આજે સ્કૂલ છૂટ્યા પછી તેની ફ્રેન્ડ એ મને થોડી વાર ‘એકલા’ ઉભું રહેવા કહ્યું હતું. એ પણ સ્કુલની પાછળની કૉલોનીમાં તેની એક્ટિવાની પાસે. થોડું સમજાતું હતું અને થોડું નહિ. એક બાજુ ડર લાગતો હતો, બીજી તરફ કોઈ સરપ્રાઈઝ મળશે એવા સપનાઓની એન્ટ્રી-એક્ઝિટ થયા કરતી હતી. આખો દિવસ એ વિચારવામાં જ નીકળી ગયો, ‘કેમ બોલાવ્યો હશે? કોઈ કામ હશે? અરે ના..ના.. કામ થોડું હોય? કદાચ હોઈ પણ શકે..! ક્લાસમાં કંઈ મારાથી બોલાઈ તો નથી ગયું ને?’ અંગૂઠાના બંને નખ દિવસ પૂરો થતા-થતા ખવાઈ ગયા. આખો દિવસ તેની સામે આડકતરી રીતે જોવામાં ચાલ્યો ગયો.
ઉપરાંત, આજે ફ્રેન્ડશીપ ડે પણ હતો. આજે આખો દિવસ એ ‘ફ્રેન્ડશીપ બેલ્ટ’ જ બધાને બાંધતી હતી. તેના સ્કર્ટના ખિસ્સામાં ઢગલાબંધ બેલ્ટ્સ હતા. આજે એ બધાથી અલગ દેખાતી હતી. માથામાં પિંક હેરબેન્ડ, હાથમાં ઢગલાબંધ ફ્રેન્ડશીપ બેલ્ટ, વાળની લટમાંથી હાઉક-લી કરતા કાનના ન્યૂ ઇઅરરિંગ્સ. હા, એ એક્ટિવાનું કિચન પણ આજે બદલાયેલું હતું. પાણીની નવી બોટલ એ થમ્સઅપની બોટલને રિપ્લેસ કરી હતી. થોડી સ્પેશિયલ લાગતી હતી.
૨ મહત્વના મિશન મારે પાર પાડવાના હતા.
૧) સ્કૂલ છૂટ્યા પછી મારા દોસ્તો સાથે ઘરે જવાને બદલે પેલી એક્ટિવા પાસે જવાનું છે. એ પણ એકલા..! તો તેના માટે બોલવા પડતા જરૂરી જૂઠ. એ જૂઠ એકદમ રિઅલ લાગે તે માટેની જરૂરી તૈયારીઓ.
૨) એક્ટિવા સુધી પહોચ્યા પછી તેની સાથે મને કોઈ જોઈ ન જાય તેના માટે ભગવાન પાસે કરવી પડતી પ્રાર્થનાઓ. ત્યાં જઈને વ્યવસ્થિત અવાજ ગળામાંથી નીકળે તેના માટે પાણી પી ને જવાનું છે એ યાદ રાખવાનું.
સ્કૂલ છૂટી. મારી સાથે મારા ૪-૫ લંગોટિયા. એમને કહેવું કેમ કે, મારે ઘરે નહિ એક્ટિવા પાસે જવાનું છે…! નહીતર આ ગાંડાઓ પેન્ટ પકડીને મારશે. સેન્સર તો ફ્રેન્ડશીપના આ લોકોમાં પણ એકદમ ‘હાઈ બેન્ડવિથ’ની ફ્રિકવન્સી સાથે મુકેલા હોય. આમ-તેમ ખોટું બોલો એટલે પકડી જ પાડે. છતાં, પણ આજે આખો દિવસ ચાર્જિંગ ફૂલ જ રાખવાનું હતું એટલે હિંમત કરીને બોલ્યો, ‘અલ્યા એય, મારે ઘરે નથી આવવાનું આજે. પપ્પા એ કહ્યું હતું કે સ્કૂલ છૂટ્યા પછી મારી પાસે આવજે. કામ છે થોડું.’
ત્યાં તો એક લંગોટિયો બોલ્યો, ‘પેલીને મળવા જવાનું છે એને..! ચાલો ભાઈઓ..દોસ્ત દોસ્ત ના રહા. મને ખબર છે હો બકા, તારી ને પેલી ની. રોજ આખો દિવસ આંખો ફાડી-ફાડીને જોયા કરો છો. સામે સર હોય કે ટીચર, તમે તો લાગેલા જ રહો છો. એમાંય, આજે ફ્રેન્ડશીપ ડે. એટલે પૂરું.’
