દિલવાલી દિવાળી (1/5)

IMG_2825IMG_2840IMG_2847IMG_3753IMG_3767

છમાસિક પરીક્ષા પતે એટલે સૌરાષ્ટ્રની ટિકિટ લેવાઈ ચૂકી હોય. જેમણે નવી-નવી કાર લીધી હોય તેઓ પણ પોતાની પ્રગતિ વિષે ગામના મંદિરના માતાજીને જણાવવા સહકુટુંબ કારમાં નીકળવાના હોય. મોટી ગાડીઓ ’ને એની ડિકીઓમાં કાચી-પાકી ફાંકી પાંત્રીના માવા. ઘરે થેલા પેક થવા માંડ્યા હોય. સૌરાષ્ટ્ર સિવાયના પડોશીઓ સામે ચાલીને કહેવા આવે કે, ‘તમને દિવાળીમાં અમારી ભેગું નથી ગમતું લાગતું. દર વર્ષે ગામડે ભાગી જાઓ છો.’ વતનમાં જઈને બા-દાદાને મળવાના હરખમાં દિવાળીની છમાસિક પરીક્ષા પણ ફટાફટ દેવાઈ જાય.

…. અને, દિવાળી ટાણે શે’રમાંથી સૌ રજાયુંમાં વતન ભણી નીકળી પડે. એ વખતે શે’ર સૂના ભેંકાર ભાસે.

આ સમય એવો હતો જ્યારે,

હજુ ત્યારે લોકો વર્ષોની મહેનતે શે’રમાં ગોઠવાયા હતા. દર વર્ષે છોકરાઓ વેકેશનમાં ગામડે આવતા. ત્રણેય પેઢી એકબીજા સાથે જોડાયેલી રહેતી હતી. હજુ ટપાલીનું અસ્તિત્વ હતું અને રોજ એને જોઇને ગઢું માવતર કોઈ આશા માંડીને ખડકીમાં બેસી રહેતું. ગામના પાદરે આવતી ટ્રાવેલ્સમાં મુસાફરો કરતાં ચોખ્ખાં ઘી-છાસની બરણીઓ વધુ ભરાતી. કાપડાની થેલીને સીવીને તેમાં કણીદાર પેંડા ’ને ઘીથી લથબથ સુખડીઓના ‘એલમુનિયમ’ના ડબ્બા ભરેલા રહેતાં. બે-ત્રણ ઘર મૂકીને એકાદ ફોનનું ડબલું હોય ત્યાં ફોન આવતો અને બહુ હરખથી વાતો થતી. લોકમાં ‘વિશ્વાહ’ હતો, કોઈ હાથચાલાકી કરતાં  નહોતા શીખ્યા અને ગામની ‘હાલાકી’માં ઓટલે આવીને બેસતાં. થોડી મૂડી ’ને ઝાઝો બધો પ્રેમ.

એવે ટાણે દિવાળીમાં શે’રમાંથી ફટાકડાંઓના બોક્સ લઈને બસો-જીપડા અને ટેમ્પુડાઓમાં સૌ લોક વતન ભણી જાય. માવતર હરખમાં હોય. આખાયે ગામમાં ખબર વહેતી કરી મૂકી હોય કે, એની વહુ, છોકરાં ને એનાયે છોકરાઓ આ ફેરી દિવાળીમાં ગામડે આવવાના છે. અઠવાડિયાથી થોડું-થોડું દૂધ બચાવીને આગલે દિવસે પેંડા બનાવીને રાખ્યા હોય. પેટડાઓમાંથી વારસાઈ ગોદડાં અને ઓશિકાં કાઢીને ખૂણામાં ઢગલો કર્યો હોય. ઢળી ગયેલા પગે અને વાંકી વળેલી કમર હોવા છતાં, હરખના તેડામાં કોઈ ઓટ ન હોય. લાકડીને ટેકે દાદા બજારમાં નીકળે અને ઘરમાં જરૂરી ચીજવસ્તુઓ લાવી રાખે, સમારકામ કરાવી નાખે અને ઘરના દરવાજા ખુલ્લા કરે. રૂમમાં પડેલા કપાસનો વહીવટ પતાવે અને થોડીક રોકડી કરી લે, જેથી છોકર્યો પાસે આઠાનોયે માંગવો પડે નહીં.

related posts

દાદાનો દોસ્ત : પૌત્રનો મિત્ર : ‘યાર’ની યારી

દાદાનો દોસ્ત : પૌત્રનો મિત્ર : ‘યાર’ની યારી

અનામત : પાટીદાર – ‘કાટી’ ધાર

અનામત : પાટીદાર – ‘કાટી’ ધાર