કેટલીક વાતો રેકર્ડ કરીને ફરી-ફરી સાંભળવાની મજા હોય છે. સંઘર્ષની વાતો સાંભળવાની મજા અનેરી હોય છે. સામાન્ય વ્યક્તિઓના સંઘર્ષની મોજની મહેફિલોમાં બેસવાની અને શ્રોતા તરીકે વાતો સાંભળવાની પળો ખૂબસૂરત હોય છે. એમાંની કેટલીક વાત સુરત અને સૌરાષ્ટ્રની ભાગીદારી વિશેની !
“મોટા બાપુજી સોળ વર્ષે સુરતમાં હિરા ઘસવા આવેલા. ઘર હોય નહિ, એટલે શેઠના કારખાને સૂઈ રહેવાનું. અમુક સમય પછી સૌરાષ્ટ્રમાંથી બીજા છોકરાઓ હિરા શીખવા આવે. એટલે શેઠ કોઈક ઘર શોધીને બીજે રહેવાની વ્યવસ્થા કરવાનું કહે. પુષ્કળ મચ્છરો અને ગંદકી. આજથી ૩૦-૪૦ વર્ષ પહેલા સુરત બહુ ગંદુ શહેર હતું. તે વખતે આ શહેરમાં આપણા લોકો નહોતા. હજુ સૌરાષ્ટ્રમાંથી સુરત, મુંબઈ અને ભાવનગર જેવા શહેરોમાં જુવાનિયાઓ હિરા શીખવા નીકળી પડતા. જેમ અત્યારે યુ.પી, બિહાર ‘ને ઓરિસ્સાના લોકો અહી મહેનત-મજદૂરી કરવા સુરતમાં આવી રહ્યા છે, તેવી જ રીતે વર્ષો પહેલા અમે આવેલા. મોટા બાપુજી સેટ થઇ ગયા પછી તેમણે મને પણ બોલાવી લીધો.
શહેરમાં કામ કરવાની મજા જ અલગ હતી. અમે જે દિવસો જોયા છે એ દિવસો હવે ક્યારેય પાછા નહિ આવે. કારણ કે, અમે થાંભલા હતા અને તમે તેની ઉપર ચણાયેલા માળ છો. જેણે ડોબરા ગાળ્યા હોય તેને જ મકાનની મજબૂતાઈઓ અંદાજ આવે. હું અને મોટા બાપુજી બંને ઘર શોધવા નીકળતા. અહીના સુરતી લોકોના ઘર બહુ મોટા હતા. તેમની રસોઈ બહુ સ્વાદિષ્ટ હતી. તેમના ઘરમાં આગળ મોટું આંગણું રહેતું. તેમાં હંમેશા એક હિંચકો હોય જ ! સુરતીઓ થોડું-થોડું અનેક ભાતનું ખાય. એમાં ખમણ મેઈન રહેતા. વાટીદાળના ખમણ અમારા માટે મિષ્ટાન્ન બનતું. આવું કોઈક સુરતીનું મોટું ઘર મળે તો તેઓ છોકરાઓને રહેવા માટે એકાદ રૂમ આપતા. ભાગળ પાસે ખમણની દાળ મળતી. ખમણની હાર્યે ચટણી આપે, જેમાં જરાયે પાણી ન હોય.
