“મેઘદૂત” -કાલિદાસ

“મેઘદૂત” -કાલિદાસ

સંસ્કૃત સાહિત્યની રસયમુનાને કાંઠે શોભતા વૃક્ષની ઉપમા મહાકવિ કાલિદાસના ‘અભિજ્ઞાન શાકુંતલ’ને આપી શકાય અને ત્યાં નૃત્ય કરતા મયૂરનું સ્થાન ‘મેઘદૂત’ શોભાવે છે તેમ કહી શકાય. ‘કાવ્યમાં શ્રેષ્ઠ’ એવું મેઘદૂત ભારતવર્ષની સંવેદનાની સફર ખેડાવવા મજબૂર કરી મૂકે છે. શૃંગારની ચરમસીમા ધરાવતું ખંડકાવ્ય એટલે મેઘદૂત. વાક્યના શબ્દે-શબ્દે ચોમેર શૃંગારરસના ઉન્માદક અને ઉલ્લાસમય વર્ણનો પથરાયેલા છે. ‘સાવન’ અને ‘સહવાસ’ની પરાકાષ્ઠા એટલે મેઘદૂત.

***

શિવના કોપથી સજા ભોગવી રહેલો યક્ષ રામગિરિ આશ્રમમાં વિરહના એક વર્ષમાંથી માંડ ૮ મહિના વિતાવીને અષાઢના પ્રથમ દિવસે મેઘને જુએ છે. પોતાની પ્રિયપત્નીની યાદ આવે છે અને કામી યક્ષ જડ-અજડનો ભેદ જાણ્યા વિના પ્રિયતમા સાથે વાદળ (મેઘ) દ્વારા વાત કરવા પ્રેરાય છે. મેઘને દૂત તરીકે પોતાનો સંદેશો પોતાની પ્રિયતમા સુધી પહોચાડવાનું કહે છે. તેમાંથી સર્જાય છે વિશ્વસમસ્તમાં અમરકૃતિ તરીકેનું સ્થાન પામેલ કાવ્ય ‘મેઘદૂત’. યૌવનના બગીચામાં રમતા યક્ષના જોડાને નાયક-નાયિકા કલ્પીને અત્યંત શૃંગારયુક્ત દામ્પત્યજીવનના પ્રેમનું હૃદયંગમ ચિત્રણ કાલિદાસે પોતાની અદભૂત કલમ વડે કર્યું છે. પ્રકૃતિના પ્રત્યેક તત્વમાં ધબકતો માનવ એટલે ‘પૂર્વમેઘ’ અને માનવના પ્રત્યેક અંગમાં વિલસતી-ઝૂલસતી પ્રકૃતિ એટલે ‘ઉત્તરમેઘ’. કૈલાસ સુધીનો માર્ગ ‘પૂર્વમેઘ’ અને ત્યાંથી અલકાનું વર્ણનથી માંડીને છેલ્લા સંદેશના વાંચન સુધીના ભાગનું નામ ‘ઉત્તરમેઘ’ છે. મેઘદૂત એ દરેક વ્યક્તિમાત્રની કવિતા છે, પત્નીના વિરહમાં કામતપ્ત બનીને પ્રેમી વડે ગવાતું સંગીત છે, ભવ્ય ભારતવર્ષના ભૂગોળના સૂર છે અને શૃંગારના તાલ છે.

ઉત્તમ ચિત્રકારના સૃષ્ટિસૌંદર્યના ચિત્રો જેમ મનની કલ્પનાશક્તિને દૂર-દૂર સુધી ખેંચી જાય છે તેમ જ કાલિદાસના વર્ણનો એટલા ખુબીથી ચીતરાયેલા છે જે મનોહર વસ્તુઓને તાદૃશ્ય જોતા હોઈએ તેવા આનંદનો અનુભવ કરાવે છે. મહાકવિ કાલિદાસના પેંગડામાં પગ નાખે એવો કોઈ કવિ આજ સુધી પાક્યો નથી. તેથી જ એવું કહેવાય છે કે કાલિદાસે કેવળ મેઘદૂત જ લખ્યું હોત અને બીજું કંઈ જ ન સર્જ્યું હોત છતાં પણ વિશ્વના મહાકવિઓની પ્રથમ પંક્તિમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું હોત.

પૂર્વમેઘ

શ્લોક થી ૧૦ :

કુબેરે પોતાના અનુચર યક્ષને દરરોજ સવારે માનસરોવરમાંથી શિવપૂજાને માટે તાજા કમળ તૈયાર રાખવાની આજ્ઞા કરેલી હતી. પરંતુ એક દિવસ યક્ષ એ રાત્રિ દરમિયાન જ એ કમળ તૈયાર કરીને મૂકી દીધા, કારણ કે તેને પોતાની પ્રિય પત્ની સાથેનો સંગ છોડવો પડતો હતો. સવારમાં શિવનું પૂજન કરતી વખતે કુબેરની આંગળી પર એક ભમરાએ દંશ દીધો, જે કમળની પાંખડીમાં રાત્રિ દરમિયાન ભરાઈ ગયો હતો. તે સમયે કુબેર એ ગુસ્સે થઈને શ્રાપ આપ્યો કે, ‘તારે બાર માસ સુધી એ સ્ત્રીથી દૂર રહેવું પડશે જેના સંગમાં રહેવાને લીધે તે મારી આજ્ઞાનો ભંગ કર્યો.’ શ્રાપ ભોગવવાને માટે યક્ષ દક્ષિણમાં આવેલા રામગિરિમાં આવીને રહ્યો. એ અનેક આશ્રમોમાં રહ્યો હતો. ઉપરાંત, પોતાની પત્નીથી દૂર હોવાને લીધે કામસંતપ્ત અને ઉન્માદની અવસ્થા વચ્ચે ઘેરાયેલો હતો. આઠ મહિના પરાણે પસાર કર્યા પછી મેઘ સાથે પોતાની પ્રિયાને અલકામાં સંદેશો મોકલવાનું વિચારે છે. ત્યાગી મનુષ્યને વનમાં આનંદ મળે છે, સંસારીને વસ્તીમાં આનંદ મળે છે જયારે કામી ચિત્તવાળા વ્યક્તિને કોઈ જગ્યાએ ચેન પડતું નથી. (૧,૨)

મેઘને જોઇને પ્રિયાને મળવાનો અભિલાષ વધી પડે છે અને એકદમ પ્રેમ ઉભરાઈ આવવાથી શિથિલ થઇ ચુકેલો યક્ષ, મહાપ્રયત્ને મેઘની સામે ઉભો રહે છે. વિરહના આંસુ આંખમાં ભરાઈ આવ્યા. પર્વતના શિખરોમાં ઘેરાયેલો મેઘ, જાણે કોઈ હાથી પર્વતના શિખરો સાથે મલ્લયુદ્ધ કરતો હોય એવું જણાતું હતું. યક્ષ વિચારે છે કે પોતાના સ્વામીને મળવાની અભિલાષા ધરાવતી તેની પ્રિયતમાને પોતાના મંગળ સમાચાર જણાવીને મેઘ સાથે મોકલવાનું વિચારે છે, જેથી તેની પ્રિયા અનુચિત પગલું ન ભરે. પોતાનો સંદેશો મોકલવા માટે યક્ષ મેઘને પુષ્પોથી વધાવીને સત્કાર આપે છે. (૩,૪)

કામી માણસો પોતાની વૃતિ-પ્રવૃત્તિમાં સજીવ-નિર્જીવનો ભેદ સમજી શકતા નથી. તેથી મેઘને યક્ષ કહે છે, હે મેઘ ! તારા જેવા કુલીનની પાસે મારી યાચના અફળ જશે, તો પણ મને ઓછું નહિ લાગે. કારણ કે નીચ વ્યક્તિએ કરેલી માંગણી સફળ થાય તો પણ તે અધમ છે અને સજ્જને કરેલી માંગણી અફળ જાય તો પણ તે શ્રેષ્ઠ છે. (૫,૬)

