‘બાળક’નું ‘બ્રહ્માસ્ત્ર’ : ‘ભેંકડો’

સામાન્ય રીતે ૩ વર્ષથી નાના બાળકોને સરકાર તો ભણવા પર પ્રતિબંધ મુકે જ, પણ આખી દુનિયા પ્રતિબંધ મુકે. નિષેધ…..નિષેધ…..નિષેધ. ના સમજ્યા ? સમજવું ભાઈ… પણ શરત એટલી જ કે બાળક બનીને સમજવું હોય તો જ હું સમજાવું. દુનિયાની વાતોનો આ આપનો ગોલુ મનમાં કેવા જવાબો આપતો હશે ? લેટ્સ હેવ અ લૂક.

પ્રસંગ:- મમ્મી-ડેડી સાથે ગોલુ બેસવા ઉપાડ્યો છે (મહેમાન બનીને).

Desktop1

બાળક: “અરે વાહ, ૭ માં દિવસે આજે મને ઘરની બહાર લઇ જાય છે મને આજે ડેડી. બાકી તો મમ્મીનું મોઢું ને ખોળો ખૂંદીને થાકી ગયો. મજા આવશે, નવા રમકડા અને સારું(ગળ્યું) ખાવાનું આપશે.

ગાડી પર પેટ્રોલની ટાંકી પર બેઠો છે ગોલુ. દુનિયાને જોતો-જોતો અને પોતાની દુનિયા બનાવતો મહેમાનના ઘરે પહોચ્યો.

મમ્મી-ડેડી ચપ્પલ ઉતારે છે પણ લાટ સાહેબને ચપ્પલ પહેરેલા હોય એ ચાલે…એનું કારણ..? મમ્મી શુઝ કાઢવા જાય ને તરત બાપુ અવાજ કરે. અને માસી બોલે, “ભલેને પહેર્યા એણે…એનાથી કશું નથી બગડવાનું ઘરમાં.” આવું કહીને મહેમાન-નવાજી થાય. એમાય, ઘરમાં દાદર ચડવાનો હોય અને મમ્મીની કાંખમાં બેઠેલ ગોલુનું માથું ક્યાંક વળી ભટકાય અને જતા વેંત જ રાડા-રાડી.

“અલે..લે..માલા દિક્લું ને કઈ નથી થયું… કીડી મરી ગઈ જો.”

ગોલુ:- “હે ભગવાન.. આટલુ વાગ્યું અને હજી આને શાંતિ નથી. મોઢું દબાવી દીધું આખું. અરે શ્વાસ તો લેવા દે મારી માં. અને યાર, જરા ચોખ્ખું બોલતા શીખો. આવું કાલુ-કાલુ મને જરાયે પસંદ નથી.”

“કઈ નથી થયું માલા દિક્લું ને…ભમ થૈઈ ગયો દિક્લું…. હાત્તી કલી દો… હાત્તી…”

ગોલુ:- “અરે એમ શાની હાત્તી…લે વળી.. સાલું આટલું વાગ્યું ને હાત્તી કર્યે મટી જવાનું છે ? પોઝિટીવ થિન્કિંગની પણ છેવટે હદ હોય મમ્મી. (હુહહ…)

“ચાલો બેટા..જો માસી બોલાવે…” અને માસી સીધા જ મમ્મીના ખોળામાંથી હવામાં જ બંને હાથ પકડીને ટ્રાન્સફર કરે. “ઉલુલું…કેમ છે માલો દિકલો..?” અને મમ્મી સામે જોઇને… “બહુ, મોટો થઇ ગયો ને… હમણાં ‘સારો’ થઇ ગયો.”

ગોલુ:- “તો નીચે મુક મારી માસી. મને ય નથી ગમતું, આખા ગામની પાસે જઈ-જઈને એન્ટરટેઈનમેન્ટ ફ્રી માં કરવાનું. મુક નીચે. હજુ નથી છોડતી. જો તો..અરે, હવામાં નહિ ઉછાળ. તું કેચ નહિ કરી શકે તો માથું મારું રંગાઈ જશે. અરે કહું છું, મુક નીચે ભાઈશા’બ.”

અને ત્યાં તો, માસીનો વાર, એના છોકરા …બધા ટોળું વળી જાય. આવો…આવો…બહુ દિવસે આવ્યા. ગોલુ તો જો… એકદમ એના પપ્પા પર ગયો છે.

એમાં પણ જો ટીવી શરુ હોય અને હનીસિંઘનું ગીત આવતું હોય…તો બધા જ..!

“અલે..વાહ…મસ્ત ડિસ્કો આવડે છે ને..!” જાણે, ગોલુ મહારાજ ‘એમેઝોન’ હોય અને બાકીની પબ્લિક ‘ઔર દિખાઓ..’ ની બુમો પડતી હોય. ત્યાં તરત મમ્મી ટપકી પડે.. “અરે, બહુ મસ્ત ડિસ્કો કરે. હમણાં જ સ્કુલની સ્પર્ધામાં ભાગ લીધો હતો.”

ગોલુ:- “ અરે મમ્મી, શું તું પણ…! આ તો મારા હની અંકલનું ગીત વાગે એટલે એમ જ મારાથી કમર આમ-તેમ હલી જ જાય અને પગ આજુ-બાજુ દોડે જ. એક તો પણ ઘરે ઠુંસી-ઠુંસીને જમાડ્યું છે અને સાંજે મારે કસરત કરવાની ? એક તો બેસવાનું મન થાય છે નિરાંતે, પણ આ બધા તેડી-તેડીને હેરાન કર્યા કરે છે.”

