અબ તુમ્હારે હવાલે ‘બદન’ સાથિયોં

સ્ત્રી અને પુરુષમાં ઝઘડાનું મૂળ કારણ માત્ર એક જ છે, યાદશક્તિ. એક દરેક વાત ભૂલી જાય છે, બીજાને ભૂલાતી નથી. જેમ કે, એનિવર્સરી, બર્થ ડે, કે કોઈ ખાસ દિવસ. સ્ત્રી એ પુરુષ કરતા વધુ શક્તિશાળી કહી ન શકાય? કારણ, ઘરનું કામ કર્યા પછી પણ જો તેના પતિ વડે ઘરની જરૂરિયાતો પૂરી ન થઇ શકતી  હોય તે સમયે કહે છે, “મારે એમ પણ ઘણો સમય હોય છે. કામ શું હોય મારે? હું નવરાશના સમયમાં ઘરે જ કંઇક કરું. આપણે ખર્ચ નીકળી જાય ઘરનો અને તમારી સેલરીમાંથી સેવિંગ થઇ શકે.” આ જ વાત પુરુષ કદી પણ સ્ત્રીને કહેતો નથી, “લાવ હું તને ઘરકામમાં મદદ કરું. રવિવારે મારે રજા હોય તેમ તારે પણ હોવી જોઈએ ને?”

            સૌથી મોટો પ્રશ્ન દરેક ઘરમાં આ જ હોય છે, “કેમ કરીને પૂરું થશે આ મોંઘવારીમાં?” લગ્ન પહેલા જે છોકરીમાં નજાકત, ચંચળતા, જીદ હોય છે તે છૂટી જઈને આંખની પાંપણ પર શરમ છવાઈ જાય છે. જ્યાં કદી પણ તેને કોઈ તકલીફ નથી પડી તે મુશ્કેલીઓ સાથે રમતા શીખી જાય છે. ઈચ્છા થાય અને વસ્તુ હાજર થઇ જતી હતી તેને બદલે એ જ ચીજ ખરીદવા માટે અનેક વખત વિચાર કરતા આવડી જાય છે. પોતાની અઝીઝ સહેલી સાથે કલાકો સુધી વાતો અને ચેટ કર્યા કરતી તે આજે પોતાના પતિ સાથે ગંભીરતાથી બેડરૂમમાં બેઠી છે. નાના કોક્રોચથી ડરતી હતી તે પોતાના ઉદરમાં એક જીવને જન્મ આપતા ડરતી નથી. દર મહિને રજ:સ્વલા બનીને પોતાના શરીરમાંથી લોહીના ટીપાંઓને જોઇને ડરતી રહે છે. કોઈના પ્રત્યે થયેલી લાગણીને પોતાના હૃદયમાં દબાવીને રાખે છે, “હું પહેલ કરીશ તો બીજા કેવું સમજશે? ન સારું લાગે.” લગ્ન કર્યા સુધીમાં કેટલીયે લાગણીનો શિરચ્છેદ ઉડાવીને પોતાને જ તકલીફ આપે છે.

                કાલિદાસ મેઘદૂતમાં કહે છે, “પૃથ્વી પણ અષાઢ સૂદ એકમે રજ:સ્વલા થાય છે.” કદાચ, કાલિદાસ આવું કહીને પૃથ્વીને પણ મુશ્કેલી પડતી હોવાનું દર્શાવે છે.

            એક ખુલ્લા દિલથી હસતી છોકરી માટે જવાબદારીઓ, પ્રાથમિકતાઓ, મમ્મી-પપ્પાની ઇચ્છાઓ પૂરી કરવા માટે ઓળખ ભૂલાવીને માત્ર પોતાના પતિનો બેડરૂમ સાચવતી ફરે છે. કોઈ પ્રકારની તકલીફ હોય તો પોતાના પિયરમાં પણ ઈજ્જત ખાતર ઘરે કહેતા ડરે છે. જો તે વાત કરે તો પણ એવો જ જવાબ મળે, “એડજસ્ટ કરતા શીખો, બેટા. આવું નાનું-મોટું તો ચાલ્યા કરે. ઘર હોય ત્યાં વાસણ ખખડે.” પરંતુ, કેમ? દરેક વાતોને દાટી જ દેવાથી તેનો નિવેડો આવતો હોય તો પછી શરીર જ કેમ નહિ? અરે, એ પોતાના પતિને કે કે સાસરે જે વાત નથી કરી શકી તેના માટે જ તો તેણે તમને કહ્યું છે, વડીલ.

