“વસંત એટલે વાતાવરણમાં વહેતો પ્રેમનો વાસંતી વાયરો…!”

ઈશ્વર નામના કલાકારે પ્રકૃતિને જે સ્વરૂપ આપ્યું છે તેનો સમગ્ર બ્રહ્માંડમાં તોટો જડે તેમ નથી. વસંત ઋતુનું આગમન ગુલમહોર અલગ અંદાજમાં કરે છે. એ ખીલેલા સુકોમળ પુષ્પના પવનની સાથેના સ્પંદનો, વૃક્ષની ડાળી પણ ચોટેલું પર્ણ, નદીની ધારે ભીનો થતો અને સુકાતો પથ્થર, કલરવ પામતું વાતાવરણ, મઘમઘી ઉઠતી ધરતી, વેલાઓની લચીને પડેલી શાખાઓની નીચે ધીરે-ધીરે ચાલતી ગોકળગાય, લીલા પર્ણ પર રમતી લીલી ઈયળ, રેતીના સુક્ષ્મ કણો, ખડક સાથે અથડાઈને તેને આકારિત કરતી પાણીની થપાટો, મૂરજાયેલા પુષ્પની બીડાતી કળીઓ, શુષ્ક પીળા ચીમળાઈ ગયેલા પાનનો થતો ખડ-ખડ અવાજ, લાલિત્યપૂર્ણ કિરણો વડે સોનેરીથી માંડીને ઘેર લાલ રંગથી સમગ્ર પૃથ્વી પર ચેતન-અચેતનનો અહેસાસ કરાવતો સૂર્ય, શીતળતાની ચાદર નીચે ધરતીની ચોકીદારી કરતો ચંદ્ર….આ બધું જ સહજ લાગે. બેમતલબની ચીજ લાગે. પરંતુ, સેન્સિટીવલી માણીએ તો એના સૌન્દર્યનો અંદાજ આવે.

વસંત ઋતુનું વર્ણન થતું હોય ત્યાં મહાકવિ કાલીદાસને કેવી રીતે ભૂલાય? જ્યાં વસંત હોય ત્યાં સાક્ષાત કાલિદાસ હાજરાહજૂર હોય. “ઋતુસંહાર” માં કવિ કાલિદાસ એ ઉત્કૃષ્ટ અને અજોડ વર્ણન વસંતનું કર્યું છે. વસંતતિલકા, માલિની અને શાર્દુલવિક્રીડિત છંદોનો ઉપયોગ કરીને દરેક ઋતુઓને ગ્રીષ્મથી શરુ કરીને વસંત ઋતુ પર અંત કર્યો છે. વસંત ઋતુનું વર્ણન કરતા કાલિદાસ કહે છે,

“કામોસક્ત પુરુષ વિણાની ધ્વની સાંભળતો-સાંભળતો પોતાની પ્રિયતમા સાથે મદિરાપાન કરીને શયન કરે છે. તે રમણી ના નિતંબ, હારથી અલંકૃત અને ચંદનરસથી લિપ્ત સ્તનમંડળ તથા સુગંધિત કેસરનું સેવન કરીને પોતાનો સંતાપ દુર કરે છે. આ ઋતુમાં જયારે પ્રિયતમા મોતીની માળા ગાળામાં તથા પગમાં મણકાઓ પહેરીને મંદ ગતિમાં ચાલે છે ત્યારે કામરસથી પીડાતા પુરુષનું મન વિચલિત થાય છે અને તેના સ્વરૂપને જોઇને તે આકર્ષિત થાય છે. પ્રિયતમા પોતાના શરીરને અનેક વસ્ત્રોથી સજાવે છે અને પોતાના ‘કામ’સ્વરૂપ થી પ્રિયેને પોતાની તરફ બોલાવીને કામોસક્ત બને છે. ચંદનમિશ્રિત જળથી કામાયની શરીરના અંગે અંગમાં કામોદ્દીપન કરે છે ત્યારે ચંદ્ર જાણે પોતાના જ તેજથી લજ્જિત થઈને પીળો પડી જાય છે.”

