પૃથ્વી અને ધરતી વચ્ચે એક પુસ્તક પડેલું છે. વિચાર્યું કે, આ પુસ્તકમાં અનેક કહાનીઓ હશે. તે દરેક કહાનીઓના અનેક પાત્રો હશે. પરંતુ, તે પુસ્તકમાં ઘણી બધી વાર્તાઓ વચ્ચે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટેનો માત્ર સંઘર્ષ જ જણાયો. પુસ્તક વાંચતા અમુક વર્ષો થયા. તેમાંથી જેવું વાંચવા મળ્યું તે મારા જીવનનો અરીસો બની રહ્યું. મને ઘણા પાત્રો મળ્યા. અમુક રાજા તો અમુક દરવાન. દરેકને પોતપોતાનું જંગલ બચાવવું હતું. તેના માટે જે-તે વ્યક્તિ સ્વાર્થના થૂંકને વળગીને પોતાનું મહત્વની અન્યને સાબિતી આપવા ખેલ ખેલી રહ્યા હતા. આ પુસ્તકમાં શબ્દો ઘડિયાળની દિશામાં ચાલતા હતા અને તેના અર્થ ઉલટી દિશામાં ! દરેક આધુનિક હોવાની પરંપરાનો દાવો કરીને અસત્યની આભાસી દીવાલ પોતાના મનની આગળ ચણી રહ્યા હતા. તેમાં ક્યારેક શબ્દ, કોઈ તસ્વીર, કોઈ રંગ તો કદી ગીત તેમાં સાક્ષી બનતું હતું. પોતે એ વૈભવ પામી ન શકવાને લીધે આધુનિકતાથી કંટાળ્યા હોવાનો નર્યો પ્રયાસ થતો રહે છે. હંમેશા ઇચ્છાઓમાં કશુંક ખૂટતું દેખાય છે. કલાકાર બળવાખોર બનવાની કોશિશ કરે છે, જેનાથી તેની કૃતિ ચમત્કારિક લાગે. સત્ય એ છે કે, વ્યક્તિ માત્ર એ સમય પૂરતો જ કદાચ શબ્દોના પાંજરામાં પૂરાય છે.
વર્ષો સુધી માનસપટ પર છબી કંડારી જાય તેવી મોઝાર્ટ અને બિથોવનની સિમ્ફોનીને લાયક શબ્દો મળતા નથી. ચીલો ચાતર્યો હોય ત્યાં જ ચાલવું અને ત્રાંસા રસ્તે જઈએ તો એ અસ્વીકાર્ય – આ ઓળખ બની ગઈ છે. આ ગોળ ધરતી પર અનેક બિંદુઓ વિખરાયેલા પડ્યા છે. અંત અને શરૂઆતની જેમ ! આ બિંદુઓનો પણ લોકો તુલનાત્મક અભ્યાસ કરીને નામ કરવા ઈચ્છે છે. જેનો ખ્યાલ આવા અનેક બિંદુઓને જ છે, જેના પર પ્રયાસો થઇ રહ્યા છે – મોભો મેળવવાના ! ફર્ઝી ભાષણોને સાંભળવા અને માત્ર તાળીઓ વગાડવી, આ પુસ્તકમાં રહેલ દરેક પાત્રને ગમે છે. આ પાત્રો આવા ભાષણોને અલંકારિક ભાષ્યો બનાવી શંકરાચાર્ય બનવાનો દાવો કરે છે ! પોતે ખૂબ જ વિદ્યમાન છે તેની ઓળખ ઉભી કરવામાં દરેકને મજા આવે છે. આ જ પાત્ર પોતે કેટલો મૂર્ખ છે તેની સાબિતી રોજ રાત્રે સૂતા પહેલા આપે છે. આ પાત્રો એકબીજાને અમુક ક્ષણ પહેલા નહોતા જાણતા, પરંતુ થોડા સમયમાં જ અમુક-તમુક ચર્ચાને અંતે પોતાના ઉભા કરેલા મુખોટા સમાન સોશિયલ મિડિયામાં ‘બ્લોક-બ્લોક’ની રમતો રમે છે. શોર્ટ-ટેમ્પર નામની બિમારી એ પોતાનું માથું ખોલ્યું છે. મજા કરવાના પ્લેટફોર્મ પર એકબીજાને સજા આપીને ખુશ થાય છે. તે સમય દરમિયાન મગજના ન્યુટ્રોન કેટલા અપશબ્દો બોલ્યા અને અકારણ કેટલા ઇલેક્ટ્રિક ચાર્જ થયા તે વાત આ સજા આપ્યાની ખુશીમાં સમેટાઈ જાય છે.