કવિતા ચોકસીની આ ‘કવિતા’ ખરેખર હૃદય ગળગળું કરી મૂકે તેવી છે.

અને મને લાગ્યું,

હું અદભૂત છુ !

મેં ઘણું સહ્યું,

શીખ્યું

શણગાર્યું,

ને શોધ્યું.

અમાર ઘરે વરસોથી આવતા

ધોબીની દાઢી હવે સફેદ થઇ ગઈ છે

તેમાં ઓગળી બેઠેલા સમયને

હું ચગળવા ઉભી થઇ છું

ને મને લાગ્યું

હું અદભૂત છુ !

કામવાળી ઉભા પગે વાસણ માંજે છે

પપ્પા કથ્થાઈ ફ્રેમમાં આંખોને પૂરી

તાજા છાપાના વાસી અર્થો ઉકેલે છે

દવાની દુકાન ડોક્ટરની દુકાનની બાજુમાં જ છે

દર્દી નિરાશ ચહેરે ખિસ્સામાં હાથ નાખે છે

ટૂંપાતી કે ટૂંકાતી ક્ષણોના પર્સને ફંફોસતા હોય એમ

હું કાઈ સમજાતી નથી એવું નથી

હું સમજુ છું

હું સમાધાન કરું છું

સગવડ કરું છુ

હું અદભૂત છું

મેં આકાશ ઈચ્છયું

મને ચાર દીવાલ અને ઉપર છત મળી

મેં ઉડ્ડયન ઝંખ્યું

મને મળ્યો ઉંબરો

રસોડું કે શયનખંડ જ

મારો પરિચય કેવી રીતે દઈ શકે

મારાથી પરિચિત થવું હોય તો

મારા આંગણના પારીજાત થવું પડે

ચંપાના ટહુકા સુંઘવા પડે

હું ક્યારેક જક્કી

ક્યારેક સ્વચ્છંદી

ક્યારેક નગ્ન થઇ છું

મેં ઘણું આવકાર્યું છે

મેં ઘણું સ્પષ્ટ અને સ્વચ્છ થઇ નકાર્યું છે

મને કશાયનો અફસોસ નથી

હું અદભૂત છું

મેં મારા પગલામાં મને જ જાળવી છે

મારા એકલવાસમાં મને જ વિસ્તારી છે

મારા પ્રત્યેના દ્રોહ અને ધૃણાએ

મને ફાટફાટ વેદના દીધી છે

મને દુ:ખ નથી

મારી પાસે ત્રાજવા કે ગણતરીની

દેશીહિસાબ નથી

હું આંગળી અને અંગુઠા વચ્ચે

શબ્દો ભરી

કોરા કાગળમાં નિચોવું છું

મારી ચીસો

પોતીકા ઝરણામાં

આંસુઓની નાવ મૂકી

મળતું હોય છે, મને

હું હોવાનું સુખ

હું નથી મદારીના ખેલનો અંશ

કે નાટકના પાત્રનો કૌંસ

નથી થાવું મારે

કોઈના બાવડાની શક્તિ

કોઈના દિલડાની ભક્તિ

નથી હું માત્ર શૃંગારરસ

કરુણારસ

કે કાવ્યરસ

મારા ગર્ભમાં પાંગરતા ફણગાને

હળવી ટપલી મારી

હું એટલું જ કહીશ

પ્રિય !

