મૃત્યુ નગ્ન હોય છે!

મૃત્યુ નગ્ન હોય છે!

એક હજાર વર્ષ દૂરનું સપનું એક જ જીવનમાં લઈને દોડનારો સરમુખત્યાર. જર્મની દુનિયા પર રાજ કરે તેવો મનસૂબો. મજબૂત મનોબળ હોવા છતાં 30 એપ્રિલ, 1945ના દિવસે બર્લિનના એક બંકરમાં સરમુખત્યાર આત્મહત્યા કરે છે. જે હજુ એક જ દિવસ પહેલા પોતાની પ્રેમિકા ઇવા બ્રાઉનને પરણ્યો હતો.

પચાસ ફૂટ ઊંડું બંકર. 18 રૂમો. પાણી અને ઇલેક્ટ્રિકલ સપ્લાયથી સેલ્ફ-સફીશિયન્ટ. એક હાથમાં સાયનાઇડની ગોળીઓ અને બીજા હાથમાં પિસ્ટલ. બંકરમાં ધડામ દઈને અવાજ આવે છે અને હિટલર પોતાના લમણે ફાયરિંગ કરે છે.


આ સ્થિતિ વખતે મન મૃત્યુની સતત ધૂન પોકારે છે.

મનની બારીઓ તપ્ત હોય અને દાવાનળ ફાટ્યો હોય ત્યારે આગની પકડ જલ્દી પકડમાં આવતી નથી. સમય સાથે તે હિંસક અને ઝનૂની બની જાય. એ જંગલ આખું ખેદાનમેદાન કરે. લોનલીનેસ એ મૃત્યુને પ્રજ્વલ્લિત કરનાર ઓક્સિજન છે. નિરાશ મન અને એકલતા એ ઉધઈનો રાફડો છે. ધીરે ધીરે પોલાણ બનાવે છે અને એક જ ક્ષણમાં રાખ.

ત્યાં ફિનિક્સની જેમ રાખમાંથી ઊભું થવાની શકયતા પણ નથી. સ્પિરિચ્યુઆલીટી એક અંશે ઇલાજ ખરો. પણ, તે એકલું કોઈ જ કામનું નથી. તેનો અહેસાસ કરાવનાર જાબુંવન જો સમયસર ન પહોંચે તો હનુમાન પોતાની શક્તિઓને સમજી જ ન શકે.

એ કોઈનું સાંભળતો નથી. મન એ બુદ્ધિથી ક્યાંય છટકીને દૂર સુધી ચાલ્યું ગયું હોય છે. હવે મન નિશ્ચિંત છે. વ્યક્તિને નચાવે છે, રડાવે છે, હસાવે છે, પાગલ બનાવે છે અને અંતે મારી નાખે છે.


વીસમી સદીની વર્લ્ડ બેસ્ટસેલર નૉવેલ્સ આપનાર વર્જિનિયા વુલ્ફનો સ્યુસાઇડ લેટર વાંચવા જેવો છે. એક બુદ્ધિજીવી વ્યક્તિની બુદ્ધિમાં છીંડા કેમ કરવા એ ડિપ્રેશન ખૂબ સારી રીતે કરે છે.

“ડિયરેસ્ટ,
મને એવું લાગે છે કે હું ફરીથી પાગલ થઈ જઈશ. હું ફરી એ તકલીફભર્યા સમયમાં જવા નથી માંગતી. અને આ વખતે હું રિકવર પણ નહીં થઈ શકું. મને એ અવાજો સંભળાવા લાગ્યા છે અને હું કોન્સન્ટ્રેટ નથી કરી શકતી.
આથી, મને હું જે કરી રહી છું એ જ યોગ્ય લાગે છે. તે મને સૌથી વધુ અને શક્ય તેટલી ખુશી આપી છે. કોઈ ન કરી શકે તે મારા માટે કર્યું છે. હું નથી માની શકતી કે આવા અઘરા સમયે બે લોકો ખુશ રહી શકે. હું વધુ ઝઘડી પણ નહીં શકું. મને ખ્યાલ છે કે હું તારી લાઈફ સ્પૉઇલ કરી રહી છું, પણ તું મારા વિના રહી શકીશ અને કામ કરી શકીશ એ હું જાણું છું.

જોયું તે? હું એટલિસ્ટ આ પણ પ્રોપરલી લખી નથી શકતી. હું વાંચી પણ નથી શકતી. હું તને વધુમાં વધુ મારી તમામ ખુશીઓ આપી શકું. તું હંમેશ મારા માટે ખૂબ શાંત અને સૌમ્ય રહ્યો છે. જે દરેક લોકો જાણે છે.
જો કોઈએ મને અત્યાર સુધી બચાવી હોય તો એ માત્ર તું જ છે. મારામાંથી બધું જ નીકળી ગયું છે, સિવાય તારી ગૂડનેસ. હું હવે આનાથી વધુ તારી લાઈફ સ્પૉઇલ નહીં કરી શકું. હું નથી માનતી કે બે લોકો ક્યારેય આપણા કરતાં વધુ ખુશ આ દુનિયામાં રહ્યા હશે!”
~ V. (વર્જિનિયા વુલ્ફ)

મજબૂત મનોબળ ધરાવતો હિટલર હોય કે બુદ્ધિશાળી વર્જિનિયા. મોટિવેશનનો ધોધ એવા ડેલ કારનેગી હોય કે પછી FM રેડિયોના ઇન્વેન્ટર એડવિન આર્મસ્ટ્રોંગ. સ્વીડીશ DJ અવિસી કે ચાર ઑસ્કર મેળવનાર ચાર્લ્સ બોયર.

આવા તો અનેક લોકો છે કે જેઓ બધું જ હોવાં છતાં પોતાની જાતને સંભાળી ન શક્યા. મૃત્યુને વહાલું કર્યું. એ ક્ષણ જો એકલતામાં આવી તો મૃત્યુ નિશ્ચિત છે. એ વખતે આર્થિક કે સામાજિક નહીં પણ માનસિક ખાલીપો વર્તાય છે. જે પોઇઝનસ છે. જે-તે વ્યક્તિની દુનિયા ખત્મ કરે છે.

બસ, થોડાં હળતાભળતા રહેવું. કદાચ, કોઈ સમય પર સાંભળી લે.

related posts

ચાલ, તને શહેરની તાસીર બતાવું!

ચાલ, તને શહેરની તાસીર બતાવું!

ઉનાળો કરે કે’ર ‘કાળો’ , છે તોયે મજાનો આ ‘ગાળો’…!

ઉનાળો કરે કે’ર ‘કાળો’ , છે તોયે મજાનો આ ‘ગાળો’…!