દાદાને ટપાલ : कुछ बिखरे पन्ने, कुछ पुरानी यादें |

એક દિવસ ટાઈમપાસ કરવા માટે જૂની યાદોનો પિટારો ખોલીને બેઠો. લોખંડના કબાટનું સિક્રેટ ખાનું ખોલ્યું. થોડું કાટ ખાઈ ગયેલું હોવાથી વધુ મહેનત કરાવી. મમ્મીની મનાઈ હોવા છતાં રૂમનું બારણું બંધ કરીને ખાંખા-ખોળા કરવાનું શરુ કર્યું. ખૂણામાં પડેલી એક ફાટી ગયેલી પોટલીની બહાર અમુક સિક્કાઓ પડેલા હતા. એ સિક્કાઓ જોઇને પોટલી ખોલવાનું મન થયું. એ રેશમી પોટલીની આજુબાજુ ત્રણ-ચાર કપૂરની ગોળીઓ મૂકેલી હતી, જેથી જીવજંતુઓ દૂર રહે. એ થેલીમાંથી લગભગ ૧૫-૨૦ સિક્કાઓ નીકળ્યા. અમુક રીંગ આકારના હતા. અમુક ષટ્કોણ, કોઈક ચોરસ તો કેટલાંક ગોળ. તે શું છે એ નહોતું સમજાઈ રહ્યું. તેના પર રાજા કે રાણીઓની મુખાકૃતિ હતી. હું ફટાફટ એ મમ્મી પાસે લઈને ગયો અને તેને આ સિક્કાઓના ઈતિહાસ વિષે પૂછ્યું.

“મમ્મી, આ શું છે ?”

“આ ક્યાંથી કાઢ્યા ?” દુનિયાની દરેક મમ્મીઓનો પહેલો પ્રશ્ન આવો જ હોય, જયારે તેમણે સાચવીને રાખેલી વસ્તુ કોઈક લઇ આવે. તકલીફ તેમને, ‘આ શા માટે કાઢ્યું ?’ તેની નથી હોતી. તકલીફ તેમને એ હોય છે કે, તેનો હજુ કાલે જ સમારેલો કબાટ ફેંદી માર્યો હશે અને તે ફરીથી સરખો પડશે.

“બહુ ડાહ્યો પણ ! મારા કબાટની કેવી દશા કરી હશે આ છોકરાએ ? તમને એક જગ્યાએ શાંતિથી બેસતા ન આવડે કાં ? બળ પડે છે પલાંઠી વાળીને શેટી પર બેસતા ?”

“બહુ નથી બગડ્યો ! કબાટ બહુ શાંતિથી ખોલ્યો હતો, મમ્મી ! તું આ કે ને ! આ સિક્કા છે કે બીજું કઈ ?”

“એ રાણીસિક્કા છે. રામ બા એ મને આપ્યા હતા. એ સમયે જેનું શાસન હોય તે રાજા પોતાની કીર્તિ ફેલાય તે માટે આવું ગતકડું કરતા. એ સમયે પૈસાનું ચલણ હતું જ નહિ કે નહીવત્ હતું એમ કહીએ તો ચાલે. લોકો એકબીજાને વસ્તુઓની લેવડ-દેવડ કરીને જ ઘર ચલાવતા. વળી, અનાજ તો બધાની વાડીએ થતું જ હોય. સાથે-સાથે શાકભાજી ફળિયામાં ઉગાડતા. ફળફળાદિ ખાવાનો કોન્સેપ્ટ જ હતો નહિ. સવાર-સાંજ શાક-રોટલા જ હોય. તમારી જેમ સવાર-સાંજ જીભને ચટાકા ન્હોતા ઉપડતા. તમારે તો રોજ નવું-નવું ખાવા જોઈએ.” રામ બા મારા નાની હતા, જેમણે મમ્મીને સિક્કા આપ્યાં હતા.

