મારા હોય કે તમારા, પણ ‘કુટુંબ’ તો આવા જ હોય…

છોકરો હવે ૨૨ એ પહોચવા માટે ગુલાંટીઓ મારે છે. હવે ઘરેથી પણ…

‘સમાજમાં રહેવું પડે.’

‘આપણે વ્યવહાર સાચવવો પડે.’

‘નોકરીએ ચડો પછી તમારી વાત બહાર પાડવી જ પડશે ને…ત્યારે આપના સંબંધો સારા હશે તો કોઈક માંગા બતાવશે.’

‘આવતા વર્ષથી તમારે જ સંભાળવાનું છે.’

‘જવાબદારીઓ સમજતા શીખવા માંડો હવે, નાના નથી કઈ.’

‘તમારી જેવડા હતા ત્યારે તો અમે લગ્ન કરીને આખું ઘર સંભાળતા થઇ ગયેલા.’

આવા ભયંકર વાક્યો કાને અથડાતા હશે. મને-તમને બધાને. એટલે હવે ફાવે કે ના-ફાવે, કોઈ પણ છૂટકે બહાનાબાજીમાં પડ્યા વગર મહેમાન બનીને મમ્મી-પપ્પાની સાથે આપણો ચહેરો બતાવવા (લગ્ન માટે ગરમ-ગરમ ઘાણવો તૈયાર ઉતરેલો છે, એવી મૌકા-મૌકાની એડ આપવા માટે) જવું જ પડે. એમાં પણ, ક્યારેક કોઈની બર્થ ડે કે એમ જ (હા, સૌરાષ્ટ્રના લોકો ‘એમ જ’ પ્રોગ્રામ કરીને જલસો મારવામાં અવ્વલ છે.) બોલાવે ત્યારે તો પબ્લિક તાકી-તાકીને જોવે જાણે એલિયન ઉતરી પડ્યું હોય. અને થોડી વારના ‘આવો-આવો’ ની ફોર્માલીટી પછી છવાયેલા થોડીવારના સન્નાટા બાદ કોઈ મોટી ઉંમરના દાદા કે અન્ય (અનસર્ટિફાઈડ મેમ્બર વધુ જ હોય જેને ઓળખતા ના હોઈએ) કોઈ હળવેકથી થોડા ઉત્સાહ સાથે પપ્પાની સામે જોઇને બોલે,

“એલા, તારો છોકરો તો બહુ મોટો થઇ ગયો ને કઈ… તારા લગન પછી કોના લગન હતા..?? હા જો, પેલા કાનજીના લગનમાં ૨-૩ વર્ષનું ટાબરિયું હતું ત્યારે જોયો ’તો. ચડ્ડીમાં જ મુતરી જતો નાનો હતો ત્યારે તો કા..? અને, અત્યારે તો જો કેવડો મોટો થઇ ગયો.”

“શું કરે બટા..?”

“બસ, દાદા ભણું છું…” (દાદાને શું ખબર પડે આપણે શું ભણીએ એમાં..?)

“શેનું ભણે છો?”

“દાદા, મિકેનીકલ એન્જીનીયરીંગ કરું છું.” (થોડા ઊંચા અવાજ સાથે, જેથી દાદા બહુ હેરાન ના કરે.)

“એન્જી..નરિંગ..હા, એમાં તો કઈ નોકરીયું નથ મળતી એવું અમારા કાનજીનો છોકરો કે’તો ’તો.”

અને… તૈયાર થઈને પરફ્યુમ છાંટીને આવેલા આ ૨૨ વર્ષના બાબા પર દાદાનો કાળો કેર વરસી પડે. મનમાં થાય આ દાદાઓ જ નોકરી ક્યાય નહિ લાગવા દે.

પછી તો આપનો ક્વોટા પૂરો. કોઈ ના બોલાવે કે ના ચલાવે. જમવાનું ના બને ત્યાં સુધી ‘મન’ – ‘મોહન’ બનીને ‘મોઢા’માં ‘મગ’ રાખીને બેસવાનું અને મોટી-મોટી (વાતો નહિ, ફાંકા…) સંભાળવાના. એમાં પણ જો આપના રત્નકલાકાર બંધુઓ ભેગા થઇ ગયા એટલે તો પૂરું જ સમજો. વાતની શરૂઆત જ અહી થી થાય.

“આજે, ..? અડધી..”

“ના કાકા ના, રવિવારે તો કારખાને બાધીને આખી લેવાની.”(અહી આખી કે અડધી રજાની વાત થાય પૂરી.)

“લાય લે ભાણિયા, માવો-બાવો પડ્યો છે તૈયાર…?” (મોઢામાં એક બાજુનો ગલોફો તો ફુલ્લી ટાઈટ હોય.)

“ના મામા, તૈયાર તો નથી..” (ભાણિયો પણ પાક્કો, જો હા પડે તો મામો ભાગ પડાવી જાય.)

“તો બનાય લે, આપણે બેય ખાઈએ.” (મામો નીકળ્યો માથાનો, બીજી ભાત.)

ભાણિયો દે મનમાં મોટી, દેશી-વિદેશી-પરદેશી જેટલી આવડતી હોય એટલી બધી.

