‘મીડિયા’ શબ્દ જ આજે એટલો છીછરો થઇ ચુક્યો છે કે ના પૂછો વાત..! મનમાં સીધો જ સ્ટ્રેઈટ ફોરવર્ડ સ્પાર્ક થાય કે, ટીવી ન્યુઝ એટલે જ મીડિયા. હા, એમાં આપણો પણ કશો વાંક નથી, કારણ કે આજે મનોરંજન એ મોસ્ટલી ટીવી ન્યુઝ ચેનલમાંથી મળી જ રહે છે, પછી ભલે એ કોઈ પણ પ્રકારનું હોય. પ્રિન્ટ મીડિયા(ન્યુઝપેપર), ઈલેક્ટ્રોનિક મીડિયા(ઈ-મીડિયા), ડીજીટલ મીડિયા, એડ મીડિયા, ન્યુઝ મીડિયા, પબ્લીશ્ડ મીડિયા, સોશિયલ મીડિયા, માસ મીડિયા, બ્રોડકાસ્ટ મીડિયા – આટલા તો અલગ પ્રકાર છે. છતાં આજે નેગેટીવ ન્યુઝથી ભરેલી જ કેમ લાગે છે દરેક ‘નેગેટીવ’ ..?બસ માત્ર રાજકારણ-ક્રિકેટ-બોલીવુડ પુરતું જ સીમિત છે? ઉત્તેજનાજનક વાણી અને ઉશ્કેરાટભર્યા વર્તન કરતા લોકોને સાથે બોલાવીને દર્શકોને બતાવીને ‘મોસ્ટ અનસોલ્વ્ડ’ ક્વેશ્ચન આટલી માથાપચ્ચી પછી પણ ‘અનસોલ્વ્ડ + અનરીઝોલ્વ’ ફરીથી રહી જઈને સાબિત શું થાય છે? ખરેખર, મીડિયા પોતાની શક્તિનો ઉપયોગ માત્ર ચુગલી કરવા અને સતત માથાના દુખાવા સમાન ‘મીડિયા ટ્રેડર્સ’ નો ઉપયોગ કરીને ‘ધનહર હિંગ’નો તડકો ઉમેરીને ઉશ્કેરાટ ફેલાવવા તરફ કરી રહ્યું છે?બંને સ્વરૂપ છે. હકારાત્મક અને નકારાત્મક.
‘મીડિયા’ એટલે સામાન્ય ખબરને અંતિમ વ્યક્તિ સુધી ‘જૈસે થે’ સ્વરૂપમાં લઇ જવાનો રસ્તો.
અભદ્ર શબ્દો-અસભ્ય વર્તન-અન્ય કોમને ઉતારી પડતા શબ્દો-ટીખળ-ચોખલીયાવેડા-એટલે મીડિયા. અઢી કિલોમીટરની લાંબી લચક ટેગ લાઈનો મુકીને દુ:ખાવા સમાન બની ગયેલી જાહેરાતો અને ક્વોલિટીને ‘સાઈડ બાય’ કરીને ક્વોન્ટીટી પર વિશેષ મહત્વ આપતી ન્યુઝ ચેનલ્સનો આજે રાફડો ફાટી નીકળ્યો છે અને ખોરાક આપના મગજને બનાવ્યો છે જે ઉધઈની માફક હેરાન કરે છે. માત્ર બળાત્કાર જ નથી થતા દેશમાં, એનાથી વધુ કરપીણ સંજોગો ઉભા થાય છે. બળાત્કાર કે મહિલા પરના હૂમલા બાદ મીડિયા અને સરકાર દોડતી થઇ જાય છે તેવી સંવેદના રોજેરોજ જુદા જુદા ક્ષેત્રોમાં નઘરોળ તંત્રની બેદરકારીને લીધે સેંકડોના મૃત્યુ થાય છે તે પછી બતાવાય તો ભારત ખરેખર વિશ્વની નજરે અમેરિકા અને યુરોપિય દેશો જેવી વિકસિત ઈમેજ ઊભી કરી શકે.
સાચો મીડિયાનો જન્મ તો ગુજરાતમાં ત્રીજી હેટ્રિક લાગ્યા પછી વધુ થયો. દિલ્હીમાં નિર્ભયા બળાત્કારની ઘટના પછી જ જે જનજુવાળ જામેલો તેણે અણ્ણા હજારેથી માંડી બાબા રામદેવના ઉન્માદને જન્મ આપેલો. કેજરીવાલનો જન્મ, કોંગ્રેસનું પતન અને ભાજપે પરિસ્થિતિનો મહત્તમ ફાયદો ઉઠાવ્યો. મેટ્રોમાં અને તેમાં પણ ટેક્સીમાં બળાત્કાર થાય એટલે કોઇ ફિલ્મનું વિલન દ્વારા ભજવાતું થ્રીલિંગ દ્રશ્ય નજર સામે તરવરે. ગામડામાં ખેતરમાં કોઇ માથાભારે નરાધમ કિશોરીનો બળાત્કાર કરે તેના કરતા ટેક્સીમાં બળાત્કારની ઘટના ટીવી ચેનલોને ટીઆરપી પણ વધુ મેળવી આપે. દંભી બૌધ્ધિકો, વિચારકો, એનજીઓ, સોશ્યલ નેટવર્કના નેટિઝન્સને પણ વિચારોનું સ્ખલન કરવું ગમે. સોશિયલ નેટવર્ક પર તો આજ કાલ ન્યુઝ ચેનલ પહેલા ચલ-ચિત્રો સાથે અપડેટ આવી જાય છે. અને, સમાચારો સાથે ‘ચેડા’ કરીને દુનિયાના ‘છેડા’ જોડવામાં આ નેટીઝન પબ્લિકને કોઈ ના પહોચી શકે.