જેમ પ્રાણ વિના શરીર જડ છે તેમ વસંત વિના ઋતુઓની શાન નથી. વસંત પ્રેમને જીવનની પળે પળને નવપલ્લવિત કરી દે છે. ઉમર ખૈયામની એક રૂબાઈ કહે છે – “ જે હૃદયમાં કોઈ પ્રકારની પણ પીડા ન હોય અને કોઈના પ્રેમ માટે પાગલપન ન હોય તેને ધિક્કાર છે. જેટલા પણ દિવસો તેં પ્રેમરહિત વીતાવ્યા એનાથી વ્યર્થ, નિરર્થક દિવસો બીજા કોઈ હોઈ ન શકે.”  પ્રેમમાં વીતેલા દિવસો જ સાર્થક. પ્રેમ ભરેલું જીવન જ કૃતકૃત્ય. પ્રેમ વિનાનું હૃદય એટલે કેવળ લુહારની ચામડાની મશક. જેમ લુહારની મશક હવાથી ફૂલે તેમ માણસનું હ્રદય ધબકે ખરું, પણ એમાં ભાવનાં સ્પંદનો ઊઠે નહીં. વસંત ઋતુમાં પ્રેમથી ભરેલું હૃદય એટલે પ્રિયને પ્રાપ્ત કરવાની ચમક. પ્રિયતમાની વસ્તુમાં એના હૈયાની સુગંધ માણી પોતાના શ્વાસમાં સ્વર્ગનું સુખ પ્રગટાવતા પ્રેમીમાં આ પ્રેમામૃતનો પ્રભાવ વરતાય છે. આદિલ મન્સૂરીના હૃદયમાંથી નીકળેલી આ પંક્તિમાં એ દેખાય છે .
શ્વાસોમાં પાછાં સ્વર્ગનાં ફૂલો ખીલી ઊઠ્યાં,

છે કોના ઉરપ્રદેશની ખુશ્બૂ રૂમાલમાં ?

ઋતુઓનો રાજા એટલે વસંત. જેમ ઠંડીનું પ્રમાણ ઓછું થતું જાય અને યુવા ધડકનો આ શિયાળાની છેલ્લી ક્ષણોને ભરપુર માણી લેવા માંગતા હોય તે રીતે પ્રેમરસનું સિંચન એકબીજાના શરીરમાં કરીને એક આત્મામાં વિલીન પામે છે. વાસંતી પવન કઈ આવો જ પ્રેમનું પુષ્પ ખીલવીને આવે છે અને સમગ્ર સૃષ્ટિમાં ઓળઘોળ પામે છે, જાણે પ્રેમનો પવન જ હોય..! જે વ્યક્તિ વધુ વિચારે અથવા તો બેફિકરાઈથી કઈ જ ના વિચારે, અહેસાસ ના કરે, મહેસુસ ના કરે..એમના માટે હૃદયસ્થ કવિ રમેશ પારેખ એ ખુબ સરસ કહેલું. “ગંદકી વીંટી આંખ ગમાણ સુધી પહોચાડે, ગોકુલ સુધી નહિ. એ માટે છાણ ચૂંથવાને બદલે મોરપીંછ પર હાથ ફેરવવો પડે.” આ ઋતુમાં સતત કોઈ પોતાનાને વધુ પોતીકા કરવાની અને પારકાને પોતાની વધુ નજીક લાવવાની ઋતુ છે. જ્યાં નિરાંતજીવે કશું સમજવાની, મૌનની ભાષા ઉકેલવાની કે અનુભવવાની આવડત નથી ત્યાં વસંત નથી.!

છાપરા રાતા થયા ગુલમહોર મ્હોર્યા એટલે..

માર્ગ મદમાતા થયા ગુલમહોર મ્હોર્યા એટલે..



આંખની વાત તો ના પૂછો કે શું થયું એને,

દ્રશ્ય સૌ ગાતા થયા ગુલમહોર મ્હોર્યા એટલે..



બાંધી ના બંધાઈ એની કંચુકીમાં પોટલી,

વૃક્ષ ચડિયાતા થયા ગુલમહોર મ્હોર્યા એટલે..



વાયુ અનીયાલો થયો તેની ય ના કરી પરવા,

મન ઉઝરડા થયા ગુલમહોર મ્હોર્યા એટલે..



આ ગલીમાં, ઓ ગલીમાં, આ ઘરે, ઓ ઘરે,

જીવ વહેરાતા થયા ગુલમહોર મ્હોર્યા એટલે..



કઈ તરફ રહેવું અમારે, કઈ તરફ વહેવું, રમેશ..

ભાન ડહોળાતા રહ્યા ગુલમહોર મ્હોર્યા એટલે..

-રમેશ પારેખ

ટહુકો:-
બધીયે અટકળોનો એવી રીતે અંત મળે, કંદર્પ..!

જયારે ‘કામ’દેવના હૃદયને કોઈના વાસંતી પ્રેમનો રોગ મળે.

related posts

ઓવરડોઝ: ટુ બી એન એન્જીનિયર

ઓવરડોઝ: ટુ બી એન એન્જીનિયર

જે મહેફિલમાં શરાબ પીવાતો હોય, ત્યાં લેખકે પાણી પીવું જોઈએ!

જે મહેફિલમાં શરાબ પીવાતો હોય, ત્યાં લેખકે પાણી પીવું જોઈએ!