હે મેઘ ! તું કામથી તપેલાને શાંત કરનાર છે. વિરહથી તપેલા મારા જેવાને વર્ષાકાળમાં શાંત કર. કુબેરના રૂઠવાને લીધે શ્રાપ પામેલ મારી જેવાનો સંદેશો મારી પ્રિયા સુધી લઇ જા. ફરી મને મળવાની આશાથી જ કદાચ એ જીવતી રહી હશે. આશા ન હોત તો તારી ભાભી અવશ્ય કોઈ પગલું ભરી બેઠી હોત. (‘ભાભી’ શબ્દનું પ્રયોજન મેઘના યક્ષ સાથે ભાતૃભાવ-વિશ્વાસ અને નાયિકાનું ખરું બહુમાન માટે જ છે.) (૭,૮)

મેઘ ! તને આકાશમાં ઘેરાયેલો જોઇને પોતાના પતિના વિયોગમાં રાહ જોઈએ રહેલી અનેક સ્ત્રીઓ તને જોઇને હરખાઈ ઉઠશે. વર્ષાની શરૂઆત થઇ એટલે પોતાનો પતિ હવે જલ્દી ઘરે આવશે એ આશાનું પારણું બંધાય છે. હું એકલો જ આવો અભાગી છું જે પોતાની પ્રિયાની સંભાળ નહિ લઇ શકતો હોય. હે મેઘ ! તું જે દિશામાં જાય છે તે જ દિશામાં તને વહન કરનાર વાયુ મંદ મદ વાય છે. જે તને ગતિ આપશે, જે સારું શુકન છે. આ ચાતક પક્ષીઓ હરસથી મધુર શબ્દો બોલે છે. બગલીઓ આ સમયે ગર્ભ ધારણ કરશે, જે તને સેવશે. જેમાં મેઘને કામી તરીકેનું સૌભાગ્ય મળ્યું છે. (૯,૧૦)

શ્લોક ૧૧ થી ૨૦:

રાજહંસો પણ અહીંથી તારી સાથે કૈલાસ સુધી ઉત્તરે આવશે. અષાઢ મહિનામાં તારી ગર્જના સાંભળીને દરેક પ્રાણીમાત્રને આનંદ થાય છે અને તે અવાજ અત્યંત કર્ણપ્રિય લાગે છે. તેથી માર્ગમાં તને સાથી મળી રહેશે અને વાતો પણ થશે. રામગિરિ પર્વત અને મેઘ બંને જાણે વિખૂટા પડેલા મિત્રો હોય તેવી રીતે મળે છે. ઘણા સમયના વિરહ પછી પોતાના મિત્ર મેઘને રામગિરિ પર્વંત ભેટી પડે છે. પર્વત સ્નેહના અશ્રુ પાડતો હોય તેવું જડમાં ચૈતન્યની ભાવના કલ્પીને મિત્રસ્નેહનું મહોહર ચિત્ર કાલિદાસ આપે છે. (૧૧,૧૨)

હે મેઘ ! તું થાકે ત્યારે માર્ગમાં આવતા મોટા મોટા ગિરિપર્વત પર વિશ્રાંતિ લેજે. જયારે જયારે તું વરસતા ખાલી થાય ત્યારે પર્વતોમાં વહેતા ઝરણાઓનું હલકું પાણી પી ને ફરી પાછો માર્ગે પડજે. તે સમયે પર્વતનું શિખર જાણે ઉડતું હોય તેમ ધરીને આશ્ચર્ય પામતી સ્ત્રીઓ તને જોઈ રહેશે. ત્રાસ, શંકા, વિસ્મય, ઉત્સુકતા આદિ ભાવોથી વિવિધ વિલાસવાળી સ્ત્રીઓની દ્રષ્ટિનો તું પ્રયાણના આરંભમાં જ અતિથી થઈશ. (૧૩,૧૪)

પર્વતના સામા શિખર પર મેઘધનુષ્ય રચાયેલું જોઇને યક્ષ મેઘને કહે છે, તારું આ શ્યામવર્ણનું શરીર જાણે મોરપિચ્છનો મુકુટ પહેરીને ગોપ-ગોવાળિયાનો વેશ ધારણ કરીને ભગવાન કૃષ્ણ આવ્યા હોય તેવું શોભાયમાન લાગશે. તારા ઉપર કૃષિ-ખેતીનું ફળ આધાર રાખે છે તેમ જાણીને ચતુરાઈ ભરેલી આંખો દેશની સાદી અને ભોળી સ્ત્રીઓ તને મીઠી નજરે પ્રેમથી ધરી ધરીને જોશે. આ સ્ત્રીઓના નેત્રને નિહાળવા એ એક ભાગ્યશાળીનું લક્ષણ છે. માલદેશની સ્ત્રીઓ તને આવો સત્કાર આપશે, માટે તાજા ખેડાયેલા અને સહજ વરસાદથી મીઠી સુંગંધ આવશે. જેથી ખેતરો ઉપર થઈને જલ્દીથી ઉત્તર તરફ ચાલજે. (૧૫,૧૬)

ઘણો માર્ગ કાપ્યા પછી યક્ષ મેઘને આમ્રકૂટ પર્વત પર વિસામો લેવાનું કહે છે. પર્વતમાં બળતા અગ્નિને વૃષ્ટિથી શાંત કરી તું માર્ગમાં ઘણો થાકી ગયો હોઈશ, એમ જાણીને તારા ઉપકારને યાદ રાખીને આમ્રકૂટ તને અવશ્ય વિસામો આપશે. કારણ કે નીચ માણસ પણ ઉપકારને યાદ રાખીને આવકાર આપવાનું ચૂકે નહિ તો પછી એવા મોટા-ઊંચા પર્વતનું શું કહેવું? આમ્રકૂટ પર્વત પાકીને પીળી થયેલી આંબાની શાખાઓથી ચારે તરફથી ઘેરાયેલો છે જેથી તે પીળાશ પડતો દેખાશે. ઊંચા શિખર પર કાળા રંગનો મેઘ તું, વિશ્રાંતિ લેજે. ઉપરથી શ્યામ અને આજુબાજુથી સફેદ દેખાતો પર્વત જાણે ભૂમિનો સ્તન હોય તેવો શોભાયમાન લાગતો હશે. (૧૭,૧૮)

આમ્રકૂટ પર્વતમાં વનવાસીઓની જુવાન સ્ત્રીઓને નિહાળતો જજે અને ત્યાં વિશ્રામ કરજે. વનચર દંપતીઓનો વિનોદ, તારા નેત્રને આનંદદાયક થઇ પડશે. ત્યાં તેમના પ્રેમને પાંગરવા ખુબ વૃષ્ટિ કરજે. આગળ ચાલીશ એટલે વિંધ્યાચળની તળેટીમાં વાંકીચુકી નર્મદાને વહેતી જોઇશ. તે જાણે હાથીના અંગ પર વિવિધ વેલ ચીતરી હોય તેવું લાગશે. વિંધ્ય પર્વતમાં હાથીઓ ઘણા બધા છે, તેથી નર્મદાના જળમાં નહાતા હાથીઓના ટોળાના મદથી તેનું પાણી સુગંધી બનેલું હશે. જાંબુના વૃક્ષો પરથી ખરેલ જાંબુને લીધે થોડું તૂરું પાણી હશે જેને તું પોતાનામાં ભરી લેજે. પાણી ભરીને વજન સાથે આગળ વધીશ એટલે પવન પણ તને અટકાવી શકશે નહિ. (૧૯,૨૦)

શ્લોક ૨૧ થી 30 :

નદીઓના ભીના કાંઠાઓ પર કદંબના વૃક્ષોને નવો ફાલ આવે છે તેથી તે નવી સિંચાયેલ ભૂમિ પરથી પસાર થજે. ખીલેલા કદંબને ખાવા તલવલતા ભમરાઓ અને બોલતા ચાતકો તારો માર્ગ દર્શાવશે. આકાશમાંથી પડતા ફોરાને મોં માં ઝડપી લઈને ઉડતા ચાતકને જોતા, બગલીઓની તોરણ જેવી હારોને આંગળીથી બતાવતા વનવાસીઓ, તારી અકસ્માતથી થયેલી ગર્જનાથી ડરી જતી પ્રિયાઓને હૃદયસરસો ચાંપીને બાહુપાશમાં સમેટી લેતા તેના પ્રેમીઓ તારો આભાર માનશે. એ ગાઢ આલિંગનનું વગર માંગ્યે સુખ અનુભવી તારો આભાર માનશે. (૨૧,૨૨)

