“લગ્નની લાગણી અને ચઢતો આફરો…”

ગુજરાતી કેલેન્ડર પ્રમાણે વર્ષનો ફર્સ્ટ હાફ એટલે “લગ્ન સિઝન”. જે હવે આજ-કાલમાં તુલસી-વિવાહથી શરુ થશે.

http://respectwomen.co.in/wp-content/uploads/2014/07/Marriage-Anniversary-HD-Wallpaper-9.jpg

એક તો આ જમાનામાં મુરતિયાઓને લગ્નની સામેથી કોઈ પ્રકારની પ્રપોઝલ આવતી હોય નહિ અને ‘લાટસાહેબ’ને માંડ એક ગમી હોય કેટલીયે જોયા પછી. અને મોટે ભાગે હજુ ઢીંગલી રમાડવા જેવડો થાય ને ઢીંગલી રમવા આપી દે, એવા ઘણા રાજાસહેબો હોય છે. હજુ તો ‘દુનિયાદારી’નું ભાન ના હોય અને બીજાની જિંદગીની ‘જીવાદોરી’ હાથમાં આપી દે આપણો કહેવતો ‘ટીપીકલ’ સમાજ. પણ ખરેખર, ખુબ મજાના દિવસો હોય છે આ લગ્ન ના. આખું કુટુંબ કાગડોળે રાહ જોતું હોય ભાઈ કે બહેનને વિદાય આપવાની. હા મુરતિયો પણ એ દિવસે બિચારો ‘બાળક’માંથી ‘નર’ બનવા તરફ જતો હોય ને…! એટલે એને પણ વિદાય જ આપી કેહવાય બિચારા લલ્લુને. સોડાની બોટલ ખોલીએ ને ‘ગેસ’ના ઉભરા આવે બરાબર એમ જ ‘ગાંડાલાલ’ને અંદરથી (‘પ્રેમ’ કે ‘કામ’..એ તો એને જ ખબર હવે) ઉભરા આવતા હોય અને બહાર છલકીને બીજાને પણ હેરાન કરતા હોય.

એ લગ્ન અને વિવાહ વચ્ચેના દિવસો પણ અનેરા હોય છે. ગળાડૂબ પ્રેમમાં ડૂબવાની મૌસમ. જે આજે તો આખી રાતના ફોન કોલ અને દિવસે વોટ્સએપના મેસેજ પર જ મોટે-ભાગે પડ્યો-પાથર્યો રહીને પાંગરે છે. જે પહેલાના જમાના માં સંચાર માધ્યમોના અભાવે, છુપાઈને ક્યાં મળવું એ નક્કી કરવાના દિવસો.ક્યાં મળવું? ક્યારે મળવું?ખબર કેમ પડે? અગાઉ ક્યારેક ઘર પાસે અંધારપછેડી ઓઢેલી બંધ શેરી ક્યાંક મળી આવે. નહિ તો મંદિરો પાસે પાછળની ટેકરીઓ જેવું કૈક હોય. શૂરવીરનરો તો રહેવાય નહિ એટલે બાપના બેલ્ટનો માર પણ ખાઈ લે, દોસ્તારો પાસેથી ઉધારીની ‘સોલ્જરી’ પણ કરી ઉછીના બાઈક પર નીકળી પડે પ્રિયતમાનું મુખ જોવા તણું સુખ ભોગવવા. એમાં સીન જમાવવા ઠોઠીયા જેવી પારકી ગાડી ઠોકય જાય અને દેવાના ડુંગર ડબલ થઇ જાય, તોય ધક્કા ખાતા, ઢસડાતા, અથડાતા, કુટાતા સવારનું પરફ્યુમ સાંજનો પસીનો થઇ જાય ત્યારે પહોચાય. એમાય પેલીને જોવાય એવો મેલ પડે એમ નથી એટલે વળી બેવડો આઘાત લાગે અને પાછા લથડતા-ઠોકાતા બોકસા ખાતા ઘરે પાછા આવે ‘દેવદાસ’ની માફક.

