‘કોમ્પિટિટીવ એકઝામ્સ’નો વિરોધ કરતું બટેટું

“તારી બા ને સાદ કર ! દેશમાંથી દાદાનો ફોન છે.”
ગાળા-ટાઈપ મકાનની બનેલી શેરીમાં દરવાજા પાસેની બે મકાન અલગ કરતી દીવાલ પર ચડીને ચિત્ર દોરતા લાલિયાને સામેવાળા કુંવર માસીએ સાદ પાડ્યો.
“એ નથી, મમ્મી શાક લેવા માર્કેટમાં ગઈ છે. હમણે આવે એટલે કઉં છું. એમ તો ઘણો ટાઈમ થ્યો, રસ્તામાં જ હોવી જોઈએ.”
“તો શું કઉં ગઢા-બા ને?”
“એ…એમ કહી દ્યો કે આવીને ફોન કરશે.”

જયારે મોબાઈલ ફોન હજુ આવ્યાં નહોતા અને લેન્ડ-લાઈન ‘સ્ટેટસ સિમ્બોલ’ હતો ત્યારના સમયગાળામાં સ્કૂલે જતાં શીખેલા. એ પાળી પર બેસીને બહુ ચિત્રો દોર્યા. વળી, માર્કેટમાંથી મમ્મી મમરાની થેલી લઈને આવે ત્યારે મળતી ખુશીનો પાર ન રહે. ઘડિયા શીખવા માટે રોજ પાટ લેવડાવાતી. ‘આનંદ ઉત્સવ’માં ભેળ બનાવેલી અને ક્લાસ વતી પૂરા પાંસઠ રૂપિયાનો નફો પણ કરેલો. શાળાનાં નાનકડાં રંગમંચ પર વર્ષો-વરસ એકાદ લાઈન બોલવા મળે તે પૂરતું પાત્ર ભજવવાની હિંમત થતી. ખૂણામાં ઉભા રહીને એક ડાયલોગ બોલવાનો હોય તો પણ કેટલાંય દિવસ અગાઉથી નર્વસ થઇ જવાતું. વેશભૂષામાં ‘કાનુડો’ કે બનાવવાની મમ્મીને અલગ જ મજા પડતી. પ્રાર્થનાઓ ગાવાની અને ટૂંકા સમાચારો વાંચવાની આવડત મજાની હતી. દર અઠવાડિયાની એક ‘સફાઈ’ માટેની ટીમ નીમવામાં આવતી, જે વહેલા સ્કૂલે આવીને દરેક બેંચ પાસે જઈને કાળા રબ્બરના પૂમડાં ચડાવેલી નાની સાવરણીઓથી ક્લાસનો કચરો વાળતાં. એલિમેન્ટરી પરીક્ષાઓ અને જ્ઞાનવર્ધક કસોટીઓ પહેલા આપવામાં આવતી પુસ્તિકાઓ ‘સામાન્ય જ્ઞાન’નું પૂરણ કરતી. ‘ટીચર્સ ડે’માં પોતાનાથી નાના વર્ગોમાં ભણાવતી જતા પહેલા પોતે બધું જ શીખવાની ધગશ અને પ્રમાણિકતા હતી. તહેવારોની ઉજવણીઓ માટે સોસાયટીના ક્રુ-મેમ્બરશીપ મેળવીને વ્યવસ્થાપકની ભૂમિકાઓ ભજવવાની મજા ઔર હતી. ટૂંકમાં, આપણે પ્રમાણિક હતા.