હે મેઘ ! મારી વ્હાલી માટે તું જલ્દીથી જવા ઈચ્છે છે છતાં પુષ્પોથી મહેકી રહેલા એ પર્વતમાં તને વિલંબ થશે તેવો મને ભય છે. કારણ કે, એ પર્વતોની મનોહર પ્રકૃતિને જોયા વિના તું રહેશે નહિ. ઉપરથી, મિત્રને જોઇને મોર પણ તારું સ્વાગત કરશે. તેમનો સત્કાર સ્વીકારી જલ્દીથી તું ત્યાં સમય પસાર કર્યા વિના આગળ ચાલજે. વર્ષાકાળમાં મયૂરો યૌવન આવે છે, તે સમયે તેઓ મયૂરીઓને સેવે છે. (૨૩,૨૪)

જેમ કોઈ વિલાસી પુરુષ બળાત્કારથી પોતાની પ્રિયાને ચુંબન કરવા જતા પ્રિયા થોડી નજાકતથી દૂર ચાલી જાય છે ત્યારે તેના મુખ પરના રોષ અને પ્રેમ બંનેનો સમાન ભાવે ચાલતો પ્રસંગ જોજે. એ તરંગોરૂપી વેત્રવતી નદીનું પાણી પીજે. કારણ કે, કામીઓને ભોગ કરતા અધરરસનો સ્વાદ વધારે પ્રિય હોય છે. જુના મિત્રને જોઇને હર્ષિત થયેલ નીચૈ: પર્વત રોમાંચિત થશે અને તેના પર તું વિશ્રામ લેજે. (૨૫,૨૬)

ઉદ્યાનોમાં નદીને કાઠે સ્વાભાવિક રીતે ઉગીને ફૂલતા જુઈના વનોમાં જળ સીંચતો જજે. એના કિનારાઓના તાપમાં પુષ્પ વીણતી અને ચહેરા પર બાઝેલ પરસેવાના બિંદુઓને લૂછવાથી કાનમાં પહેરેલા કમળો ચૂંથાઈ જાય છે તેવી માલણના મુખ પર ક્ષણવાર છાયા કરીને તેની સાથે પરિચય કરજે. તારે વાંકે માર્ગે થઈને ત્યાં જવાનું છે, તેમ છતાં તું આ સુપ્રસિદ્ધ ઉજ્જૈની નગરમાં જયા વિના રહીશ નહિ. વીજળીના ઝબકારના તેજ સાથે નયન મીંચતી, હમણાં વીજળી થશે એમ આકાશ તરફ ધારી ધારીને જોતી સ્ત્રીઓના કટાક્ષ સાથે તું રમીશ નહિ. જો તું એમના કટાક્ષ સાથે રમીશ તો તું ઠગાયો એમ જ સમજજે. (૨૭,૨૮)

જળના તરંગોથી ઉડીને વાગતી ઘૂઘરી જેવા કર્ણપ્રિય સ્વર કરતા પક્ષીઓના કમર પર ધારીને તેના મદથી અટકતી, લટક બંધ ચાલતી અને પાણીના ઝીણા વમળરૂપી નાભિને આછા અંબર જેવા જળમાંથી બતાવતી એવી નદીઓ વહેતી હશે. જેમ કોઈ કામિની પોતાના પ્રિયને જોઇને ઘૂઘરીઓના ઝમકાર સાથે અટકતી અટકતી અને વસ્ત્રનો પાલવ રમાડતા ઉદર અને નાભિને દર્શાવતી હોય તેમ હે મેઘ ! તેના રસિકને જોઈ તારું મન વિલાસી થશે જ અને તું તેનો સ્વાદ ચાખ્યા વિના નહિ રહે. તું વિલાસી પુરુષ બનીને આવી કામિનીના પાસમાં પેસીને તેના રસના ઉપભોગથી પોતાનું અંતર તૃપ્ત કરજે. હે મેઘ ! આટલા દિવસો તારા વિયોગ વેઠીને તારામાં બંધાયેલા અભિલાષ ધરાવતી એ નદી, પાણી ઓછું થયા પછી વેણીરૂપે આગળ વધે છે. સ્ત્રીની પતલી કમરની માફક શોશાઈને કૃશ દેહ જેવી થઇ ગઈ છે. ઉપરાંત, પીળા પાંદડા નીચે પડવાથી ફિક્કી પડી ગઈ હોય તેવું લાગે છે. તેથી તું નદીને જલવૃષ્ટિ કરીને પાણીથી ફરીથી રસભર બનાવી દેજે. સ્ત્રીના ભોગ પછી તેને તૃપ્ત કરીને પુષ્ટ કરજે, કારણ કે અભાવ જ સ્ત્રીને વૃદ્ધા જેવી થવાનું કારણ છે. (૨૯,30)

શ્લોક ૩૧ થી ૪૦ :

ઉદયનની કથાઓના જાણકાર અને તેને કહેનાર બહુશ્રુત વૃદ્ધો જેમાં વસે છે તેવા અવંતિ દેશમાં તું જજે. લક્ષ્મી અને સમૃદ્ધિની ત્યાં લીલાલહેર છે. જાણે ધરતી પર બીજું વૈકુંઠ આવીને ન વસ્યું હોય..! તારા માર્ગમાં ક્ષિપ્રાનદી પરથી વહેતો વાયુ તારો થાક દૂર કરશે. જાણે કોઈ પ્રિયતમ રતિશ્રમથી થાકેલી પોતાની પ્રિયાને સવારમાં શરીરના અંગો પર સ્પર્શ કરીને જેમ થાક દૂર કરે તેમ સુગંધી થયેલો અને મંદ ગતિવાળો ક્ષિપ્રાનો વાયુ તારો થાક ઉતારશે. (૩૧,૩૨)

ઉજ્જૈની એ કરોડો રત્નોથી ભરેલું બજાર છે. રત્નોની ઉત્પત્તિ સ્થાન ધરાવતા સમુદ્રો તેમની આગળ જાણે પાણી ભરતા હોય તેવું લાગે છે. મણિ-એક જાતનું મહાકીમતી રત્ન, શુભ્રહાર-સફેદ હાર, ધ્રોના- ઘાસ જેવા લીલા રંગના, વૈદૂર્યરત્ન-લીલા ઘેર રંગના રત્ન, જેમાંથી આવા રંગના કિરણો પ્રસરે છે તેવા રત્નો છે. (૩૩,૩૪)

હે મેઘ ! હજારો સ્ત્રીઓ કેશને ધૂપ દેતી હશે અને તેના ધૂમાડાની જાળીઓમાંથી નીકળતા ગોટાને લીધે ઘેરાઈ જતા તારા અંગ ભારે થશે. મોટા માર્ગે બહુ શ્રમ થતા તું ત્યાં પૂજાના પુષ્પોના ઢગલાઓમાંથી મહેકી રહેલા મહેલો પર વિશ્રામ લેજે. ઉજ્જૈનીના મહેલો પર બેસી વિશ્રામ લેવાની સાથે સાથે તને ત્યાનું સ્ત્રી સૌંદર્ય પણ જોવાનું મળશે. મહેલોમાં આમતેમ ફરતી લાવણ્યમય સ્ત્રીઓના પગે ચોપડેલી મેંદી, કંકુના પગલાની પડેલી ભીની છાપ જોજે. મહેલોની સ્ત્રીઓનું આવું અલૌકિક સૌંદર્ય માણજે. સ્ત્રીઓના શૃંગારને નિહાળજે. (૩૫,૩૬)

હે મેઘ ! મહાકાલેશ્વરના ધામમાં જતા તેમના ગણો તને શંભુના કંઠરૂપ ગણી તને આદરપૂર્વક નિહાળશે. તેને માન અને સદભાવથી તેઓ જોઈ રહેશે. વાટીકાઓ પાસે વહેતી ગંધવતી નદીના જળમાં વિહાર કરતી યુવતીઓના સ્નાનથી ચોળેલા સુગંધી દ્રવ્યો અને કમળના પુષ્પોની પરાગથી સુગંધિત બનેલો પવન તને આરામ આપશે. ઉજ્જૈની પાસે મહાકાલ નામના શિવાલયમાં સંધ્યાકાળની આરતીમાં તારી ગર્જનારૂપ શંખ ફૂંકીને તારું જીવન સફળ કરજે. એ સમયે વાદ્યની સાથે તાલ આપવા માટે સ્ત્રીઓ પોતાના અંગૂઠા પર ઉભી રહેતી હશે જેથી તેમના નખ સતત ઘસતા હશે અને વારંવાર દુ:ખતા હશે. ત્યારે તું તારા જળકણથી શાંતિ આપીશ ત્યારે તારી સમક્ષ તે ઉપકાર ભાવથી જોશે. જેમ કમળમાંથી કાળી ભમરોની હાર ઉડે તેમ તેમના નેત્રમાંથી પ્રસરતી શ્યામ દ્રષ્ટિ તારી તરફ પ્રસરશે. (૩૭,૩૮)

