‘નારી તું નારાયણી’ કે નારી તું ‘નર-આયની’…?

ભારતીય સંસ્કૃતિમાં ઈતિહાસ ખોલીને જોઈશું તો સચોટ અંદાજ આવશે કે, આ ભારતને આટ-આટલા નરવીરોના રક્તનું સિંચન કરનારી અને પુણ્યભૂમિ બનાવનારી કોઈ શક્તિ હોય તો તે નારી શક્તિ છે. દસ-દસ અવતારોથી જે ધરતીને સુસજ્જ બનાવી હોય અને સર્વોચ્ચ શિખર ‘જગદગુરુ’નું સ્થાન અપાવ્યું હોય એ ધરાની માતાઓ કેટલી સશક્ત હશે..! કહેવત છે ને કે, “દરેક સફળ પુરુષની પાછળ એક સન્નારીનો હાથ હોય છે.” પોતાનો ચહેરો પોતાના પુત્ર,પતિ કે પિતાની સફળતાની પાછળ છુપાઈને યશ હમેશા બીજાને અર્પણ કરે છે, તેથી આ દેશની નારી ધન્ય છે. કદાચ ભારત જ એક એવો દેશ છે જેમાં નારીનું પૂજન થતું હશે. વર્ષોથી આ ધરતીને પોતાના આંચલથી નવપલ્લવિત કરતી દેશની નારીઓને આ બચુડિયાના શત:શત વંદન.

ઉંમરના આ પડાવે સ્ત્રી-શક્તિને નારાયણી-શક્તિ તરીકે કદાચ હું ન્યાય તો પુરતો નહિ આપી શકું પરંતુ અનુભવી જરૂર શકું છું. પુરુષ એ માત્ર પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે જ સૃષ્ટિમાં આવે છે. દરેક પુરુષ માત્ર સૌંદર્યના દ્રષ્ટિકોણથી કોઈ સ્ત્રીને પામવા ઈચ્છે છે.

શું સૌંદર્ય એટલે માત્ર શારીરિક સુંદરતા જ છે?

માત્ર હાડ-માંસના ટુકડાઓથી જ સૌંદર્યની પ્રાપ્તિ થઇ શકે?

સૌંદર્ય એટલે કુદરતે રચેલી રચનાને કોઈ તુચ્છ મનુષ્ય નિર્ણાયક બનીને નિર્ણય આપે અને ઈશ-રચનાને પગની એડી જેટલી બુદ્ધિના ક્ષુલ્લક ત્રાજવાઓમાં તોળવી એ જ છે?

કોઈ મગજનો ‘મેટ’ અને બુદ્ધિનો ‘બુઠ્ઠો’ સ્ત્રીને જોતા જ જે દ્વારથી તેને પામવાનો પ્રયત્ન કરે તે એટલે સૌંદર્ય?

દરેક સ્ત્રીને જોઇને તે પોતાના માટે અવેઈલેબલ છે કે નહિ તેનો ઉભા-ઉભા જ નિર્ણય કરીને કોઈ વોલપેપરની જેમ તેને ડાઉનલોડ કરવું કે..એ વિચાર કરે એ એટલે સૌંદર્ય?

સીટીઓ અને અભદ્ર શબ્દોમાં જેનું નિરૂપણ થાય તે એટલે સૌંદર્ય?

 

શરીરના સૌંદર્યથી પણ બીજું સૌંદર્ય છે એવું જયારે મનમાં વિચાર સુદ્ધાં આવે ત્યારે દરેક બીજા સૌંદર્યના બારી-બારણાઓ ખુલે અને સાત પડદાની પાછળ છુપાઈને રહેલા મનના પ્રજ્ઞાચક્ષુઓ વાસ્તવિકતા તરફ કદમ આગળ ધપાવે. વિચારોની સુંદરતા જયારે આવે ત્યારે જ વિચારોના વૃંદાવનમાં બૌધ્દ્ધિક સૌંદર્ય સ્થાપિત થઇ શકે. આજે, કોઈ પણ સ્ત્રી તરફ નજર કરીએ ત્યારે મનમાં પોતાના માટે જ હોય અને ‘ઇઝીલી અવેઈલેબલ’ હોય તે જ વિચાર લઈને ચાલતો હવસખોર જ આપણા ભારતમાં આપણી જ વહુ-બેટીઓને ‘નિર્ભયા’ બનવા મજબુર કરે છે. શું ‘નિર્ભયા’ આટલું સારું નામ રાખીને સાબિત શું કરવું છે, હજુ એ સમજાતું નથી.