અંતે, વાત હંમેશા ત્યાં આવીને જ ઉભી રહે. મમ્મી જે-તે સમયે જે કાર્ય કરતી હોય તેની સાથે ઓટોમેટિક લિંક-અપ થઇ જ જાય. હું પાછો ગયો. બધા જ સિક્કાઓને નિરાંતે જોયા. એ પોટલી પાછી રાખી. તેની બાજુમાં એક નાની ડાયરી પડી હતી. પાના વળી ગયા હતા. જો તેને સરખા કરવા જઈએ તો તરત જ ફાટી જાય તેટલી જૂની ડાયરી હતી. એકદમ જર્જરિત અવસ્થામાં એ ડાયરી પડેલી હતી. તેના પર કંકુ-ચોખાથી કરેલો સાથિયો હતો. હજુ અમુક ચોખાના અંશો ડાયરીના પન્નાઓની વચ્ચે ચોંટીને પડ્યા હતા. એ ડાયરી ધીરેથી બહાર કાઢી. ડાયરીના પ્રથમ પેજ પર જમણી બાજુ ‘શ્રી ખોડિયાર માતા |’ અને ડાબા ખૂણે ‘શ્રી ગણેશાય નમ :’ લખ્યું હતું. કુળદેવી માતાનું નામ સૌથી પહેલા લખવું જોઈએ એ મમ્મીએ શીખવું હતું. હું સ્કૂલની નોટબુકમાં પણ આવું લખતો. અંદરના પાને લાલ રંગની પેનથી કંઇક લખ્યું હતું.

“ભાદરવા અધિક માસ દશમને શનિવારે બાબાનો જન્મ છે. ક, છ, ઘ – મિથુન રાશિ પરથી નામ આવેલ છે.”

કુંડળીના ગ્રહો અને તેમની દશા લખી હતી.

એ કાગળને વાળીને તેના પર અગરબત્તીથી કાણા પાડેલા હતા. કદાચ, આટલા વર્ષોથી આ ડાયરીએ બહાર શ્વાસ નહિ લીધો હોય તેવું લાગ્યું. તે ડાયરીનું એ પેજ ફાડીને તેની લેમિનેશન કરવાનું વિચાર્યું. તે ડાયરી ફરી તે જ જગ્યાએ સાચવીને ગોઠવી. કબાટના બીજા ખૂણે અમુક કવર્સ હતા. જેના પર ‘તુલસી અને ગીતા’ લખેલું હતું. તેમના લગ્નમાં મળે કવરને હજુ સાચવીને મમ્મીએ રાખ્યા હતા. ઘણી બધી પાંચ રૂપિયાની કડકડતી નોટ મળી.તેના વિષે મમ્મીને પૂછતાં જણાવ્યું કે, “દર નવા વર્ષે દાદા દ્વારા દરેક વહુને પાંચ રૂપિયાની અગિયાર કડકડતી નોટ મળતી.”

આ મેં જોયું હતું. દાદા દર નવા વર્ષના દિવસે હિંડોળે બેસતા. તેમના મિત્રો વહેલી સવારે આવે અને લગભગ આઠેક વાગ્યે તો આખું ગામ એકબીજાને મળી લે. એ દરેક પાંચ રૂપિયાની નોટ્સ મમ્મી સાચવતી. આ પિટારામાં ઘણુબધું અચરજ પમાડે તેવું હતું. ‘અલિફલૈલા’ અને ‘અલીબાબા ઔર ચાલીસ ચોર’ના ખજાના જેવો ખજાનો હતો. દાદાને યાદ કર્યા અને તરત જ સ્વર્ગેથી હાજર થયા.