અને પછી મેચની વાતો શરુ. એમાં પણ ખાસ અત્યારે વર્લ્ડ કપની. કારણ કે, પૈસા તો હમણાં-હમણાં કમાયા. બાકી, તો એક દિવસ પાનના ગલ્લે ૧૩૫ નો માવો ચોળતા અને લાઈનમાં ઉભા રહીને જ આ મામો-ભાણિયો અને કાકો-ભત્રીજો મેચ જોતા. ગુજરાતી હોય અને એમાય ખાસ કાઠીયાવાડી એટલે ધંધાની વાત ના થાય એવું તો સ્વપ્ને પણ ના બને. પણ હા, ભલે કોમન સેન્સમાં ‘નોટ મચ કોમન’ હોય પરંતુ પોતાની બુદ્ધિ અને કોઠા-સુજને આધારે જ આજે હીરા-ટેકસટાઇલ ઉદ્યોગને આટલી ઉંચાઈએ લઇ જવામાં સફળ રહ્યા છે. આજે, અંગુઠાછાપ પબ્લિક પણ બેલ્જીયમ-એન્ટવર્પ જઈને ફુલ્લી પ્રોફેશનલ લોકો પાસે બિઝનેસ કરાવવામાં સફળ છે.

નાનું છોકરું દોડતું-દોડતું આવે અને, ‘મમ્મી એ કીધું કે જમવાનું તૈયાર છે, બેસી જાવ.’ નું સંપેતરું લઈને આવે. અને, બધા બેસી જાય પંગથ માં.(કાઠીયાવાડીમાં પંગથ એટલે લાઈનસર બેસવું.) અને, પહેલીવાર જો હોય મારી જેવા તો ખબર ના પડે કે ચાલુ ક્યારે કરવું. એક તો આ મોટી-મોટી સાંભળીને મગજ પાક્યું હોય અને પેટ માંગતું હોય એમાં મોઢામાં કોળિયો જતા વાર તો ના જ લાગે. અને, દાદા પાછા જુવે બધાની તરફ અને બધાની થાળી પીરસાઈ જાય એટલે બોલે, ‘ચલાવો…’ અને બધા ભૂખ્યા વાઘની જેમ ત્રાટકી પડે. ત્યારે ખબર પડી કે, સૌરાષ્ટ્રની વડીલ કહે પછી જ જમવાની રીત આજે પણ અઢળક સંપત્તિ આવ્યા પછી પણ ભુલાઈ નથી. પણ તકલીફ ત્યારે આવે કે, જયારે જમવાનું પૂરું થવાની તૈયારી હોય. બધા જામી રહે ત્યાં સુધી બેસી રહેવું કે બધાની વચ્ચે ઉભા થવું..? હાથ થાળીમાં ધોવા કે ઉભા થઈને પછી ધોવા? તો, બગડેલા હાથે ગ્લાસનું પાણી પીવું કે, પહેલા ઉભા થઈ હાથ ધોઈને પછી પાણી પીવું…? આ, અસમંજસ માં એક વસ્તુ યાદ રાખેલી. બધાની સામે થોડી-થોડી વારે જોયા કરવાનું અને એ કરે એમ કરતુ જવાનું.

હવે જમીને ઘરના સભ્યો બધા બેઠા હોય અને બાકીના મહેમાનો જતા રહે અને સુખદુ:ખની વાતો કરે. એમાં ઘરડા બા જીર્ણ અવાજે બોલે, “આવું જમવાનું કરતા રહેજો દીકરાઓ..! મને જયારે આખું કુટુંબ ભેગું થાય ને ….ત્યારે બહુ ગમે.” આ નાનું વાક્ય સાંભળીને હું એમના જીર્ણ થયેલી આંખો, કરચલી પડેલી ચામડી અને આંખમાં ખૂણાની કીકીમાં એક બાજુએ લાઈટના પ્રકાશમાં કોઈને દેખાય નહિ એવું અશ્રુની ચમક અને થરથરતા હોઠની પાછળ તેમનું મન સમગ્ર કુટુંબના સુખની મૌન પ્રાર્થના ભગવાન પાસે કરી રહ્યા હોય એવું લાગ્યું. એમની આંખોમાં કુટુંબના દરેક સભ્યોના સુખની જીજીવિષા હતી. પુત્રો-પૌત્રો-દીકરાઓ-વહુઓ એમની નાની શી આંખોમાં સ્પષ્ટ સ્વરૂપે કિલ્લોલ કરતા હોય એવું ચિત્ર રચાતું હતું. એમના ચહેરા પર એક સુકુનભર્યા શ્વાસની સુગંધ હતી. મોતિયો ઉતરાવેલ આંખો કુટુંબના ભવિષ્યની દીર્ઘદ્રષ્ટિનો ચિતાર આપતી હતી. હાડ-માંસનું નિર્જીવ ચામડું બની ગયેલા પગની ભીનાશ તેમના દરેક પુત્રોને હૃદયના આશિષથી અનુભવાતી હતી. એમનો હાથ દરેકના માથા પર આશીર્વાદ આપવા માટે ઉઠવા માંગતો હતો. આજે એમને કોઈ પ્રકારનો રંજ નહોતો, પરંતુ દીકરાઓનો પ્રેમ જોઇને શાંતિની ચાદર ઓઢીને વૈકુંઠધામમાં જવાની ઉતાવળ હતી.

ટહુકો:- ચાર દીવાલ વચ્ચે ભાવ-પ્રેમ-લાગણીના સેતુથી રચાયેલા અતૂટ સંબંધોનો કલકલ કરતો અવિરત પ્રવાહ એટલે ‘કુટુંબ’. 

related posts

Express

Express

હું કૃષ્ણ ! મારું જીવન – એક ‘મહારાસ’

હું કૃષ્ણ ! મારું જીવન – એક ‘મહારાસ’