તું શ્યામ વર્ણનો છે, જેથી સંધ્યાકાળનું રાતું તેજ ભળવાથી નૃત્યમાં શંભુને રક્ત ગળતા હાથીના ચામડાની જરૂર નહિ પડે. તું તેના પર ગજચર્મરૂપે ઉભો રહેજે, જેથી ભગવાન શિવ તારી ભક્તિને સ્થિર નયનથી જોઈ રહેશે. સોનાની લીટીઓ દોરી હોય તેવી ઝીણી વીજળીના ચમકારાથી રાજમાર્ગે ચાલી જતી સ્ત્રીઓને અંધારામાં અથડાવા ન દેતો અને માર્ગ બતાવજે. તું વૃષ્ટિ કરી ગર્જતો નહિ, કારણ કે તેઓ ડરી જશે. કોઈના સ્નેહમાં વિક્ષેપ પડાવનારને નર્કમાં વાસ થાય છે. (૩૯,૪૦)

શ્લોક ૪૧ થી ૫૦ :

આખો દિવસ વિવિધ પ્રદેશોમાં જવાથી અને તેમને જોવાથી, તારી સાથે વારંવાર વિલાસ કરવાથી થાકી ગયેલી પ્રિય વીજળીનો શ્રમ ઉતારવા માટે મહેલોમાં વિશ્રામ લેજે. મિત્રનું કામ હાથમાં લીધા પછી ગમે તેવો મૂઢ હોય પણ તે કામ છોડી દે નહિ તો પછી તું તે કર્યા વિના રહેશે નહિ. જયારે સવારમાં નાયકો પોતાની પત્નીઓને સમજાવી પટાવી આંસુ લૂછે ત્યારે તું સૂર્યને પણ ઢાંકી ન દેતો. કારણ કે, એ પણ પોતાની કમલિનીરૂપી નાયિકાના આંસુ લુછવા પોતાના હાથ ફેલાવતો હશે. (૪૧,૪૨)

તારા દેહનું છાયારૂપે સ્વચ્છ જળમાં પ્રતિબિંબ પડશે. કોઈ ભાગ્યશાળી સુંદર પુરુષની છબી એ નાયિકાના પ્રસન્ન થયેલા અંત:કરણમાં વસી જાય છે તેમ તારી છબી પણ એ નદીના વારિમાં છાયારૂપે અંકિત થઇ જશે. કટાક્ષ જેવી ચંચલ અને ધોળી માછલીઓએ નદીનો તારા પ્રત્યે પ્રેમ દર્શાવશે. તેને ગણકારજે. તેના પ્રેમને વ્યર્થ ન જવા દઈશ. કોઈ કામી નાયિકાનું વસ્ત્ર ઢીલું થઇ જવાથી સરી પડે છે તેને ખેંચવા શામાઈને સ્ત્રી તેને પોતાના સ્તન પર અટકાવી રાખે છે તેમ જ જળરૂપી વસ્ત્રને મેઘ ખેંચી લેતા નદી લજ્જાથી અટકાવી રાખે છે. (૪૩,૪૪)

તાજી વૃષ્ટિથી તૃપ્ત થયેલી પોચી જમીનમાંથી આવતી વાયુની સુવાસને તેના પર ઉભેલા હાથીની સૂંઢ ખેંચે છે. આગળ જતા તું કાર્તિકસ્વામીનું પૂજન કરજે. પુષ્પરૂપે તેમના પર વૃષ્ટિ કરજે. આકાશગંગાના જળકણથી ભીના પુષ્પો વડે કાર્તિક સ્વામી પર પુષ્પવૃષ્ટિ કરજે. ગિરીગુફાઓમાં ગાજી રહેલી તારી ગર્જનાથી કાર્તિકસ્વામીના મયૂરને નૃત્ય કરાવી તું એમની આરાધના કરજે. જયારે કાર્તિકસ્વામીને વંદન કરીને તું આગળ જશે ત્યારે વીણાઓ ધારણ કરેલા વનવાસીઓના યુગલ, જલકણ વિના પર પડવાથી તેના તાર બગડી જશે એ ભયથી તારો માર્ગ છોડી દેશે. તેથી તું એ માર્ગે જતો હોઈશ તો તે માર્ગથી હટી જશે. રંતિદેવ રાજાએ હજારો ગાયોનો વધ કરીને ગૌયજ્ઞ કાર્ય હતા. તેના ચામડામાંથી ગળતા રુધિરથી ઉત્પન્ન થયેલી અને નદીરૂપે વહેતી ચર્મણવતીને નમન કરજે. (૪૫,૪૬,૪૭,૪૮)

જયારે તું ચર્મણવતીનું જળ લેવા જઈશ ત્યારે તને બધા કૃષ્ણ સમજશે. કારણ કે, કૃષ્ણના સ્નિગ્ધ, શ્યામ અને સુંદર વર્ણને ચોરી લેનાર મેઘનો કૃષ્ણના જેવો શ્યામ રંગ છે એમ સમજીને ચોર સમજવામાં આવશે. હજારો જલકણમાં સૂર્યના કિરણોનો પ્રવેશ પામવાથી રત્નના જેવા ઝબકારા મારતો હોય તેવો મેઘ નદી પર ઝૂકી રહ્યો છે. જેને સેરમાં ગૂંથાયેલ ઇન્દ્રનીલ તરીકે જોવાય છે. ભૂમિ જાણે વચ્ચે ગૂંથેલ નદીઓની માળા પહેરી હોય તેવો અત્યંત આનંદ આપે છે. તે ચર્મણવતીને ઓળંગીને, દશપુરની સુંદરીઓની દ્રષ્ટિથી તું જોવાતો હોઈશ. એ સ્ત્રીઓના વિલાસ અને ભ્રમરોના વિભ્રમને અનુભવતો તું આગળ ચાલજે. (૪૯,૫૦)

શ્લોક ૫૧ થી ૬૬ :

દશપુર છોડ્યા પછી તીર્થરૂપ બ્રહ્માવર્તમાં તું જજે. તારા પર સૂર્યનો તડકો પડતા તારી છાયા નીચે બ્રહ્માવર્ત પર પડશે, તે રૂપે તું એ પવિત્ર દેશમાં પ્રવેશ કરી ત્યાં આવેલું અનેક તીર્થોથી ભરેલું પવિત્ર કુરુક્ષેત્ર જોયા વિના જતો નહિ. તું કમળના વનોમાં ધારાઓની પરંપરાથી અસાધારણ વૃષ્ટિ કરે છે, તેમ અર્જુન જેના ધનુષનું નામ ગાંડીવ હતું તે કમળ જેવા મુખો પર હજારો બાણની વૃષ્ટિ કરતો હતો. તું તારી અંત:શુદ્ધિ કરીને દરેક પાપોનો નાશ કરજે. (૫૧,૫૨)

હિમાલય પર્વતમાંથી ગંગા વહે છે ત્યાં જજે. તે અત્યંત ઊંચા પર્વતોની વચ્ચે પડી રહેલા બરફના મોટા થરમાંથી બહાર પડે છે. આ ઉંચી કઢણ પર પર રહેલા બરફના મોટા ઢગલાનો યોગીની જટા જેવો આકાર દેખાય છે. જેમાંથી તે પ્રવાહ બહાર પડે છે. ઇન્દ્રના હાથીની માફક આગળથી નીચો નમીને આ ઠેકાણે ગંગાનું પાણી પીવા માંડીશ, ત્યારે તારા કાળા રંગના પ્રતિબિંબથી ગંગા જાણે કાળા જળવાળી યમુનાની સાથે સંગમ પામતી હોય તેવું દેખાશે. જેનો સંગમ પ્રયાગ-અલાહાબાદ પાસે થાય છે. બરફથી સફેદ દેખાતા હિમગિરી પર તું વિશ્રાંતિ લઈશ ત્યારે તારા કાળા રંગના લીધે શિખર ઉપર શંકરના નંદીએ જાણે પગથી કાદવ ઉખાડ્યો હોય તેવો તું દેખાઇશ. હે મેઘ ! જ્યાં તું દાવાનળ સળગતો જુએ તો તારી હજારો જળની ધારાઓ વર્ષાવી તેને તું શાંત કરજે, કારણ કે દુઃખીનું દુઃખ કાપવું એ જ મહાત્માની સંપત્તિનું ફળ છે. (૫૩,૫૪,૫૫,૫૬)

