અનામત : પાટીદાર – ‘કાટી’ ધાર

એલા એય…! એક જમાનો હતો. બાશિંદાઓ હતા આ પટેલો. ‘તડ નું ફડ’ કરવામાં જરાયે ના વિચારે આ પ્રજા. મૂળિયાથી ધરખમ ફેરફાર સમાજમાં કરીને આગળ આવેલી આ જાતિ. પણ આજે આ પ્રવૃત્તિ જોઇને અફસોસ થાય છે. કે હું પણ આનો એક ભાગ છું? તો તો મારે શરમાઈને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ.

દોસ્તો, હું ૨૧ વર્ષનો કણબી પટેલનો દીકરો છું. ગામડે પાણી વિનાની જમીન છે. મારા બાપા ડોક્ટર થયા એ જમાનામાં. ચડ્ડી પહેરતા પણ સરખું નહોતું આવડતું. દાદા એ અમુક-તમુક રૂપિયા આપ્યા અને સુરતમાં આવ્યા. આજે પોતાની મહેનતથી ઘર વ્યવસ્થિત ચાલે એ પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધા.

દોસ્તો, પટેલો એ હંમેશા પ્રગતિ જ કરી છે. ગામડેથી બૈરી સાથે સુરત, મુંબઈ જેવા મોટા શહેરોમાં વસવાટ કરવા માટે આજથી ૨૦-૨૫ વર્ષ પહેલા જ આપણે બધા આવ્યા. ભાડાની રૂમ ચાલુ કરી. કોઈ પ્રકારની સગવડ ન હોવા છતાં એકલે હાથે મજૂરી કરીને પણ ઘર ખુબ સારી રીતે ચલાવ્યું. દરેક પ્રસંગો ખુબ ધામ-ધૂમથી ઉજવ્યા. ગામમાં મોટી ઈજ્જત ઉભી કરી. શહેરોમાં બેઠા-બેઠા પણ ગામડાની એ જમીનને સાચવી. સિંહની જેમ એકલે હાથે ભેગું કરતા ગયા, પ્રગતિ કરતા ગયા અને છોકરાઓને ભણાવતા ગયા. આજે એ છોકરાઓને મેડીકલ-એન્જીનીયરીંગમાં એડમીશન નથી મળતું ત્યારે આવી સિંહવૃત્તિ છોડીને ‘કમ્ફર્ટ ઝોન’ કેમ પસંદ કર્યો ?

આપણે દરેક પટેલો એ પેઢી-દર-પેઢી પ્રગતિ કરી છે. હંમેશા આગળ વધ્યા છીએ, એ પણ કોઈની પાસે હાથ ફેલાવ્યા વિના જ. તો પછી આજે છોકરાઓને એ એડ્મિશનની ઝંઝાળમાંથી બહાર કાઢીને સિંહની જેમ આગળ વધતા કેમ નથી શીખવાડતા? આપણે જે ઉભું કર્યું છે એ છોકરાઓ એનાથી વધુ આગળ વધારે એ ઈચ્છા રાખીએ છીએ, તો તેને આગળ વધવાનો રસ્તો કેમ નથી બતાવી શકતા? આપણે પોતાનું જ ઉદાહરણ આપીને આજની યુવા પેઢીને સંઘર્ષ અને મહેનત કરવાનું કેમ નથી કહી શકતા? આજે મારા પપ્પાના ઉંમરના દરેક વ્યક્તિને પૂછું છું, તમે જે કર્યું એ અતુલનીય છે. આ ઘરની દીવાલોમાં આજેય તમારા એ પરસેવાની સુગંધ છે. મહીને આમ-તેમ કરીને ભાડાની રૂમ ચાલતી એનું ગણિત આજે ઘરની હવામાં દોડે છે. વસ્તુની અછત હોય અને મહેમાન આવે ત્યારે ગમે તેમ કરીને રાજા જેવી આગતા-સ્વાગતા કરતા હતા એ સંસ્કારો આ ઘરમાં ફૂંકાય છે. અમારી ડિમાન્ડ હોય ત્યારે પૈસા ન હોવા છતાં મહિના પછી પણ, એ વસ્તુ લઇ આપતા હતા એ યાદશક્તિ છે.

