બર્થ ડે – ‘અ ફૂલ ડીશ ઓફ એન્જોયમેન્ટ’…!!

જન્મદિન, એક એવો દિવસ જેની સાથે સાથે મિત્રો-ઘરના-સગાસંબંધી …દરેકના ચહેરા પર ખુશી જોવા મળે. ‘બર્થ ડે બોય’ને પોતાના જન્મદિનની ખુશી હોય, પપ્પાને પોતાનો દીકરો થોડો મોટો થયો એની ખુશી હોય, મિત્રોને પોતાના દોસ્તની ‘બર્થ ડે બેશ’ પાર્ટી મળે એની ખુશી હોય, ઘણા સમયથી પ્લાનિંગ કરીને ગીફ્ટ આપવાની હોય, ગર્લફ્રેન્ડ પણ તે દિવસે દરેક વિશ પૂરી કરવા તૈયાર હોય, આવું ઘણી ખુશીઓ એકસાથે આવે ત્યારે ઘરનો નાનો-મોટો કંકાસ આપમેળે દૂર થઇ જતો હોય છે. ત્યારે માતાની ખુશી અલગ જ હોય છે.

પ્રખ્યાત લેખિકા કાજલ ઓઝા વૈદ્યના કેટલાક શબ્દો જે પોતાના સંતાનના જન્મ વખતે કેટલીયે ખુશી તેને થાય છે એ પ્રસ્તુત કરે છે.

“પાંખ ફફડાવવા જેટલા અવકાશની માગણીના બદલામાં
ગણતરીના શ્વાસ ઉછીના માગ્યા હતા મેં તો-
ને તું?
બ્ર્હ્માંડ લઇ આવ્યો, તારા બાહુપાશમાં !

બે સ્મિત – ચાર ખુશીની પળો ચાહી હતી મેં તો –
માત્ર
ને તેં?
‘સુખ’નો ઢગલો કરી દીધો – મારા ખોળામાં”

અને , પપ્પા પોતાની ખુશી ક્યારેય જાહેર ના કરે કદાચ પણ એનું હૃદય તો મમ્મી કરતા પણ વધુ સોફ્ટ હશે. પપ્પા દાઢી કરે ત્યારે સામે બેઠેલો દીકરો ગાલ પર આકાર લેતી ફીણ-ઘટનાને વિસ્મયપૂર્વક જોતો રહે છે. એ દીકરાને પોતાના ગાલ પર ફીણ લગાડીને રેઝર ફેરવવાનું મન થાય છે. સમજુ પપ્પા એના ગાલ પર બ્રશ ફેરવીને સાબુનું સફેદ ફીણ લગાડી આપે છે, પરંતુ રેઝરમાંથી બ્લેડ કાઢી લે છે. બાળક નિરાંતે રેઝર ફેરવતો રહે છે અને ગાલ પરથી સફેદ ફીણ સાફ થતું જાય એમ હરખાતો રહે છે. દીકરાનો ભ્રમ પણ કુંવારા વિસ્મયથી ભર્યો ભર્યો હોય છે. ખરું ને..?

 

થોડા મોટા થઈએ એટલે પપ્પા-મમ્મી સ્કુલમાં બેસાડે ભણવા, અને આજે એ પદ્ય ફરીથી જીવંત કરું છું. કદાચ આપણે બધા એ ખુબ ગયેલી, સંભળાવેલી ઘરે મેહમાન આવતા ત્યારે….એ રમેશ પારેખની કવિતા.

“એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો

બંને બથ્મબત્થા બાઝી કરતા મોટો ઝઘડો

તગડો તાળી પાડે ને નાચે તા તા થૈઈ

ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઉતરી ગઈ

પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી

સાતડો છાનો માનો એની લઇ ગયો લંગોટી

આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ

એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કુલ ની બસ.”