હું સ્ત્રી છું

હું અદભૂત છું

દુનિયાના દરેક પુરુષોએ હંમેશા સ્ત્રીઓના શૃંગારરસને અત્યંત રસિકતાથી વર્ણવ્યો છે. એ વર્ણનોમાં હંમેશા તેમની નજરમાં સ્ત્રીનું સ્વરૂપ અદભુત રહેતું. શરીરના એક-એક અંગને કાલ્પનિક ચિત્રોમાં વર્ણવીને તેની ફ્રેમ્સ બનાવતા. શરીરનું સત્વ જાળવી રાખવા માટે આવા તમસભર્યા વિચારો આજે પણ પુરુષ કરતો રહે છે, જાણે ૨૪ કલાક ખુલ્લું ATM. જે પુરુષો આજે દીપિકા, કેટરિના કે પ્રિયંકાને આદર્શ ગણે છે ત્યારે પોતાની પત્ની માત્ર જરા ક્લીવેજ દેખાય તેવો ડ્રેસ કે ટોપ પહેરે ત્યાં જ તેમના શિશ્નમાં ધ્રુજારી કેમ આવવા લાગે છે. આવું કેમ પહેર્યું? સમાજમાં રહેવાની સમજ જેવું કઈ છે કે? તો તમારી ખુદની પત્ની જ તમને આ આદર્શવાદી હિરોઈનની ફીલિંગ આપતી હોય ત્યારે તકલીફ શા માટે થવી જોઈએ? ભારતની જમીન રિચ્યુઅલ, વેલ્યુઝ અને કસ્ટમ્સથી ભરેલી છે. ત્યાં આવો બેમતલબનો ઘોંઘાટ કેમ?

            મ્યુઝિક એ કોઈ પણ દેશની સંસ્કૃતિનું રિફ્લેક્શન છે. તેમાં પણ સ્ત્રીને જ હંમેશા ટાર્ગેટ બનાવીએ ગીતો બનાવાય છે. આઈટમ સોંગ્સ માટે હિરોઇન્સની જ પસંદગી શા માટે? ગર્લ્સ ગ્રુપમાં એક છોકરો હોય તો તે ‘સ્ટડ’ અને બોયઝ ગ્રુપમાં એક છોકરી હોય તો તે ‘સ્લટ’? સાર્વજનિક લઘુશંકા કરવી ગુનો નથી, પરંતુ જાહેરમાં કિસ કરવી એ ગુનો છે. પત્ની બિચારી ગમે તેટલું કામ કરીને મારી જાય, છતાં તે એ હાઉસવાઈફથી વિશેષ કશું બની શકતી નથી. ‘વર્જીનીટી’નો કક્કો ગણગણ્યા કરતા પુરુષો પોતાની છીછરી મનોદશાનું સબૂત આપી રહ્યા છે. પોતાને જાહેરમાં ફલર્ટ કરવાનો અધિકાર કોઈના જોડે લેવો પડતો નથી. પરંતુ, પોતાની પત્નીને કોઈ જુએ અથવા તો તેના તરફ કોઈ જુએ તો જનનાંગો પંગુ બનતા વાર નથી લાગતી.

            મેરેજ : લાઈસન્સ ટુ રેપ

ઈચ્છા હોય કે ન હોય, મરજી કોણ પૂછે છે? સ્ત્રીની જગ્યા હોય છે, પતિના ચરણોમાં અથવા તો તેનાથી થોડી ઉપર.લગ્ન પહેલા કે પછી, સ્ત્રીને માત્ર બે જ કેટેગરીમાં મૂકવામાં આવે છે, ‘વ્હોર’ કે ‘સ્લટ’. જો પુરુષ સાથે બેડ ગરમ કરવા જવામાં આનાકાની કરે તો ‘વ્હોર’ અને સરળતાથી સૂઈ જાય તો ‘સ્લટ’. આ સિવાય પુરુષના મનમાં સ્ત્રી વિષે લગભગ બીજા કોઈ વિચારો આવતા જ નથી.

ડર તો પરણેલા પુરુષોને જ હોય છે! પરણેલા પુરુષ ડિવોર્સી સ્ત્રી જુએ એટલે એને બેડરૂમ જ દેખાંવા માંડે. જો  એમાં ડિવોર્સી મોર્ડન હોય કે વાળ કાપેલા હોય તો પરણેલા પુરુષનું મોંઢુ જોવા જેવું! ભરેલી પિસ્તોલ પકડીને ધ્રુજતાં કોમેડીઅન જેવું…..!

-: કોફી કેરેમલ મેચિએટો :-

કેટલાક પુરુષો જિંદગીભર બદમાશ રહી શકે એટલા માટે ભગવાન આવી પતિવ્રતા પત્નીઓનું સર્જન કરતો હશે…! – (ચંદ્રકાંત બક્ષી)

related posts

બાબા ‘ફાઉંડેશન’… ‘ફેઅર’ કે ‘ફિઅર’ ?

બાબા ‘ફાઉંડેશન’… ‘ફેઅર’ કે ‘ફિઅર’ ?

ચાલ, તને શહેરની તાસીર બતાવું!

ચાલ, તને શહેરની તાસીર બતાવું!