પપ્પાઓ, આ જ સંભારણા ને છોકરા સામે વાગોળો. એ છોકરો જ ઉભો થઈને રસ્તો કરી લેશે. પોતાના બાળકો માટે પોતે જ મોટીવેશનલ વક્તા બનીએ, પોતાના સંઘર્ષના દિવસોની વાતો કરીએ. આજની પેઢી પણ તમે જેટલું કર્યું છે એનાથી અનેકગણું આગળ વધારવા તૈયાર છે. જરૂર છે પોતાની લીટી લાંબી કરવાની. બીજાની લીટી ટૂંકી કરવામાં આપણે જ્યાં છીએ ત્યાં જ ઉભા રહીએ છીએ અને સ્વવિકાસ જ અટકાવીએ છીએ. હંમેશા બે રસ્તાઓ હોય છે. ઓ મારા વાડીલા પપ્પાઓ, જયારે તમને કોઈક એ ગામડે તમારા બાપને કહ્યું હશે કે, ‘છગન, તારો લાલિયો કાઈ નહિ કરી શકે.’ ત્યારે એ મનમાં ગાંઠ મારીને એમને આજે સાબિત કરી દીધું છે. ત્યારે આ દરેક લાલિયો પોતાના લાલા માટે લાલીયાવેડા કરે એ મને વાત જ માન્યામાં નથી આવી. ‘આ સાબિતીનું પ્રૂફ હું પોતે જ છું દીકરા..’ આ વાત ખાલી પોતાના છોકરાઓને સમજાવી દો. જે નથી મળ્યું તેનો હરખ-શોક કરવાને બદલે જે મળવાનું છે એ આશાથી આગળ વધવાનું હોય.

આ અનામત જેવી સમસ્યાઓ કહેવાતા હોશિયાર છોકરાઓ માટે જ છે..! અરે, આજના છોકરાઓ,..! એડમિશન નથી મળતું..તો હવે મારા કેરિયરનું શું? આ વિચારો ધરાવતો છોકરો ખરેખર હોશિયાર જ નથી. પણ, જે વિદ્યાર્થી એડમિશન જ્યાં મળે છે, ત્યાં જઈને કંઇક કરી બતાવે એ હોશિયાર છે. નિરાશાને મોટ્ટો હડસેલો મારીને આગળ વધે એ હોશિયાર છે. બીજાને રેસમાં આગળ વધતા જોઇને પોતે હિંમત હારી જાય એ ડફોળ કહેવાય, એ હોશિયાર નથી જ. પણ જેને રેસમાં આજુબાજુ જોવાનો પણ સમય નથી અને પોતાની ફાઈનલ લાઈનને ટચ કરીને જીતવું છે, એ હોશિયાર છે. અને આ પટેલો આપણે એવા જ છીએ. કેટલાક પોતાની જ જીંદગી ભૂલી ગયા છે, તેમને યાદ અપાવવા માટે આટલું કાફી છે.

છતાં, તટસ્થપણે મારું એવું માનવું છે કે બુદ્ધિક્ષમતા કોઈના બાપની મોહતાજ નથી હોતી. સમોસાની અંદરના મસાલા પરથી ખબર પડે છે એની ગુણવત્તા વિષે. એવી જ રીતે વ્યક્તિની ઓળખાણ તેની અંદર શું રહેલું છે જે બહાર નીકળવા માટે કૂદકા મારી રહ્યું છે તેના પર છે. આર્થિક મુદ્દો અલગ વસ્તુ છે. પરંતુ, બુદ્ધિમત્તા આ પૃથ્વી પર જન્મ લેતા દરેક વ્યક્તિની સરખી જ હોય છે. કારણ કે, એ ભગવાન મોકલે છે. વર્ગ-વર્ણ-જાતિના ભેદભાવો તો આપણે કરીએ છીએ. અગર તમારામાં ફળદ્રુપતા છે, તો બીજ આપોઆપ ફૂટી નીકળશે. તેને કોઇ તાકાત રોકી શકે તેમ નથી. આવી બધી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવા કરતા પોતાના ઘરમાં સંતાનો સાથે બેસીને રસ્તો ઉકેલીશું તો એ વધુ ફાયદાકારક ઇન્જેક્શન નીવડશે. માયકાંગલા ન બનો, પટેલ છો તો ત્રાડ નાખો.

ગર્વ લો કે એક ઉજળિયાત વર્ણમાં તમારો જન્મ થયો છે. આજે પગ પર કુહાડી ભલે મારો, પરંતુ કાલિદાસ વહેલા-મોડા બનજો તો મજા આવશે.

ગર્જના : સિંહ છો, તો તમારા સિંહબાળને જંગલમાં એકલો શિકાર કરવા મોકલો. એ શિકાર લઈને જ આવશે એ અજર-અમર સત્ય છે. કારણ કે, અભાવ જ સર્જનનો સ્ત્રોત છે.

related posts

લાકડાની ફ્રેમમાં કેદ બે જીવ એક બનીને !

લાકડાની ફ્રેમમાં કેદ બે જીવ એક બનીને !

કૂદકો લગાવું…? વાગશે તો નહિ ને…!

કૂદકો લગાવું…? વાગશે તો નહિ ને…!