ગુલાબશટર ‘લવ્ઝ’ ચંદનચકોરી !

img_1134

(પ્રિય ચંદનચકોરીને નકલ રવાના.)

લગ્નના એક મહિને દોડધામભર્યું વાતાવરણ શાંત બન્યું છે. છેલ્લા મહિનામાં અનેક પ્રવાસો કર્યા અને લખલૂટ મજા માણી. સમગ્ર જીવન ‘હનીમૂન’ બની રહે તે માટે વડીલોએ બંને હાથ ફેલાવીને આશીર્વાદ આપ્યા. પ્રસંગ હવે ભવ્ય ભૂતકાળ બની ગયો છતાં, એક-એક ક્ષણ આંખ સામેથી હટતી નથી. એક જવાબદારી સ્વીકારીને સાથે મળી મસ્તી-મજાક કરવાનું અમે વચન લીધું છે.

અમે બંને એકબીજાની મજાક કરીએ, એટલી જ સમજણ દાખવવા જેવા પ્રસંગોમાં રાખીએ. હજુ ઋજુ હૃદયે એક બાળક છુપાયેલું છે, જે હંમેશા રદ્દી વાતોમાં પણ ખડખડાટ હસાવે છે.

હું અને મારી ફાલુ. નેચરલ પ્રકૃતિ એકબીજાની બદલાવી શકાતી નથી, તેથી એ બાબતે અમારે કદી ચર્ચાઓ થતી નથી. જે છે, જેવું છે અને ઈશ્વરદત્ત મળ્યું છે – તે જ વર્તન બહારની દુનિયામાં પણ દેખાય છે. ફોર્માલિટીની લીટીઓ ટૂંકી કરીને લાગલગાટ આનંદ લૂંટવો છે.

લગ્ન પછી અમુક દિવસો વેકેશનનો સમય માણીને ડીસા ખાતેનું ભાડાનું પહેલું ઘર ફરી શરુ કર્યું. થોડા દિવસો ફાલુને એકલા રહેવું પડ્યું. પરંતુ, મને તેની લિમિટ્સ ખ્યાલ છે. બહુ આગળ વધનારી અને ચબરાક પત્ની મને મળી છે. તેની લિમિટ્સને બાંધીને તેની પાંખો અને હિંમત ઓછી નહોતી કરવી. અમુક દિવસો એકલા રહીને પણ તેણે બખૂબી ઘર સંભાળ્યું. હું અમદાવાદથી ફોન-કૉલ્સ દ્વારા કે મેસેજીઝમાં વ્યસ્ત રાખીને તેની હિંમત વધારતો. ફાલ્ગુની સાથે રહેવા મમ્મી થોડા દિવસોમાં સુરતથી ડીસા આવ્યા. ‘સાસુ’ બનીને નહિ, ‘મમ્મી’ બનીને જ આવવાનું હતું એટલે કોઈ સંબંધનો ડર નહોતો. વળી, મમ્મી અને ફાલ્ગુની બંને નાની-મોટી બહેનની જેમ લગ્ન પહેલા જ ભળી ગયા હતા. ‘એક્સ્પેક્ટેશન’ ન હોય ત્યાં દરેક હિડન ‘ડિમાન્ડ’ પૂરી થતી હોય છે, તે સાબિત થયું.

થોડા દિવસો પહેલા મેં સવાર-સવારમાં ફોન કર્યો.

“શું કરો છો ?”

“મમ્મી મને સાગર-ચોટલો લઈ આપે છે.”

“એટલે શું વળી ?”

“સાગરની જેમ લહેરાય તે એટલે સાગર-ચોટલો. નીચેથી ખજૂરી અને ઉપરથી સાગર ચોટલો !”

આ સાંભળીને અમે ત્રણેય ફોનમાં ખૂબ હસ્યાં.

