દુનિયાનો દરેક પ્લેટોનિક હ્યુમન પોતે જ એલેક્ઝાન્ડર છે, એ જીતશે!

દુનિયાનો દરેક પ્લેટોનિક હ્યુમન પોતે જ એલેક્ઝાન્ડર છે, એ જીતશે!

આજે આપણે દરેક વિક્ટર હ્યુગોની લા મિઝરેબલના હેનરી ફોર્ટીન જેવા છીએ. તકલીફમાં છીએ, પણ મહેનત કરવા માટે બાવડા બનાવીને તૈયાર થઈ રહ્યા છીએ. ઇજિપ્તના રેમેસિઝે જે જીવનભર કર્યું તેનું પરિણામ તેને અંતે કુદરત પાસેથી જ ભોગવવાનો વખત આવ્યો. જ્યારે જ્યારે રેમેસિઝ, રાવણ કે ઝરક્સિસ મોટા થાય ત્યારે મોઝેસ, રામ અને લિયોનાઈડસ સામે કાંઠે જન્મ લઈ ચૂક્યા હોય છે.

દુઃખનું જન્મવું એ સુખ તરફનું પહેલું પગથિયું છે. માનવજાત હંમેશા ઝઝૂમવા તૈયાર થયેલી છે. જો ઊંડા ગર્તમાં એ હશે તો ટોચ પર ચડવાનો મનસૂબો ઘડતા તેને વાર નહીં લાગે. લુહાર લોખંડની પટ્ટીને આગમાં તપાવીને આકાર આપે તેમ આજે હ્યુમન બિઇંગ આકાર લઈ રહ્યા છે. કેટલાંક ટકી જશે, કેટલાંક બીજાને ટકાવી જશે. જે બેમાંથી એક પણ નહીં કરી શકે એ બટકી જશે.

રુલ કરવું, હક જમાવવો, જીતી લેવું, છીનવી લેવું, પડાવી લેવું… આ માનવસહજ સ્વભાવ રહ્યો છે. આવતીકાલે માણસ હકથી આ તમામ મુશ્કેલીને હડસેલો મારીને પોતાને ગમે તેવી દુનિયા બનાવી લેશે. કુદરતી તકલીફોએ જે રંગ જમાવ્યો છે તેને બેરંગ કરતાં હ્યુમનને કેટલી વાર લાગશે? હ્યુમન ભલે તેની સામે કશું જ નથી, પણ અસ્તિત્વથી ઓછો પણ જરાયે નથી. સમયની ઘડીઓનો ખેલ છે. રેતઘડીની છેલ્લી રેતીની કણી સરકી જાય એટલે હ્યુમન ઉપર હશે અને તકલીફો નીચે ચગદાઈ જશે.

આજે કેવું છે નહીં? વેરણછેરણ. રોજ ઊઠીને દુનિયાના કોઈને કોઈ ખૂણે ઘટતી ખબરો છાતીના પાટિયા ભીંસી દે છે. વસમું લાગે છે. ઘરના નજીકના સભ્યો અણધારી વિદાય લઈ રહ્યા છે. કામ નથી, પણ છતાંયે શ્રદ્ધા કાયમ છે. એના હોવાનો વિશ્વાસ વધુ દૃઢ થતો જાય છે.

આંખ પર વર્ષોથી જામેલ પડળો ખરતા જાય છે અને વધુ સ્પષ્ટ બનતું જવાય છે. તકલીફમાં જાત પર જેટલો અજંપો છે એટલો જ ભરોસો પણ. કેવી પરિસ્થિતિ છે નહીં?

આમ, તો દુનિયા હેમખેમ ‘ને આમ જુઓ તો એમનેમ. મહિનાઓથી ઓછી મૂડીમાં ઘર ચાલે છે. ફિઝિકલી રિજુવનેટ થઈ રહ્યા છીએ. જે ભીતર પસ્તાવો છે તે સાચો અને બહાર જે ખેદાનમેદાન થઈ રહ્યું છે એના મૂળમાં આપણે જ તો છીએ.

દુનિયા પરનો દરેક માણસ એલેક્ઝાન્ડર છે. તેના જીતવાના ઇરાદા જ તેને જીવાડી જશે. 

related posts

ઈન્દ્રગોપ : ઈશ્વરની ચિંતા | કાબરોની કિસમિસ

ઈન્દ્રગોપ : ઈશ્વરની ચિંતા | કાબરોની કિસમિસ

પ્રેમ પસંદા – પ્રેમ અંગારા

પ્રેમ પસંદા – પ્રેમ અંગારા