આજે ભારતે એક અભ્યાસપૂર્ણ અને સ્વતંત્ર મિજાજ ગુમાવી દીધો છે, જેની આજના આપણી જેવા વોટ્સએપ જનરેશનને તાતી જરૂર છે. હા, સોશિયલ મીડિયા પર સારા દેખાવાનો ડોળ ચંડાળ જેવા બીબાઢાળ મુર્ખ તપેલીછાપ લોકો કરતા રહે છે. જયારે વાસ્તવિકતા તેનાથી અદ્દલ-તદ્દન વિરુદ્ધ જ હોય છે.

“બેટા, જરા મારા માટે પાણીનો ગ્લાસ લઇ આવ ને…!” મશીન પર બેઠેલી અને પોતાના દીકરાનો ભારણ-પોષણનો ખર્ચ આ સીવવાના મશીનમાંથી જ કાઢતી માં એ એના દીકરાને કહ્યું.

“મમ્મી, જરા જાતે લઇ લે ને,..હું જરા બિઝી છું.” એમ કહીને દીકરો ‘હેપ્પી વુમન્સ ડે’ નું વોટ્સએપમાં સ્ટેટસ ચેન્જ કરવામાં લાગી ગયો.

જ્યાં સુધી, આ વિચારો બંધ પોટલીમાં સડયા કરશે ત્યાં સુધી આ દેશની કોઈ માં, દીકરી કે વહુ સુખી નહિ રહી શકે. શું આખા ઘરની જવાબદારી માં કે વહુ જ સંભાળે? કોઈ પુરુષ સ્ત્રીનું કામ કરે તો તેમાં શરમ અનુભવવાની? અને જો અનુભવાય તો પોતાની માતાના જે દ્વારથી તું બહાર આવ્યો ને દોસ્ત, ત્યારે તને શરમ આવી જોઈતી હતી. અને પાછા આ જ લોકો, ‘ઇન્ડિયાઝ ડોટર’ની ‘નિર્ભયા’ની ડોક્યુમેન્ટરી બેન કરીને ખુશ થાય છે. દિવાલ વગરના ઓરડાને તાળું મારવા માટે ઉતાવળા રહેતા લોકો ફુલણશી ઘેટા કરતા પણ જાય એવા છે. ‘જગદગુરુ’ બનવાની ફાંકાઠોક આખી દુનિયામાં કરવી છે અને એ જ દાખલો જયારે દુનિયા સમક્ષ પ્રસ્તુત થાય છે ત્યારે આપણાથી શેકેલો પાપડ પણ શેકાતો નથી. ચાલો, સરકારને શરમ આવે છે પોતાના દેશમાં આવું અપકૃત્યને દુનિયા સમક્ષ લાવવા, તો જયારે આખી દુનિયા એ ડોક્યુમેન્ટરી જોઈ અને પછી બેન મુકાવીને ખુશ થયા, તેમાં તો ઈજ્જતની રેવડી થઇ ગઈ. અધૂરામાં પૂરું, તેમ દુનિયાએ જીભડો અને અંગુઠો બંને બતાવી દીધા. હા, એ બહાને સમજવા અને જોવા જેવી ફિલ્મ લોકોના જીભના તાળવે રમતી થઇ અને લોકો એ જોઈ. બાકી કોઈ એમ પણ જોવાનું નહોતું એ નક્કી જ હતું.