સંપૂર્ણપણે ‘સ્વ’ નું સ્ટ્રોંગ-સામાજિક-સ્વતંત્ર સ્ટેજ = સોશિયલ સાઈટ
પોતાની ચેનલના ન્યુઝને ‘વાઈરલ’ બનાવવામાં ‘વાઈરસ’ ની જેમ મગજમાં ફેલાઈને ‘વાઈ(ખેંચ)’ ના આવે ત્યાં સુધી બોમ્બાર્ડિંગ કાર્ય કરે છે. ‘સબસે પહેલે હમારી ચેનલ પર’ બોલવામાં સાચા ન્યુઝનો બળાત્કાર થઇ જાય છે અને પોતાની જ સ્વપણે સર્વસ્વીકૃત માહિતી બનાવીને વહેચાય જાય છે, પીરસાઈ જાય છે અને ખવાઈ પણ જાય છે જે પચ્યા વિનાની અપાચ્ય રહી જાય છે. ન્યુઝ ચેનલો સ્ટીંગ ઓપરેશનો કરીને વારે ઘડીએ ચમકવાની લ્હાયમાં હિસાબો અને આંકડાઓનું ઓડિટ કરે છે તેમ પ્રત્યેક વાહન, ડ્રાઇવર, હોસ્પિટલ, તબીબો, અધિકારીઓ, સંસ્થાઓ, એનજીઓ, ટ્રસ્ટીઓ, ભોજન, જાહેર સુવિધા, કેમ્પનું નિરીક્ષણ થતું રહેવું જોઇએ. ટેક્સીમાં બળાત્કાર થાય એટલે ઉબરથી માંડી અન્ય ટેક્સી કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય હાસ્યાસ્પદ છે. એક તરફ આપણે વિદેશી કંપનીઓને ‘મેઈક ઈન ઈન્ડિયા’ માટે આમંત્રણ આપીએ છીએ. ટેકનોલોજી અને એપ્લીકેશન્સ, એન્ડ્રોઇડનો યુગ ભારતમાં ધમધમશે તેમ આધુનિકતાના કેફમાં રાચીએ છીએ. ત્યારે એપ્સ આધારિત ટેક્સી પર જ નિયંત્રણ લાવી દીધા. દોષ આપણી ભ્રષ્ટ સિસ્ટમના રખેવાળોનો છે, જેઓએ કંપનીઓને તેમની રીતે ચાલવા દીધી છે. ભારતમાં તો બધુ ચાલે. પોલીસને પાન-સિગારેટ ઓફર કરીને પણ દોસ્ત બનાવી શકાય. અધિકારીઓને ભેટ સોગાદો અને અંડર કાઉન્ટર હપ્તો મળી જવો જોઇએ.
ઓસ્ટ્રેલીયાના ફિલિપ હ્યુજીસને પૂરું ૧ અઠવાડિયું શ્રદ્ધાંજલિ અર્પણ કરી એ લાઇવ કવરેજ આપ્યું, પરંતુ કેટલાય વર્ષો પછી નોબલ પ્રાઈઝ મેળવીને દેશનું નામ રોશન કરનાર કૈલાશ સત્યાર્થીને માત્ર ૨ દિવસમાં પડીકું વાળીને અભરાઈ પર ચઢાવી દીધું. કોઈ બાયોપિક આમાં ના બની કે ન તો કોઈ એવું ઇન્ટરવ્યુ સાંભળવા મળ્યું. અને એ પણ માત્ર ટીઆરપી ને લીધે જ. આજે પણ અમુક પિત્તળની પાલી જેવી ઢોલ ધામ ચેનલો સવાર સવારમાં પેલા ‘નિર્મળ’ ને બતાવીને સમગ્ર દિવસ ‘મલિન’ કરી મુકે છે. વ્યક્તિને ‘આજનું ભવિષ્ય’ બતાવીને ડરાવવા કરતા અંદરથી ઉભો થાય એવું કોઈ લિટરેચર પૂરું પડતું નથી. પાકિસ્તાનની આર્મી સ્કુલમાં ૧૩૧ છોકરાઓને સરેઆમ કતલ કરતા દહેશતગર્દ નપુંસકો પર ગુસ્સો આવતો હોય અને બાળકો અને તેમના પરિવારથી હ્રિદય ગમગીન હોય ત્યારે, ‘સબસે પહલે સિર્ફ હમારે ચેનલ પર’ બોલીને સમગ્ર ઘટનાને સાચે જ ‘બ્રેકીંગ’ બનાવી મુકે.
ટહુકો: ‘વાઈરસ’ હોય તો જ ‘એન્ટીવાઇરસ’ કામનું, એમ જ ન્યુઝ ચેનલોને કામ કરવા કદાચ માત્ર ન્યુઝ ‘સપ્લાયર્સ’ જ નહિ પરંતુ ન્યુઝ ‘ટ્રેડર્સ’ ની પણ જરૂર હોય એમાં બે-મત ના હોઈ શકે.