નિરાંત: બે ઊંડા શ્વાસ વચ્ચેનો સમયગાળો

નિરાંત: બે ઊંડા શ્વાસ વચ્ચેનો સમયગાળો

જેના માટે નિરાંત એ માત્ર બે ઊંડા શ્વાસ વચ્ચેના સમયગાળો હોય તે હંમેશા સામા પ્રવાહે તરનાર હોય. હાથપગ સતત મારતો હોય, જાણે છેક તળિયેથી કઈંક શોધી કાઢતો મરજીવો! મરજીવાને સમજવો અઘરો હોય છે, તેને એક સાચા મોતીની શોધ હોય છે. એ શોધમાં તે સામા પ્રવાહને જ પોતાનું જીવન બનાવી લે છે.

એ ધૂની હોય. તેના માટે માહોલ એટલે એકલતા. આનંદ એટલે અહર્નિશ નિજાનંદ. કર્મ એટલે, એ જ બે ઊંડા શ્વાસ વચ્ચેની નિરાંત. ડૂબી જાય, ખોવાઈ જાય, ક્યાંક દુનિયાને છેડે સતત સપનાઓના પ્રકાશિત આગિયાઓને દિવસે પણ જોયા કરે.

તેના માટે થાક એટલે સીધી ઊંઘ. ઉત્સાહ એટલે એક સપનાના સાચા થવાની ખુશીને બદલે નવા વણ ખેડાયેલ સફરની શરૂઆત. વ્યવહાર એટલે ખપ પૂરતું રાશન પાણી. માંગવું એટલે ઈશ્વરને પોતાની સાથે સંકળાયેલ અનેકના કલ્યાણની ચિઠ્ઠી. ઊઠવું એટલે ગઈકાલથી એક ડગલું આગળ વધવાની તમન્ના. વાંચવું એટલે શક્ય તેટલું ઉતારવું. જીવવું એટલે વહેંચવું.

સફળતા એટલે સતત ખૂલતી નિષ્ફળતાની બારીઓ. રોજ ઊગીને આથમવાની હિંમત તો આ બારીઓ જ આપે છે. એક આજની હિંમત આપે અને બીજી આવતીકાલ માટેની. એ સતત આશાવાદનો પરચમ પોતાના મન-મસ્તિષ્ક પર ફેલાવીને ચાલે. રોજ એવું લાગે કે આ છેલ્લો કટોરો છે ઝેરનો. પી જઈએ. પછી આનંદ જ આનંદ છે. પણ, ખરેખર એવું છેલ્લા શ્વાસ સુધી થતું નથી.

અરે, જે નિરાંત દેખીતી છે એ પણ નિરાંત નથી. મન સતત પડઘમ મચાવે, શોરબકોર કરે અને ઘોંઘાટ કરે. બુદ્ધિ તેને શાંત કરવા મથે, પણ ચંચળતા સામે સ્થિરતા સામાન્ય માણસોના હાથની વાત થોડી છે?

નિરાંત એ કામનું પૂર્ણવિરામ છે. પણ, એ પૂર્ણવિરામ ખરેખર અનેક અલ્પવિરામો છે. જે શાંતિથી બેસવા ન દે. ફરી ઉઠાડે અને દોડાવે.

હાલ, તમારી નિરાંત આ વાક્ય પર છે. ચિંતા છે કે આ પૂરું થઈ જશે પછી શું? બીજું શું કરીશ? ફેસબુકની વૉલ સ્ક્રોલ કરીશ કે ઇન્સ્ટાની ફીડ? બસ, એ જ સતત છે. રિપિટેટિવ સાયક્લોન.

related posts

#સફરનામા: તમે સ્વતંત્રતાને કદી અનુભવી છે ખરા?

#સફરનામા: તમે સ્વતંત્રતાને કદી અનુભવી છે ખરા?

આવી કઈક રહી મારી ૧૦૦ મી વોટ્સએપ પોસ્ટ…!

આવી કઈક રહી મારી ૧૦૦ મી વોટ્સએપ પોસ્ટ…!