આટ-આટલી માથાપચ્ચી પછી પણ પુરુષપ્રધાન દેશમાં સ્ત્રીના વાણીવિલાસની તો ઐસી કિ તૈસી થતી જ રહેશે. જ્યાં સુધી સ્ત્રીને જોતા જ પુરુષના મનમાં તેનું સાર્થક સમર્પણ અને સાર્થક સૌંદર્ય નહિ દેખાય ત્યાં સુધી આ દરેક વિકારો અને કૃત્યો પોતાનું સ્થાન ચોરે ને ચૌટે થતા જ રહેશે. પુરુષો ‘વાસના’ને જોડે લઈને સૃષ્ટિને જોતા રહેશે ત્યાં સુધી સ્ત્રીઓ પોતાનું ‘સ્ટેન્ડ’ લેતા જરૂર અચકાશે. જેમ નવી ટેકનોલોજી અને બદલાતા જમાના સાથે મન-બુદ્ધિ-વિચારોનો પણ વિકાસ થવો જોઈએ તે હજુયે સત્તરમી સદીના ‘બાબા આદમ’ના જમાના જેવી માનસિકતાના ગુલામ બનીને બેઠા છીએ. સ્ત્રીએ આમ ના કરવું જોઈએ અને તેમ ના કરવું જોઈએ તેવા ફરમાનો જાહેર કરનારી જનતા જરાય ‘આમ’ નથી, એવાની તો બુદ્ધિ પર રૂઝાય નહિ એવા ‘ડામ’ દીધેલા છે. આજના નેતુંડાઓ પણ ઢગલાના ‘ઢ’ જ છે, અને પ્રજા સંસ્કૃતિ અને ધાર્મિકતાના ના દંભમાં જીવવા ટેવાયેલી છે. નારી એ ‘નર’ની પાછળ છુપાઈને માત્ર દુનિયાદારી ખાતર શરમાઈને જીવવા માટેનું સાધન નથી, કે તેના આયામમાં રહેનારું કોઈ જીવ નથી. નારીને પણ આ પુરુષપ્રધાન સમાજમાં ઊંચું માથું કરીને પોતાની વ્યક્તિ સ્વતંત્રતા ખીલવવાનો પુરેપુરો હક છે. જે નારી પુરુષને નવ-નવ મહિના પોતાના શરીરના અંગ તરીકે સાચવવું, જન્મ આપવો, સ્તનપાન કરાવવું, લાલન-પાલન કરવું, રક્ષણ કરવું…એ દરેક કરી શકે તેવી શક્તિ હોય, એ જ સ્ત્રીને આ પુરુષ મોટો થઈને તેની જીંદગીમાં આવતી દરેક સ્ત્રી કરતા માત્ર ઈચ્છા પૂરી કરવાનું સાધન, હવસ સંતોષવાનું વસ્તુ કે કામ કરવાવાળી ‘બાઈ’ સુધી જ બુદ્ધિ કેમ સીમિત થઇ જાય છે?

 

ટહુકો:- દરેક દીકરી કે વહુને ‘નિર્ભય’ બનવું છે, ‘નિર્ભયા’ નહિ. દરેક દીકરીને દેશની મુક્ત ‘પાંખ’ બનવું છે, પુરુષની ‘કાંખ’માં સમાઈને નથી બેસવું. દરેક દીકરીને ‘આરક્ષણ’ નહિ, ‘રક્ષણ’ જોઈએ છે. તેને ‘સલાહ’ નહિ પરંતુ દેશના પુરુષોની ‘વાહ-વાહ’ જોઈએ છે. તેને ‘મોવડી’ બનવાના કોઈ અભરખા નથી, તેને તો ‘સમોવડી’ બનવું છે. પુરુષ તેની ‘સાથળ’માં નહિ, પરંતુ તેની આંખના ‘કાજળ’માં ખોવાઈને ચિક્કાર પ્રેમ કરે એવું ઈચ્છે છે. તેને ‘ક્વોલિટી’ નહિ પરંતુ ‘ઇક્વાલીટી’ ની આશ છે. પુરુષ તેના ‘શરીર’ ને જોઇને નહિ, પરંતુ તેના ‘ગુરુર’ને જોઇને સીટીઓ મારે તેવું ઈચ્છે છે. તેને ‘અપમાન’ નહિ, પણ ‘સન્માન’ ની અભિલાષ છે. ‘સ્વચ્છંદતા’ના નામ પર ચર્ચા નહિ, પરંતુ ‘સ્વતંત્રતા’ની દોર જોઈએ છે. ‘આપખુદ’ પુરુષોની તાનાશાહી નહિ, પરંતુ ‘ખુદ’ને સશક્ત બનાવવા માટેનો સાથ જોઈએ છે. ‘સ્માર્ટ’ બનીને ‘ડાર્ટ’ નહિ, પરંતુ ‘આર્ટ’ થાકી ‘હાર્ટ’ સુધી જવું છે. તેની બુદ્ધિ ‘ઘૂંટણ’માં નહિ પણ શરીરના ‘કણ-કણ’માં વ્યાપક છે. માત્ર ‘વિકલ્પ’ નહિ, પરંતુ ‘પ્રકલ્પ’ અને ‘સંકલ્પ’ લઈને દુનિયા ભણી દોટ માંડવી છે. 

related posts

દાદાનો દોસ્ત : પૌત્રનો મિત્ર : ‘યાર’ની યારી

દાદાનો દોસ્ત : પૌત્રનો મિત્ર : ‘યાર’ની યારી

માતૃદેવો ભવ: ||

માતૃદેવો ભવ: ||