“સ્વતંત્રતા અને સાર્વભૌમત્વની સ્વીકૃતિ સાધતો સુસંસ્કૃત સમાજ ખરેખર પ્રજાસત્તાક છે ખરો ?”

ભારત – હિન્દ – આર્યવ્રત દુનિયાના નકશા પર અડીખમ ઉભેલો ધ્રુવનો તારો છે. પડ્યો, ધ્રુજ્યો, ઝાંખો થયો.છતાં, આજ સુધી ક્યારેય ઓલવાયો નથી. વહેતી નદીમાં જેમ પાણી બદલાતું રહે છે તેમ આ રાષ્ટ્ર એ સહજભાવે પરિવર્તનને સ્વીકાર્યું છે. ધોતિયાને બદલે જીન્સને અપનાવ્યું છે. આત્મતત્વને જાગૃત કરીને પરિવર્તનથી ભાગવાનું નહિ, પરંતુ ગુલામ બન્યા વગર તેની સાથે સમયાંતરે સંકળાઈ જવું એ ભારતીય સંસ્કૃતિનું દર્શન છે. સામાન્ય માનવીના હૃદયમાંથી પોકાર કરતી સતરંગી ઈચ્છાઓને પોષવી એ ભારતની ધરતીનું સૌંદર્ય છે. ભારત કોઈ નિશ્ચિત સીમા ધરાવતું રાષ્ટ્ર નથી કે જેને માત્ર સીમાડાઓના સમીકરણોમાં સજાવીને સંકલિત સ્વરૂપે વ્યાખ્યાયિત કરી શકાય. ભારતને સમજવા માટે સંવેદનની સફર ખેડવી પડે.

‘વંદે માતરમ’ અને ‘જન ગણ મન’ સિવાય અતિરિક્ત વાતોથી હમેશા આપણે અજાણ હોઈએ છીએ. એને માત્ર ગાઈને નહિ પરંતુ અનુભવવાનો સમય આપણને મળતો જ ના હોય એવું પ્રતીત થાય છે. હિંદુ, મુસ્લિમ, શીખ, પારસી ઈત્યાદી જેવા અનેક પુષ્પોનો પુષ્પગુચ્છ છે ભારત દેશ. આ મહેકતા પુષ્પોમાં હિંસા, કોમવાદ, જાતિવાદ, કટ્ટરવાદના જીવડાઓને ઉમેરીને નેસ્તનાબુદ કરવાનું કામ બીજા કોઈએ નહિ પરંતુ આપણે જ કર્યું છે. જાતીયતાનું જાહેર આપણે જ આપના સમાજને સર્વાધિકપણે પૂરું પડ્યું છે અને એમાં ‘અધૂરામાં પૂરું’ એવું કહેવાતા દેશના આપણે જ ચૂંટેલા પ્રતિ-‘અનીધી’ ઓએ કર્યું છે. “તવ શુભ નામે ગાયે, તવ શુભ આશિષ માંગે…”માં અનુકરણ જો અન્યનું કરતા હોઈએ તો આશિષ ભારતમાતા પાસેથી કેઈ રીતે માંગી શકીએ?

સ્વતંત્રતાની સાથે સ્વચ્છંદતાનો પવન પશ્ચિમ દિશાથી આવ્યો, ગમ્યો, અને અપનાવ્યો પણ ખરો. પરંતુ કહેવત પ્રમાણે ‘ગામની હવેલી જોઇને આપણી ઝુંપડી આપણે બળી દીધી’ જેવું થયું. જે ભારતના દર્શન શાસ્ત્ર પ્રમાણે ‘મૂળમાં ફેરફાર વિના નાવીન્યતાનો સ્વીકાર’ ને તો તહેસ-નહેસ કરી દીધી. પીઝા એટલા તો ભાવ્યા કે રોટલાને તિલાંજલિ મળી. અંગ્રેજીવાદની ‘એબીસીડી’ શીખવાની લ્હાયમાં કક્કો ને બારાક્ષરીની બલિ ચડાવી દેવી કેટલી યોગ્ય છે ? મૂળભૂત બક્ષિસોનું જ માત્ર જતન કરવાનો મુદ્દો અહી નથી.

