મહાશિવરાત્રીના પવિત્ર અવસર પર ‘બચપન’ એન.જી.ઓ. ના ૩ વર્ષ પુરા થયા. આણંદના ઓડીટોરીયમમાં ખુબ સરસ વાર્ષિકોત્સવનું આયોજન થયેલું હતું. દરેક વોલ્યુન્ટીઅર્સ છેલ્લી ૨ રાત્રીથી કામ કરતા હતા. સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને ભણાવવાથી માંડીને તેમનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી જે યુવાન એન્જીનીયર મિત્રોના હાથમાં હોય એ ‘બચપન’ની પૂરી ટીમ મેદાન-એ-જંગ માટે તૈયાર હતી. દરેક બાળકની પાછળ તેમને કૃતિઓ તૈયાર કરાવવા માટે જુસ્સાથી કામ કરતા હતા. અને એ દિવસે તમામ મહેનતને આખરી ઓપ આપવાનો સમય નજીક પહોચી રહ્યો હતો. દુનિયાને એક નવો અનુભવ કરાવવા માટે ‘બચપન’ની પૂરી ટીમ તૈયાર હતી.
પ્રાંગણમાં દાખલ થતાની સાથે જ પોતે તૈયાર કરેલ અનેકવિધ કૃતિઓને વિશ્વ સમક્ષ રજુ કરવા ૬૦૦ જેટલા બાળકો થનગની રહ્યા હતા. તેમનો ઉત્સાહ સુસ્ત પાનખર જેવા સમાજમાં વસંતની લહેરની પૂર્તિ કરનારો હતો. ૧૦ ના ટકોરે કાર્યક્રમ ગણેશવંદનાથી શરુ થયો. મુખ્ય મહેમાનો તેમના સ્થાન પર આરૂઢ થયા. નિ:સ્વાર્થ ભાવે મહેમાનો દ્વારા થતા કાર્યો વિષે જાણીને આનંદ થયો.
એક પછી એક કૃતિઓ રજુ થતી ગઈ. સાહજિકભાવે સમાજ પરત્વેનો સંદેશ સંદર્ભિત રૂપે સંકલિત કર્યો. ‘બેટી બચાવો’ની જાગૃતિ માટેનો સંદેશ જે પ્રકારે અપાયો તે રુવાડા ઉભા કરી દે તેવું હતું. ઉપરાંત, બાળમજૂરી અંતર્ગત ભજવાયેલું નાટક પણ બેનમુન હતું. આ ઉપરાંત, દરેક મહાનુભાવોના વાક્યો, તેમના શબ્દો, તેમના મતે ‘બચપન’ નું કાર્ય, તેમની દ્રષ્ટીએ બાળકો, જેવા દરેક પાસાઓને વણી લીધા. જોક્સ, ડી.જે ના તાલે મળેલો ઓડીયન્સનો સાથ, તાળીઓનો અવાજ, મસ્તીભર્યા સંવાદો, દેશપ્રેમ દર્શાવતો ઝનૂની ડાન્સ અને ઘણું બધું. દરેક કૃતિ સ્વચ્છ અને સંવાદિત હતી.
કશુંક દુનિયાના બહારના વિશ્વમાં હોઈએ તેવું દ્રષ્ટિગોચર થતું હતું. પોતાની કૃતિ રજુ કરવા બદલ કોઈ પૈસાની ભૂખ કે લાલચ ન હતી. નિર્દોષતા એ બાળકોની આંખોમાં છલકાતી હતી. ભૂલ કરવા બદલ કોઈ સજા ન હતી. આજુ-બાજુમાં જોઇને ફરીથી યાદ કરવાની એક સાહજિક પ્રવૃત્તિ હતી. નિયતિ પણ કદાચ તેમને નિહાળવા આવી હશે અને ખુદ ખુદાને પણ આ બાળકો માટે બંદગી કરવાનું મન થયું હશે. સાક્ષાત શિવજી મહાશિવરાત્રીના પર્વ પર આશીર્વાદ આપવા આવ્યા હશે. ભૂલ બદલ ‘ગુનો’ નહિ પરંતુ તેમની ‘નિર્દોષતા’ની ઝાંખી થતી હતી. ભુલાઈ જાય તો કોઈ હતાશા કે નિરાશા વિના બીજાને જોઇને પોતાનું યાદ કરીને ફરીથી પોતાની કૃતિમાં પાછા ફરતા બાળકો પર વધુ પ્રેમ ઉભરાતો હતો. અલગ-અલગ વેશભૂષામાં તૈયાર થઈને આવેલા નાના ભૂલકાઓ કોઈ સીમાડાઓની કે સરહદોની પરવા કર્યા વિના જ દરેક ધર્મો-ભાષાઓ-જાતિઓને પોતાનામાં જ સમાવીને પોતાને ‘બિનસાંપ્રદાયિક’ સાબિત કરતા હતા. ‘શરમ’ કે ‘હતાશા’ નામનો શબ્દ તો તેમની ડીક્ષનરીમાં જ નહોતો.
