॥ श्रीरामरक्षास्तोत्रम् ॥ -> રક્ષણ + શિક્ષણ

એપ્રિલમાં એકઝામ્સ ટકોરા મારતી બારણે ઉભી હોય. આખા વર્ષનું એકસાથે વાંચીને એક્ઝામ આપવાની હોય અને પર્સન્ટેજમાં ‘૯’ દેખાવો જ જોઈએ એવી અંદરથી હિંમત હોય. તૈયારી પૂરતી જ હોય. એ સમયે મારી રિઝલ્ટ્સની ડાયરીમાં છેલ્લે હું ‘રામરક્ષાસ્તોત્ર’નું એક કાગળ રાખતો. આ કાગળ ક્યાંથી આવ્યું, કોણે આપેલું એ કઈ અત્યારે યાદ નથી. પરંતુ, એ હંમેશા મારી સર્ટિફિકેટ્સની ફાઈલના લાસ્ટ કવર પેજમાં સચવાયેલું રહેતું. અનુષ્ટુપ છંદમાં લખાયેલ ‘રામરક્ષાસ્તોત્ર’ બોલવાની એટલી જ મજા આવતી.

॥ श्रीरामरक्षास्तोत्रम् ॥
श्रीगणेशाय नम: ।
अस्य श्रीरामरक्षास्तोत्रमन्त्रस्य ।
बुधकौशिक ऋषि: ।
श्रीसीतारामचंद्रोदेवता ।
अनुष्टुप् छन्द: ।
सीता शक्ति: ।
श्रीमद्‌हनुमान् कीलकम् ।
श्रीसीतारामचंद्रप्रीत्यर्थे जपे विनियोग: ॥

એક્ઝામ સમયમાં ગણેશજીની વધુ ડિમાન્ડ રહેતી. માંદા ના પડાય, એક્ઝામમાં તત્ક્ષણ બધું યાદ આવે, રિવિઝન પરફેક્ટ થઇ જાય, આ દરેક બાળભયને દૂર કરવા રક્ષાની જરૂર રહેતી. મને પણ એવું લાગ્યું કે, ગણેશજી તો દરેક શુભકાર્ય પહેલા પૂજ્ય છે. રામાનંદ સાગરની રામાયણ લગભગ ૩ વાર આખી જોવાઈ ચૂકી હતી. રામને બધા દુષ્ટો જોડે લડતા જોયા હતા. મનમાં એક એ છબી હતી કે, રામ ભગવાન રક્ષા કરે છે અને કૃષ્ણ ભગવાન અનેક મુશ્કેલીઓ વચ્ચે જીવતા શીખવે છે. રામાયણ ઉંબરાની અંદર અને મહાભારત ઉંબરાની બહાર કેમ જીવવું એ શીખવે છે. બસ, આનાથી વધુ ફિલોસોફિકલ વાતોની ત્યારે પણ ખબર નહોતી કે અત્યારે પણ નથી. ધીરે-ધીરે દરેક એકઝામ્સ પહેલા ‘રામરક્ષાસ્તોત્ર’ વાંચવાની ટેવ પડતી ગઈ. સવારે ઉઠીને વાંચવા બેસીએ એ પહેલા અને સૂતી વખતે વાંચી લેતો. એ સ્તોત્ર વાંચવાની મજા આવતી હશે કે એક્ઝામ નો ઊંડે થોડો ડર છુપાયેલો હશે, એ નથી જાણતો. પરંતુ, એનાથી ફાયદો એ થયો કે મનમાં એક શ્રદ્ધા વધુ દૃઢ થઇ. નાસ્તિકતાને ફેશન માનતા યુથની કેટેગરીમાં આવતા બચ્યો. જો કે છ આસ્તિકદર્શનો સામે એટલા જ તર્કબદ્ધ અને પ્રભાવી રીતે નાસ્તિકદર્શન શાસ્ત્રો રજૂ કરાયેલ છે. જો તમે કોઈ એક જ વાંચો તો નક્કી એના તાબે થઇ જાઓ.

ध्यायेदाजानुबाहुं धृतशरधनुषं बद्धपद्‌मासनस्थं ।
पीतं वासोवसानं नवकमलदलस्पर्धिनेत्रं प्रसन्नम् ॥
वामाङ्‌कारूढ-सीता-मुखकमल-मिलल्लोचनं नीरदाभं ।
नानालङ्‌कारदीप्तं दधतमुरुजटामण्डनं रामचंद्रम् ॥

આ શ્લોક આવે એટલે અવાજ મોટો થઇ થતો. કારણ કે, અહીંથી આવડતું હતું. ભલે દરેક ચાર ચરણોના શ્લોકના પ્રથમ ચરણમાં જીભ આમતેમ થાય ! પરંતુ, પહેલો શબ્દ ખબર પડે એટલે ઓટોમેટિક ગાડી આગળ દોડવા લાગે. લગભગ દસેક મિનીટ સુધી રામરક્ષાસ્તોત્ર બોલ્યા પછી આ ચરણ આવે. એ બોલવામાં અદભુત મજા આવતી.

श्रीराम राम रघुनन्दन राम राम ।
श्रीराम राम भरताग्रज राम राम ।
श्रीराम राम रणकर्कश राम राम ।
श्रीराम राम शरणं भव राम राम ॥
श्रीरामचन्द्रचरणौ मनसा स्मरामि ।
श्रीरामचन्द्रचरणौ वचसा गृणामि ।
श्रीरामचन्द्रचरणौ शिरसा नमामि ।
श्रीरामचन्द्रचरणौ शरणं प्रपद्ये ॥
माता रामो मत्पिता रामचन्द्र: ।
स्वामी रामो मत्सखा रामचन्द्र: ।
सर्वस्वं मे रामचन्द्रो दयालुर् – ।
नान्यं जाने नैव जाने न जाने ॥

એ પછીના તો બધા જ શ્લોક હજુ પણ જીભના ટેરવે રમે છે. કદાચ એ ભાવથી બોલવામાં જ શ્રદ્ધાનું અમૃત પીવાઈ જતું હતું. રક્ષા તો બાળકની ભગવાન કરતો જ હતો, છતાં આ સ્તોત્રથી વધુ નજીક જવાતું હતું. ઘણા એ પ્રશ્ન પૂછ્યો છે, “ભગવાન સાથે ક્યારેય કોમ્યુનિકેટ થયું છે?” મને હજુ આ વાત નથી સમજાઈ. આ પ્રશ્નોની આડમાં જ બાબા-ગુરુઓ અને ઠગભગતો વ્યક્તિને પોતાની પાસે દલાલ બનીને ખેંચતા થયા છે.

જયારે કોઈ મને આ પ્રશ્ન પૂછે ત્યારે હું જવાબ આપું, “હા. જયારે ગર્ભગૃહમાં દાખલ થાઉં, આંખ મીંચું અને તેની પાસે કર્મ કરવા માટે શક્તિની પ્રાર્થના કરું ત્યારે મારા રુંવાડા ઉભા થાય છે. હંમેશા…!” અને, આ જવાબમાં જરાયે અતિશયોક્તિ નથી.

(૧૫ એપ્રિલ, ’૧૬) સવારના ૯ વાગ્યે

related posts

વિ આર સુપર મારિયો!

વિ આર સુપર મારિયો!

“લગ્નની લાગણી અને ચઢતો આફરો…”

“લગ્નની લાગણી અને ચઢતો આફરો…”