ઊંધિયું બનાવવામાં તારા બાપુજી માસ્ટર હતા. પ્રસંગોપાત તેઓ ઊંધિયું બનાવતા. રજાના દિવસે અમારે ઊંધિયાનો રાજભોગ હોય. બાપુજી કતારગામની પાપડી અને વાલોળ લઇ આવતા. મેથીના મુઠીયા બનાવે. આદું-લસણની ચટણી બનાવીને ઊંધિયામાં નાખે. હું કારખાનેથી આવું ત્યારે મોટી માર્કેટથી શક્કરિયા, સૂરણ અને રવૈયું લેતો આવું. બે કલાકની મહેનત લાગે, પણ આંગળા ચાટી જવા મજબૂર કરે તેવું ઊંધિયું બને. એમાંય સુરતથી ઘરે જઈએ એટલે બા શિહોરના ફાડેલા દૂધના પેંડાને ય ટક્કર મારે તેવા પેંડા ઘરે બનાવે અને અમને બાંધી દે. ભાવનગર ‘ટેશનથી અમે ગાંઠિયા લેતા જઈએ. ગારિયાધારની કળી કારખાને ચટર-પટર કરવા ચાલે. એ ખૂટી જય એટલે ભાઠાની કળી લઇ આવતા. વરસાદ આવે ત્યારે સ્ટેશને ગળા સુધીના પાણી ભરાય. અમારે ભાગળથી સાઈકલ લઈને વરાછા બાજુ આવવું હોય તો સાઈકલ પણ સ્ટેશને જ મૂકવી પડતી.
એ સમયે મોટા બાપુજી મને દર અઠવાડિયે બે રૂપિયા વાપરવા આપતા. બે રૂપિયામાંથી અમારા બંનેનો ખર્ચ પણ કાઢવાનો રહેતો. સ્ટેશન પાસે અલગ-અલગ દાતણના ટોપલા લઈને બાઈઓ બેસતી. એટલે એક દાતણ બે દિવસ ચલાવવાનું એવું નક્કી કરેલું. બંને બાજુથી ચવાઈ જાય પછી બીજું દાતણ લેવાનું. દાતણના પાંચ પૈસા હતા. જે શેઠને ત્યાં રહેતા તેને અમુક ખર્ચ પેટે ભાડું ચૂકવવાનું રહેતું. જે લોકો ઘરે રહેવા માટે જગ્યા આપે તેને ‘કાતરીયા’ કહેતા. જો અઠવાડિયાના અંતે પંદર પૈસા બચે તો ‘સાદા કોરા ખમણ’ ખાવાનાં, જો પચ્ચીસેક પૈસા વધે તો ‘વઘારેલા ખમણ’ ખાવાનાં. આજે લગભગ ચાલીસેક વર્ષ સુરતમાં થયા. આજે પણ એ નિયમ જળવાઈ રહેલો છે. દર રવિવારની સવાર ખમણ વિના પડતી જ નથી. જો કે એ વખતે જે ખમણ બનાવતી દુકાનો હતી એમાંથી અમુક જ ટેસ્ટ જાળવી શક્યા છે. બીજું એ છે કે, ખમણ ક્યારેય પણ સો-દોઢસો ગ્રામથી વધુ નહિ લેવાના. બીજી વખત ખમણ જોઇને ઉબાસી આવવા માંડે એ હદ સુધી ક્યારેય ખમણ નહિ ખાવાના. આવતા અઠવાડિયા સુધી તેની મજા રહેવી જોઈએ. સૌથી સસ્તું ફરસાણ ખમણ છે, છતાં ફરસાણમાં સૌથી ‘અમીર’ છે.
એ ખમણ ખાઈને જ કામ કર્યું. ધીરે-ધીરે કરીને સુરતમાં પહેલું મકાન લીધું. આખાયે ગામમાં સૌથી પહેલું સુરતમાં મકાન લઈને ડંકો વગાડી દીધો. ગામમાં જયારે સૌથી પહેલો રેડિયો લઈને ગયા ત્યારે વટ પડી ગયેલો. હજુ તો આવું ઘણું છે. પછી ક્યારેક ફરી વાત કરીશ…! પણ ‘ખમણ’ એટલે ‘ખમણ’…”
વાત પૂરી કર્યા પછી ભૂતકાળના સંસ્મરણોમાં ખોવાઈ ગયેલી એ આંખોમાં હજુયે એ વિન્ટેજ સુરતની ફ્રેશ ફ્રેમ્સ દેખાય છે.