હે મેઘ ! શરભ (સિંહ કરતા વધુ બળવાન આઠ પગનું પ્રાણી) જેવા પ્રાણીઓ તને ઉપદ્રવ કરવા માટે આવે તો તેમના પર મોટા મોટા કરાનો વરસાદ વરસાવી તું તેમને નસાડી દેજે. હરદ્વારની પાસે શંભુની પ્રદક્ષિણા કરીને અભિવંદન કરજે, જેથી તારા તમામ પાપ નષ્ટ થઇ જશે. ભમરાઓએ કોરેલા વાંસમાં પવન ભરાવાથી પર્વતોમાં વાંસળીના જેવા સૂર સંભળાય છે. તેની સાથે તારા ગર્જનારૂપી મૃદંગનો સૂર ભેળવીને શંભુના નૃત્યમાં સંગીત રજૂ કરજે. હિમાલય પર્વતની આવી અનેક પ્રકારની કુદરત લીલા જોતો જોતો તું તેને હંસદ્વારમાંથી ઓળંગી જજે. તું કૈલાસ જવાને માટે વાંકો વળી લાંબો થઇ આ ક્રૌંચ માર્ગમાં પેસી ઉત્તર તરફ જઈશ ત્યારે બળીદમન વખતે લાંબા કરેલા ભગવાન વિષ્ણુના શ્યામ પગ જેવો શોભાયમાન દેખાઇશ. (૫૭,૫૮,૫૯,૬૦)

હે મેઘ ! કૈલાસના શિખર પર મેશ-કાજળના રંગનો તું બેસીશ ત્યારે જાણે ગૌરવર્ણના બલભદ્ર પોતાના ખભા પર શ્યામ વસ્ત્ર ધરીને ઉભા હોય તેવો એ ગિરી શોભી રહેશે. પર્વતમાં ચાલતા ઠોકર વાગે નહિ તે માટે શંભુના માટે પગથીઓરૂપ બનજે. જો તું આ પ્રમાણે ગૌરીને ચાલતા જુએ, તો તારામાંથી પાણી ન ઝરી જાય તેમ. પગથીઓ બરાબર ગોઠવીને માર્ગની અનુકૂળતા કરી આપજે. અને સેવા ભાવની ફરજ બરાબર બજાવજે. આમ કરવાથી શંકર પાર્વતીના પગનો સ્પર્શ પામતા તું તારા જન્મનું સાફલ્ય પામીશ. તું જલપૂર્ણ છે. તેથી પોતાના કાંકરાની ધાર-અણી તારા અંગ પર ઘસાઈને તારા અંગમાં છેદ પાડીને તારા અંદરથી પાણીની ધારાઓ શિવપૂજન અર્થે બહાર કાઢશે. સ્ત્રીઓ સ્નાન માટે તેને ફૂવારો બનાવશે જેથી તેના અંગનો તાપ શમશે. (૬૧,૬૨,૬૩,૬૪)

તારી સાથે વિનોદમાં પડે અને જવા ન દે, તો તું એમને ભયંકર ગર્જનાઓ કરીને નસાડજે. વિવિધ શોભા જોતો અને ચેષ્ટા કરતો તું પર્વતમાં મ્હાલ્જે. જેમ કોઈ વિલાસીની કામિની, શ્વેત સાડી પહેરીને મીતીની સેરો વાળમાં ગૂંથીને પ્રિયતમાના ખોળાને શોભાવતી બેઠી હોય, તેમ અંબોડામાં મોતી જેવા જલકણની હારો કૈલાસરૂપી પ્રિયતમના ખોળાને અલકા સુહાવે છે. હે કામાચારી અને વિષયરસિક મેઘ ! તું સહજ જાણી શકશે કે તે અમારી અલકાનગરી છે. (૬૫,૬૬)

ઉત્તરમેઘ

શ્લોક થી ૧૦ :

હે મેઘ ! તારી પાસે વીજળીની ચમક છે તેવી જ ચમક ધરાવતી વિલાસી સેંકડો સ્ત્રીઓ અલકામાં છે. જેમ તારી પાસે મનોહર દ્રશ્ય ધરાવતું મેઘધનુષ્ય છે તેમ ત્યાં વિવિધ રંગના સુંદર ચિત્રો ચીતરેલા છે. તું જેમ મધુર ગર્જનાઓ કરે છે તેમ ત્યાના મહેલ, સંગીતમાં મધુર ગંભીર નાદથી વાગતી મૃદંગો વડે ગાજી રહ્યા છે. જળ ભરેલી તારી આ વાદળીઓ જેમ શોભી રહી છે તેમ ત્યાં સ્વચ્છ કાચ ઢાળ્યા હોય તેવી માણિકથી સજ્જ ભૂમિ શોભી રહી છે, તું ઘણો ઉંચો છે, પણ તે મહેલો પણ આકાશને ટેકો આપે તેટલા ઊંચા છે. સૂર્યના ઘોડાઓ સાથે હરીફાઈ કરે તેવા શ્યામ રંગના ઘોડાઓ છે. (૧,૨)

અલકામાં સુંદરીઓ પુષ્પને શિશિર ઋતુમાં પોતાના કેશમાં ધારણ કરે છે. પુષ્પનો પીળો પરાગરસ છાંટવાથી મુખના સૌંદર્યમાં વધારો થાય છે. આ પુષ્પને ઝીણી ઝીણી પાંખડી હોવાથી તે લોલકની પેઠે ઝૂલ્યા કરે છે. પુષ્પનું મધ પીવાથી ઉન્માત થયેલા ભમરાઓના ટોળાઓ જ્યાં ગુંજન કરતા હોય ત્યાં વૃક્ષો દરેક ઋતુમાં પુષ્પો આપે જ. અલકામાં મયૂરના ટોળા સરવાળા સુંદર પિચ્છથી શોભતા હોય છે જે નૃત્ય સમયે દેખાઈ આવે છે. હંસની હારો કલરવ કરતી હંમેશા કમળની આસપાસ બેસી રહે છે. (૩,૪)

જ્યાં માત્ર આનંદ જ છે, શોકના ક્યારેય પણ આંસુ જ આવતા નથી. માત્ર હર્ષાશ્રુ જ દરેકની આંખમાં હોય છે. ત્યા કામદેવના તાપ વગર બીજા કોઈ પણ પ્રકારનો તાપ જોવામાં આવતો નથી. માત્ર પ્રેમથી લડીને રીસાતી સુંદરીઓ અમુક સમય માટે વિયોગ લે છે, અન્ય કારણથી ક્યારેય નહી. દરેક લોકો સ્થિરયૌવન ભોગવે છે. જમીન પર સ્ફટિક જડેલ છે તેવી સ્વચ્છ નિર્મળ અગાશીઓમાં બેસીને આકાશના તારાઓના દર્શન કરે છે. હજારો તારાઓના પ્રતિબિંબ પડવાથી જાણે તેમાં કુસુમો વેર્યા હોય તેવી લાગતી અગાશીઓ છે. મદ્યપાન સમયે સ્ત્રીઓ સમીપ હોવાથી તેમના હાથથી અપાયેલું મધ વિલાસીઓને વિશેષ ઉન્માદક અને પ્રિય લાગે છે. (૫,૬)