અને એમાં, પપ્પાઓ અને મમ્મીઓ એમની વાતોએ ચડે. એક ગ્રુપ ધંધો-બિઝનેસ-માર્કેટ-તેજી-મંદી અને બીજું ગ્રુપ સાડી-ડ્રેસ-કટલેરી-જ્વેલરી લઈને બેઠું હોય. અને, આવી મોટી-મોટી વાતો બાઉન્સ જાય આપણા ગોલુ મહારાજને. જેવું, ખબર પડે કે ધ્યાન બધાનું હટ્યું છે એમની બાજુ થી, એટલે તરત જ પોતે પણ આ રૂમમાં છે એવું બતાવવા … એક છમકલું કરે. ધીરેથી એક વાર ઉહું…ઉહું… કરે.

પણ, હવે કોઈ ધ્યાન આપે..? અને, જોરદાર વરસાદની જેમ જ અચાનક એ..એએ…એ.એ.એ…કરીને રડવાનું ચાલુ. અને, બધા દોડે. અને જાણે પોતે વિજય મેળવ્યો હોય એમ બાપુ ખુશમ ખુશ.

“અલે..લે.. ચોકલેટ ખાવી છે દીકું ને..? લે હમણાં લઇ આપું હો ને..!”

ગોલુ:- “ઓ માસી..! ખાલી ચોકલેટ…? બહુ ચીકણી છો તું તો કંજૂસ. આટલું રડવાના સિરીયલોમાં હિરોઈન કેટલા રૂપિયા લે..અને તમે ચોકલેટમાં જ પતાવો છો ?આવું ના ચાલે. ડેરીમિલ્કથી ઓછું આપણે ના જ ચાલે.”

અને .. ભેંકડો તાણે… પણ મમ્મી વિલન બને. “હજુ માંડ સાજો થયો છે. ઠંડુ-ગળ્યું કાઈ નહિ આપતા, રહેવા જ દો. “

ગોલુ:- (કાતર મારીને, ગુસ્સાથી) “આને એક બહુ… માંડ કૈક ખાવાનું મળતું હોય સારું અને દર વખતે આડી ફાટે. માસી બિચારા આટલા પ્રેમથી ખવડાવતા હોય તો ખાવા દેતી હોય તો..! પોતે હમણાં આઈસક્રીમ કે શરબત પી જશે અને મારી માટે અલગ ગ્લાસની પણ ના પાડશે. ભુખ્ખડ.”

“જો ચુપ થઇ જા…હવે રડીશ તો બાવો લઇ જશે.”

ગોલુ:- “અરે, મમ્મી ..સીરીયલ મુકીને ન્યુઝપેપર વાંચ ક્યારેક. બાવાઓને રોજ પોલીસ ઉઠાવીને લઇ જાય છે. કૈક, ડર લાગે એવું એકઝામ્પલ આપ.”

“બસ હવે.. બહુ થયું હો. જો બંધ થઇ જાય, પછી તને રસ્તામાંથી ઢીંગલી લઇ દઈશ.”

ગોલુ:- “ઓ મમ્મી… ઓફર કઈક સારી લાવ. અલગ-અલગ ઢીંગલીઓ લાઈવ જોઈ શકું એવી ફેસબુક-ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવવાની ઓફર લાવ, તો કૈક ડીલ કરવાની મજા આવે.”

ગોલુંના બહુ હેરાન કાર્ય પછી, જતી વખતે… “બા-બા કલો માચીને… ટાટા કરો..દિકું..કરો..ટાટા..”

ગોલુ:- (એંગ્રી યંગમેન) “હાથ મુક ને મારો..મમ્મી…! ટાટા-બાટા કઈ નથી કહેવું મારે. ચોકલેટ પણ ના મળી અને હેરાન થઇ ગયો, વાગ્યું માથામાં ઉપરથી…એ વધારાનું. અને, પરાણે ટાટા નહિ કરાવ મારી પાસે.”

આ છે બાળકની જાહોજલાલી. મહારાજા સ્ટાઈલ જિંદગી. કોઈનું સાંભળવાનું નહિ.. જે ધારીએ એ થાય. બીજાને એટ્રેકટ કરવાનો પાવર બાળકમાં જેતો હોય એટલો કોઈનામાં નથી. પોતાના ચાર્મથી કોઈ પણ વ્યક્તિને હસાવી શકે. આ જિંદગી ભોગવવા દો. ઉડવા દો, વિહરવા દો, શીખવા દો, રમવા દો, મ્હાલવા દો, એની પાંખોને વિશ્વ બતાવો. એ જાતે જ જિંદગીની ઉડાન ભરશે. જેટલું વિશ્વ મોટું દેખાશે એટલે દુર સુધી તે જશે અને ભવિષ્યમાં તે જ ઊંચાઈ સુધી જવાના સપનાઓને જોઇને તેને આકાર આપશે. વિચારશક્તિ એટલી જાગ્રત બનવા દઈએ કે જેથી ‘વિચારોના વૃંદાવન’માં વિહરવાનો દ્રષ્ટિકોણ મળે.

કારણ કે, ભવિષ્યમાં ક્યારેય બાળક નથી બનાતું.

ટહુકો:- વાંચીને ભલે હસ્યો તું, “પણ, તું નાનો હતો ત્યારે આવું જ કરતો હતો.” બેક ટુ યોર ચાઈલ્ડહુડ.

related posts

દોસ્તી : એક ઝરુખો, સમયનો…!

દોસ્તી : એક ઝરુખો, સમયનો…!

‘કપડાં’ ધોવાની પણ મજા છે…! ;-)

‘કપડાં’ ધોવાની પણ મજા છે…! ;-)