વાત થાય છે ‘જૂની’ માત્ર ‘નવી’ બનવા માટે જ !

 

જૂની વાતો માત્ર કહેવા પૂરતી, ખરેખર એ જ આજેય નવી જ લાગે છે. સમયના એક ક્ષિતિજે કેટલીક યાદ અટકી છે. છાતીની પાંસળીઓની વચ્ચે કેટલીયે વાતોને સાચવીને બેઠેલું હૃદય મિનિટના બોતેર સંસ્મરણો ફેંક્યા કરે છે છતાં, હજુ કેટલાયે બચેલા છે.

દોસ્તો સાથે ખૂંદાયેલ ક્રિકેટના મેદાનો. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ટ્રેડિશનલ ડ્રેસમાં હૂર પરીઓને જોઇને મળતું નૂર. રિસેસમાં ખવાતી દિલ્લગી અને સમોસા. સ્કૂલ છૂટે ત્યારે ગેટ પર કોઈની જોવાતી રાહ. એક નજર માટે ક્લાસમાં પિરીયડ પૂરો થાય અને પાછળ ફરીને કોઈકને જોઈ લેવાની તેની તાલાવેલી. કોઈના જોક્સ યાદ કરીને આજે પણ હસવું આવે છે. કોઈકની સાથે દુશ્મની થયેલી હોય, તો કોઈક સાથે મસાલા પાંવનું સેટિંગ. WWF ના બોક્સરના ઇનામો માંથી મળતા આઠ-આના કે રૂપિયો. કોઈના ઘરે વાંચવાના બહાને ભેગા થઈને રાત્રે એકબીજાની ગર્લફ્રેન્ડ કે બીજી છોકરીઓ વિષે થતી વાતો. ‘ગૂડ લુક’ના આધારે નક્કી થતી સ્કૂલની ‘ટોપેસ્ટ’ છોકરીઓની યાદી. એ બહાને બધાની ચોઈસ પણ ખબર પડે. રાત્રે ૩ વાગ્યે કોક અને ભજીયાની લિજ્જત ઉડતી હોય.

કોઈક તીખો સર વાંકા ઉભા રાખીને બોલે, “ફૂટપટ્ટી પડી…! તો પાડી દઈશ તને.” ત્યારે જે રીતે ફૂટપટ્ટી ડગ-ડગ રાખવામાં તકલીફ થતી એ જ રીતે લાઈફ ડગ-ડગ કરતી હશે એ ત્યારે ક્યાં ખબર હતી? વળી, કોઈ સર અમારી બંનેની નજરને ભેગી થતી જોઇને હશે ત્યારે અમારી લવ-સ્ટોરી અમર થઇ જશે એ ફીલિંગ આવતી. ફોન નહોતા એટલે બીજે દિવસે સવારે વહેલા આવીને મળવાનું છે એ નક્કી જ થઇ જતું, માત્ર ઈશારાથી જ તો વળી…! કોઈ છોકરો સ્કૂલની લોબીમાં રિસેસમાં ખેલ કરતો હોય, સામેની લોબીમાં ઉભેલી પોતાની ‘છોકરી’ને ઈમ્પ્રેસ કરવા….! બબ્બે વર્ષ પેન્ટ પહેર્યા પછી ફીટ પડતું હોવા છતાં ગમે તેમ કરીને એ તંગડુ પેન્ટ ચડાવીને સ્કૂલમાં મોજથી જવાની મજા જ અલગ હતી. ઉનાળાની ગરમીમાં એ શર્ટ આખો પરસેવાથી ભીનો થઇ જતો છતાં કોઈક જયારે સામે ધીરેથી હસી લેતું ત્યારે દિવસ સુધરી જતો. આખા ક્લાસમાં ઉભા થઈને સમાજવિદ્યાના જવાબો આપવાની મજા અલગ હતી. બૂટને આગળથી અંગુઠો બહાર નીકળતો છતાં તેને કાળી ટિકડી લગાવીને એક વર્ષ ખેંચી નાખતા. પાંચ રૂપિયાના શીંગ-વટાણાનો સ્વાદ હજુ દાઢ પર ચડેલો છે. સાઈકલ લઈને આવતો એક ભાઈ માત્ર ‘સમોસું’ નહિ, અમારી ખુશીઓની લ્હાણી ભરીને આવતો. ક્યારેક કોઈ ‘મોટી પાર્ટી’ ધરાવતા બાપના દીકરાને દોસ્ત બનાવી તેની એક્ટિવા કે સ્પ્લેન્ડર પરથી કોઈની સામે દિલનું લિવરેજ અપાઈ જતું. કોઈ શિક્ષક તોફાન કરતી વખતે પકડે અને ખૂણામાં ઉભો રાખે ત્યારે ત્યાંથી આખા ક્લાસને અમુક સમય પછી જોઇને હસવાની મજા જ અલગ હતી. સાઈકલના કેરિયર પર દોસ્તને બેસાડીને પગ ઢસડીને બ્રેક મારવી છે હજુ…! પણ, ‘કેરિયર’ બનાવવાની ‘શરમ’ ને લીધે એ સાઈકલનું કેરિયર હજુ ખાલી પડ્યું છે.

સોનેરી પળ આટલી જલદી સપના બની જાય છે તે ખબર નહોતી, નહિ તો કદાચ તે સમયે એટલી હિંમત તો હતી જ કે કેટલુક કહેવાનું જે રહી ગયું છે તે કદાચ કહી શકાયું હોત. ‘ફ્રેન્ડ નહિ, મેરી ગર્લફ્રેન્ડ હૈ તું’ ત્યારે પણ કહી શકાયું હોત, પણ નથી કહેવાયું એટલે જ કદાચ યાદનો ઝરુખો ભરેલો છે. આજે પણ નજર ઉંચી થાય તો ખાલી ગ્લાસમાં સંસ્મરણોનો નશો વર્ષો જૂની વાઈન જેમ જ ચડી આવે. એ છૂટી ગયેલા દોસ્તને આજે પણ ‘સોરી’ કહેવા માટે ફેસબુક પર નામ સર્ચ થતું રહે છે.

કમબખ્ત, છાતીમાં ડાબી બાજુ સચવાયેલો ભાર ક્યારેક વંટોળ બનીને વલોવાયા કરે છે. એ વલોપાતમાં હૃદયને ગલગલિયા થાય છે, અને હસી પડાય છે. તેથી જ કી-બોર્ડ પર આંગળીઓ ચાલે છે.

related posts

સુરતનું જમણ અને સુરતનું જ મરણ….

સુરતનું જમણ અને સુરતનું જ મરણ….

ભૈલું, ભઈલો, ભાઈ : નાની, ટેણકી, છોટી

ભૈલું, ભઈલો, ભાઈ : નાની, ટેણકી, છોટી