‘આરુણિ’ નામના શિષ્ય અને ‘અયોદ્ધૌમ્ય’ ઋષિથી અભ્યાસની શરૂઆત થઇ અને ફિનોલ-બેન્ઝિનના ન સમજાય તેવા સમીકરણો દ્વારા પૂરી થઇ. પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયા અને ડુંગળી-ગાલના કોષોએ હડસેલો મારીને વિજ્ઞાન ઘુસાડ્યું. બાબરથી લઈને વોરન હેસ્ટિંગ્ઝ સુધી સામાજિક વિજ્ઞાન શીખીને ‘ગુલામ’ની વ્યાખ્યાઓ અલગ-અલગ રાજાઓએ કરી. ભા.ગુ.સ.બા.નો નિયમ આવડ્યો ત્યાં અંકગણિતના બીજ રોપાઈને સંકલન-વિકલન જેવડાં વટવૃક્ષ બન્યા. તત્વ-પદાર્થથી શરુ થયેલી વાત ફોટોન અને વિદ્યુતભાર પર આવીને ઉભી રહી. કમ્પ્યુટરમાં એક્સેલ-વર્ડમાં ‘પાંચ વિદ્યાર્થીઓના નામ અને તેમના કસોટીમાં આવેલા માર્ક્સનું ટેબલ’ બનાવીને તેના એવરેજ કાઢવામાં લિનક્સ, ઉબન્ટુ કે ઓપરેટિંગ સિસ્ટમ કદી સમજયા નહિ. નાગરિકશાસ્ત્ર ભણ્યાં પછીયે કશું ઇન્સ્ટોલેશન ન થયું. જે લાઈનમાં ઉભા રહીને શાળામાં ‘બાલભવન પ્રવેશોત્સવ’ ઉજવ્યો હતો એ ‘કોમ્પિટિટીવ એકઝામ્સ’ની તૈયારીઓમાં અધકચરો પૂર્ણ થયો. અપ્રમાણિકતાના બીજ ‘ઉપલા ક્લાસ’માં જવા માટે ઉનાળાના તડકામાં લેવાતી વાર્ષિક પરીક્ષાઓના ‘વર્ગખંડો’માં જ રોપાયાં.

શાળા શરુ થયાં પછી જે પ્રવૃત્તિઓમાં આપણે પાર્ટીસિપન્ટ રહ્યા, તે દરેક મોટો બિઝનેસ બની શકે તેમ હતો. જે પુસ્તકમાં ભણ્યાં તે શિક્ષણ પૂરું થયાં પછીની ‘નાનકડી જોબ’ હતી. શાળા શરુ થાય ત્યારે જે મજાથી વિદ્યાર્થી ભણે છે, તે સમય જતા ‘ટેન્શન લેવલ’ વધારે છે. પરિણામે, ‘ફ્રસ્ટ્રેશન લેવલ’ વધ્યું. ‘હું રહી જઈશ’, ‘બીજો કોઈ આગળ નીકળી ગયો’, – એ વાત જ ન ઉદ્ભવે અને વિદ્યાર્થી કશુંક પોતાને લાયક વિચારી શકે એ બુધ્ધિક્ષમતાનું જ નિકંદન નીકળી જવા લાગ્યું. અંતે, અમુકેક સીટ્સની લાલચમાં એકસામટી ફૌજ બુઠ્ઠી તલવારે લડવા નીકળી પડે છે. ‘લાયક નથી !’ – આ પ્રમાણપત્ર જ્યાં સુધી જે-તે કોમ્પિટિટીવ એકઝામ્સના સર્ટીફીકેટ ન આપે ત્યાં સુધી તૈયારીઓ અને સમયનો બગાડ થતો રહે છે. શા માટે કોમ્પિટિટીવ એકઝામ્સ દરેક વિદ્યાર્થી આપે? ‘જે વાત જ નહોતી, એ ચર્ચાઓ બનીને સમાજમાં વહેતી કરી’ – એવો હાલ આ કોમ્પિટિટીવ એકઝામ્સ કરી રહી છે. ‘ક્રેશ કોર્સિસ’ જ્યાં સુધી કેરિઅર ક્રેશ ન કરી મૂકે ત્યાં સુધી ‘એમ જ’ લાગ્યા રહેવાથી તેનું કશું પરિણામ નથી આવી જતું હોતું. પોતાનું બાળક, કે જેને તમે ઉછેર્યું છે તેને જયારે એવો પ્રશ્ન પોતાના જ પેરેન્ટ્સ દ્વારા પૂછાય કે ‘તારે શું બનવું છે, શું કરવું છે?’ એનાથી મોટી કમનસીબી શું હોઈ શકે. બાળકનું ટેકનોલોજી ક્ષેત્રે ‘એક્પર્ટ લેવલ’ વધ્યું છે, ‘મેચ્યોરિટી લેવલ’ બેશક ઘટ્યું છે. એવા સમયે સત્તર વર્ષની ઉંમરે કોઈ વિદ્યાર્થી પોતાના કેરિઅરનું ડિસીઝન કેવી રીતે લઇ શકે? ‘બાળકને જે કરવું હોય તે જ ફિલ્ડમાં મૂકાય, કે આગળ વધવા દેવાય !’ – આ થિઅરી એકપણ ખૂણેથી સાચી લાગતી વાત નથી. સોલ્યુશન એ હોવું જોઈએ કે, સગા-સંબંધીઓ કે માતાપિતા જ તેને ગમતાં ફિલ્ડમાં પ્રવેશ માટે ‘સમયસર’ સૂચન આપે.