આ પાત્રોનો સમાજ એવો છે કે જે બધું સમેટાયા બાદ ચૂપચાપ ચાલ્યો જાય છે. શાબ્દિક હિંસાનો સહારો લઈને મૂર્ખ બનાવે છે. પુસ્તકના પન્નાઓ ફરતા રહે છે, જેમ કે સરકાર ! તેમાંના અમુક શબ્દોને કાગળ પર ઉતારનાર કલમીઓ હોય છે. જેઓ સતત ચિંતામાં રહેતા હોવા છતાં તેમાંથી બહાર નીકળવા માટેના તુલનાત્મક આભાસી અભ્યાસો મૂકતા રહે છે. જાણે તરજુમો મૂક્યાની તેને અનુભૂતિ ન હોય ! દર્શક બનેલ પાત્રોની આવી જ સમસ્યાઓ હોય છે. પોતાની સમસ્યાને બીજો પણ અનુભવે છે, તે જાણીને મનોમન આ દર્શકો ખુશ થતા રહે છે. એ સમયે ફર્ક માત્ર તે જ હોય છે કે, પાત્રોની તેમના જેટલી બુદ્ધિ કેળવાઈ નથી હોતી. તેમની પાસે દલીલો સારી હોય છે. જે ખોટી હોવાનો અંદાજ હોવા છતાં કંટાળીને એ ચર્ચા ટૂંકવવી પડે છે. અંતે, નિષ્કર્ષના નામ પર માત્ર બે મનમાં અધૂરા રહી ગયેલ પ્રશ્નો જ હોય છે. આ સામાજિક પાત્રો માટે બનાવેલી – કોઈ સંસ્થાઓ કામ નથી કરી રહી, કોઈ તેમનું સાંભળી નથી રહ્યું – આવી બાબતો પર માનસિક તણાવ અનુભવીને રાત્રે અધકચરી ઊંઘ લે છે. તેઓ ક્યારેક તેમના જંગલના વડાને શોધે છે તો ક્યારેક સમાજસેવી વ્યક્તિને ! કદી કોઈ પત્રકાર તો કદી સદનમાં શાંતિ ! આ દરેક સામાન્ય પાત્રોની ઝંખનાઓ છે.
દરેક સંસ્કરણ આશાઓનો ભાર વધારે છે. દરેક સામાજિક પ્રચાર માધ્યમો માનસિક તાણ આપી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કઈ ન કરી શકવાનો હિસાબ ખાતામાં ચડતો જાય છે. રોજ કોઈ પાત્ર આવી જ નાકામી હેઠળ કઈ રીતે જીવે? આ અહેસાસને કઈ રીતે સહન કરવો? તેઓ કેટલા સારી રીતે જીવે છે, આ વિચાર માત્ર પોતાની શાંતિ હણી લેવા પૂરતી છે.
કદાચ, આ જ પુસ્તકના કવર પેજની વચ્ચે આપણે જ ક્યાંક પાત્ર બનીને ઉભા હોઈએ ! ઉભા જ હોઈએ ! પડદાની પાછળ અને બંધ બારીની વચ્ચેનું જીવન ! ગૂંગળામણ, અંધકાર અને પ્રકાશનો નિશ્ચેષ્ટ આભાસ.