સાંજ નમતી જાય અને રાત્રિમાં પરિણમતી જાય. ગામડાઓમાં તારાઓ વહેલા હાજર થઇ જાય છે, ફળિયેથી સીધા જ દર્શન આપે. છોકરાઓ ટીલડીઓ ફોડીને અને ગેરકાયદેસર એકાદ-બે સૂતળી બોમ્બ ફોડીને પાછા ઘરે આવે. આ ત્રણ પેઢીઓમાં વચ્ચેની પેઢી બહુ ફાંકા-ફોજદારી કરે. દાદાની ઉંમર હવે એ બધું કરવામાંથી ગુજરી ગઈ અને ઉગી રહેલી પેઢી શારીરિક નબળી છે. આ પેઢી એવી હતી કે જેણે પોતાનું ભણતર ગામડે પસાર કર્યું અને કામ કરવા માટે શહેરો તરફ વળ્યા. આ બંને જગ્યાનો તેમને એકસરખો અનુભવ છે. તેમની પાસે પૈસા પણ છે અને તેમણે અત્યંત કરકસર પણ જોઈ છે. તેમની પત્નીઓએ બે સદીએ વર્ષો કાઢ્યા છે અને હવે કબાટો ભરાય તેટલું ભેગું કરીને પણ બેઠી છે. તેમણે આઝાદી પછી પહેલી વખત વીજળી આવી તેનો અનુભવ કર્યો છે અને આજે સમગ્ર ઘરમાં સીલિંગ પર મોંઘાભાવના ઝીણાંઝીણાં અનેક ટમટમિયાં મૂક્યા છે. આ પેઢી શહેર અને ગામ સાથે સમાનપણે સંકળાયેલી રહી. તેઓ, તેમના બાળકો સામે પોતાનું શક્તિ પ્રદર્શન કરે.
“તારો બાપો નાનો હતો તઈં આ લાકડાનો ભારો, પેલું પોટલું, ઓલો પેટડો…આ બધું એક ઝાટકે ખેંચી લેતો.”
“એક દિ તો…” અને આપણા બાપાના પરાક્રમો આપણે સાંભળવાના. અને છેલ્લે, “તમે તો આમાંનું કાંઇ કરતાં કાંઇ કર્યું ખરું? બાવડામાં બળ જ નથી રહ્યું.” અને, આ બધી ફાંકા-ફોજદારીઓ છોકરાઓ સામે કરવાની એમને મજા આવે અને આપણને આપણા બાપ-દાદાઓની ધીંગાણું-કથા સાંભળીને પેઢી પર ગૌરવ પ્રાપ્ત કરવાનું.
અંતે, સોડ તાણીને દાદા ઘેરી નીંદરમાં સૂઈ જાય ત્યારે એના છોકરાઓ ઓટલે બેઠાં-બેઠાં વાતો કરે.
“બાપા ને બા, છે ત્યાં લગણ આંય વાડીયુંની ઉપાધિ નથી. પણ હવે એમનેય ભેળાં લઇ લેવા છે. વારે ઘડીએ માંદા પડે ’ને ગામ આખુંયે વાત્યું કરે.”
“આપણે બધુંય હમજઈ ભાઈ, પણ આંખ્યું જીવન આંય કાઢ્યું હોય એને ન્યા કોટડીમાં મૂંઝારો થઇ જાય.”
“પણ બીજું કરવું શું? એ આંય કોઈ ડૉક્ટર ભણી જાય નઈં ને આપણને કાંઇ કે’ય તો ખબર પડે. આ તો ગામ પાહેથી વાત્યું મળે કે તમારા બાપા કે બા હમણાં બીમાર પડ્યા હતા.”
“ન્યા ફાવશે એમને? કંટાળી જશે.”
“પણ બીજો કોઈ ઉપાય નથી.”
છેવટે, કોઈ નિર્ણય લીધા વિના બાજી બંધ થાય.