એવું નથી કે ટયુશનીયા કે પ્રોજેકટિયા ભણતરમાં નથી રહ્યું કે આવું ખોવાઈ ગયું છે. આજે પણ એસએમએસ અને ચેટ થી માંડીને કાર્ડ-કેફેટેરિયા માં બધું અંદરખાને થતું જ હોય છે. એ અંધારી શેરીના બદલે આજે અંધારું તો છે જ પણ થિયેટરની ખૂણાની સીટનું. મંદિરની પાછળની ટેકરી ના બદલે મંદિર જવાની બહાનાબાજી કરીને બીજે પહોચવું એ તો ઇઝી એકદમ ‘લવ બર્ડઝ’ માટે. હા, ઉછીની ગાડી-પૈસા એ બધી સિચ્યુએશન તો ભૂત-વર્તમાન-ભવિષ્ય દરેક કાળમાં સરખી જ રહેવાની. એમાં પણ લાઈન મારવામાં વાઈન ના સાકી તરીકે હાજરી પુરાવવામાં એની બહેનપણી તો અચૂક હાજર હોય જ અને વાતો-વાતોમાં એની સાથે દોસ્તી પણ થઇ જાય. અને એ ‘ઈમોશનલ રાગ’ ભરવા માટે જ દોસ્તી કરવી પડે. ઘણી વાર ‘રાણી સાહેબા’ વળી ‘રૂઠે-રૂઠે સે’ લાગે તો આ ‘ઈમોશનલ બ્લેકમેઈલ’ નો આલાપ આચરવો જ પડે. એ સખીની મદદથી કિટ્ટા ના બુચ્ચા પણ થાય જ ને વળી. આવા લાટસાહેબો પાછા વ્યસન તો રાખે જ. ત્યારે જો ઘરમાં નવા ભાભી હોય તો સામેવાળી પાર્ટીના મેઈન મેમ્બર બની જાય. અને એ છોકરીને માટે વ્યસન છોડ્યાની ખોટી કસમો ખાઈ-ખાઈને શાક-રોટલાની ભૂખ ઓછી થઇ જાય અને આવી રીતે પ્રેમની લાગણીનું લીવરેજ વધારવું પડે.

http://www.dailyslave.com/wp-content/uploads/2014/10/marriage.jpg

અને હા, મેઈન વાત. ‘લવ એટ ફર્સ્ટ સાઈટ’ આ સૌથી વધુ લગ્ન-પ્રસંગોમાં જ થાય. જમવાની ડીશ લેતા-લેતા સામે જોવાનું. લગ્ન ના ગીત ગાતા-ગાતા લાઈન આપવાની અને મારવાની, એ પણ પુરેપુરી. સેટિંગ પાડવા મથતી પબ્લિક પાણી-ચા-નાસ્તો વહેચતા – વહેચતા પણ મોકો હાથમાંથી ના જવા દે. અને એમાં પણ રાસ-ગરબાની વાત આવે એટલે આપણા બધુંઓ એકદમ બની-ઠનીને આવેલી સામેવાળી પાર્ટીને જોવામાંથી ઊંચા ના આવે. જાનૈયા અને જાનુડી ઓ જે મજા કરે છે લગ્ન માં એવી તો કદાચ જેના લગ્ન થવાના હોય એ બંનેને પણ નહિ કરતા હોય.

આપણું શિક્ષણ પણ કેવું? ખેતીથી લઈને ખુદાની કવિતાઓ જોવા મળે પણ ક્યારેય છોકરા-છોકરીની કવિતા ના જોવા મળે. આફ્ટરઓલ, ગુજરાતી સાહિત્યમાં પ્રેમનું શૃંગારિક વર્ણન પણ એટલું જ રસાળ શૈલીમાં કરેલું છે, પરંતુ એ કોર્સમાં નથી અને એટલે જ ‘લગ્ન ટુ વિવાહ’ વચ્ચેની સફરમાં છોકરા કે છોકરીને લવલેટર લખતા પણ નથી આવડતું. બોરિંગ બીઝનેસ લેટર ૭-૭ માર્ક્સ માં પૂછે અને એની આખું વર્ષ એની પાછળ મહેનત કરવાની અને શિક્ષકોને પણ અરજી લખતા શીખવાડવાની. પણ લવલેટરમાં પોતાની લાગણી-ફીલિંગ-ભીનાશ-પ્રેમ ડીસ્ક્રાઇબ કરતા કોઈને પણ નથી આવડતું. પછી લવેરિયા કરતા ડાયેરિયા જ વધુ થાય ને…!

એટલે ભાર મુકીને કહું છું, શીખી જજો થોડું આવું બધું, ક્યાંક ભાભી એમ ના કહે કે ‘તમારા ભાઈને તો સરખું મેસેજમાં પણ રોમાન્સ કરતા નહોતું આવડતું.’ હા …હા..હા…!નવી વાનગીઓ આરોગો, નવી આઈટમ જુઓ, નવી લાગણીને ‘ઈનપુટ’ આપો અને નવી પ્રેમના ઉભરા જેવી ફીલિંગને ‘આઉટકમ’ આપો.

ટહુકો:- એક સરસ ડેટિંગ કવિતા…

“એકવીસ વરસની ફિક્સ ડીપોઝીટ, વ્યાજ ગયું છે વધી,

શોધો એને માટે કોઈ દરિયો, ગાંડી થઇ છે નદી,

એવરી ડે ના મળો તો, મળજો કદી કદી,

તમને પ્રપોઝલ મોકલવામાં શરુ થઇ એકવીસમી સદી.”

related posts

#સફરનામા: તમે સ્વતંત્રતાને કદી અનુભવી છે ખરા?

#સફરનામા: તમે સ્વતંત્રતાને કદી અનુભવી છે ખરા?

હું કૃષ્ણ ! મારું જીવન – એક ‘મહારાસ’

હું કૃષ્ણ ! મારું જીવન – એક ‘મહારાસ’