હમણાં વિક-એન્ડ્સ પર ડીસા ગયો ત્યારે મેં તીખી-તીખી તિખારી સાથે ભાખરી ખાવાની મસ્ત ડિમાન્ડ મૂકેલી. હું સાંજે લગભગ દસેક વાગ્યે ડીસા પહોંચ્યો. ઘરે જઈને ફ્રેશ થયો અને જમવા બેઠો. શિયાળાની ઠંડીની વાત નીકળી, જે અમદાવાદ કરતા ડીસામાં વધુ ઠીઠુરતી હોય છે. શિયાળામાં બાજરીના રોટલા અને ઓળો યાદ આવ્યો.

એટલી વારમાં જ મમ્મી બોલી, “સાંજનો રોટલો સવારે વઘારીને ખાવા મળે તો દિવસ સુધરી જાય. એમાંય લીલું લસણ, ખાટી છાસ નાખીને રોટલો બને તો મોં માંથી લાળ ટપકે જ !”

“ગુલાબશટર.”

“હાસ્તો, ગુલાબશટર.”

ફાલ્ગુની અમારી બંનેની સામે જોઈ રહી.

એકદમ નિખાલસભાવે ફાલ્ગુનીએ પૂછ્યું, “મમ્મી, આ ગુલાબશટર એટલે શું ?”

“રોટલાનું શાક. હમણાં વાત કરી એ જ !”

“ઓય રે ! મને એમ કે શું એ હશે ?”

“પણ, મમ્મી ! મને ચંદનચકોરી વધુ ભાવે. જુનાગઢ મમ્મી ચંદનચકોરી બનાવે એટલે હું પેટ ભરીને જમું.”

હું અને મમ્મી એકબીજા સામે જોઈ રહ્યા. એકસાથે બોલ્યા, “ચંદનચકોરી એટલે શું વળી ?”

“રોટલીનું શાક. જેમ તને વઘારેલો રોટલો ભાવે, તેમ મને વઘારેલી રોટલી.”

ત્યારથી, હું ગુલાબશટર અને ફાલ્ગુની ચંદનચકોરી.

આવા અસંખ્ય પ્રેમભર્યા રંગોનો કમાલ કાગળ પર ઉતારી શકવા હું સમર્થ બની રહું અને ફાલ્ગુની તે વાંચતી રહે તેટલી રંગભૂમિ જોઈએ છે. હું રંગભૂમિનો મજનૂ અને તે મારી લયલા. ચીવટ અને ચોકસાઈમાં હું થોડો રુક્ષ છું, પરંતુ લાડ અને લાગણી લડાવવામાં ઋજુ છું. હું વિનોદ અને તે વિનોદિની. કલમમાં એટલું લોહચુંબક રહે કે જે ફાલુ જીવનના અકસ્માતોને પણ આકર્ષક લગાડી શકે. ચંચલપગો હું છું અને સામે એટલી જ મારી પત્ની પદ્મિની છે. રસોઈકક્ષમાં તે હસ્તિની છે. મારા કર્મથી તેને ચિત્રિણી બનાવવાનો પ્રયત્ન કરીશ.

‘નવું-નવું હોય ત્યારે …’ આવું કહેનાર દરેક વ્યક્તિ અમારા લગ્ન-જીવનના ‘n’ માં વર્ષે પણ આવું જ કહે તેવી ઈચ્છા સહ,

લિ. ચંદનચકોરીનો જાડિયો ફાંકોડી ‘ગુલાબશટર’.

(લગ્ન કરાવનાર તમામ વ્યક્તિઓને એક ડિજીટલ નકલ રવાના.)

 

related posts

“વસંત એટલે વાતાવરણમાં વહેતો પ્રેમનો વાસંતી વાયરો…!”

“વસંત એટલે વાતાવરણમાં વહેતો પ્રેમનો વાસંતી વાયરો…!”

નિરાંત: બે ઊંડા શ્વાસ વચ્ચેનો સમયગાળો

નિરાંત: બે ઊંડા શ્વાસ વચ્ચેનો સમયગાળો