ગંગાના રમણીય તટ ઉપરની મંદાર વૃક્ષોની ઘટામાં રમતી નિર્દોષ કુમારિકાઓ ઉલ્લાસ કરે છે. ગંગાના જળના સ્પર્શથી અત્યંત શીતળ થયેલા વાયુ છે. સોનાની મણિ રેતીના ઢગલામાં સંતાડીને વાર ફરતી કન્યાઓ તેને શોધે છે. સ્ત્રીઓએ પહેરેલ વસ્ત્રની ગાંઠ પ્રિયતમ સાથે સ્પર્શસુખથી કામવશ થતાની સાથે જ આપોપાપ ઢીલી થઇ જાય છે. વારંવાર પ્રિયતમ વડે હોઠનું રસપાન કરવાથી બંને અધરો લાલચોળ દેખાય છે. અત્યંત પ્રકાશથી જળહળ થતા મણિના દીવાઓના પ્રકાશમાં પ્રિયતમ વડે વસ્ત્ર ખેંચી લેવાતા અંગ ખુલ્લું પડી જાય છે. શરમાઈને એ સ્ત્રી મણિના દીપકોને ઓલવી નાંખે છે. કંકુની મુઠ્ઠી દીવા પર નાંખે છે. પરંતુ દીવા ઓલવતા નથી અને પ્રયત્નો નિષ્ફળ જાય છે. (૭,૮)

સાત માળ ઊંચા મહેલોના ઉપરના ભાગમાં મેઘ પવનથી ઘસડાઇને આવી આરપાર ચાલ્યા જાય છે. વર્ષા સમયે મેઘ અત્યંત નીચે આવવાથી પર્વત ઉપરના મહેલોની બારીઓમાંથી ધૂમાડારૂપે આરપાર જતા રહે છે. ગ્રીષ્મની રાત્રિ દરમિયાન દંપતીઓ ક્રીડામાં પ્રવૃત્ત હોય તે સમયે તાપ લાગવાને લીધે સ્ત્રીઓ એટલી બધી શ્રમિત થાય છે કે મધ્યરાત્રી સુધીની શીતળતા પણ એ શ્રમને ઉતારી શક્તિ નથી. એ સમયે ગાઢ આલિંગનમાં પ્રિયતમા પોતાના પ્રેમીના બાહુપાશમાં સમાઈ જાય છે. જેનો સ્પર્શ અમૃતસમાન લાગવાથી પુષ્પસમાન મૃદુ હોવા છતાં સ્ત્રીઓ અત્યંત ગાઢ આલિંગનની પીડા સાંખી શકે છે. (૯,૧૦)

શ્લોક ૧૧ થી ૨૦:

અખૂટ ધનના ભંડારોમાં અલકાના યક્ષો બિરાજે છે. વિશાળ સ્તનમંડળ પર અથડાવાથી દોરા તૂટી જતા પડી ગયેલા હારો પરથી એ માર્ગ પર સ્ત્રીઓ પસાર થઇ હશે તેવું સવાર પડ્યે અનુમાન થાય છે. પોતાના પ્રેમીની યાદમાં પોતાના આભૂષણોની પણ પરવા કર્યા વિના તે આગળ નીકળી જાય છે. કુબેરના મિત્ર ભગવાન શિવ એ અલકા પાસેના ઉદ્યાનમાં રહે છે. સ્ત્રીની ભ્રમરો કામદેવના ધનુષ જેવી છે જે તીક્ષ્ણ બાણની વર્ષા કરીને પ્રેમીને રીઝવે છે. શરીર પરનો શૃંગાર કરવા માટેના વસ્ત્રો અને આભુષણ અલકાના કલ્પવૃક્ષો પૂરા પાડે છે. (૧૧,૧૨,૧૩,૧૪)

ધનપતિ કુબેરના રાજમહેલથી ઉત્તર દિશાએ મારું ધામ છે. મારા આંગણામાં એક મંદારનું વૃક્ષ મારી પ્રિયતમા એ એક પુત્રની જેવી સાર-સંભાળ લઈને ઉછેર્યું છે. આ મહેલની પાસે જળક્રીડા કરવા માટે એક નાની વાવ બનાવી છે. તેમાં ઉતારવાનો ઘાટ મણિની શીલાઓથી બંધાયેલો છે. મણિના નાળા પર કમળો ખીલીને ડોલ્યા કરે છે. એનું પાણી અત્યંત શીતળ અને સ્વચ્છ હોવાથી બગડતું નથી, તેથી માનસરોવરના હંસો પણ વર્ષાઋતુમાં આ વાવ છોડીને જતા નથી. ક્રીડા માટે તેની બાજુમાં એક કૃત્રિમ પર્વત પણ બનાવેલો છે. હે મેઘ ! તને જોતા મારી પ્રિયાનો પ્રિય એ પર્વત મને યાદ આવે છે. હે મેઘ ! ત્યા બે વૃક્ષ છે. એમનો પહેલો એટલે તારી ભાભીનો પ્રિય બકુલ વૃક્ષ, જે તેના મુખના મધુની અભિલાષા ધરાવે છે. બીજો એટલે અશોક, જે તેના ડાબા પગનો સ્પર્શ ઈચ્છે છે. (૧૫,૧૬,૧૭,૧૮)

હે મેઘ ! તારા જેવા પરોપકારી અતિથિને સંદેશો લઇ મહેલમાં પેસતા સત્કાર માટે તારા મિત્રરૂપ મારો મોર પણ ત્યાં જ છે, તે તારું મધુર કેકારવથી સ્વાગત કરશે. સુવર્ણનો સ્તંભ રોપી તેની ઉપર મણિનું એક પાંજરું મુકેલું છે, તે મારા મોરનું બેસવાનું સ્થાન છે. આ દરેક નિશાનીઓ જે મેં તને આપી, એને યાદ રાખીને જલ્દીથી અડચણ વિના મારા નિવાસસ્થાને તું પહોંચી જઈશ. આટલી સમૃદ્ધિથી સજ્જ મારું ભવન છે છતાં તે સર્વ પ્રકારના ઉત્સાહ વિનાનું જણાશે. કમળ અત્યંત સુંદર હોવા છતાં જયારે સૂર્ય નથી હોતો ત્યારે ઝાંખુ અને શોભા વિનાનું લાગે છે. સ્ત્રીઓને પુરુષો વિનાનું ઘર એવું જ નિસ્તેજ લાગે છે. (૧૯,૨૦)

શ્લોક ૨૧ થી 30 :

પ્રથમ માર્ગમાં થાકીને આવેલો હોવાથી તું નાનું સ્વરૂપ ધરીને ક્રીડા પર્વત પર ઉતરીને વિસામો લેજે અને સ્વસ્થ થજે. શાંતિથી કહેવાનો સંદેશો અસ્વસ્થ અવસ્થામાં નહિ કહી શકાય એ હું જાણું છું. પર્વત પર બેઠો-બેઠો ઝીણી વીજળી મહેલમાં ફેંક્જે. ભવનમાં મારી પ્રિયા ક્યાં છે, શું કરે છે, એ દરેક પરિસ્થિતિને જોજે. સ્વાભાવિક રીતે કોમલ હૃદયવાળી સ્ત્રીઓ ભયભીત થઈને તારી ગર્જનાથી ડરી જાતિ હોય છે, માટે તું એ ઝબકી જાય એવું કરતો નહિ. (૨૧)

શીતકાળમાં સુખ આપે એવા હુંફાયેલા અને ઉષ્ણકાળમાં શીતળ અંગ ધરાવતી અને ઉજ્જવળ જેવા વર્ણની સ્ત્રી શ્યામા કહેવાય છે. અત્યંત ઉંચી, નીચી, જાડી કે પાતળી નહિ તેવી મધ્યમ પ્રકારના શરીરવાળી, હરિણીના જેવા ચંચલ નેત્રો ધરાવતી ચપળ, ઘાટીલા અને તીણા સુંદર દાંતની દાડમ જેવી હાર ધરાવતી, ઝીણી કાળી જેવો નાજુક અને કોમળ બિંબફળ જેવા અધરવાળી, જેના ઉદાર પર સુંદર ગોળ અને ઊંડી નાભી શોભી રહી છે તે, જેની કેડ અત્યંત પાલી છે, ભારે સ્તનને લીધે કમરમાંથી સહેજ લચી જતી, નિતંબનો ભાર સહન ન કરી શકવાને લીધે મંદગતિથી ચાલતી એ સ્ત્રી મારી પત્ની છે. (૨૨)