 

આવું નિર્દોષ જીવન ચાલતું હોય દોસ્તો, એમાં પણ ‘કુમારાવસ્થા’માં આવીએ એટલે વિજાતીય આકર્ષણ થવા લાગે. ‘દિલ તો પાગલ હૈ’ મુવી ગમવા લાગે. હ્રદયના તારા ઝણઝણે. પ્રેમની સોડમ ચારેકોર ફેલાય. સ્કુલમાં ચીડવે સાથી દોસ્તો. પેલી શરમાય. ક્લાસમાં ચોકના ટુકડાઓ કરી-કરીને બોક્સ ખાલી કરી દઈએ. છેલ્લી બેંચ પરથી અવાજ થાય ચાલુ પીરીયડે. સર બોલાવે ત્યારે આખો ક્લાસ પોતાની પાછળની બેંચ તરફ તરત જ ફરે. છોકરીઓને ચીડવીએ. મોનીટર ક્લાસમાં આપણું જ નામ લાખ બોર્ડ પર. સ્વાધ્યાય પોથીમાં લખવાનું બાકી હોય ત્યારે ટીચરને ઉલ્લુ બનાવવામાં મજા આવે. ક્યારેક સર-ટીચરનો મેથીપાક પણ ચાખવો પડે. થોડું આગળ વધીએ એટલે કોલેજ, અને પછી જીંદગીમાં જન્મદિવસનો આઈસક્રીમ ઓગળતો જાય. સાઈલેંટ રીતે સંબંધોમાં થોડી તન્યતા જણાય. ‘જનરેશન ડિફરન્સ’ દેખાય.

જન્મદિન એક એવો દિવસ છે કે આવે ત્યારે બીજાઓ રાજી થાય છે, પણ આપણો રાજીપો બાળક હોઈએ ત્યાં સુધી જ ટકે છે. બાળક તરીકે હજુ આખો આઈસ્ક્રીમ બાકી છે, એવી લાગણી રહે છે. મોટા થતા જઈએ એમ આઈસ્ક્રીમ ઓગળતો ચાલે છે. આમ પણ, બર્થ ડેઝ શરૂઆતમાં આવતા હોય ત્યારે જીંદગીના મેઘધનુષ પર ગલોટિયાં ખાવાનો રોમાંચ રહે છે. સપનાઓના પતંગિયા પાછળ દોડવાનું જોમ ઉભરાય છે. ધીરે ધીરે રોશની વિખરાય છે. રાતના અંધકારમાં ટમટમતાં સિતારાઓ ખરતા જાય છે. ઘણાને જન્મદિનની ઢળતી સંઘ્યાએ જેમ જુવાન હોઈએ, તેમ ‘વઘુ એક વર્ષનું જીવન ઓછું થયું’ વાળો વિષાદ સતાવે છે. પરંતુ એ વિશાદને ‘સાઈડ બાય’ કરીને હંમેશા એ જ સમાન ઉત્સાહથી જન્મદિન ઉજવાતો હોય અને જાણે મારો નવો જન્મ થયો છે નવી આશાઓ સાથે, એવો વિચાર દરેક ‘બર્થ ડે બોય’ ને આવતો રહે.

ટહુકો: “પપ્પાને મોટો ઍન્જિનિયર ,મમ્મીને જોઈએ ડૉક્ટર
હું તો છું દીકરો ,કે પછી હૅલિકોપ્ટર ?

કોણ કહેતું’તું ગાંધીજીને કે, રાષ્ટ્રપિતા કેમ બનાય
મારે તો થવું છે માણસ, કહો પિતાજી! કેમ થવાય ?”

related posts

ઈન્દ્રગોપ : ઈશ્વરની ચિંતા | કાબરોની કિસમિસ

ઈન્દ્રગોપ : ઈશ્વરની ચિંતા | કાબરોની કિસમિસ

હોળી : વસંતના વૈભવને વધારતો ઉત્સવ ….!

હોળી : વસંતના વૈભવને વધારતો ઉત્સવ ….!