ત્યા બીજો બોલ્યો, ‘હા..મનેય ખબર છે. પેલી એની ફ્રેન્ડ છે એ આજે રીસેસમાં કહેતી હતી મને. પેલા ને કહેજે ઉભો રે, એક તો એ થોડો ફટ્ટૂ છે. જઈ આવ. જો જે હો..! આડું-અવળું કાંઇ ન જોઈએ. ખબર પડી એટલે માર ખાઇશ. કઈ પણ પૂછે તો ના પાડજે. આ બધા ચક્કરમાં પડતો નહિ. મરાઈ જશે તારી, ને રોજના ખર્ચા અલગ.’
અરે રે..! કેટલું સંભળાવી ગયા. હું તો સીધો ચાલ્યો એક્ટિવા બાજુ. થોડી બીક લાગતી હતી. પહેલી વખત કોઈ છોકરીને મળવા જતો હતો. એક તો આખો દિવસ હાર્ટબીટ પીક લેવલ પર જ હતા. જે આજના દિવસે એ લેવલ પર જ કોન્સ્ટન્ટ રહ્યા. અઘરી વાત એ થઇ કે, હું પહોચી ગયો એની એક્ટિવા પાસે..! પણ એ હજુ ન આવી. એવામાં જ એક એ સોસાયટીમાં રહેતો કલાસમેટ આવ્યો. મને એ એક્ટિવા પાસે ઉભેલો જોઇને બોલ્યો, ‘અલ્યા..! આ તો પેલીની એક્ટિવા છે. તું એના પર કેમ બેઠો? કંઈ આમ-તેમ તો નથી ને?’
‘અરે ના..ના.. મને નથી ખબર..! આ એની છે?’ મનમાં થતું હતું કે આ જાય તો સારું હવે. ખોટી પંચાત કરવા લાગી પડ્યો. કોને ખબર, એ સાંભળી ગયો હશે મારા મનની વાત. તરત એ ચાલતો થયો. સદનસીબે કૉલોનીમાં એ સમયે કોઈ હતું નહિ. અને, બાપ્પુ…! ધમાકેદાર એન્ટ્રી… એ તેની ફ્રેન્ડ સાથે આવતી દેખાઈ. મેં જાણી જોઇને તેના તરફ જોયું નહિ. ખોટી એક્ટિંગ..! ખરાબ એક્ટિંગ. આવીને ઉભી રહી. એની દોસ્ત થોડી ૨ ડગલા દૂર ઉભી રહી. બસ, એક સેકંડ જ મારી તરફ તેણે જોયું. તરત જ સ્કર્ટના એ ખિસ્સામાંથી થોડું મોંઘુ અને અલગ ‘ફ્રેન્ડશીપ બેલ્ટ’ કાઢીને મને પહેરાવ્યું. મને તરત જ લાઈટ થઇ, ખિસ્સામાં રહેલ ઘણા બધા બેલ્ટ્સમાંથી દર વખતે આ બેલ્ટ જો કાઢતી વખતે સાથે બહાર નીકળી જાય તો પાછો અંદર મૂકી દેતી. હાઉ સ્વીટ..! એ મારા માટે જ હતો. ‘સ્પેશિઅલ’ ફીલિંગ સાથે આખું દિમાગ ફિલ થઇ ગયું.
એક હૃદય સોંસરવી નીકળી જતી સ્માઈલ સાથે બોલી, ‘ફ્રેન્ડ્સ..?’ અને હાથ લંબાવ્યો. પહેલી વાર કોઈ છોકરીના આટલા સોફ્ટ હાથને સ્પર્શવા આજે હાથ ઉપડતા થોડી વાર લાગી. પણ, એ દિવસથી અમારી દોસ્તીની શરૂઆત થઇ તો ખરી..!