ફરીથી બધું યાદ આવવા લાગ્યું. દાદા હજુ સાથે જ છે, તેવું લાગતું હતું. તેઓ કશે નથી ગયા. નારગોલ, ખુચામણી અને મોંય-દાંડિયો યાદ આવ્યો. ઘરની બહાર એક સ્ટ્રીટ લાઈટ કૉલમ હતો. તે કોન્ક્રીટના થાંભલાની ઉપર ચડીને વચ્ચેની જગ્યામાં બેસતો. દાદા ઘરની બહાર નીકળે એટલે તેને ઉપરથી ડરાવતો. દાદા મારવા માટે લાકડી ઉગામે, હું ઉપરથી ઠેકડો લગાવીને ફરી દોડું – આ ચાલ્યા કરતું. સવારે ખડકીમાં શાકવાળા દરબાર બાજુના ગામમાંથી ટેમ્પો લઈને આવે. ગામડાની નાની અને ખાટી કેરીઓ દાદા ખરીદી આપે. એક વખત પગમાં ખીલી વાગી ગઈ અને દાદાને ખબર પડી. ત્યારે તેઓએ એવું કહેલું કે, “ધનુરના ઇન્જેક્શન ન લેવાના હોય, ગામડે કાંઈ નો થાય. મોજ કરો તમતમારે !” દાદાને ચોપડીઓ વાંચવી બહુ ગમતી. રોજ પાદરે છાપું વાંચવા જાય ત્યારે મને સાથે લેતા જતા. એક મીઠો માવો લઈ આપે. ટ્રુટી-ફૂટી દૂર રાખીને બાકીનું બધું પહેલા ખાઈ જવાનું અને ટ્રુટી-ફૂટી છેલ્લે નિરાંતે ખાવાની. દાદા પેપર વાંચી લે, જો તેમને કોઈક વાંચન ગમી જાય તો તેઓ ખરીદીને ઘરે લઇ આવતા. પપ્પાની આયુર્વેદની પુસ્તકો પણ દાદા વાંચતા. ઘસાઈ ગયેલી કિનારીઓના પૂંઠા અને પીળા પડી ગયેલ વાડીના વહીવટની ખાતાવહીઓ હજુયે એક લાલ પૂંઠા વચ્ચે સાચવીને તેમના ખાનામાં રાખેલી પડી હોય. ઘરે કોઈ સાધુ કે મંદિરના સેવક લોટ માંગવા આવે તો તેમને ઘરે નિરાંતે જમાડતા અને પછી તેમણે જે જોઈએ તે આપતા. શિયાળામાં પેટડાંમાં પડેલા જાડા ગોદડાં પણ આપતા. દરેક વસ્તુ પર ‘દે.જ.મો.’ લખ્યું હોય. એટલે કે, દેવરાજ જસમત મોરડિયા. લોટના ડબ્બા પર પણ એ જ જોવા મળે અને દાઢી કરવાના અસ્તરાં પર પણ એ જોવા મળે. જ્યાં ખેતીવાડીની વસ્તુઓ પડી રહે તેને ‘ભંડકિયું’ કહેવાતું. તેમાં એક ‘હિરો’ કંપનીની સાઈકલ પડી રહેતી. તેમાં આડો પગ નાખીને ત્રાંસી સાઈકલ ચલાવવાની મજા જ અલગ આવતી. સફેદ રૂમાલમાં સાકરિયા વીંટાળેલ હોય. સવારે પૂજા કરીને તે દરેકને આપવામાં આવતા.

આ બધું હું જોઈ રહ્યો હતો અને યાદ કરી રહ્યો હતો ત્યાં જ મમ્મી જમવાનું બનાવવાનું કામ પરવારીને રૂમમાં આવી. તેટલી વારમાં જ પપ્પા પણ આવી ગયા. અમે ત્રણેય રૂમમાં બેસીને વાતો કરી રહ્યા હતા. ત્યાં જ પપ્પાની નજર મારા હાથમાં રહેલા પત્રો પર પડી. દાદા રેગ્યુલર ટપાલો લખતા. લગભગ દર મહિને એક ટપાલ આવે જ. જૂની ટપાલો સાચવીને રાખવાની કિંમત જે-તે વ્યક્તિ દુનિયામાં આભાસી બનીને કલ્પનામાત્ર બનીને રહી જાય ત્યારે સમજાતી હોય છે. પપ્પાએ કહ્યું, “જો તો, આ કેટલી જૂની ટપાલ છે.”

“આ ટપાલ આવી ત્યારે તેનો જવાબ તે જ આપ્યો હતો. તને યાદ છે ?” મમ્મી એ પૂછ્યું.

