આવ સખી, રમીએ દરિયે, એક તું – એક હું !

IMG_3784.JPG

શુક્લ પક્ષનો શાંત દરિયો છે. સૂર્યના કિરણોની ચમક સમુદ્રની સપાટી પર વિદાયના રંગ જમાવી રહી છે. કલ્પિત સરહદ, નામે ક્ષિતિજ, સંધ્યાના રંગોમાં ભભકી રહી છે. ચાંદની છવાય તે પૂર્વે જ શુક્લ પક્ષ સૂર્યનો અભાવ સૂચવતી એક ઝાંખપ પોતાની મુદત સાચવી લે છે. કોતર સાથેનો અથડાતો દરિયો જાણે પ્રેમિકાની તરસ ઝંખતો પ્રેમી. ભીના છિદ્રાળ પથ્થરોની કુદરતી રચનામાં ક્યાંક ક્યાંક છુપી રીતે સચવાયેલ સમંદર રમમાણ થવા ન માંગતો હોય ! પીળા-કથ્થઈ અને ભીંજાઈને ઘેરા બનતાં જતા રસાતળ ખારિયાં પથ્થર પર ક્યાંક જામેલ સફેદ ક્ષારમાં અણીદાર પથ્થરના ટુકડે પ્રેમિકાનું નામ છુપાઈને કોતરી થતાં એકત્વના અહેસાસની ભવ્યતા આખાયે સમંદરને હૃદયમાં ભરી લે છે. ધરાઆભના ક્ષિતિજરહિત વિસ્તારને સમક્ષ રાખીને જોતાં આંખને મંઝિલ દેખાયાની ટાઢક મળે છે. ભેખડ વચ્ચે નેળમાં સચવાયેલ પાણી અને દીવાલો વચ્ચેની લૈંગિકતા કાંઠાઓના સ્વાતંત્ર્યને અબાધિત રહેવા દે છે. સમુદ્રને મળવા માટેની ચાંદનીની અધૂરપ અને કોતરના કોઈ ખૂણે જાળી સંકોરતો ઉભેલ નિષાદના નેસડામાં તેનો રાહ જોતી તેની પત્ની વચ્ચે કોઈ અંતર નથી. લંગર વિનાની કોઈ હોડી તેના ચાલકના હાથમાં રહેલા બે હલેસા અને બીજે દિવસે ફરી દરિયાને મળવાની ઈચ્છા સાથે પાછી સમુદ્રતટે આવે છે. શાંત ખૂણે બેઠેલ કોઈ યુગલની આંખમાં સમગ્ર અંભોનિધિ ફરી વળે છે.

અસ્તાચળે ગયેલો અરિહા ભેખડોમાં ભફફ.. દઈને પડે છે, છુપાય છે અને લાલ ચમકીલું આકાશ છોડી જાય છે. સણકો ત્વરાથી વીતી જાય છે. આદિત્યને અસ્ત થતો જોવા માટે મંડાયેલી કેટલીયે આંખોને સમંદરની ગહેરાઈ ચકમો આપે છે, બીજે છેડે કોતર પાછળ લપાઈને ડૂબી જાય છે. ક્ષિતિજ ભૂંસાતી જાય છે. સઘળીયે ભભક સમુદ્રના આભ્યંતર અંધકારમાં શમી ગઈ. બે કંઠ એક થતાં એકલતાનો ભાવ ખંડિત થયો અને ચાંદની સમંદરની નજદીકી મહેસૂસ કરવા લાગી. ચાંદનીના ઉજાસથી લેશમાત્ર પ્રભાવિત ન થયાં હોવાની ક્રીડા કરતો અને નિજમાં નિમગ્ન રહેતો સમંદર આખરે તેને સ્વીકારે છે. વમળો દેખાય છે, ક્યારેક તે ઉછાળમાં પરિણમે છે, સંધ્યાની શાંતિમાં ફરી કોતર સાથે અથડાય છે. સફેદ ફીણ સાથે નવેળીમાં પ્રેમિકાને મનાવવા હાંકલા કરતો પછડાટ ખાય છે. આકાશ અને ધરતીની કોઈ સ્પષ્ટ ભેદરેખા નથી દેખાતી, કદાચ સાંજે ‘અમે બંને મળ્યાં છીએ, એકમેકમાં ભળ્યા છીએ’ – એ કોઈને બતાવવું નથી. ચાંદનીથી પ્રભાવિત થઈને ગેલમાં કૂદતો સમંદર છલકાય છે. ચાંદનીના ઠપકાથી ધીરે-ધીરે સમંદર પોતાનું સ્પંદન કોઈને ન સંભળાય તે રીતે વર્તે છે. ભેખડમાં કોતરો કોતરતી કેટલીયે ખારી નદીઓ ઠંડકની સિસકી લઈને શાંતતામાં લીન થઇ જાય છે. જે અલગ-અલગ પદાર્થો દેખાય છે, તેમના અવકાશ પૂરાઈ ગયા. સઘળું અંધકાર રૂપે દેખાવા લાગ્યું. છેવાડે એકમાત્ર લાઈટહાઉસની લાલ ટબૂકડી ઝગમગી ઉઠેલી દેખાઈ.

related posts

હનુ‘મેન’ :- ‘પ્રત્યુત્પ્ન્નમતિ’ વ્યક્તિત્વ..! મેલોડીયસ કોમ્બો ઓફ ‘સોલ્જર + સરવન્ટ’

હનુ‘મેન’ :- ‘પ્રત્યુત્પ્ન્નમતિ’ વ્યક્તિત્વ..! મેલોડીયસ કોમ્બો ઓફ ‘સોલ્જર + સરવન્ટ’

ન મળેલી દરેક પ્રેમિકાને, યાદગીરી સ્વરૂપ પત્ર!

ન મળેલી દરેક પ્રેમિકાને, યાદગીરી સ્વરૂપ પત્ર!