નાનો હતો ત્યારે ચિત્ર બહુ સારું દોરતો, ‘ડાન્સ કોમ્પિટિશન’માં હંમેશા ફર્સ્ટ આવતી, નાટકો બહુ સારા નિભાવતો, અવ્વલ કક્ષાની કવિતાઓ લખતો, ‘વાર્તા સ્પર્ધા’માં હંમેશા વિનર જ હોય ! આ દરેક વાતો આપણે ત્યાં ત્યારે વાગોળવામાં આવે છે જયારે એ પોતે મા કે બાપ બનીને બેઠા હોય. પાંચ વર્ષથી પચ્ચીસ વર્ષના થઈએ ત્યાં સુધીમાં આપની સામે ‘બત્રીસ પકવાનો’ અલગ-અલગ વિષયો અને પ્રવૃત્તિઓ સ્વરૂપે ધરવામાં આવે છે. હેતુ એ હોય છે કે, આ દરેકમાંથી જે પકવાન પસંદ પડે તેમાં આગળ વધવું. અંતે, ‘કોમ્પિટિટીવ એકઝામ્સ’ નામનું અલગ જ કડવું કારેલું હાજર થાય છે. જયારે પ્રકૃતિગત જ બટેટા મેજોરિટી હોવા છતાં તેને કારેલું ચાખવા માટે સિસ્ટમ ફોર્સ કરે છે. અને, કડવા કારેલાના ‘વર્ચ્યુઅલ ગુણો’ બતાવીને બટેટાની સૂકીભાજીને બાળી નાંખે છે.

કોમ્પિટિટીવ એકઝામ્સે જિંદગીનું જેટલું સીધું-સાદું ગણિત હતું તેને સલ્ફ્યુરિક એસિડમાં બોળીને નાગરિકશાસ્ત્રના દાઝેલા ‘અપ્રમાણિક’ નાગરિકમાં ભેળવી મૂક્યું.

લિ. ‘કોમ્પિટિટીવ એકઝામ્સ’નો વિરોધ કરતું બટેટું.

તા.ક. બટેટાએ પોતાનો સમગ્ર અભ્યાસકાળ (ઇન્ક્લુડિંગ ‘કોમ્પિટિટીવ એકઝામ્સ’) ‘ગોલ્ડન’ કહી શકાય તે રીતે પસાર કર્યો છે. છતાં, ‘સંપૂર્ણ વિરોધ’ને જ મારો ટેકો છે.

related posts

દેવા શ્રી ગણેશા…!

દેવા શ્રી ગણેશા…!

Who is ContentMan?

Who is ContentMan?