“હા. મને યાદ છે. મેં જ જીદ કરી હતી, જવાબ લખવા માટે ! તમે બોલતા ગયા અને મેં જવાબ લખ્યો હતો.” હું બોલ્યો.

બહુ દિવસ થઇ ગયા. એકાદ ટપાલ વાંચ.

મેં ટપાલ વાંચવાનું શરુ કર્યું.

“પ્રિય તુલસી,

ગીતા તેમજ છોકરાઓ કુશળ હશો. અમે પણ અહી એકદમ હેમખેમ છીએ. ગઈ કાલે જ તમારી ટપાલ મળી. વાંચીને આનંદ થયો. તારા બા એ છોકરાઓ માટે મોહનથાળ બનાવ્યો છે. કાંતિલાલનો અશોક સુરત આવવાનો છે થોડાક દિવસોમાં, તેની જોડે હું મોકલાવીશ. સરનામું આપ્યું છે, ઘરે આવીને દઈ જશે.

ગત ટપાલમાં જણાવ્યા મુજબ, કંદર્પનો ફરી ક્લાસમાં પહેલો નંબર આવ્યો છે તેવું જાણવા મળ્યું. બહુ ખુશી થઇ. એ બહુ હોશિયાર છે. તેને બરાબર ભણાવજે. નાનકો જૈમિન પણ બહુ યાદ આવે છે. થોડાંક સમય પહેલા માંદો પડ્યો હતો, હવે તેને સારું છે ને ? જેમ બને તેમ જલ્દી વેકેશનમાં આવજો. મારી દવાઓ આવતા મહિને પહેલે અઠવાડિયે ખૂટી જશે. વાડીએ હમણાં સારો ફાલ થયો છે. દવાખાનું સારું ચાલતું હશે. અમારી ચિંતા કરશો નહિ. સાચવીને રહેજો.

ટપાલ મળ્યે લખજો.

લિ. દેવરાજ જસમત મોરડિયા”

ટપાલની પાછળની બાજુએ જમણી તરફના વિભાગમાં અમુક ખાના આપ્યા હોય. ઉપર જગ્યા આપી હોય. તેમાં ટપાલ ક્યાં સ્થળેથી ક્યાં મોકલવાની છે, તે વિગત લખવાની હોય. આઠ આનાની કે રૂપિયાની ટિકિટ લગાવવાની હોય. એક જ ટપાલમાં ઘણા બધા પ્રશ્નો પૂછીને દાદા ખબર-અંતર પૂછી લેતા.

To સુરત From બજુડ.

એડ્રેસ : ૩૬૬, વર્ષા સોસાયટી, વિ-૧,

માતાવાડી, વરાછા, સુરત.

પિન કૉડ : ૩૯૫૦૦૬.

ટપાલ વાંચીને યાદો તાજી થઇ ગઈ.

પછી મેં એ ટપાલના જવાબ સ્વરૂપે લખેલી ટપાલ વિષે યાદગીરી તાજી કરી.

મમ્મી અને પપ્પા જેમ બોલતા ગયા તેમ-તેમ હું લખતો ગયો. સૌ પ્રથમ ‘માનવાચક વિશેષણ કયું પ્રયોજાય ?’ તે જ શીખવ્યું. એ સમયે હું પેન્સિલથી લખતો. મારા અને પપ્પાની લિખાવટ લગભગ સરખી હતી. પેન્સિલથી લખું એટલે છેકવું હોય તો ટપાલ બગડે નહિ. સૌથી પહેલા મેં પણ ‘પ્રિય દાદા’ શબ્દ વાપર્યો. મમ્મીએ કહ્યું કે, હંમેશા વડીલને ‘પ્રણામ’ કે ‘નમસ્કાર’ વધુ સારું લાગે. તેથી મેં તે દિવસથી ટપાલ લખવાનું શરુ કર્યું.

