શિક્ષણમાં પેસેલો સડો: કારણ શું? ‘ઇન્સ્પેકશન’ કે ‘ઇન્ટ્રોસ્પેક્શન’…?

પ્રશ્ન અતિ ગંભીર છે, ચર્ચાઓ પણ થાય છે, તર્ક-વિતર્ક પણ થાય છે, સવાલ દેશના ભવિષ્યનો છે, પરંતુ ‘કનક્લુઝન’ હમેશા પોલિટિક્સ દ્વારા રમાઈને પડતું મુકાય છે અને સવાલ ફરીથી ત્યાંથી જ શરુ થાય છે.

વિદ્યાર્થીઓને ‘કસ્ટમર’ સમજીને શિક્ષકો પોતાને સંસ્થા તરફથી જેટલું મળે છે એટલું ‘જ’ આપતા થયા. પોતાને આવડે છે એટલું તો કમ-સે-કમ શિક્ષણ વિદ્યાર્થીઓને આપવું જોઈએ એ નિ:સ્વાર્થ વૃત્તિ એ અને ‘સેલ્ફલેસ’ કર્તૃત્વએ ફટાફટ  ‘એક્ઝિટ’ લીધી. આજે શિક્ષણ જગતમાં જે યુવા વર્ગ આવ્યો છે એ કાર્ય તો વધુ શક્તિ-સમજણ અને મોડર્ન રીતે કરે છે. પરંતુ જે ભાવ-પ્રેમ-લાગણી-પોતીકાપણુ દર્શાવીને પોતાના જ દીકરાની જેમ જે ભણાવતા, કદાચ એમાં સવિશેષ રસ છે. પ્રેરણાદાયી વાર્તાઓનું ચાલક બળ આખા વર્ષ સુધી ઘઉંમાં ઊંજેલા દિવેલની માફક મીઠું લાગતું. સ્કૂલો આજે જેટલી મોડર્નાઈઝ અને સિવિલાઈઝ દર્શાવવામાં આવે છે એટલી જ એજ્યુકેશનમાં પછાત થઇ ચાલી છે.

અમુક સ્કૂલો જે ઇન્ટરનેશનલ કક્ષાની છે અને સ્પોર્ટ્સ, એક્તિવીટીઝ, એ.સી ક્લાસ આપે છે તે ‘આમ’ કક્ષાના વાલીઓ માટે નહિ પરંતુ ‘ખાસ’ કક્ષાના વાલીઓના ‘થર્ડ ક્લાસ’ છોકરાઓ માટેના મોજ-શોખ પોષવા બનાવવામાં આવી છે. ઘણા બધા વ્યક્તિઓને છોકરાઓની કાળજી રાખવા માટે પાંચ-પાંચ હઝારના મહીને બંડલ આપીને માત્ર ‘ઇન્સ્પેકશન’ માટે રાખેલા ચોકીદારોને આજે શિક્ષકો કહીને સંબોધે છે દુનિયા. શિક્ષક જાણે ‘ભરવાડ’ છે જે રોજ પારકાની ‘ગાયો’ને બીજાના ‘ખેતર’માં ચારો કઈ રીતે ‘ચરવો’ એ શીખવે છે. છીછરા જોક્સ, ફિલ્મી ઢબના અશ્લીલ ગીતો પર છોકરાઓને કલ્ચરલ નાઈટમાં નચાવીને ગૌરવ લે છે આજની કહેવાતી શૈક્ષણિક સંસ્થાઓ. બાલમંદિરમાં રમવા માટે રમકડા તો પૈસાના જોરે એક આખો ક્લાસ ભરાઈ જાય એટલા લઇ આવે છે, પરંતુ બાળકની સાથે રહીને રમવા કોઈ શિક્ષક તૈયાર નથી. વાલીઓ પાસેથી પણ શિક્ષણના નામે જે સંસ્થાઓએ પૈસા પડાવવાની દગાબાજી ચાલુ કરી છે એ તો એટલી હદે જોખમી છે જેમ પાંચ દિવસનું દુકાનમાં રાખેલું વાસી પફ. ‘મોર્ડનાઈઝ’ એજ્યુકેશનના નારામાં ‘સિવિલિયન’ ના બાળકોને બ્રાન્ડેડ ‘કોસ્ટલી’ કહીને એકદમ હલકી કક્ષાનું શિક્ષણ આપીને લુંટી લેવાનું કામ આ લોકો કરે છે અને વાલીઓ પણ પુરેપુરો સાથ આપે છે જે નરવી હકીકત છે.

