હનુ‘મેન’ :- ‘પ્રત્યુત્પ્ન્નમતિ’ વ્યક્તિત્વ..! મેલોડીયસ કોમ્બો ઓફ ‘સોલ્જર + સરવન્ટ’

‘દાસ મારુતિ’ અને ‘વીર મારુતિ’ બંનેમાંથી કયું સંબોધન પસંદ કરશો? એવું કદાચ આજના કાળમાં પણ જો હનુમાનને પૂછવામાં આવે તો તે પોતાની પસંદગી ‘દાસ મારુતિ’ પર જ ઉતારશે. રાવણને જીતનારો ‘વીર’ અને રામને જીતનારો એ ‘દાસ’. રામ હનુમાનને પૂછે છે કે, “તને શું જોઈએ?” ત્યારે, “મને તમારા પરથી પ્રેમની ભક્તિ તથા આપ પરત્વેની આસક્તિ લેશમાત્ર પણ ઓછી ન થાય અને રામ સિવાય બીજે ક્યાય ભાવ નિર્માણ ન થાય એટલું જ જોઈએ છે.” ઉત્કૃષ્ટ..! કમાલ..! સાક્ષાત અખિલ વિશ્વના આધિપતિ જયારે કઈક આપવા તૈયાર છે ત્યારે માત્ર ભક્તિની માંગણી..! આનાથી વિશેષ દાસ્ય ભક્તિ કઈ રીતે સાબિત થઇ શકે? એટલા માટે જ રામ જેટલું જ આદરણીય સ્થાન જનસમુદાયના હૃદયમાં છે.

હનુ‘મેન’એ અંતર્બાહ્ય વિકારો પર જીત હાંસલ કરી હતી. ‘ઇન્દ્રજીત’ જેવા બાહ્ય શત્રુઓ સામે તો જીત મેળવી જ, સાથે સાથે કામ,ક્રોધ,લોભ,મોહ,મદ અન મત્સર જેવા આંતર વિકારો સામે પણ જીત મેળવી. તેથી જ તેઓ ‘ઇન્દ્રિયજીત’ (જિતેન્દ્રિય) પણ કહેવાયા. જયારે પોતે જે કઈ કર્યું એ માત્ર અને માત્ર ઈશશક્તિ (રામ) દ્વારા જ થયું છે એવી સમજણ હોય તેને દુનિયાની કોઈ તાકાત-સત્તા કે વૈભવ ચલિત કરી ના શકે. હજુમાન બળબુદ્ધિ સંપન્ન હતા. એક બુદ્ધિની એરણ પર ઘસાયેલો અને ઉત્તમ રાજનીતિજ્ઞ, ઉત્કૃષ્ટ વિદ્વાન જેવી વિદ્વત્તા, સાહિત્યકાર એટલે હનુમાન. શાસ્ત્રો અને તત્વજ્ઞાનની ઊંડી સમજ હતી. તેમને અગિયારમાં વ્યાકરણકાર અને રૂદ્રનો અવતાર માનવામાં આવે છે. વકતૃત્વ શક્તિ પણ ગજબ.! સાક્ષાત જ્ઞાનનિષ્ઠ વૈચારિક પ્રવાહ વહે જે સરળ છતાં ગંભીર અને અર્થપૂર્ણ હોય તેવું શ્રોતાઓને લાગતું.

મનોજવં મારુતતુલ્યવેગં જીતેન્દ્રીયં બુદ્ધિમત્તામ વરિષ્ઠમ |

વાતાત્મજં વાનરયુથમુખ્યં શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે ||

http://wallpaperhdfree.com/wp-content/uploads/2013/01/Jai-Shree-Ram-Wishes-Lord-Hanuman.jpg

માનસશાસ્ત્રનો ઊંડો અભ્યાસ હતો. વૈચારિક નિર્ણયો જયારે લેવામાં આવતા ત્યાર હંમેશા રામ તેમને પોતાનો પક્ષ મુકવા કહેતા. જયારે વિભીષણ રામની પાસે આવે છે, ત્યારે દરેક સાથીજનો તેમને પોતાની તરફી રાખવા રાજી નથી હોતા. છેલ્લે રામ હનુમાનને પણ પૂછે છે ત્યારે માત્ર હનુમાન જ તેમને ‘એતાવત્તું પુરસ્કૃત્ય તસ્ય સંગ્રહ :|’ કહીને પોતાના પક્ષમાં રાખવાની સલાહ આપે છે. રામ એ હનુમાનનું કહેવું માન્ય પણ કરે છે, કારણ કે માણસને પારખવાની શક્તિ જેટલી હનુમાનમાં છે એટલી કોઈનામાં નથી એ તેઓ જાણતા હતા.

ઉત્તરકાંડમાં રામ હનુમાનને પ્રાજ્ઞ, ધીર, વીર, રાજનીતિજ્ઞ જેવા વિશેષણોથી સંબોધે છે, તે ઉપરથી જ તેની યાગ્યતા કલ્પી શકાય છે. હનુમાન જયારે સીતાની શોધ કરીને આવે છે ત્યારે રામ તેમને કહે છે, “હનુમાન..! તારા મારા પરના અનેક ઉપકારો છે. તેના માટે હું મારા એક એક પ્રાણ કાઢીને આપીશ છતાં ઓછા જ પડશે. તારો મારા પરનો પ્રેમ એ પાંચપ્રાણ કરતા પણ વિશેષ છે. તેથી હું તને માત્ર આલિંગન જ આપું છું.” અદ્ભુત..! કયો ભગવાન તેના દાસ-ભક્તને આવું કહે? વિલક્ષણ દાસ્યપ્રતિભા. વિચક્ષણ બુદ્ધિપ્રતિભા.