“પ્રણામ દાદા અને બા,

અમે અહી બહુ કુશળ છીએ. આશા છે કે, તમે પણ ક્ષેમકુશળ હશે. દાદા તમે મોકલાવેલ મોહનથાળ મળી ગયો છે. અમે ખાધો, બહુ સરસ બનાવ્યો છે. અમે વેકેશન પડે એટલે તરત જ ત્યાં આવીશું.

તમારી દવા મોકલાવી દીધી છે. આવતા અઠવાડિયે તમને મળી જશે. સમયસર દવા લેજો તેવું મમ્મીએ કહેવડાવ્યું છે. મારો છ-માસિક પરીક્ષામાં વર્ગમાં પહેલો નંબર આવ્યો. જૈમિનને પણ હવે એકદમ વ્યવસ્થિત વાંચતા-લખતા આવડી ગયું છે. તબિયત સાચવજો. બહુ વાડીએ ન જતા અને શરીરનું ધ્યાન રાખજો તેવું પપ્પાએ કહ્યું છે. દાદા, થોડા દિવસ પહેલા ઘરે નવું TV વસાવ્યું છે. તમને બહુ યાદ કરીએ છીએ.

જત જણાવવાનું કે, આપણે ઉપર નવા ઘરનું કામ ચાલી રહ્યું છે. ગયા અઠવાડિયે જ શ્રીફળ મુકાયું. તમે દિવાળી પછી આવશે ત્યારે આપણે ઉપરના માળે રહેવા જઈશું. બા ને કહેજો કે, લીમડાની અંતરછાલ મોકલાવે. ચૈત્ર મહિને બધાને લીમડાની છાલનું પાણી પીવાનું છે, તેવું મમ્મીએ કહ્યું છે.

ટપાલ મળ્યે લખજો.

લિ. કંદર્પ”

To બજુડ From સુરત.

મુ.પો. બજુડ,

વાયા અમરગઢ (જીથરી),

તા. ઉમરાળા,

જી. ભાવનગર.

 

“દાદાની ટપાલ વાંચીએ છતાં એવું જ લાગે કે જાણે તેઓ આપણી બાજુમાં જ હોય.” હું બોલ્યો.

પપ્પા એ કહ્યું, “હા. દાદાનો સ્વભાવ લાગણીશીલ હતો. તેનો એક બહુ સરસ પ્રસંગ કહું, સાંભળ.”

“હું જયારે ડૉકટર બન્યો તે પહેલા આપની પાસે બે બળદ હતા. એક ભેંસ અને એક વાછરડી હતી. દાદા બંને બળદોનું બહુ ધ્યાન રાખતાં. જો તેમને કંઇક થાય તો દાદા આખો દિવસ બહુ ચિંતિત રહેતા. તેમની પૂરેપૂરી કાળજી રાખતાં. હંમેશા વાછરડાં માટે દૂધ બચે તે રીતે જ દૂધ દોહતાં. તેઓ તેવું કહેતા કે, આ દૂધ માત્ર આપણે પીવા અને કમાવા માટે નથી. ગાય-ભેંસના દૂધ પર સૌથી પહેલો હક તેમના વાછરડાંનો હોય છે. એ પછી જો બચે તો જ દૂધ દોહવાનું હોય. મીઠાઈ બનાવવા માટે ગાય-ભેંસના આંચળ ખાલી કરીને આપણે મોઢું ગળ્યું કરીએ એ પાપ છે.”

