ડબલ ઢોલકી : અંદર સે કુછ ઔર, બાહર સે કુછ ઔર !

ફેસબુક, વોટ્સએપ પર હ્યુમરને લગતું ‘ફોર-વર્ડ’ ટાઈપનું લખાણ વધતું જાય છે. અંદરથી કેટલાયે પ્રશ્નો સાથે સળગતો અને બુઝતો વ્યક્તિ સોશિયલ મીડિયા પર દેખાડો કરતો થયો છે. કોઈકની વાહ-વાહી પોતાના જીવનનું સોલ્યુશન બનવાને બદલે ઇલ્યુઝન બનીને બેસે છે. એક સ્ટેપ આગળના વ્યક્તિઓ હવે સેલ્ફ-મોટીવેશનની વાતો કરતા થયા છે. ‘ટેલીવિઝન જોવાનું બંધ કર્યું છે’ અને ‘ન્યૂઝ-પેપર હું વાંચતો નથી’ આવું કહેવામાં હવે આનંદ આવે છે. અમુક-તમુક કહેવાતી મોટી હસ્તીઓ પોતાના વર્ચ્યુઅલ ‘ફ્રેન્ડ લિસ્ટ’માં જોઇને મનોમન ખુશ થયા કરવું એ તો માનસિક બીમારી જ ! પેશન્સ લેવલ જે હતું તે કદાચ ક્યાં ખોવાઈ ગયું તેનો અંદાજ નથી. રિ-વ્યૂ, રિ-એસેસમેન્ટ, રિ-પ્લે, રિ-વર્સ ની અપેક્ષાઓ વધી ગઈ. મ્યૂઝિક આજે લગભગ એન્જોય કરાવવાને બદલે શાંતિ આપતું થયું. દિવસમાં અનેક પ્રશ્નો સાથે અથડાયા બાદ સૂતી વખતે મેઈલ/મેસેજ/મીડિયા ચેક કરવી જરૂરી બની ગઈ છે. ગેલેરીમાં આવેલ/માંગેલ સેક્સ્યુઅલી અબ્યુઝિવ ફોટોઝ યાદ રાખીને ડિલીટ કરાવવા જરૂરત બની કે બનાવી.

મોટિવેશનના નામ પર ફિલસુફીના સવારમાં આવતા મેસેજોથી દિવસ બનવાને બદલે એટલો સમય બગડે તો છે જ ! અમુક રસ લીધા પછી આ દરેક સોશિયલ મીડિયાથી દૂર જવાની અંદરથી ઈચ્છા થાય છે. પ્રાઈવેટ ઓફિસોમાં એમ્પ્લોયીને નીચોવ્યા પછી જ ઘરે મોકલવાની પ્રથા શરુ થઇ ચૂકી છે. જે વ્યક્તિ ઘરનું ઘર ના લઇ શકે તેને ભાડે રહેવું પડે તેમ મકાનમાલિક ડિગ્રીધારી જુવાનિયાઓને કોન્ટ્રાકટ સાઈન કરાવતા થયા છે. સવારે ઉઠીને સમયની સાથે ચાલતો વ્યક્તિ ૯-૧૦ કલાકની મજૂરી પછી પોતાને મળતા એલ.પી.એ થી અતૃપ્ત જ રહે છે. લાયેબિલીટિઝની પાછળ ભાગવાનું મન કર્યા કરે છે. સંપૂર્ણ પરિવાર આ પ્રકારની અશાંતિ-અતૃપ્તિ-અસંતોષ અને અવિશ્વાસથી પીડાતું દેખાય છે. કોઈના પણ ઇન્ફ્લુએન્સમાં જલ્દીથી આવી જવાય છે. ન્યૂટ્રલ થવાની લ્હાયમાં ઘણી એવી પ્રવૃત્તિઓ દ્વારા વધુ ઈમ્બેલેન્સ ક્રિએટ કરીએ છીએ. ‘જેટલું છે એટલામાં સંતોષ’ વાળી વાત માત્ર કહેવા પૂરતી જ સારી લાગે. જીભના ટેરવે સારી લાગતી વસ્તુ અંદરથી પચાવવી એટલી જ અઘરી બને છે. યુ-ટ્યુબ પર કે મોબાઈલના ફોલ્ડર્સમાં પીસફુલ સોંગ્સ કે કોઈ વ્યક્તિથી પ્રભાવિત થઈને તેના મોટીવેશનલ ઓડિયો ફોનમાં રાખવાની શું જરૂર છે? પાર્ટી એન્થેમ્સ માત્ર હુક્કાબાર કે આપણા કહેવાતા ‘પ્રોગ્રામ’માં જ કેમ?