મારા બીજા જીવન સરખી પ્રિય, માત્ર શરીરથી જ ભિન્ન છે તેવી મારી પ્રિયતમા છે. ખુબ જ ઓછું, પરંતુ મધુર અને સત્ય હિતવચનો બોલનારી એ મારી પત્ની છે. યૌવનના પ્રારંભમાં બાળભાવ ધરાવતી, એ તારી ભાભી છે એ જાણજે. પ્રિયાનો સ્વભાવ કોમળ હોવાથી મારા વિરહમાં રડી-રડીને તેના નેત્રો લાલ થઇ ગયા હશે અને ઉના ઉના નિ:સાસા નાંખીને હોઠ ફિક્કા પડી ગયા હશે. હાથને ટેકો દઈને જરા નમતું રાખેલું અને લાંબા વાળમાંથી ડોકાતું તેનું મુખ ગ્લાનિથી ભરેલું હશે. (૨૩,૨૪,૨૫)

જલ્દી વિયોગ દૂર થાય અને મારી સાથે પુન:સમાગમ થાય તે નિમિત્તે શિવ પાર્વતીના પૂજન અર્ચનમાં રોકાયેલી હશે. એના વિરહમાં મારું શરીર સુકાઈ ગયેલું જ હશે એવું ધરીને તે મારું મનમાં ચિત્ર કલ્પ્તી હશે. વિયોગ અને દુઃખનું સ્મરણ એથી અશ્રુ ભરાઈ આવથી ચિત્રલેખન અધૂરું રહેતા તે મુકીને વળી કઈ બીજા વિનોદમાં પ્રવૃત્ત થતી હશે. ઝાંખા અંગે બહુ ભભકાદાર કપડા નહિ પહેરતી હોય. સાદું સ્નાન, ભૂમિશયન અને વાળ ન બાંધવા જેવી પ્રવૃત્તિઓ દ્વારા પતિવ્રતાધર્મ પાળતી હશે. ખોળામાં વીણા મુકીને ગાવાની ઈચ્છા કરતી હશે. પરંતુ, મારી યાદ આવવાથી ફરીથી આંખમાંથી આંસુ દડી પડતા હશે. મનને મહામહેનતે શાંત કરીને વીણાના તાર પર પડેલા અશ્રુને સાફ કરતી હશે. આ પ્રમાણે કેટલા દિવસો ગયા, કેટલા માસ ગયા, એમ ઉંબરા પર મુકેલા પુષ્પોને ભૂમિ પર ભેગા કરીને ગણતી હશે. (૨૬,૨૭)

પ્રેમી વિયોગીઓને દિવસ જેટલો વિષમ નથી લાગતો તેટલી રાત્રિ લાગે છે. કારણ કે, રાત્રિએ એકાંત હોવાથી વિનોદ ન મળતા શોક વધી પડે છે. માટે હે મેઘ ! મારો સંદેશો તું એને રાત્રે આપજે અને આશ્વાસન આપજે. તે મારી યાદમાં પડખું સુદ્ધા ફેરવવા જેટલી સક્ષમ નહિ રહી હોય. સુંદર અંગ ધરાવતી હોવા છતાં તેના અંગો સુકાઈ ગયા છે. મારા વિના તેણે એક એક રાત્રિ ગાળી છે, એ માત્ર સંતાપ અને આંસુથી જ વિતાવી હશે. ચંદ્રને જોતા જ આંખમાં આંસુ ભરાઈ આવે છે છતાં, આવેગને શાંત કરવા એ પોતાના નેત્રને ઢાંકી દે છે. ત્યારે એ અશ્રુ બે પાંપણ વચ્ચે દબાઈને નીચે સરી પડે છે. (૨૮,૨૯,30)

શ્લોક ૩૧ થી ૪૦ :

અંતરના સંતાપ અને દુઃખને લીધે ગરમ શ્વાસથી તેના મૃદુ હોઠ સુકાઈ ગયા હશે. નિંદ્રા આવતા પરાણે પણ જો મારો સમાગમ થાય તો સારું તે અભિલાષથી ઊંઘવાનો પ્રયત્ન કરતી હશે. માથામાં કેશને પુષ્પને કેટલાયે મહિનાઓથી દૂર રાખ્યા હશે. ઘણા દિવસોથી ઓળ્યા વિનાની વેણી ઘડી-ઘડી ગાલ પાસે આવતી હશે. કઠણ અને કરકરી થઇ ગયેલી આ વેણી કોમળ અંગોને વાગતી હશે. છતાં, તે વારંવાર તે સંભાળી લેતી હશે. શયનખંડમાં પોતાના શરીરને આમથી તેમ નાંખી, ચેન નહિ પડવાથી દુઃખથી તલસતી હશે. મારી પ્રિયાને જોઇને હે મેઘ ! તારી આંખમાંથી પણ અશ્રુ ખર્યા વિના રહેશે નહિ. મારી પ્રિયા આવી વિષમ દશામાં પહોંચી હશે, માટે મરણની છેલ્લી દશાને ન પામે તેટલા માટે તું જેમ બને તેમ જલ્દી તેને ઉગારજે. (૩૧,૩૨,૩૩,૩૪)

તું જયારે અલકામાં પહોચીશ ત્યારે હે મેઘ ! પોતાની પ્રિયાની ડાબી આંખ ઉપરના પોપચા પાસેથી ફરકી હશે, જે શુકનવંતુ ગણાય છે. મધ્યરાત્રિના સમયે જયારે તે રાત્રિની શીતળતાને લીધે માંડ સૂતી હશે ત્યારે તું તેની પાસે બેસી શાંત થજે. ગર્જના જરા પણ કરતો નહિ. કારણ કે, તે કદાચ ઉઠી જશે. તે સૂતી હોય તો ત્રણેક પ્હોર તું થોભી જજે. એક પ્રહર સુધી તેને સમાગમનો આનંદ સપનામાં લેવા દેજે. તે જરા જાગૃત થાય એટલે તારા જળકણને લીધે શીતળ થયેલા વાયુને ઢોળજે. પુષ્પની વર્ષા કરજે. જેથી તે સ્વસ્થ થઇ જશે. તે પછી તે જયારે ઉંચી નજર કરે અને તારા તરફ દ્રષ્ટિ કરે ત્યારે તું ગરજી મધુર શબ્દોથી મારો સંદેશો કહેવાનો આરંભ કરજે. (૩૫,૩૬,૩૭,૩૮)

હે સૌભાગ્યવતી ! હું તારા સ્વામીનો મિત્ર છું અને તેનો સંદેશો લઈને તારી પાસે આવ્યો છું. હું માત્ર સંદેશો આપનાર દૂત નથી, પરંતુ તારા સ્વામીનો પ્રિય મિત્ર છું. જગતમાત્રને સુખ આપનાર તથા વિયોગીઓને ભેગા કરનાર મેઘ છું. માર્ગમાં ચાલતા-થાકતા પ્રવાસીઓને મધુર ગર્જના કરીને ઉત્સાહિત કરું છું, પ્રેરિત કરું છું. (૩૯,૪૦)

શ્લોક ૪૧ થી ૫૬ :

મારી પ્રિયાને કહેજે કે, તારો પતિ રામગિરિના આશ્રમોમાં કુશળ છે. તને પુન: મળવાની આશાથી જીવે છે, માટે તારે કોઈ જ અનિષ્ટ શંકા કરવી નહિ. હે મેઘ ! આવી મારી કુશળતા કહી એની ખબર પૂછજે, કારણ કે દુઃખી મનુષ્યોને તેના ખબરઅંતર પૂછવા તેમના માટે દિલાસારૂપ થઇ પડે છે. નાયિકાને આશ્વાસન આપતા મેઘ કહે છે, તારા દૂબળા તાપથી તપેલા અંગોને એ પોતાના દૂર્બળ થઇ ગયેલા અને વિરહથી તપેલા અંગો અર્પી મનથી ભેટે છે. તારા વિયોગ દુઃખના નિ:સાસાને અત્યંત ઉના નિ:શ્વાસથી ભેટે છે. સમાન પ્રેમને લીધે તારી જેવી અવસ્થા છે, તેવી જ મારા મિત્ર યક્ષની પણ દશા છે. (૪૧,૪૨)

