श्रीरामरक्षास्तोत्रम् ॥ -> રક્ષણ + શિક્ષણ