મેરેજ થયા પહેલા ફોનમાં રોજ અલગ-અલગ વ્યક્તિઓ સાથે થતા ‘સેક્સટિંગ’ને લીધે એ તૃપ્તતાનો ચાર્મ ખોવાઈ રહ્યો છે. આંતરિક એષણાઓને સંતૃપ્ત કરવા માટે આ વર્ચ્યુઅલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે. સમય ઝડપી બન્યો કે કામ વધુ કરવા લાગ્યા? ત્રીસ કલાકનું કામ પંદર કલાકમાં કરીને વ્યક્તિને થાકવું છે અને વધુ પૈસા કમાવાનો આનંદ લેવો છે. કોઈ પણ વાતને ઇકોનોમિક બાબત કે જાતીય રીતે જોડતા જરાયે વાર નથી લાગતું. બીજાની સાથે સરખામણીમાં પોતે ‘બળતરિયો’ વધુ બનાતું જાય છે. ‘પૈસા પૈસા’ જ બધું લાગે છે.

ફ્રસ્ટ્રેશન લેવલ અમુક હદ કરતા વધુ આગળ વધતું જાય છે. જલ્દીથી ઈમોશનલ બની જવાય છે. બીજાને સહી શકાતું નથી અને એકલું રહેવાતું નથી. દ્વિધા અનંત છે. પ્રોબ્લેમ્સ છે. આનંદ અને શાંતિની વાતો સાંભળવા માટે વિક-એન્ડ પર સ્પેશિયલ ઓડીટોરીયમની ટિકીટો વધુ મળતી થઇ છે. વેલ-સ્ટ્રકચર્ડ બિલ્ડિંગોમાં અપડેટ થતી રહેલ નવી બ્રાન્ડેડ આઈટેમ્સનું એનાલિસીસ કરવામાં ‘સન-ડે’ એ ‘ફન-ડે’ ને બદલે આવી બ્રાન્ડેડ વસ્તુઓ ન લઇ શકવાને લીધે ‘ગમ-ડે’ થઇ જાય છે એ ખ્યાલ નથી રહેતો. ‘ક્યારે લઇ શકીશું આ બધું?’ બે વર્ષ પહેલા જે મોલમાં આ પ્રશ્ન પૂછાયેલો તે જ મોલમાં આજે પણ એ જ કહેવાય છે, ‘આપણા માટે નથી.’ બહાર નીકળીને અને પ્રાઈઝ-ટેગ વાંચીને મગજનું કળતર કરતા જરાયે વાર નથી લાગતું.

મજાની વાત તો એ છે કે, આ બધા પ્રોબ્લેમ્સ લઈને વ્યક્તિ એવા જ પ્લેસ/પર્સન પાસે જાય છે તે પણ પોતે આનાથી પર નથી. પણ, ચાલી રહ્યું છે. પોતાની ભૂલોને બાજુ પર મૂકીને આપણે અન્યોની ભૂલો શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. માત્ર કહેવાય છે કે સોલ્યુશન લાવવા માટે દોડીએ છીએ જે ખરેખર પ્રશ્નો જ ક્રિએટ કરતો હોય છે. દરેક ક્ષણે એક સવાલ છે. જે સવાલ બનાવનાર વર્ગ છે, એ ટ્વિટર, ફેસબુક પર લેટેસ્ટ ટોપિક પર વિચાર્યા વિના જ હ્યુમરસ પોસ્ટ મૂકીને હર ક્ષણે એક ખબરનું ખૂન થઇ રહ્યું છે. બસ, આજે બીજાની ટ્વિટ ને રિ-ટ્વિટ કરીને જ આનંદ લેવો રહ્યો. આપણે દરેકે ક્યાંક ‘જજ’ તરીકે તો જન્મ નથી લીધો ને? વકીલાત બીજા કરે અને આપણે ચૂકાદા આપીએ.
(હું અને બાકીની આવી પ્રતિકૃતિઓ માટે)

(૧૧ એપ્રિલ, ૧૦:૩૦ અમદાવાદ.)

related posts

અપેક્ષાના સમપ્રમાણે દુઃખ !

અપેક્ષાના સમપ્રમાણે દુઃખ !

“પ્રેમ એટલે…”

“પ્રેમ એટલે…”