“એક દિવસ એવું બન્યું કે, વાડીએ બળદ ફસડાઈ પડ્યા. બંને બળદનો જીવ દાદા સાથે એટલો મળી ગયો હતો કે બંનેને એકબીજા દુઃખમાં હોય તો સહન ન થાય. બળદને આવી હાલતમાં જોઇને તેઓ તેમને ફટાફટ ઘરે લઇ આવ્યા. બંને બળદની ઉંમર થઇ ગઈ હતી. બીજું એ હતું કે, બળદની જોડી હોય તો જ એ કામની ! બંને બળદ તેની યુવાન વયથી સાથે ને સાથે જ હોય તો તેમને એકબીજા વગર ન ચાલે. તેથી એક બળદને રોગ લાગુ પડ્યો હતો. તેની ઉંમર થઇ હતી. પશુ-ચિકિત્સક પણ ના કહી ચુક્યા. અંતે, એ બળદનું નિધન થયું. તે સમયે બીજા બળદની આંખમાં પણ આંસુ હતા. ઉપરાંત, એ અન્ય બળદ પાસે સતત બે દિવસ બેસીને દાદા રડ્યા હતા. બે દિવસ જમ્યા નહોતા. અંતે, બીજા બળદને પણ છોડી દેતા જીવ નહોતો ચાલી રહ્યો. બળદ અને દાદા બંનેએ સાથે ખાધું. બળદ અન્ય પાલકને આપવામાં આવ્યો. હું ડોકટર બન્યો અને તરત જ દાદાનું મુંબઈમાં બાયપાસ ઓપરેશન કરાવ્યું. તે પછી ઘરે રહેલા પાલતુ પશુઓની વિદાય કરવામાં આવી હતી.”

હું અને મમ્મી આ વાત બહુ શાંતિથી સાંભળી રહ્યા હતા. પરંતુ, એ પિટારો તે દિવસે ઘણું શીખવી ગયો હતો. વીસમી સદીની આઝાદી પછીના વર્ષોની દુનિયા માત્ર કલ્પનાના કાલખંડો પૂરતી જ રહી ગઈ હોય છે. તેને જીવન કરવા માટે આવી જ વાતો જરૂરી છે. માત્ર સ્મરણચિત્રો અને મન:ચિત્રોમાં ઝબકી જાય છે.

પિત્તળના વાસણોને કલાઈ કરવાવાળો, જરાક કલાઈ લગાવીને વાસનાઓ ચકાચક સાફ કરી આપતો. રોટલાના તાવડામાંથી છમ કરતી બુઝાતી ગરમીનો ગરમ અવાજ અલગ જ હતો. પેટમાં દુખે કે ચક્કર આવે એટલે જુલાબ માટે એરંડિયું કે તાવ આવે ત્યારે કડું-કરિયાતું પીવડાવવામાં આવતું. રોજ સાંજે કડવી ફાકી દાદા આપે. પ્લાસ્ટિકની ડોલને સાંધવાવાળો આવે ત્યારે તેની સામે ઢગલો થઇ જતો. એ સાંધેલી ડોલ પણ એ પછી છએક મહિના ચાલે. ચાકુની ધાર કાઢનાર ભાઈ સાઈકલ લઈને આવે, ઘરની બહાર ઉભો રહે અને તેની સામે સમગ્ર ઘરના દરેક ચાકુ ધરી દેવાતાં. હાથમાં અનેક કાગળિયાંઓ લઈને આવતો ટપાલી સામાન્ય વ્યક્તિ માટે મોંઘેરો મહેમાન જેવો બની રહેતો.

મહાનગરોમાં રહેતા પૈસાદારોનાં આઠમે માળે જીવતા બાળકોનું બાળપણ ગરીબ હોય છે. એ જમાનામાં કદાચ ‘સાયકોલોજી’ જેવો શબ્દ વપરાતો નહિ હોય. લોકો હસતા, રડતા, માર ખાતા, મારતા અને બીજી જ સવારે બધું ભૂલી શકતા હતા. દુઃખ સહન કરવાની એક પ્રચંડ શક્તિ જો બાળપણ આવું વીત્યું હોય તો જ ઉભી થાય. અસંતોષ વસ્તુનો હોય તે ચાલે, જીવતર આખામાં અસંતોષ અને પીડા જ હોય તો તેનો કોઈ ઉપાય ન હોય. એક નાનું પક્ષી નાનો માળો બનાવવા માટે જેમ દરેક જગ્યાએથી તણખલાં ભેગા કરે તેમ જ જીવતરનું ખોળિયું આકાર લેતું હોય છે ને !

 

 

related posts

પ્રેમનો અર્થ….!

પ્રેમનો અર્થ….!

‘પ્રેમિત્રતા’

‘પ્રેમિત્રતા’