*****
બસ, આ જ સ્ટોરી કેટલાક એ સ્કૂલમાં ટ્રાય કરી. દરેકની ‘મેમરીઝ’માં આ વિડીયો આજે પણ સચવાયેલો હશે જ. ઘણી વાર નવરાશના પળમાં એ મૂવીને આપણે ફરી-ફરી ‘રિવાઈઝ્ડ’ કરીને ‘રીવાઇન્ડ’ કરતા રહીએ છીએ. એ જ તો આપણો દોસ્ત છે. ફ્રેન્ડશીપ તો કદાચ બહાનું છે, બાકી ‘પ્રેમ’ છે કે ‘દોસ્તી’..? આ પ્રશ્નનો સાચો જવાબ તો બંનેમાંથી કોઈના હૃદય પાસે હોતો નથી.
દરેકનો એક દોસ્ત હોય છે.
જેની સાથે કલાકો સુધી ગપ્પાબાજી કરી,
મજાકની શિસ્તબદ્ધ વણઝારો તેના પર વહાવી,
દરેક બેવકૂફીમાં એ સાથે ને સાથે રહેતો,
એ મારા દરેક સિક્રેટ મારાથી વધુ જાણતો.
દરેકનો આવો એક દોસ્ત હોય છે.
જેની સાથે મળીને પહેલો લવ ‘મેસેજ’ લખ્યો,
તેની જ સાથે ફર્સ્ટ લવ ક્રશ શેર કર્યો,
પહેલી ડેટ પર એ ચોકીદાર બન્યો,
દિલ તૂટ્યા પછી તેના ખભે કલાકો સુધી રડ્યો.
દરેકનો આવો એક દોસ્ત હોય છે.
જેની સાથે પહેલી પોર્ન મૂવી જોઈ,
સિગારેટના કશનું કારણ પણ એ જ બન્યો,
ગમ કે સાથી ‘રમ’નો ભેટો એના લીધે જ,
પેરેન્ટ્સને બિલકુલ ન ગમતો એ પણ એ જ.
દરેકનો આવો એક દોસ્ત હોય છે.
વાચ્યા વિના એક્ઝામ પાસ એના ભરોસે,
તેની કોપી કરવી તેને મારો હક સમજતો,
મારા ફ્યુચરની ચિંતા વધુ એ રાખતો,
હર એક સકસેસની ખુશી તેના વિના અધૂરી હતી.
દરેકનો આવો એક દોસ્ત હોય છે.
જે ભલે ગમે તેટલો દૂર હોય,
પણ દિલની હંમેશા પાસે હોય,
જે તેની સાથે વિતાવી હોય,
દુઃખમાં એ દરેક પળ પણ દવા હોય.
મારો પણ એક આવો દોસ્ત છે.
જિંદગીના કોઈ સ્ટેશન પર જયારે ‘સબસ્ક્રાઈબ’ કરાવેલું ખુશીનું ‘પેકેજ’ પૂરું થઇ જાય અને ‘સ્ટેન્ડ બાય’ મોડ પર થંભી જવાય ત્યારે કોઈક પાછળથી હાથ પકડીને કહે, ‘ચલ, ભાઈ..!’ અને એ હળવા સ્મિત પર વિશ્વાસની લહેરખી ફરે, હિંમતનું ઝરણું ફરીથી વહેતું થાય તો તેનો હાથ પકડીને તેને સાચો દોસ્ત સમજીને સફરે નીકળી પડવું.
આંખ બંધ કરીને તમને કોઈએ આપેલી જાદુની ‘ઝપ્પી’ને યાદ કરો, એ સમયે હૃદયનો કોઈ છેડો લાગણીભીનો અનુભવાય અને તેની ભીનાશ આંખમાં રેલાઈને ટપકી પડે ત્યારે જો શ્વાસ ગાળામાં રૂંધાય, છતાં ચહેરા પર નાની શી મુસ્કાન ફરકે તો આ ક્ષણે તે વ્યક્તિ તમારી લાઈફના જૂજ મિત્રોમાંનો એક છે એ ઓળખવામાં રાહ જોવી નહિ.
કોફી બોનબોન :- બે મિત્રો વચ્ચે ‘પ્રેમ’ અને બે ‘પ્રેમી’ વચ્ચે ‘મિત્રતા’ હોવી એ જ સાચા સંબંધની નિશાની છે. તમને કોઈના પ્રત્યે ‘પ્રેમ’ છે કે ‘મિત્રતા’? બંનેમાંથી ‘એકલું’ કંઈ જ નથી. છે તો માત્ર ‘પ્રેમિત્રતા’.