“સ્વતંત્રતાના એ સતરંગી સૂર,

પાછળ રહ્યા ઘણા દુર-સુદૂર,



જરૂર હતી માતૃભુમિને કાજ તર્પણ,

કર્યું માત્ર ધર્મ-વાદનું અર્પણ,



માગ્યું માત્ર પોતીકાનું જતન,

ફૂંકાયો ત્યાં પાશ્ચાત્યનો પવન,



નહોતી જોઈતી એને કોરી સમજણ,

થયું દરેકને સ્વાર્થ કેરું સગપણ,



વિશ્વ ચાલ્યું લઇ ‘ભારત’ સંદર્ભ,

પોતે જ બન્યો અભાગી ‘આર્યવર્ત’.

બિનસાંપ્રદાયિકતાના બણગાઓ ફૂંકી-ફૂંકીને દેશમાં અરાજકતાનું વાતાવરણ ઉભું કરનાર બુદ્ધિ-બારદાનોએ તો આ ધરતીને હચમચાવી દીધી છે. સ્વાર્થની રેસમાં અન્યના સાથ-સહકાર-સંગાથ-સ્વાભિમાન-સ્વતંત્રતા-સંવેદનાઓનો ક્રુરતાપણે વિધ્વંસ કરવાવાળા આ લોકો છે. ધર્મના નામ પર ઝેરની રાજનીતિ કરતા લોકો પોતાના પેટને ઉપસવા માટે બીજાના પેટની ચરબી લઈને ખાડાઓ કરીને સ્વાર્થનું વૃક્ષારોપણ કરે છે. સર્વભૌમત્વની તો આમાં વાત જ ક્યાં કરવી? વ્યક્તિઓ પણ દિવસે ને દિવસે ગુલામ બનતા હોય ફરીથી એવું જણાઈ રહ્યું છે. સોસાયટી-મહોલ્લાના ચોરે બેસીને માત્ર મોટી-મોટી ડંફાસ મારીને અન્યને ખોટા ઠરાવવાનો સંતોષ ઘરે સાથે લઇ જઈને વ્યર્થ આશ્વાસન આપવાનો પ્રયત્ન કરતા રહેલા છે. જેમ-જેમ વર્ષો વિતતા જાય છે તેમ-તેમ આઝાદીને માટે ફના થનારા દેશના સપૂતોને લોકો ભૂલતા રહેલા છે. “દુર્લભમ ભારતે જન્મ |”ની સંકલ્પના સાકાર થતી હતી એ સમય કદાચ ક્યાં કાળના કાળખંડોમાં ખંડિત થઇ ગયો એ વિસ્મયજનક છે.

એકવીસમી સદીની ટેકનોલોજી વર્ષોની સાયકોલોજીને કાળની જેમ ભરડી ચુકી છે ત્યારે “તાળીઓનું રૂપાંતર લાઇક માં થયું છે પરંતુ જિંદગીના થ્રેટસનું રૂપાંતર થોટસમાં થયુ નહિ.” છતી સ્વતંત્રતાએ ગુલામીના આંધણની રાખ દરેક હિન્દુસ્તાનીના હૃદય અને મન પર ફરી વળી છે, એ રાખને ખંખેરવા ફરીથી એ જ “ભવ્યાતિ ઇતિ ભારત |” નો સહારો લેવો જ પડશે, આજે નહિ તો કાલે એ નરવી સચ્ચાઈ છે.

ટહુકો :- “કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો માપદંડ તે રાષ્ટ્રના યુવાનો પોતાના ફાલતું સમયમાં શું કાર્ય કરે છે તેના પર રહેલો છે.”

related posts

જસ્ટ મૂવ ઓન…!

જસ્ટ મૂવ ઓન…!

How to frame your content using ‘framing effect’?

How to frame your content using ‘framing effect’?