જેમ ધર્મના નામે લોકોને ડરાવીને પૈસા ઉઘરાવવામાં આવે છે એ જ ચીલો આજે શિક્ષણ પરત્વે સધાઈ રહ્યો હોય એવું લાગે છે. ‘વાંચે ગુજરાત’ નામના કાર્યક્રમમાં દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓ પુસ્તક સિવાયનું બહારનું ઈત્તર વાંચન કરતા શીખે એ મૂળ હેતુ હતો. આજે લગભગ કોઈ શાળામાં આ કાર્યક્રમ અંતર્ગત પ્રવૃત્તિ થતી નહિ હોઈ એ સચ્ચાઈ છે. અને જ્યાં સરકારી શાળાઓમાં ફરજ પડે છે અને રીપોર્ટીંગ મોકલવું પડે છે ત્યાં શિક્ષકો જાતે જ ૧૦ બાળકોના ૧૦૦ કરીને જમા કરી દે છે ‘ઉપર’. એટલે દરેક સારી વાતો ઈમ્પલીમેંટ તો થાય જ છે પરંતુ છોડ વાવ્યા પછીની દેખરેખ કદાચ થતી નથી. એટલે ‘ઇન્સ્પેકશન’ જરૂરી છે. શાળામાં ચિત્ર, સંગીત, નાટક, નૃત્ય, ગીતો, વાર્તાઓ,પ્રેરક પ્રસંગો, જીવનચરિત્રોથી વાતાવરણ સતત સમૃદ્ધ બને છે. આ જ વાતનો ફાયદો ઉઠાવીને દરેક એક્ટીવીટીના નામે અલગ અલગ ફી લઈને માત્ર ફોર્માલીટી માટે વર્ષમાં એકાદ વાર આયોજન કરે છે. જેથી ‘લાઠી ભી ના તૂટે, ઔર સાપ ભી મર જાયે’ જેવી નીતિઓ સ્થાન પામે છે. એટલે જ એક વારના ‘ઈમ્પ્લીમેન્ટેશન’ પછી ‘ઇન્સ્પેકશન’ અને ‘ઇન્ટ્રોસ્પેક્શન’ બંનેની તાતી જરૂરિયાત છે.

આજના શિક્ષણ પર થોડો પ્રકાશ પાડવા માટે રવીન્દ્રનાથ ટાગોરથી વધુ વિશેષ કશું ના હોઈ શકે.
“કિશોરોના રવિન્દ્રનાથ’” માંથી,

એક પંખી હતું, હવામાં બેફીકર ઉડતું, કિલ્લોલ કરતુ, ગીત ગાતું. કાયદા કાનૂન કે નિયમોનું પાલન નહિ.
રાજા પાસે એ પંખીને લાવ્યા અને નિર્ણય થયો, “આ પંખીને શિક્ષણ આપો, જેથી એ કાયદામાં રહે.”
પંખીને શિક્ષણ આપવાનો ભાર પડ્યો એમના ભાણેજો પર.
એક પાંજરું બનાવ્યું ફક્કડ અને રાજપંડિતો એ શિક્ષણ આપવાનું શરુ કર્યું.
શિક્ષણની પદ્ધતિ એટલી મોટી હતી કે એમાં બિચારું પંખી ક્યાય જડે નહિ. પાંજરામાં નથી દાન કે નથી પાણી, બસ છે માત્ર પુસ્તકોનો ઢગલો.
પછી પંડિતો એ એક હાથમાં ‘સોટી’ અને બીજા હાથમાં ‘પોથી’ લઈને એવું તે ચલાવ્યું કે જેનું નામ શિક્ષણ.

શિક્ષણ પૂરું થયું.
રાજા એ બોલાવ્યા.કોઈ એ કહ્યું કે એ તો મરી ગયું.
ત્યાં રાજપંડિતો કહે “રાજા..! પંખીનું શિક્ષણ પૂરું થયું.”
રાજા એ પૂછ્યું, “એ ગીત ગાય છે?”
“રામ બોલો ભાઈ રામ..!”
“હવે એ ઉડે છે?”
“ના..”
દાણા ના મળે તો ચિચિયારીઓ પાડે છે ?”
“ના…”
રાજા એ પંખીને આંગળી વડે દબાવ્યું. માત્ર પેટમાં પોથીઓના સુકા પાના ખસખસ અવાજ કરવા માંડ્યા.

ટહુકો:
એ સઘળા પુષ્પોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાને પણ કહી દો સાથે દફતર લાવે,
મન ફાવે ત્યાં માછલીઓને આમ નહિ તરવાનું,
સ્વીમીંગ પુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.

related posts

મનનું ઘમાસાણ: એક કુરુક્ષેત્ર! ઍથિક્સ કે ઍક્સેપ્ટન્સ?

મનનું ઘમાસાણ: એક કુરુક્ષેત્ર! ઍથિક્સ કે ઍક્સેપ્ટન્સ?

હું મુસ્લિમ હોઉં તો મારા છોકરાં લોકલ સ્કૂલમાં જ ભણે એવું થોડું હોય?

હું મુસ્લિમ હોઉં તો મારા છોકરાં લોકલ સ્કૂલમાં જ ભણે એવું થોડું હોય?