તારા વિયોગને એક પણ ક્ષણ સાંખી ન શકનારો એ તારો પતિ, તારા કાનથી તથા તારી દ્રષ્ટિથી સેંકડો ગાઉં દૂર પડેલો છે. તારું મુખ ન જોઈ શકવાને લીધે મારા અંગો શોષાઈને પીડા આપી રહ્યા છે. મારાથી આ વર્ષાઋતુના દિવસો કેમ નીકળશે? અત્યારે આ દશા છે, તો તે વખતે મારી દશા કેવી થશે? હે પ્રિયા ! તારા સ્વરૂપનું દર્શન કરવાનો હું પ્રયત્ન કરું છું. પરંતુ તે પણ મને થતું નથી. તારા મુખની ચમકને ચંદ્રની ચાંદની સાથે સરખાવું છું. મુખના લાવણ્યને ચંદ્રમા સાથે સમાન ભાવે જોઉં છું. તારી આઠ માસ સુધી સંભાળ ન લેવાને લીધે મને માફ કરજે. તારી માફી માંગવા માટે જયારે હું નમું છું ત્યારે મારી દ્રષ્ટિ અશ્રુથી ભરાઈ જાય છે તેથી ત્યારે પણ તારા મુખનું દર્શન થઇ શકતું નથી. (૪૩,૪૪,૪૫,૪૬)

સ્વરૂપદર્શન અને ચિત્રદર્શન એ બંનેમાં નિષ્ફળ જતા હું સ્વપ્નદર્શનમાં તારો સમાગમ ઈચ્છું છું. તને સ્વપ્નમાં જોઇને ગાઢ આલિંગનમાં તને લેવા મારા હાથ ફેલાવું છું. ક્ષણમાં તારો સમાગમ થાય છે, ક્ષણમાં જતો રહે છે. મારી આવી કરુણાજનક સ્થિતિ જોઇને મારા પર દયા કરતા વનદેવતાઓની આંખમાંથી ઘડી-ઘડીએ વૃક્ષોમાંથી મોતી જેવા આંસુ ખરી પડે છે. દેવદાર વૃક્ષોની તાજી ખીલેલી કળીઓને ભેદીને તાજા રસથી સુગંધિત થયેલા હિમાલયમાંથી આવતા વાયુને હું ભેટું છું. ઉત્તરથી આવતા એ પવનો તારા અંગનો સ્પર્શ કરીને આવ્યા હશે એમ ધરીને મારા અંગોને શાંત કરવાનો પ્રયાસ કરું છું. (૪૭,૪૮)

જેવી મને રાત્રિઓ લાંબી લાગે છે તેમ તને પણ લાગતી જ હશે. મારાથી આ બેવડો તાપ સહન થઇ શકતો નથી. હે પ્રિયા ! તારે ડરી જવું નહિ, તું તારું જીવન ટકાવી રાખજે. આપણે આજે નહિ તો કાલે, વિયોગ પૂર્ણ કરીને ભેગા થઈશું. પુન: મળીને તારી સાથે અનેકવિધ આનંદ કરવાની અશોથી હું પોતાને આશ્વાસન આપી આટલા દિવસ ટકી રહ્યો છું. માત્ર આશાઓના બંધનથી જ હું આજ દિન સુધી ટકી રહ્યો છું, માટે તું પણ પ્રાણને ટકાવી રાખજે. મનુષ્યને સુખ દુઃખ તો વારાફરતી આવ્યા જ કરે છે. એવું કોણ છે, જેને એકલું સુખ કે એકલું સુખ મળ્યું હોય? એ તો વિષમતાનું ચક્ર છે. આ ચક્ર જ પરાપૂર્વથી દરેક પ્રજામાં ચાલે છે. (૪૯,૫૦)

આ સમય પણ પૂરો થશે. કાર્તિક સુદ એકાદશી (પ્રબોધિની એકાદશી)ના દિવસે આપણો શ્રાપ પૂર્ણ થશે. માટે આંખો મીંચ. આપણો અવધિનો સમય નજીક આવ્યો છે. આ બાકીના ચાર માસ કાઢી નાંખજે. હજારો નિરાશાઓમાં એક આશા ઉપર વિશ્વાસ રાખીને જીવન પસાર કરજે. વિયોગમાં તને નહિ મળી શકવાને લીધે મારા મનમાં ભાવનાઓ ક્ષણે ક્ષણે ભેગી થઇ છે. ગંધમાદનના વનોમાં વિહાર, ગીત, નૃત્ય, વાદ્ય, વિનોદ, ગાઢ આલિંગન અને વિવિધ પ્રકારની ક્રીડાઓ કરવાની અભિલાષા. આ બધું તારા અને મારા મનમાં છે એ આપણે સફળ કરીશું. નાયિકાને મેઘના વચન પર ભરોસો આવે તે માટે પોતાના સંપૂર્ણ એકાંતનો પ્રસંગ મેઘને કહે છે, તું શયનમાં મારે કાંઠે વળગીને ઊંઘતી હતી તેવામાં, જાગી એકદમ તું ડૂસકા લઇ રડવા લાગતી અને અસ્પષ્ટ બોલવા લાગતી. મારા પર હૃદય ભરાઈ આવતા તું રડવા લગતી. પૂછવા છતાં ખોટું બોલીને મને હસીને છેતરતી..ત્યારે તું કહેતી, મેં તમને સ્વપ્નમાં બીજી સાથે વિનોદ કરતા જોયા. (૫૧,૫૨)

આમ કહીને યક્ષ પોતાની પ્રિય પ્રત્યે પોતાનો પ્રેમ બદલાયો નથી તેની ખાતરી અપાવે છે. વિયોગમાં રહેવાથી સ્નેહ તૂટી જાય છે, એ કહેવતને લગીરે પણ માનતી નહિ. ગુણસ્નેહ જ ખરો સ્નેહ છે. ઉપર પ્રમાણે અલકામાં જઈને તારી ભાભીને સંદેશો કહ્યા પછી હે મેઘ ! તું તેના કુશળ ખબર લાવી મારા પ્રાણ ઉગારજે. આ અમારો પ્રથમ વિયોગ છે, એટલે તેના શોકમાં ભાગીદાર બનીને દિલાસો આપજે. મેં જે તને ગુપ્ત નિશાની આપી છે, તે પ્રમાણે એની પાસેથી પણ કંઇક નિશાની લાવી એની કુશળ ખબર મને કહેજે. તેનું કુશળ જણાયા વિના મારાથી આ ચાર માસ પણ કાઢી શકાશે નહિ, માટે મને તેનું ક્ષેમકુશળ કહી મારો જીવ પણ બચાવી લેજે. (૫૩,૫૪)

હે મેઘ ! તે આ મિત્રનું કામ સ્વીકારી લીધું એમ હું માનું છું. તું મૌન રહ્યો છે તે ઉપરથી મેં સ્વીકારી લીધું છે કે તે મારું કાર્ય ઉઠાવ્યું છે. તારું મૌન હકાર ભાવ સૂચવે છે. તે તારી મોટાઈ અને તારું ગાંભીર્ય સૂચવે છે. બોલ્યા વગર કરી બતાવવું એમાં જ મોટાઓની મહત્તા સમાયેલી છે. તને આ દૂતકાર્ય તો યોગ્ય નથી જ. છતાં, તારે આટલું મારું કાર્ય કરવાનું છે. તું ઇન્દ્રનો મંત્રી છે અને ઉદાર તથા જગતનો ઉપકારક છે. માટે હું તારી પ્રાર્થના કરી, તે તને સોંપુ છું. મને મારી પ્રિયાથી વિયોગ થયો પરંતુ હે મેઘ ! તને ક્યારેય તારી પ્રિયા વીજળીથી ક્ષણ પણ વિયોગ થશો નહિ. અંતમાં યક્ષની ઈચ્છા અનુસાર મેઘ આશીર્વચન આપે છે.

**** સમાપ્ત ****

(Tr. Kandarp Patel)

related posts

ઓ સરલા, લોચો લાવજે ની !- (પારસી કાકાનો લોચો)  

ઓ સરલા, લોચો લાવજે ની !- (પારસી કાકાનો લોચો)  

નવરાત્રી : ચોલી, સેર, લટકણ, ઘૂઘરી, કટિબંધ અને આછી લિપસ્ટિક

નવરાત્રી : ચોલી, સેર, લટકણ, ઘૂઘરી, કટિબંધ અને આછી લિપસ્ટિક