રામ ભગવાન એ સીતામાતાની શોધનું જે કાર્ય સોંપ્યું હતું તે પણ તેમણે એટલી જ ચતુરાઈપૂર્વક અને તેટલા જ વિશ્વાસથી પાર પડ્યું હતું. આજે પણ ઘણા બુદ્ધિબુઠ્ઠા બુદ્ધિજીવીઓ કહે કે હનુમાન જ જો પોતે લંકાદહન કરવા સક્ષમ હતા તો સીધા જ રામ પાસે લઇ આવા હતા ને.? પરંતુ, દોસ્ત..! હનુમાન આજના બે હજારની રૂપરડીમાં નોકરી કરતા ચીમળાઈને ચૂંથા થઇ ગયેલો પગારદાર નહોતા કે બોસને ખુશ કરવા ‘દોઢ’ થવું પડે. રામનું નામ સીતા સુધી લઇ જવાનું અને આત્મવિલોપનની તૈયારી કરી ચુકેલા સીતામાતાના હૃદયમાં હિંમતનું ઝરણું વહેતું કરવાનું હતું. હનુમાન એ અશોકવાટિકામાં જઈને વૃક્ષની પાછળથી ઈક્ષ્વાકુ કુળનું ખુબ સુંદર વર્ણન કરે છે, અને મનથી પરાજિત થયેલા સીતામાતાના હૃદયમાં જીવંતતાનો નવો પ્રાણ ફૂંકે છે. આ હતું તેમનું કાર્ય..! અને વાત રહી લંકાને બાળવાની. તો તે કઈ તેમની છીછરી મર્કટલીલા નહોતી, એક રાજનીતિજ્ઞ વ્યક્તિનું ખુબ પાકટ બુદ્ધિથી લીધેલું ડગલું હતું. એક રાજકારણ વિશારદનું જાણી જોઇને યુદ્ધનું ફૂકેલું બ્યુગલ હતું, રણસંગ્રામનો શંખનાદ હતો. તેના દ્વારા જ લંકાની રાક્ષસી પ્રજાનો આત્મપ્રત્યય ખલાસ થયો અને યુદ્ધનું અર્ધું કામ પૂર્ણ થયું. નાજુકમાં નાજુક અને કઠોરમાં કઠોર કાર્યને તેના અંતિમ ચરણ સુધી સિફતાઈથી પૂર્ણ કરવાનું કાર્ય હનુમાન કરતા. જ્યાં સુધી રામકથા છે ત્યાં સુધી હનુમાન અમર છે.

બ્રહ્મચર્ય, માંગલ્ય, પાવિત્ર્ય અને ચારિત્ર્યની આદર્શ મૂર્તિ એટલે હનુમાન. શરીરબળ, મનોબળ અને બુદ્ધિબળ. આ ત્રણેયનો ત્રિવેણી સંગમ એ હનુમાનમાં જોવા મળે છે. આજે ઠેર ઠેર રાવણી વૃત્તિઓએ પોતાના માથા ફરી ઉચક્યા છે. અનેક કુમ્ભકર્ણો જગ્યા છે. આવી રાવણી વૃત્તિઓનું પતન કરવા માટે ‘પવનપુત્ર મારુતિ’ની જરૂર છે. રામની સંસ્કૃતિના રક્ષણ કાજે ‘દાસ-મારુતિ’ આજનો સમાજ માંગી રહ્યો છે. આજે આપણે શનિવારના બે પૈસાના તેલમાં પોતાની માનસિકતાને ચોળીને ચીકણી કરી મુકી છે અને એટલી હદ સુધી તેનો અર્થ લીસ્સો કરી દીધો છે કે ન પૂછો વાત. એક આનાની આંકડાની માળા ચડાવીને શું સાબિત કરવા ઇચ્છીએ છીએ આપણે? શું આપણામાં એ બુદ્ધિ, બળ અને બ્રહ્મચર્યનો ગુણ લાવવાનો સોમથી શુક્રમાં પ્રયાસ કરીએ છીએ ખરા? બસ, શનિવારે માળા અને તેલ ચડાવી સિંદુરનું ટપકું લમણે લગાવીને મંદિરની બહાર ખુશ થતા નીકળીએ અને મનમાં ખોટો ભ્રમ પાળીએ કે અમે તો ભક્ત. અરે, ભક્તની વ્યાખ્યા સમજવામાં જ આપણને જિંદગી ઓછી પડશે, એમાં ભક્તિ કરીએ છીએ એવો ડોળ રાખીને તો ચાલવું જ નહિ. આજે ભારતનો દરેક યુવાન પોતાનામાં એક હનુ‘મેન’ જ છે. બસ, સમજવું પડશે. રામના સેવક બનીને દોડવું પડશે, ઉઠવું પડશે, કટિબદ્ધ થવું પડશે.

ટહુકો:- (સૈનિક + સેવક) અને (ભક્તિ + શક્તિ)નો સુભગ સમન્વય જે યુવાનમાં સધાય તે દરેકમાં એક ચિરંજીવ હનુ‘મેન’ની સ્થાપના થાય.

related posts

પૃથ્વી અને ધરતી વચ્ચેનું પુસ્તક : જીવન !

પૃથ્વી અને ધરતી વચ્ચેનું પુસ્તક : જીવન !

ભવસાગરને કાંઠે ‘રાધા-કૃષ્ણ’ની રમતમાં પ્રમાણિત થતાં વિ’મેન્સ’ ડે

ભવસાગરને કાંઠે ‘રાધા-કૃષ્ણ’ની રમતમાં પ્રમાણિત થતાં વિ’મેન્સ’ ડે