કોઈ શું કહેશે કે કોઈ શું સમજશે એની કોઈ પરવા કર્યા વગર બેફિકરાઈથી તે વાર્ષિકોત્સવની એક-એક પળ જીવ્યે જતા હતા. એ દરેક પંખીડાઓ ખુલ્લા ગગનમાં પોતાની રીતે વિહરી રહ્યા હતા, કોઈ બાધ ન હતો કે કોઈ પ્રશ્નો ન હતા. અને, કહેવાય છે ને કે બાળક એ ઈશ્વરનું જ રૂપ છે કારણ કે કામ,ક્રોધ,લોભ,મોહ,મત્સર,ઈર્ષા જેવા ગુણો તેનામાં હોતા જ નથી. તેથી ઈશ્વર પણ ખુશનુમા જ જણાય તે વાતની સાબિતી વગર કહ્યે આ બાળકો આપતા હતા. લોકો કહે છે કે પોતાની અંદરના બાળકને સતત જીવંત રાખવું જૂએ પરંતુ, બીજી જ બારીએથી બાળક મટાડીને એક પૃથ્વી પરનો એક ભૂખ્યો-તરસ્યો અને વૈભવના હવસથી ભરેલો બનાવવા માટે જવાબદાર પરિબળ પણ આપણે જ છીએ. માતા-પિતાનું કામ ‘સ્વચ્છંદતા’ અટકાવવાનું છે, ‘સ્વતંત્રતા’ છીનવવાનું નહિ. એક છતની હેઠળ ચાર દીવાલોની વચ્ચે પુસ્તક પકડાવીને ગોંધી રાખીને માર્ક્સ લાવવાની છડી બતાવીને ડરાવવાનું નહિ પણ ખુલ્લી દુનિયા બતાવીને નીડર બનાવતા શીખવવાનું છે. ઈશ્વર તો આદર્શ પેકેજ સાથે જ ધરતી પર મોકલે છે, પણ આ દુનિયા તેમાં અનેક બગડેલી ચીજવસ્તુઓ નાખીને સમગ્ર આયખા ને કચરાપેટી બનાવી દે છે. હાસ્યના નકલી મુખોટાની પાછળ એક હતાશ-નિરાશ-દબાયેલો-કચડાયેલો વ્યક્તિ છુપાયેલો હોય છે, જે આવું ઝેર ભવિષ્યની પેઢીમાં ઓકીને તેને નિષ્પ્રાણ બનાવી દે છે. સમાજની ઇચ્છાઓના બોજ તળે દબાયેલું બાળક પણ માનસિક તાણની ચપેટમાં આવીને ઈશ્વરે મોકલેલા આદર્શ પેકેજ સાથે ચેડા કરવા મજબુરીના ઓથાર હેઠળ ભયથી પીડાતો જોવા મળે છે.
આ ‘બચપન’ એન.જી.ઓમાં કાર્ય કરતી પૂરી ટીમ એટલી જ સહેલાઈથી અને સહજતાથી સ્લમ વિસ્તારમાં રહેતા બાળકો સાથે મળીને એમને શિક્ષણ આપવાનું કાર્ય કરે છે તે વંદનીય છે. દરેક શનિવારે આ બાળકોને અલગ-અલગ રમતો રમાડવાથી માંડીને દરેક ઈત્તર પ્રવૃત્તિઓ કરાવે છે જે આજની કહેવાતી મોંઘીદાટ શાળાઓ ‘એક્સ્ટ્રા’ના નામ પર પૈસા પડાવીને ખીલતા બાળપણથી વંચિત રાખે છે. આવિર્ભાવનું અવલોકન કરવાની શક્તિ ખીલે, ક્રિયાશક્તિ વધારવાના પ્રયાસો થાય, સ્મૃતિ, તર્ક, કલ્પના, લાગણી. ભાવના, આત્મવિશ્વાસ, જીજ્ઞાસાવૃત્તિ, વાક્પટુતા જેવી અનેક બાબતો ના ખબર પડતા આવી ઈત્તર પ્રવૃત્તિઓથી નિર્માણ પામે. આ બાળકો જીવન-નાટ્યમંચના કલાકારો બને તેવી આ ટીમની પ્રવૃત્તિ છે. વિશ્વમાં વિરાટ બનીને દરેક બાળક આગળ વધે અને તેમાં ધન જેવી ક્ષુલ્લક બાબતથી તેમનું ભણતર ના ઉભું રહે તેવા તમામ પ્રયત્નો ‘બચપન’ કરે છે. બાળકો સાચા શ્રોતા અને વક્તા બને અને એક દિવસ ભારતનું નેતૃત્વ કરી શકે એટલી હદે મજબુત બનાવવા એ ‘બચપન’ ની તૈયારીઓ રહી છે. બાળકમાં રહેલી અપાર-અનંત સુષુપ્ત શક્તિઓને ખીલવીને તેમને દુનિયા સમક્ષ લઇ જવી આનાથી વિશેષ શું હોઈ શકે.! ‘બચપન’ની પૂરી ટીમના દરેક સદસ્યો પોતે કોલેજોમાં અભ્યાસ પણ કરી રહ્યા છે અને સાથે-સાથે આ બાળકોને ભણાવી રહ્યા છે તે કાર્ય કહેવામાં ઘણું સહેલું પરંતુ અમલમાં લાવતી વખતે તેની કઠિનાઈની ખબર પડે. આશા છે કે આવા સરસ કાર્યને દુનિયાની ખરાબ નજર ન લાગે. ભારતના વર્તમાનનું યુવાધન પુરા દિલથી ભાવિનો હાથ પકડીને એક્સુત્રતાના તાંતણે બાંધીને સાથે મળીને ચાલશે તો જ પ્રગતિના એંધાણ દેખાશે. ધન્ય છે પૂરી ‘બચપન’ની ટીમ.
ટહુકો :
તારું ના માં ! બાળક હોઉં
હોઉં પોપટ પંખી,
ઉડી જાઉં ક્યાંક કદાપિ,
મનમાં એવું ઝંખી.
-રવિન્દ્રનાથ ટાગોર